ઉત્સવ

બોલવું જ નહીં પણ મૌન રહેવું એ પણ આપણો મૂળભૂત અધિકાર છે

ફોકસ -પ્રભાકાંત કશ્યપ

જે રીતે બંધારણની કલમ ૧૯ (૧) (એ) એ દરેક ભારતીયને અભિવ્યક્તિ એટલે કે બોલવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે, તેવી જ રીતે બંધારણની કલમ ૨૦ (૩) હેઠળ દરેક ભારતીયને મૌન રહેવાનો મૂળભૂત અધિકાર છે. કારણ કે ચૂપ રહેવાનો અધિકાર કાનૂની સિદ્ધાંત છે. આ અધિકાર દરેક ભારતીયને કાયદા અમલીકરણ અધિકારીઓ, પોલીસ અથવા કોર્ટના અધિકારીઓને જવાબ આપવાનો ઇનકાર કરવાનો અધિકાર આપે છે. મૂળભૂત રીતે, ભારતીય બંધારણની કલમ ૨૦(૩) એવી જોગવાઈ કરે છે કે કોઈ પણ અપરાધના આરોપી વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવા માટે મજબૂર કરી શકાતું નથી, એટલે કે, કોઈ પણ વ્યક્તિને એવા પુરાવા અથવા જુબાની આપવા માટે મજબૂર ન કરી શકાય, જે પોતાને દોષિત ગણાવે. આને સામાન્ય રીતે ચૂપ રહેવાના અધિકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેસમાં તેલંગણા હાઈ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ આરોપી ચૂપ રહે છે અથવા સંતોષકારક જવાબો નથી આપી રહ્યો તો તેની કસ્ટડીનો સમયગાળો વધારી શકાય નહીં.

તાજેતરમાં, તેલંગણા હાઈ કોર્ટે એક કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ને ઠપકો આપ્યો હતો, જેમાં એ જ કહેવામાં આવ્યું હતું કે કોઈ આરોપી ચૂપ છે અથવા તેના મુજબ સંતોષકારક જવાબો નથી આપી રહ્યો, તેનો અર્થ એ નથી કે તેની કસ્ટડીનો સમયગાળો વધારવામાં આવે. જસ્ટિસ કે. લક્ષ્મણ અને જસ્ટિસ કે. સુજાનાની બેન્ચે ક્રિમિનલ કેસમાં દાખલ કરેલી અપીલની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, પીએફઆઈના સભ્યએ ટ્રાયલ કોર્ટ દ્વારા તેની રિમાન્ડ પાંચ દિવસ વધારવાને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. અરજદારે પોતાની અપીલમાં કહ્યું હતું કે એનઆઇએ એ ૧૩ જૂન, ૨૦૨૩ના આરોપીની ધરપકડ કરી હતી, ત્યારબાદ કોર્ટે ૪ જુલાઈ, ૨૦૨૩ના રોજ તેને પાંચ દિવસની કસ્ટડી આપી હતી. તપાસ એજન્સીએ અરજદારને પાંચ દિવસના સમયગાળા માટે રિમાન્ડ પર લીધો હતો. આ પછી, ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ, એજન્સીએ બીજી અરજી કરી ફરીથી પાંચ દિવસની કસ્ટડી માંગી. એજન્સી એનઆઇએ આ માટે એ કારણ આપ્યું કે આરોપી કસ્ટડીમાં સંતોષકારક જવાબ નથી આપી રહ્યો. તે મોટાભાગના પ્રશ્ર્નોના જવાબ આપતી વખતે મૌન રહે છે. તેલંગણા હાઈ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો. ભારતના બંધારણની કલમ ૨૦(૩) અને મૌન રાખવાના અધિકાર પર ૧૮૦મો રિપોર્ટ પણ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મે ૨૦૦૨માં લો કમિશને શ્રી અરુણ જેટલીને સંબોધિત કરી આ રિપોર્ટમાં લખ્યું હતું કે, ભારતના બંધારણની કલમ ૨૦ (૩) પર ૧૮૦મો રિપોર્ટ મોકલી રહ્યો છું. આરોપી વ્યક્તિને ચૂપ રહેવાનો અધિકાર છે. મૌન રહેવાનો અધિકાર સામાન્ય કાયદાનો સિદ્ધાંત છે. સામાન્ય રીતે, અદાલતો અથવા ફેક્ટ ટ્રિબ્યુનલને પક્ષકારો અને ફરિયાદી તરફથી અનુમાન દોરવા અથવા આમંત્રિત કરવા માટે પ્રોત્સાહિત ન કરવા જોઈએ. કોઇ શંકાસ્પદ કે આરોપી માત્ર એટલા માટે દોષી નથી, કારણ કે તે બોલવાનો ઇનકાર કરે છે. ભારતનું બંધારણ દરેક વ્યક્તિને સ્વદોષની વિરુદ્ધ અધિકારની ખાતરી આપે છે. કોઈપણ ગુનાના આરોપી વ્યક્તિને પોતાની વિરુદ્ધ સાક્ષી બનવા માટે ફરજ પાડી શકાતી નથી. મૌન રહેવાનો અધિકાર એ ભારતીય નાગરિકનો ખૂબ જ મજબૂત અને શક્તિશાળી અધિકાર છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button