ઉત્સવ

સ્વમાનના ભોગે કશું જ ન કરવું જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

રામચંદ્ર શુકલા

થોડા દિવસ અગાઉ એક શેરીમિત્ર સાથે મુલાકાત થઈ ગઈ. મેં એમને પૂછ્યું: ‘તમે ફલાણા કાર્યક્રમમાં આવવાના છો એવું કહેતા હતા, પણ પછી તમે આવ્યા નહીં? ’

એ શેરીમિત્રએ કહ્યું: ‘હા, એમાં આવવાની મારી ખૂબ ઈચ્છા હતી, પરંતુ ફલાણા સાહેબે મને એ જ દિવસે મીટિંગ માટે બોલાવી લીધો હતો.’

એ પછી એમણે વ્યથા ઠાલવી કે સાહેબે મને આઠ કલાક રાહ જોવડાવી અને પછી એ તો મને મળ્યા જ નહીં. એમને કશુક અગત્યનું કામ આવી ગયું એટલે એ ઓફિસમાં આવ્યા જ નહીં!’
મેં તમને કહ્યું: ‘જો સ્વમાન ન જળવાતું હોય તો એ સાહેબ ગમે એટલો મોટો હોય તેના માટે કામ ન કરવું જોઈએ. અને તમે કંઈ એમની કંપનીમાં નોકરી તો કરતા નથી. તમે તો કોઈ પ્રોજેક્ટ પૂરતા જ એમની સાથે જોડાયા છો.’

શેરીમિત્રએ કહ્યું: ‘તમને વાતો આવડે છે. એટલા મોટા માણસ સાથે કંઈક કામ કરતા હોઈએ તો ક્યારેક થોડું સહન કરી લેવું પડે. દૂઝણી ગાયની લાત પણ ખાવી પડે એ કહેવત તમે ભૂલી ગયા લાગો છો! ’

મેં એમને પૂછ્યું: ‘જો , તમારી ઈચ્છા તમને ગમતા કાર્યક્રમમાં આવવાની હતી, પણ પૈસાની લાલચને કારણે તમે ન આવ્યા. એ જ દિવસે તમારા અબજપતિ સાહેબે તમને મળવા માટે બોલાવ્યા એ વખતે તમે એમ કહી શક્યા હોત કે મને આજે ફાવે એવું નથી. અને માની લો કે તમે એમને એવું ન કહી શક્યા તો એ સાહેબ તો તમને જાણ કરી જ શક્યા હોત ને કે ભાઈ, હું આજે ઓફિસમાં નથી આવવાનો. તમે તમારું કામ ચાલુ રાખજો.’

શેરીમિત્રએ કહ્યું: ‘એ સાહેબ મને ખૂબ પૈસા ચૂકવે છે. મારા સમય માટે એ મને પૈસા આપે છે તો મારે એમની અમુક વાતો સહન કરી જ લેવી પડે.’

એમની એ વિચારસરણીથી મને એમની દયા આવી ગઈ અને હિન્દી સાહિત્યના પ્રથમ ઈતિહાસકાર તરીકે વિખ્યાત બનેલા આચાર્ય રામચંદ્ર શુકલાના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો.

રામચંદ્ર શુકલા બનારસમાં નાગરી પ્રચારસભા સાથે જોડાયેલા હતા ત્યારે એમને હિન્દી વિશ્ર્વકોશના સંકલનની જવાબદારી સોંપાઈ હતી અને મહિનાનો પચ્ચીસ રૂપિયા પગાર મળતો હતો.

આચાર્ય રામચંદ્ર શુકલાના એક મિત્ર અત્યંત શ્રીમંત હતા અને એમને મનમાં ખટકો રહ્યા કરતો હતો કે શુકલાજી જેવા વિદ્વાન માણસ માસિક પચ્ચીસ રૂપિયા જેવી મામૂલી પગારની નોકરી કરે છે. શુકલાજીને પોતાના પગારથી સંતોષ હતો, પણ શ્રીમંત મિત્ર એમને કહ્યા કરતા હતા કે તમારે આટલી નાનકડી રકમમાં નોકરી ન કરવી જોઈએ.

