ઉત્સવ

આજકાલ મ્યાનમાર વિશ્ર્વ આખામાં ડ્રગ સપ્લાય કરીને બદનામ થઈ રહ્યું છે !

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

આપણા દેશની પૂર્વ સરહદને અડીને આવેલા દેશ મ્યાનમાર (બર્મા)નો ગુજરાત સાથે જૂનો નાતો છે. મ્યાનમારમાં જન્મ્યા હોય અને પછી સ્થળાંતરિત થઈ ગુજરાતમાં આવી સ્થાયી થયા હોય એવા ઘણા હિન્દુ-મુસ્લિમ કુટુંબો મળી આવશે. સ્વ. અહમદ પટેલનાં પત્ની મેમુનાબહેન પણ મ્યાનમારના માંડલે શહેરમાં જન્મ્યાં હતાં. સુરતના રાંદેર વિસ્તારનાં ઘણા મુસ્લિમોનો મ્યાંનમાર સાથે સંબંધ રહ્યો છે તો કઠોરમાં પણ મ્યાંનમારથી આવીને સ્થાયી થયેલા ઘણા હિન્દુ કુટુંબો છે. આમ તો છેલ્લી કેટલીક સદીઓથી મ્યાનમાર ઘણા બધા કારણોએ બદનામ થતુ રહ્યું છે. લશ્કરી શાસન દરમિયાન મ્યાનમારમાં ઘણા અત્યાચારો થયા હતા. જુદા જુદા સ્થાનિક નિવાસીઓ વચ્ચે વર્ષો સુધી ગૃહયુધ્ધ થયા હતા. વંશીય કત્લેઆમ બાબતે પણ મ્યાનમાર બદનામ થયુ હતું. જોકે મ્યાનમાર આજકાલ જે કારણસર વિશ્ર્વ આખામાં કૂખ્યાત થઈ રહ્યું છે એ વિશે આજે વાત કરવાની છે.

મ્યાનમારની વર્તમાન બદનામીનું કારણ ‘મેથ એમ્ફેટેમાઇન’ ઊર્ફે ‘મેથ’ કે ‘યા બા’ તરીકે ઓળખાતું ખતરનાક નાર્કોટિક ડ્રગ છે. કોકેઇન નામના નાર્કોટિક ડ્રગનો ૮૦ ટકા હિસ્સો મેક્સીકો કે કોલમ્બિયા જેવા લેટિન અમેરિકાના દેશો તૈયાર કરીને વિશ્ર્વ આખામાં ઘૂસાડે છે. એજ રીતે મ્યાંનમાર મારફતે આખા વિશ્વમાં ખતરનાક ડ્રગ મેથ એમ્ફેટેમાઇન સપ્લાઇ કરવામાં આવે છે. કોકેઇનની દાણચોરી માટે લેટિન અમેરિકાના દેશો વિશે ઘણી બધી માહિતી લોકો જાણે છે, પરંતુ વિશ્ર્વ આખાના યુવાનોને ‘મેથ’ને રવાડે ચઢાવનાર મ્યાનમાર છે એની જાણ બહુ ઓછાને છે.

વિવિધ રસાયણો મારફતે લેબોરેટરીમાં બનાવવામાં આવતા મેથ એમ્ફેટેમાઇન કોકેઇન જેટલું જ ખતરનાક છે. સફેદ કલરના ક્રિસ્ટલ જેવા કેમિકલમાંથી બનતા મેથની ગુલાબી રંગની દવા જેવી ગોળીઓ બને છે. ૨૦મી સદીની શરૂઆતમાં બંધ થઈ ગયેલા નાકને ખોલવા માટે ઇનહેલર બનાવવામાં આ રસાયણોનો ઉપયોગ થતો હતો. આ ડ્રગ લેવાથી એકાએક મૂડ સારો થઈ જાય છે. ભૂખ મરી જાય છે. મગજના જ્ઞાનતંતુ વધુ પડતા સક્રિય થઈ જાય છે. ડ્રગની અસર હેઠળની વ્યક્તિ વધુ પડતુ બોલ બોલ કરવા માંડે છે. આપણા મગજમાં આવેલી સેન્ટ્રલ નરવસ સિસ્ટમ ઉપર આ ડ્રગની ખૂબ ખરાબ અસર થાય છે. અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ મેથ એમ્ફેટેમાઇનને સ્કિડ્યુલ -૨ હેઠળ મુક્યું છે જેને કારણે એ કાયદેસર રીતે વેચી શકાતું નથી. કેટલાક દેશોમાં આ ડ્રગનો ઉપયોગ ચચળતા ઓછી કરવા તેમ જ વજન ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે.

થાઇલેન્ડમાં આ ડ્રગને યા બા કહેવામાં આવે છે. યા બાનો અનુવાદ થાય ’ગાંડી દવા’. મોઢા વાટે એને બીજી દવાઓની જેમ ગળવામાં આવે છે. કેટલાક બંધાણીઓ મેથની ટેબ્લેટને એલ્યુમિનિયમ ફોઇલ પર મૂકીને નીચેથી ગરમી આપી એનો ધુમાડો શ્ર્વાસમાં લે છે. કેટલાક દવાનો ભુક્કો કરીને કોકેઇનની જેમ એને નાક વાટે શરીરમાં ખેંચે છે.

