હવે ‘આદર્શ વહુ’ બનવાની યુનિવર્સિટી બનશે? | મુંબઈ સમાચાર
ઉત્સવ

હવે ‘આદર્શ વહુ’ બનવાની યુનિવર્સિટી બનશે?

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ‘બંધ’ ને ‘સંબંધ’ ગમે ત્યારે તૂટી શકે.

(છેલવાણી)
એકવાર એક સાસુ, અમેરિકા ફરવા ગયાં અને ત્યાં જ તેમનું મૃત્યુ થઇ ગયું. તો પરદેશથી સાસુની સખીએ ઇન્ડિયા ફોન કરીને વહુને પૂછ્યું, “શું કરીએ? તમારી સાસુનો મૃતદેહ ઇંડિયા મોકલીએ કે અહીંયા જ અમે અંતિમક્રિયા પતાવીએ?

વહુએ કહ્યું, “ત્યાં જ પતાવો. આમે ય મારી સાસુને ફોરેન ફરવાનો બહુ અભરખો હતો.
પણ અંતિમક્રિયા કઇ રીતે કરીએ? લાકડામાં બાળીને કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં?
“બે ય રીતે કરો. મારે કોઇ ચાન્સ નથી લેવો, વહુએ તરત જ કહ્યું.
જો કે આનાથી યે વધુ ક્રૂર જોકસ કે સાચી ઘટનાઓ વહુઓ વિશે પણ અવેલેબલ છે. આપણે ત્યાં અને જગતભરમાં મોટાભાગના સાસુ-વહુના સંબંધો ભારત-પાકિસ્તાન જેવા તંગ હોય છે. ગમે તેટલી ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમાય કે ‘અમન કી આશા’ જેવા બે દેશ વચ્ચે આદાન-પ્રદાનના કાર્યક્રમો યોજાય પણ ક્યારે બેઉમાં યુદ્ધ ફાટી નીકળશે કંઇ કહેવાય નહીં.

હમણાં સાસુ-વહુના સંબંધો સુધારવા અંગે એક અજીબ ને આનંદના સમાચાર જાણવા મળ્યા કે ડોક્ટર કે એન્જિનિયર બનવાનાં કોર્સની જેમ હવે ‘આદર્શ બહુ’ બનવાનો કોર્સ શરૂ થવાનો છે! વળી ‘આદર્શ વહુ’ બનાવવાનો કોર્સ કોઈ મામૂલી કોચિંગ ક્લાસમાં નહીં પણ આઈ.આઈ.ટી.-બી.એચ.યુ. એટલે કે ‘બનારસ હિંદુ યુનિવર્સિટી’ શરૂ કરશે એવું ઠેરઠેર છપાયું ને કહેવાયું કે ૩જી સપ્ટેંબરે કોર્સ શરૂ પણ થઇ ગયો છે.

આમ તો નવી કોઇ વહુને સાસરામાં સેટ થતાં મહિનાઓ, વરસો કે આખો જન્મારો લાગતો હોય છે પણ આ કોર્સ ફક્ત ૩ મહિનામાં છોકરીઓને શીખવશે કે આદર્શ વહુ’ બનીને લગ્ન-જીવન સફળ કેમ બનાવી શકાય! આ વિશે પાછી એવી ખબર પણ આવી કે ‘યંગ સ્કિલ્ડ ઇન્ડિયા’ના સી.ઈ.ઓ. નીરજ શ્રીવાસ્તવે કહ્યું કે સમાજમાં વધતી ઘરેલુ સમસ્યાઓને જોતાં ‘ડોટર્સ પ્રાઈડ: મેરી બેટી, મેરા અભિમાન’ અંગે આની શરૂઆત કરવામાં આવી છે.

ખેર, આ સાંભળીને અમને તો એ વાતનો અફસોસ થયો કે અમારા જમાનામાં ‘આદર્શ-જમાઇ’નો કોઇ કોર્સ હોત તો આજે અમે કોઇક માલદારનાં ઘરમાં ઘર-જમાઇ બનીને જલસા ના કરતા હોત? પણ અફસોસ કે અમારો એ અફસોસ લાંબો ના ટકી શક્યો, કારણ કે ‘આદર્શ બહુ’વાળા કોર્સ વિશે સમાજમાં વિરોધ થતાં આઇ.આઇ.ટી.વાળાઓએ ખુલાસો આપવો પડ્યો: ‘આ એક ફેક કે જૂઠાં ન્યૂઝ છે, અમારે ત્યાં આવો કોઇ કોર્સ શરૂ કરાયો નથી… પણ અમારાં કેંપસમાંની ‘વનિતા ફેશન ઇંસ્ટિટ્યૂટ’માંના કોઇ કોર્સમાં છોકરીઓને જે જાતજાતની ટ્રેનિંગ અપાય છે, એમાં કશીક ગેરસમજણ થઇ છે’ અને હાય.. આમ ૩ જ દિવસમાં, ૩ મહિનામાં ’આદર્શ વહુ’ બનાવવાના મહાન સંકલ્પ કે ઉમદા વિચારનો અકાળે અંત આવી ગયો.
ઇંટરવલ: કાનમાં કહું?

