ઉત્સવ

દરેક છેતરપીંડી ‘પ્રેમ’ જેવી મીઠી નથી હોતી

ખરા છે ખતરોં કે ખિલાડી: મન ‘ઠગ’ બની થનગાટ કરે!

મિજાજ મસ્તી -સંજય છેલ

એકવાર મહાઠગ નટવરલાલે કનુભાઈને કહ્યું,‘મને ૧ લાખ ઉધાર આપોને, સોમવારે પાછા આપી દઇશ.’ કનુભાઈએ પૈસા આપ્યા ને સોમવારે પાછાં માગ્યા તો નટવરલાલે કોઇ મનુભાઈ પાસે જઇને કહ્યું,૬મને ૧ લાખ આપો, શનિવારે પાછા આપીશ.‘તો નટવરલાલે મનુભાઈ પાસેથી પૈસા લઈ કનુભાઈને પાછા આપ્યા. શનિવારે મનુભાઈએ પૈસા માગ્યા તો નટવરલાલે કનુભાઈને કહ્યું,’ મેં પહેલાના પૈસા આપી દીધાને? મને ફરી ૧ લાખની જરૂર છે, સોમવારે પાછા! ‘૨-૩ મહિના સુધી, પૈસાનું આમથી તેમ સુધી ચાલે રાખ્યું. પછી એક દિવસ નટવરલાલે કનુભાઇ-મનુભાઇ બેઉને બોલાવીને કહ્યું,’ જુઓ, હવે તમારે એકબીજાને ફોન કરીને દર સોમ ને શનિવારે પૈસા ઉઘરાવી લેવાના. મને ડિસ્ટર્બ નહીં કરવાનો, સમજ્યાં? આ શું માંડ્યું છે?
ક્યારેક થાય કે દેશ, ખેતી-પ્રધાન નહીં પણ ‘ઠગી-પ્રધાન’ છે. અંગ્રજો આવ્યા એ પહેલાં દેશ, ઠગ-પીંઢારાઓથી ખદબદતો હતો એટલે ઠગ-વિદ્યા આપણી વિરાસતમાં વણાયેલી છે. અહિંયા બેન્કિંગમાં, વીમા કું.માં, ક્રિકેટ-સટ્ટામાં, એજ્યુકેશનમાં, મેડિકલમાં…અલગ અલગ સાઈઝનાં નાના-મોટા ઠગો, ઈશ્ર્વરની જેમ સર્વવ્યાપી છે. આમાં રાજકારણને તો રહેવા જ દઇએ. (કારણ નહીં આપું કારણ તમને ખબર છે!) ગાંધીજીએ અંગ્રેજોને ભગાડવા સૂત્ર આપેલું: ‘કરો યા મરો.’ એ સૂત્રને અમુક લોકોએ જરા જુદી રીતે અપનાવ્યું છે: ‘બીજાનું કરો અથવા કડકીમાં મરો!’
હમણાં ગુજરાતના પનોતા પુત્ર, સુરતના એવા મિતુલ ત્રિવેદીએ બિંદાસ એવો દાવો કરેલો કે ચંદ્રયાન-૩ની ડિઝાઇન એમણે બનાવેલી અને છાપાં-મીડિયાવાળાં સાચું માનીને એમને ચમકાવવા પણ માંડ્યા! પછીથી ઇસરોવાળાએ એને ખૂલ્લો પાડ્યો અને ધરપકડ થઇ! મિતુલભાઇ તો ત્યાં સુધી કહેતા હતા કે તેઔ ઇસરો ઉપરાંત અમેરિકામાં નાસા સાથે પણ સંકળાયેલા છે! છે ને હિમ્મત?
આની પહેલાં ગુજરાતી ભાયડા કિરણ પટેલે નેશનલ લેવલ પર જે ઠગાઈ કરી છે એ જોઈને આપણે મોઢામાં આંગળા તો શું, આખે આખો હાથ નાખી દઈએ ને કાનમાંથી બ્હાર કાઢીને આપણો જ કાન આમળીએ! આપણને સાદું ‘આધાર કાર્ડ’ બનાવડાવતાં દમ નીકળી જાય છે ને કિરણભાઇએ તો પ્રધાનમંત્રી કાર્યાલયના ‘સ્પે.ઓફિસર’ તરીકે વિઝિટિંગ કાર્ડ છપાવેલાં. આપણે ટ્રેનમાં ટી.સીને જોઇને ય સડક થઇ જઇએ છીએ પણ આ ઠગશ્રીએ તો વી.આઇ.પી.ઓ કે નેતાઓને મળે છે એવી ‘ઝેડ’ સિક્યુરિટી મેળવીને, છેક કાશ્મીર બોર્ડર સુધી સડક ખૂંદીને સોલિડ ધાક જમાવેલી. અમદાવાદમાં કોઇનો બંગલો પચાવી પાડ્યો, અનેક સરકારી ઓફિસરોને સારી પોસ્ટિંગ કે ઇંવેસ્ટમેંટના વાયદાઓ રૂપે જે-જે કરોડોની ઠગાઈઓ કરી, એ કારીગીરી કાબિલે દાદ છે. આપણી સિસ્ટમ નબળી નહીં પણ કેટલી ‘ભોળી’ છે એટલે જ તો અહિં ઠગો સોળે કળાએ ખીલી શકે છેને?
ઇંટરવલ:
સૌ પાકા ગુનેગાર સુખી છે,
હું દુ:ખી છું,
શું મારા ગુનાઓમાં કોઈ ચૂક થઇ છે? (મરીઝ)
