ઉત્સવ

વાહ રે ભગવાન અબઆર્ટિફિશિઅલ ઇન્સાન?!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
સંવેદનાનું સોફ્ટવેર નથી હોતું. (છેલવાણી)
એક ગરીબે એનાં અમીર મિત્રને ઘેર અજીબ મશીન જોયું.એમાં તમે લોટ અને પાણી નાખો કે આપોઆપ લોટ બંધાઇ જાય.
પછી નાના-નાના લુંવા બને. ત્યાર બાદ આપોઆપ રોટલી ગોળાકારમાં વણાઇ જાય. પછી ધીમે ધીમે ઉદય પામતાં સૂર્યની જેમ ફૂલ્કાંરૂપે રોટલી દડા જેવી બનવા લાગે.
કોઇ પ્રેમાળ પત્ની એના પતિને પ્રથમવાર જમાડવી હોય એવી ગર્મ-ગર્મ નર્મ-નર્મ રોટલી તૈયાર!

આવું અદ્ભુત દ્રશ્ય નીરખીને પેલા ગરીબનાં મોંમાં પાણી આવી ગયું ને એ કહે : શું વાત છે! આને કહેવાય, ધન-દોલતની સાચી સાહ્યબી!
ત્યારે અમીર મિત્રએ ભડકીને પૂછયું : શેની સાહ્યબી?

રોટલીના ટુકડા કોણ કરશે? અને ટુકડાને ચાવશે કોણ? મારો બાપ?!

જોક્સ અપાર્ટ, આજે આર્ટિફિશિયલ ઇંટેલિજંસ (અઈં) કે કૃત્રિમ બુદ્ધિના જમાનામાં રસ્તા વિનાની કાર કે આકાશ વિનાનું પ્લેન તો હવે સંભવ બનશે. પણ હવે શેક્સપિયરની સ્ટાઇલમાં
નાટક લખતા કે સલીમ-જાવેદની શૈલીમાં ઓટોમેટિકલી ફિલ્મ લખી શકતા પ્રોગામો પણ બનવા લાગ્યા છે. હવે કોઇ ગાલિબનાં ‘અંદાઝે-બયાં ’ વડે પ્રિયતમા માટે ગઝલ લખાવી શકશે કે કવિ કાલિદાસની સ્ટાઇલમાં ઓટોમેટિકલી પ્રેમપત્ર ઘસડી મારશે તો યે નવાઇ નહીં હવે જે પામવું છે, માણવું છે, જાણવું છે, એની જાનલેવા જદ્દોજેહદ નહીં રહે. હવે તો એ દિવસ-સોરી એ રાત, પણ દૂર નથી કે જેમાં બેડરૂમમાં ઓટોમેટિકલી પ્રેમ કરી આપનારાં સ્ત્રી-પુરૂષોનાં શરીરો હશે, જે બધું જ એક નોર્મલ શરીરની જેમ શૃંગારમય રીતે કરી શકશે. સ્નેહ, સંવાદ, સંગતથી માંડીને સેકસ સુધી. રોમાંસથી માંડીને રૂઠવા-રીઝવવા સુધી. પણ શું એ યંત્રવત સ્ત્રી કે પુરૂષમાં દિલ તોડવાની ટેકનિક હશે? એમાં બેદિલ બેવફાઇનું બટન હશે?

અર્ધસત્ય કે આક્રોશ જેવી ક્લાસિક ફિલ્મો કે સખારામ બાઇંડર કે ઘાસીરામ કોતવાલ જેવાં અનેક ક્રાંતિકારી નાટકોનાં મરાઠી લેખક વિજય તેંદુલકરે એકવાર લખેલું કે કોઇ વૈજ્ઞાનિકે એક ઓટોમેટિક હાથ બનાવેલો. માણસ વિનાનો જીવંત હાથ! એ હાથ, સવારે ઊઠીને ટૂથપેસ્ટની ટ્યૂબ દાબીને બ્રશ પર પેસ્ટ કાઢી શકે, વાળ ઓળી શકે, લિપસ્ટિક લગાડી શકે ને બહુ શીખવો તો એ નકલી હાથ, મહેબૂબાનાં હાથ પર મહેંદી રચી શકે!