છેવટે એ શ્રીમંત મિત્ર આચાર્ય રામચંદ્ર શુકલાને સમજાવવામાં સફળ થયા કે એમણે ઊંચા પગારની નોકરી કરવી જોઈએ. શુક્લાજીએ તૈયારી દર્શાવી એટલે શ્રીમંત ઉત્સાહમાં આવી ગયા. શુકલાજીને એ અલવરના રાજા પાસે લઈ ગયા. અલવરના રાજાને કહ્યું કે, ‘આવા વિદ્વાન માણસ શોધવા મુશ્કેલ છે. એમને તમે નોકરી પર રાખી લો.’

અલવરના રાજા એ શ્રીમંતના મિત્ર હતા. એમણે તરત જ શુકલાજીને નોકરીએ રાખી લીધા. એમણે કહ્યું: ‘હું શુકલાજીને પંદરસો રૂપિયા પગાર આપીશ.’

શુકલાજીને લાગ્યું કે અલવરના રાજા પંદરસો રૂપિયા વાર્ષિક પગારની વાત કરે છે. એ હિસાબે એમને મળતા વર્તમાન પગાર કરતા પાંચગણી રકમ થતી હતી, પણ શ્રીમંત મિત્રે એમને હળવેકથી કહ્યું કે, તમને મહિને પંદરસો રૂપિયા પગાર મળશે ત્યારે શુકલાજી અવાચક થઈ ગયા! નાગરી પ્રચારસભા દ્વારા મળતા પગાર કરતાં એ સાઠ ગણી વધુ રકમ !

આચાર્ય રામચંદ્ર શુકલા એ સુખદ આશ્ર્ચર્યાઘાતની લાગણી પચવે એ પહેલાં અલવરના રાજાએ કહ્યું: ‘શુકલાજી જેવા વિદ્વાનને છાજે એવો બંગલો એમને રહેવા માટે મળશે અને ત્યાંથી દરબારમાં આવવા – જતાં માટે એમને બગી પણ અપાશે.

શ્રીમંત મિત્ર શુકલાજીને અલવરના રાજાને સોંપીને પાછા બનારસ ગયા. શુકલાજીએ અલવરના રાજાને ત્યાં નોકરી શરૂ કરી દીધી, પણ થોડા દિવસમાં જ એમને ગૂંગળામણ થવા લાગી. એમને હતું કે અલવરના રાજાએ આટલો ઊંચો પગાર આપ્યો છે એટલે તેઓ મારી વિદ્વતાનો લાભ લેશે. એને બદલે એમણે દરરોજ દરબારમાં જઈને બેસી રહેવું પડતું હતું. રાજાના દરબારમાં બીજા પણ ઘણા વિદ્વાનો હતા, પણ એ બધા અલવરના રાજાની ચમચાગીરી કરતા રહેતા હતા.

શુકલાજી એવી ચમચાગીરીથી ત્રાસી ગયા અને એમણે એક જ સપ્તાહમાં એ નોકરીને લાત મારી દીધી અને પાછા બનારસ જઈને નાગરી પ્રચારસભામાં નોકરી કરવા માંડ્યા. ખોટી પ્રશંસા કરવાનું ટાળવા માટે પંદરસો રૂપિયાની નોકરીને છોડીને જૂની પચ્ચીસ રૂપિયાની નોકરી સ્વીકારી લીધી હતી.

એમના શ્રીમંત મિત્ર એમના એ પગલાંથી નારાજ થઈ ગયા. એમણે શુક્લાજીને કહ્યું: ‘તમે બહુ મોટી ભૂલ કરી છે અને અલવરના રાજાને નારાજ પણ કર્યા! ’
શુકલાજીએ કહ્યું: ‘હું ભૂખે મરી જઈશ, પણ ચમચાગીરી નહીં કરી શકું.’

સાર એ છે કે માણસે માત્ર પૈસા કમાવા માટે ન જીવવું જોઈએ. સ્વમાનના ભોગે ગમે એટલા પૈસા મળતા હોય તો પણ પોતાને ન ગમતી હોય એવી કોઈ પ્રવૃત્તિ ના કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button