પી.એમ. ઓફિસનાં નામે ઠગાઇની આ પહેલી ઘટના નથી. ૧૯૭૧માં ઇંદિરાજી પી.એમ. હતાં ત્યારે દિલ્હીની સંસદ માર્ગવાળી જઇઈં બેંકની બ્રાંચમાં એક ફોન આવ્યો, “હું ઇંદિરાજીનો સેક્રેટરી પી.એન.હસ્કર. બોલું છું. પી.એમ.ને બાંગ્લાદેશના ગુપ્ત અભિયાન માટે ૬૦ લાખ રૂપિયા જોઈએ છે. રૂપિયાને એક બેગમાં ભરી સંસદ માર્ગ પર બાઈબલ-ભવન પાસે ઊભેલા માણસને હમણાં ને હમણાં જ આપવાના છે. સાંભળીને બેંકનો કેશિયર મલ્હોત્રા તો ડઘાઇ ગયો. એટલામાં ઇંદિરાજીના અવાજમાં કોઇએ ફોન કરીને મલ્હોત્રાને કહ્યું,૬તમે પૈસા લઈને બાઇબલ-ભવન પર પહોંચો. ત્યાં તમને એક માણસ, એક કોડ કહેશે, જવાબમાં તમારે પણ કોડ કહેવાનો રહેશેઅને આ વાતને ગુપ્ત રાખવાની છે. પછી બિચારા મલ્હોત્રાએ બાઇબલ-ભવન પર એક જણાને ૬૦ લાખ આપી દીધાં અને આખરે લાંબી દોડધામ બાદ પી.એમ.ના સેક્રેટરી હસ્કરને મળી બધી વાત કરી. ત્યારે હસ્કરે કહ્યું, ‘અમારી ઓફિસમાંથી તો કોઈએ ફોન કર્યો જ નથી! તમને કોઇએ ઠગી લીધા છે. જાઓ, પોલીસમાં રિપોર્ટ લખાવો.’ પછી લાંબી તપાસ પોલીસે એ ઠગને પકડયો, નામ હતું રિરૂસ્તમ નાગરવાલા’.
એક ફિલ્મી ફેમિલી-ડ્રામાની ઠગી કહું. સલમાન ખાનના ઘરમાં એનાં મા-બાપ, ભાઈ-ભાભી, એમનાં બાળકો, બધાં એક જ બિલ્ડિંગમાં ઉપર-નીચે રહે. એમાં નોકરો, રસોઇયાઓ, આયાઓ, સેક્રેટરીઓ, ડ્રાઈવરો એમ ઘણાં લોકોની ઘરમાં ૨૪ કલાક સતત આવ-જા રહે. એવામાં એક અજાણ્યો માણસ ત્યાં સલામાનના ઘરમાં ત્રણ મહિના સુધી રહી પડ્યો! સલમાનને એમ કે એ સોહિલનો મિત્ર હશે, સોહિલને એમ કે અરબાઝનો મિત્ર હશે. અરબાઝને એમ કે પિતા સલિમસાહેબનો મહેમાન હશે. છેવટે ત્રણ મહિના સુધી એ માણસ ત્યાં રહીને ગયો ત્યાં સુધી કોઈને ખબર જ ના પડી કે એ કોનો મિત્ર હતો? એટલે એ કેટલો મોટો ઠગ હશે કે એણે બધાં સાથે વાતો કરી, ખાધુંપીધું અને કોઈને ખબર પણ ના પડી કે એ કોનો મિત્ર કે મહેમાન છે?
‘સગા બનીને સગાઇની ઠગાઇ’ની આ હદ છેને?
જો કે હવે આપણે ત્યાં ઓફિશિયલી ‘ઠગ-યુનિવર્સિટી’ શરૂ થાય તો નવાઈ નહીં. પ્રોબ્લેમ એક જ છે કે ભાવિના ઠગો કે વિદ્યાર્થીઓને જે-તે ‘ઠગ-યુનિવર્સિટી’ સાચી છે કે નકલી છે?-એની ખબર કેમ પડશે? એકચ્યુઅલી કિરણ પટેલ, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી આ બધાંને ‘ઠગ-યુનિવર્સિટીમાં’ ચાન્સેલર તરીકે કે પ્રોફેસર તરીકે માનભેર બોલાવવા જોઈએ, જેથી પોતાના અનુભવો પરથી વિદ્યાર્થીઓને શીખવાડે કે ઠગી વડે સહેલાઇથી સિસ્ટમને લૂંટાય? વિદેશમાં સાઇબર-ક્રાઇમના જે હેકર્સ હોય છે એ પડડાઇ જાય તો પછી સરકાર એમને જ ઓફિશિયલ કે ‘એતિકલ હેકર્સ’ બનાવી દે છે અને પછી એ હેકર્સો જ સરકારી સિસ્ટમને બચાવવામાં મદદ કરે.
આમાં કલાપીની કવિતા જેવું છે કે-
‘જે પોષતું તે મારતું,
શું ક્રમ નથી એ કુદરતી?’
એટલે ઠગ જ સરકારને શિખવે કે ઠગી કેમ કરાય કે બચી શકાય? હવે વિદેશમાં આપણાં ડોક્ટરો કે આઇ.ટી. એકસપર્ટોની જેમ આપણાં ‘ક્વોલિફાઇડ મહાઠગો’ની ડિમાંડ વધે તો કહેવાય નહીં! ——————
એંડ-ટાઇટલ્સ:
આદમ: તારી આંખોએ મને છેતર્યો.
ઈવ: મારી પણ?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button