ઇંટરવલ:
તેરા હાથ, હાથ મેં આ ગયા,
કિ ચિરાગ રાહ મેં જલ ગયે. (મજરૂહ)
પછી જ્યારે કલ્પનાઓ દોડાવી ત્યારે થયું કે ઓટોમેટિક હાથ સવાર સવારમાં દાંત ઘસતા ઘસતા ‘સાલું..આજે ય કમાવા જવું પડશે! હે ભગવાન, કેટલી કસોટી લઇશ, આ જન્મારે? ’ એવું વિચારી શકશે? ઓટોમેટિક હાથ રાજીનામાંનો લેટર ટાઇપ કરી આપશે પણ એને બોસનાં ટેબલ પર પટકીને કંપનીમાં નોકરીનાં ત્રાસ વિશેની અશ્રુભીની ફરિયાદ બયાન કરી શકશે? એ ક્રિકેટ રમતી વખતે બોલિંગ કરી શકશે, પણ છેક ૨૦ વરસ પહેલા બોલિંગ કરતાં કરતાં સ્કૂલનાં ફ્રેંડને કેવી રીતે અંચાઇથી આઉટ કરેલો? એનાં વ્યર્થ ગપ્પા તો નહીં મારી શકેને? એ હાથ, ઇલેક્શનમાં આપોઆપ વોટ આપી શકશે પણ કયા ઓછા ખરાબ નેતાને ચૂંટવો? એ વિશે વિચારી તો નહીં શકેને? એ હાથ પર વોટિંગ વખતે શાહીનું ટપકું તો લાગશે પણ શું એ લોકશાહી ટકાવી શકશે?

એ ઓટોમેટિક હાથમાં બધું જ હશે પણ એની સાથે જોડાયેલો એક વિચારતો, ધબકતો, સિસકતો, જીવતો, ઝઝૂમતો, સાડા ૩ કરોડ રુંવાડાવાળો માણસ નહીં હોય. એ હાથની હથેળીમાં પરસેવાની ખારાશ નહીં હોય, એ હાથમાં સંઘર્ષનો સ્વાદ નહીં હોય! કારણ કે એ ઓટોમેટીક હાથ સાથે મૂડી-મનમૌજી-મતવાલો માણસ જોડાયેલો નહીં હોય.

જોકે આવા કૃત્રિમ હાથ જેવાં જ અસંખ્ય લાચાર માણસો આપણાં દેશમાં, દર મહિનાની આખરી તારીખ સુધી ચૂપચાપ કામ કર્યે જ રાખે છેને? સાહેબને સલામ કરીને, પોલીસથી મોં છુપાવીને, ભગવાન સામે હાથ જોડીને, મ્યુનિસિપાલિટીમાં લાંચ આપીને, એવા અસંખ્ય કંટાળેલાં, થાકેલાં, હારેલાં, કરોડો હાથ કેટલાંય વખતથી ચાલ્યે જ રાખે છેને? પણ અફસોસ કે એ હતાશ હાથની સાથે એક દુ:ખી મન પણ જોડાયેલું હોય છે. એની સાથે વેદનાવાળું શરીર, નિરાશાવાળાં ચહેરાં છે, જેને ગમે તેટલીવાર પાણીથી ધોઇ લ્યો, ક્રીમથી ચમકાવો પણ એમાં હવે આશાઓ જન્મતી જ નથી.

સારૂં છે પેલા ઓટોમેટિક હાથને મન નથી, નહીં તો એ પણ બિચારો કેટલું પીડાતને? યાંત્રિક હાથનાં જનક વૈજ્ઞાનિકને કહેવાનું મન થાય છે કે એ કૃત્રિમ હાથમાં બધું જ છે પણ એમાં સંવેદના હશે? જ્યારે એકલું એકલું લાગે ત્યારે પીઠ પર પ્રેમથી હાથ ફેરવવાની એનામાં ભીની ભીની ભાવના હશે? વર્ષો જૂનો પ્રિયજનનો ચહેરો યાદ આવી જાય ને અચાનક આંખોમાં આંસુ છલકાય જાય તો એને લૂછવાની લાગણી હશે? અકારણ અજંપો જ નહીં હોય તો મુઠ્ઠીવાળીને હાથ પછાડવાની ઇચ્છા પણ નહીં હોયને?

જો કે કૃત્રિમ હાથના ફાયદાઓ પણ ઘણા હશે, જેમ કે- એ હાથને પેટ નહીં હોય એટલે એ આપણી જેમ પેટને લીધે લાચાર નહીં હોય. પેટ જ નહીં હોય તો એ હાથ, કોઇ શેઠ, શાહુકાર કે સત્તા સામે ડર કે લાલચથી સલામ પણ નહીં ઠોકે! પેટ વિનાનો એકલો હાથ, કેટલો સ્વમાની હશેને? વળી શરીર વિનાનાં એ હાથને મોઢું કે જીભ પણ નહીં હોય એટલે એ કોઇની ચાડી નહીં ખાય, ખોટું નહીં બોલે, બીજાની નિંદા નહીં કરે, ગાળો નહીં આપે. પોતે કરેલાં મામૂલી કામોનાં માટે પોતે જ પોતાનો ઢોલ નહીં પીટે.

આજે આવાં સ્વાભિમાની, ખામોશ, મહેનતુ અને સજ્જન હાથની સમાજને ખૂબ જરૂર છેને?

એંડ-ટાઇટલ્સ:
ઇવ: આર્ટિફિશિઅલ ઇંટેલિજંસ વિશે શું માને છે?
આદમ: તારી નેચરલ મૂર્ખતામાંથી હજી બહાર નથી આવી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button