ઉત્સવ

નગરસેવક નહીં, નાટ્યસેવક

મહેશ્ર્વરી

જીવનમાં આવતી દરેક વિષમતા અવગણી કે એનો સામનો કરી કલાકાર તરીકે વિકાસ કરવા પર મારું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાને હું પ્રાધાન્ય આપી રહી હતી. ગીતાનો એક બહુ સરસ શ્ર્લોક છે ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન!’ કર્મ કરવા પણ ફળની આશા ન રાખવી એવો એનો ભાવાર્થ મેં પણ સાંભળ્યો હતો પણ દેશી નાટક સમાજ કંપનીના એક ગુણીજને મને આ શ્ર્લોકનો સાચો અર્થ સમજાવ્યો હતો. એમની દલીલ હતી કે ’ભગવાન ક્યારેય એવું ન કહે કે તારે કર્મ કરતા રહેવાનું, ફળની આશા નહીં રાખવાની. આ શ્ર્લોકનો સાચો અર્થ એ છે કે કર્મ કરનારને ફળ તો મળે જ, પણ કર્મ કરવામાં માનવી સ્વતંત્ર છે, ફળ ભોગવવામાં નહીં. એટલે જે મળે એ ફળ ભોગવવું તો પડે જ. એમાંથી છટકી ન શકાય. આ વાત મારા ગળે ગરમગરમ શીરાની માફક ઉતરી ગઈ હતી. મારી અત્યાર સુધીની જીવન સફરની ઘટનાઓ એનું પ્રમાણ છે. પાલઘરની જાહોજલાલી માણ્યા પછી મુંબઈનું અત્યંત સંઘર્ષપૂર્ણ જીવન, પોલિશિંગ મશીન પર કામ કરવાની નોકરી, ગણપતિ મંડળના નાટકો, ફિલ્મની દુનિયામાં લટાર મારી પછી નાટકના તખ્તા પર પાછી ફરી, માસ્તર સાથે લગ્ન અને અંગત જીવનના થથરાવી નાખતા અનુભવ, ગુજરાતની નાટક કંપનીઓમાં અભિનેત્રી તરીકે વિકાસ અને ત્યાંથી રંગભૂમિના કોહિનૂર ગણાતા ‘શ્રી દેશી નાટક સમાજ’માં ખાસ મારા માટે લખવામાં આવતા નાટકની અત્યાર સુધીની સફર… ગીતાના શ્ર્લોકના ‘કર્મ કરવામાં માનવી સ્વતંત્ર છે, ફળ ભોગવવામાં નહીં’ એ નવા સમજેલા અર્થનો જ પડઘો હતો. રંગભૂમિ પર પગ મૂક્યા પછી વિવિધ નાટકોથી જનતાનું મનોરંજન કરવાની સાથે વ્યક્તિ વિકાસની મહામૂલી ભેટ પણ મને મળી એ માટે હું રંગદેવતાની ઋણી છું અને કાયમ રહીશ.

ગણપતિ મંડળના નાટકો સાથે પુન: સંકળાવાને કારણે ફરી મરાઠી નાટકો કરવાની તક મળી. ‘નેતાજી પાલકર’, ‘તાનાજી માલુસરે’, ‘મરાઠીચી મુલગી’ વગેરે કર્યા અને આમ ગુજરાતી અને મરાઠી નાટકોમાં સતત પ્રવૃત્ત રહેવાથી મારું મન કાયમ આનંદમાં રહેતું હતું. અભિનેત્રી તરીકે મારી વધી રહેલી લોકપ્રિયતાનું એક ઉદાહરણ આપું. મુંબઈથી ‘ધર્મયુગ’ નામનું પ્રતિષ્ઠિત હિન્દી સાપ્તાહિક નીકળતું અને હું ભૂલતી ન હોઉં તો એના સંપાદક સિદ્ધહસ્ત સાહિત્યકાર ધર્મવીર ભારતી હતા. એ મેગેઝિનમાં વાર્તાઓ છપાતી અને એ માટે પ્રસિદ્ધ નાટ્યલેખક નંદલાલ નકુભાઇ શાહનો પુત્ર નરેન્દ્ર મારા ફોટોગ્રાફ લેવા દર રવિવારે ભાંગવાડીમાં આવતો. અલબત્ત આ તસવીરોમાં મારું નામ કે મારા વિશે કાંઈ લખવામાં આવતું કે નહીં એ હું નથી જાણતી, પણ મારો ચહેરો વધુ જાણીતો બની રહ્યો હતો એ હકીકત આનંદ આપતી હતી.