મ્યાનમારમાં આશરે એક સદી પહેલા અફીણનું ઉત્પાદન અફઘાનિસ્તાન પછી બીજા નંબરે થતું હતું. મ્યાનમારના ડ્રગ માફિયાઓ થાઇલેન્ડ અને લાઓસની બોડર મારફતે અફીણમાંથી બનતા બ્રાઉનસુગર જેવા નાર્કોટિક્સ પદાર્થો વિશ્ર્વભરના દેશોમાં મોકલતા હતા. મ્યાંનમારમાં એ વખતે લશ્કરી શાસન હતું અને ખુદ લશ્કરના અધિકારીઓ જ અફીણની દાણચોરી સાથે સંકળાયેલા હતા. લશ્કર ઉપરાંત મ્યાનમારમાં લડી રહેલા વિવિધ સ્થાનિક હથિયારધારી માફિયાઓ પણ બેફામ રીતે અફીણની દાણચોરી કરતા હતા. છેવટે અમેરિકાના ખૂબ દબાણ પછી મ્યાનમારના લશ્કરે ખુલ્લે આમ થતી નાર્કોટિક્સ ડ્રગની દાણચોરીને રોકવા માટે બ્રેક મારવી પડી હતી. સેંકડો એકરમાં આવેલા અફીણના ખેતરોનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે ત્યાર પછી થોડા સમયમાં જ મ્યાંનમારના ડ્રગ માફિયાઓએ મેથ એમ્ફેટેમાઇનનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું અને નંબર એક સપ્લાયર બની ગયું.

મ્યાનમારમાં મેથનું ઉત્પાદન અને સપ્લાયનું મોટા ભાગનું કામ ‘શામ ગોર’ નામની ગેંગ કરે છે. આ ગેંગના નેતાઓ ચીન અને કેટલાક સ્થાયી મ્યાંનમારવાસીઓ છે. આ ગેંગ દરવરસે ૮૦૦ કરોડ અમેરિકન ડોલરની કમાણી કરે છે. ચીનમાં જન્મેલો સે ચી લોક નામનો ગેંગસ્ટર આ ગ્રુપનો મુખિયો છે. આ ગેંગનું નેટવર્ક હોંગકોંગમાં પણ છે.

મેથ એમ્ફેટેમાઇનનું સૌથી વધુ ઉત્પાદન મ્યાનમારના ‘ધ ગોલ્ડન ટ્રાયેન્ગલ’ નામના ઓળખાતા વિસ્તારમાં થાય છે. થાઇલેન્ડ, લાઓસ અને મ્યાનમારને જોડતી સરહદો પાસે આવેલા વિસ્તારને ‘ધ ગોલ્ડન ટ્રાયેન્ગલ’ કહેવાય છે. આ વિસ્તાર મોટે ભાગે પર્વતો અને નદીઓથી છવાયેલો છે. થોડાં વર્ષો પહેલાં આ વિસ્તારમાં અફીણનું સૌથી વધુ ઉત્પાદન થતું હતું. હવે આ વિસ્તારમાં મેથ એમ્ફેટેમાઇન બનાવવામાં આવે છે. ઉત્તર મ્યાનમારની સરહદે આવેલા શાન નામનું રાજ્ય પણ મેથ એમ્ફેટેમાઇનનું ઉત્પાદન કરવા માટે કુખ્યાત છે. આ રાજ્ય પોતાને મ્યાનમારના શાસકોથી અલગ કરવા માગે છે એટલે એણે પોતાનું ખાનગી લશ્કર બનાવ્યું છે અને મ્યાંનમારના લશ્કર સાથે વારંવાર સંઘર્ષમાં ઉતરતું રહે છે. આ રાજ્યમાં પણ ઘણા આંતરીક જૂથો આવ્યા છે, જેઓ એકબીજા સાથે લડતા રહે છે. શાન રાજ્યમાં ચોખા અને તાજા ફળોનું પણ વિપુલ ઉત્પાદન થાય છે, પરંતુ અહીના લોકોને ખેતી કરવા કરતા મેથ એમ્ફેટેમાઇનના ઉત્પાદનમાં વધુ રસ છે. મ્યાનમારના લશ્કર સાથે લડવા માટે એમને જે હથિયારોની જરૂર પડે છે એ માટેના પૈસા તેઓ મેથ એમ્ફેટેમાઇનનું ઉત્પાદન કરીને કમાઈ
લે છે.

અમેરિકા અને યુરોપના દેશોમાં હવે કોકેઇન કરતા પણ મેથના બંધાણીઓ વધી રહ્યા છે. નાની દવાની ગોળી જેવા સ્વરૂપે હોવાથી મેથની હેરફેર કરવી પણ સરળ છે. લશ્કરના મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટ છે. ડ્રગના મામલે અમેરિકા જે સહેલાઇથી લેટિન અમેરિકાના દેશો પર દબાણ લાવી શકે છે એટલે સહેલાઇથી મ્યાનમાર પર દબાણ લાવી શકતું નથી. અહીંના દરેક રાજ્યોમાં અલગ અલગ સ્થાનિક વંશીય જૂથો વર્ચસ્વ માટે હંમેશા લડતા રહે છે. આ બધાને ચીન શસ્ત્રો પૂરા પાડે છે. ચીન નથી ઇચ્છતુ કે મ્યાંનમારમાં મેથ એમ્ફેટેમાઇનનું ઉત્પાદન બંધ થાય. ચીને પોતાના હથિયારો મ્યાંનમારમાં વેચવા છે.

ચીનના સ્વાર્થ અને વિશ્વના યુવાનોની લતને કારણે નજીકના ભવિષ્યમાં મ્યાંનમારથી મેથ એમ્ફેટેમાઇનની દાણચોરી અટકે એવું લાગતું તો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button