તું મારી વહુ! (ગુજરાતી નાટક)
જો કે આ સમાચારને સાચા માનીને અમને ઘડીભર થયેલું કે આમ ને આમ ચાલશે તો ’આદર્શ સાસુ’ બનવાનો કોર્સ પણ શરૂ થશે પછી ભલેને એ ૩ નહીં તો ૬ મહિનાનો હોય. પછી ‘આદર્શ નણંદ’નો કોર્સ પણ એ જ પરંપરામાં શરૂ થઇ શકેને? એ જ રીતે ‘આદર્શ સસરાજી’, ‘આદર્શ બનેવી કે જીજાજી’, ‘આદર્શ સાઢૂ’ જેવા અનેક નીતનવા ક્રેશ કોર્સ વિચારી શકાય. વળી ‘આદર્શ પતિ’ બનવાનો કોર્સ ૩ મહિનાનો નહીં પણ કમસેકમ ૩ વરસ માટે હોવો જોઇએ. જો કે કેટલા છોકરાઓ, એમાં જોડાશે એનું કંઇ કહેવાય નહીં કારણ કે આમાં તો કોપી કરીને પણ પાસ ના થઇ શકાયને? પણ હા, પ્રશ્ર્નપત્ર ફૂટી ચોક્કસ શકે. (જેની ગેરેંટી કમસેકમ ગુજરાતમાં તો ના જ લઇ શકાય.)

‘આદર્શ બહુ’-વાળા કોર્સના લોજિક પ્રમાણે ‘આદર્શ પરિવાર’ બનાવવા આખું કુટુંબ સાથે મળીને જોઇન્ટ-કોર્સ કરી શકે, જેથી ઘર-સંસાર શાંતિથી કંકાસ વિના ચાલે. શું છે કે આ આઇડિયામાં જરા ઊંડાણથી વિચારો તો અનેક શક્યતાઓ ભરી પડી છે, જેમ કે- ‘આદર્શ દિયર’ કે ‘આદર્શ જેઠ’ કે ખાસ તો ‘આદર્શ ભાભી’

બનવાના કોર્સ પણ પણ હોઇ શકે. શિક્ષણશાસ્ત્રીઓ અને એકજ્યુકેશન ડિપાર્ટમેંટે ચેલેંજ ઉપાડીને, આજે નહીં તો સિરિયસલી આ વિશે કશુંક વિચારવું રહ્યું.

 ૧૯૮૦ના દાયકામાં જયોતિ મહાપ્સેકરનું મરાઠી વ્યંગ-નાટક ‘મુલગી ઝાલી હો’ (‘દીકરી આવી રે’) એટલું ગાજેલું કે મહારાષ્ટ્રમાં ગામેગામ, રસ્તાઓમાં, કારખાનાઓમાં, શાળાઓમાં આજે ય એ ભજવાય છે. જેમાં છોકરી જોવા મુરતિયો આવે, ત્યારે ક્ધયા છડી પોકારે છે:  

“બા મુલાહિજા હોશિયાર! ૧૦ મિનિટમાં વાતો કરી, ઘૂરી ઘૂરીને છોકરીને જોનાર, જીવનસાથી પસંદ કરનાર, દહેજ લેનાર, ભાવિ સસરાને લૂંટનાર, મા-બાપનો આજ્ઞાંકિત, રૂઢિવાદી, આધુનિકતાનો મહોરું ઓઢેલ, મોટાં ઘરનો કુળ-દીપક.. છોકરી જોવા તશરીફ લાવે છેએએએએ… તો એક દ્રશ્યમાં છોકરી અને એની માતા, મુરતિયાઓનાં ‘સેલ’માં જાય છે, જ્યાં મુરતિયાઓ પર કિંમતની કાપલી ચોંટાડી છે કે- ડોકટરના ૨૫ લાખ, એન્જિનિયરના ૨૦ લાખ, સરકારી નોકરી કરનારના ૧૫ લાખ વગેરે….સદીઓથી દહેજ વિશે રૂપિયા-આના-પાઇમાં વિચારતી આપણી પ્રજાનો એ નાટકમાં એકસ-રે દેખાડેલો. કાશ, આવાં નાટકો જોઇને કે વાંચીને નિંભર સમાજ બદલાઇ જતો હોત.

 ખેર, ‘આદર્શ બહુ’નો કોર્સ જો ખરેખર શરૂ થયો હોત તો ખબર નહીં એમાં એડમિશન માટે ક્ધયાઓ અને એનાં મા-બાપોની કેટલી લાંબી લાઇન લાગી હોત? કદાચ ડોનેશન માટે દહેજ કરતાં યે વધુ રકમ બોલાતી હોત! કારણ કે ‘આદર્શ બહુ’નું સર્ટિફિકેટ મેળવનાર ક્ધયાની ડિમાંડ લગ્નબજારમાં કેટલી વધી ગઇ હોત, એનું કંઇ કહેવાય નહીં...આપણે ત્યાં હવે કંઇ પણ શક્ય છે.       

એંડ-ટાઇટલ્સ:
આદમ: તું લકી છે કે તને સાસુ નથી.
ઇવ: શું લકી? તારી ફરિયાદ કરું કોને?

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button