દેશી નાટક સમાજમાં એ સમયનો માહોલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેવો હતો. એક તરફ લેખકો નાટક લખતા હોય, બીજી તરફ ગીત લખાતા હોય અને એની સંગીત રચના માટે કામ થતું હોય. આ સમગ્ર સર્જન પ્રક્રિયા બહુ નિકટથી જોવા મળી. એ સમયે નામી સંગીતકાર મોહન જુનિયરને નજીકથી જોવા જાણવાનો લ્હાવો મળ્યો. ‘હંસાકુમારી’ નાટક માટે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલા ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની’ અજરામર ગીતની સ્વર રચના મોહન જુનિયરની હતી. આ ગીતને એટલા વન્સમોર મળતા કે નાટકમાં અડધો કલાક સુધી પ્રેક્ષકો એ માણી શકતા. એ સમયે દેશી નાટક સમાજે દામુ સાંગાણી લિખિત ત્રણ નાટક પણ ભજવ્યા જેમાં એક હતું ‘મોટા ઘરની વહુ’ અને એમાં પણ સંગીત મોહન જુનિયરનું હતું. અનેક નામી – અનામી લોકોને તેમણે તાલીમ આપી હતી અને મને પણ તેમની પાસે શીખવાનો લાભ મળ્યો હતો. આ ઉપરાંત ‘પાકીઝા’ ફિલ્મના સંગીતકાર ગુલામ મોહમ્મદનો પુત્ર મુમતાઝ ઢોલક વગાડતો. બીજા પણ પ્રતિભાશાળી સાજિંદા હતા. આ વિગતો પરથી ખ્યાલ આવશે કે દેશી નાટક સમાજમાં નાટકના પ્રત્યેક પહેલુને સમૃદ્ધ બનાવવાની કોશિશ કરવામાં આવતી. આવા પ્રયત્નોને કારણે જ કંપનીને ખ્યાતિ મળી હતી. આમ ગુજરાતી – મરાઠી નાટકોમાં કામ કરવાનું ચાલુ હતું

એવામાં એક અણધારી ઘટના બની. હું જોગેશ્ર્વરીમાં રહેતી હતી ત્યાં ગુફા રોડ નામથી ઓળખાતો એક વિસ્તાર હતો. આજે પણ છે. અહીં શિવસેનાનું મહિલા મંડળ કાર્યરત હતું. આ મંડળે પક્ષના વર્ધાપન દિન નિમિત્તે નાટક કરવાનું નક્કી કર્યું. માત્ર મહિલાઓ માટેના નાટક માટે કોઈએ મારું નામ સૂચવ્યું. મજા તો એ થઈ કે એ નાટકમાં મારે મેઈન રોલ તો કરવાનો જ હતો અને એ નાટકના દિગ્દર્શનની જવાબદારી પણ મને જ સોંપવામાં આવી. જોકે, એ નાટક વ્યવસાયિક રંગભૂમિ પર ચાલી રહ્યું હતું. એ જોયા પછી મેં એ નાટક તૈયાર કર્યું. લોકોને બહુ ગમ્યું અને એના ઘણા શો થયા.

પરિણામે મારું નામ રાજકીય વર્તુળમાં પણ જાણીતું થયું. એક દિવસ એ સમયના શિવસેનાના સ્થાનિક નગરસેવક રાજેશ્વર રાગિણવાર મને મળવા આવ્યા અને કહ્યું કે ‘જોગેશ્ર્વરીમાં તમારી નામના બહું છે તો તમે ચૂંટણી લડો.’ બે ઘડી માટે હું ચોંકી ગઈ પણ હસતા હસતા એમને કહી દીધું કે મારા માટે કળાનું ક્ષેત્ર જ બરાબર છે, રાજકારણના આંગણામાં મારે પગ નથી મૂકવો. મારે નગરસેવક નહીં, નાટ્યસેવક બનવું હતું એટલે એ ઓફર મેં સ્વીકારી નહીં. નાટકની દુનિયા સાથે ઘરગૃહસ્થી સંભાળવામાં જ મેં મન પરોવ્યું. બાળકોને સારી સ્કૂલમાં ભણવા મૂક્યા હતા. તેમને શ્રેષ્ઠ શિક્ષણ મળે એવી મારી ઈચ્છા હતી. એક દિવસ હું દીકરાને સ્કૂલમાં મૂકી ઘરે આવી ઘરના કામમાં ગૂંથાઈ ગઈ ત્યાં અચાનક બહારથી શોરબકોર સાંભળવા મળ્યો….

નાટક કંપનીનું સાહસ
ભારતની આઝાદીની લડતમાં ગાંધીજીએ કરેલો મીઠાનો સત્યાગ્રહ સ્વાતંત્ર્ય ચળવળનું સુવર્ણ પ્રકરણ છે. એ સમયે બ્રિટિશ સરકાર સામે બળવો પોકારવાની કોશિશ વિવિધ સ્તરે જોવા મળી હતી. ફિલ્મ અને નાટક દ્વારા જનતાને જાગૃત કરવાના ઠીક ઠીક પ્રયાસ જોવા મળ્યા હતા. ગુજરાતી રંગભૂમિનું પણ એમાં યોગદાન છે. ચંદુલાલ હરગોવિંદ શાહે સ્થાપેલી ગુજરાતી રંગભૂમિની જાણીતી નાટક કંપની ‘લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ માટે અનેક પ્રતિષ્ઠિત લેખકોએ નાટક લખ્યા જેમાં એમાં એક નામ હતું કવિ મણિલાલ ત્રિવેદી ‘પાગલ’. ‘ભક્ત બોડાણા’ નાટકથી નાટ્ય લેખક તરીકે સ્વીકારાયેલા મણિલાલ ‘પાગલ’ એ ’લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ માટે લખેલા ‘અમર આશા’ નાટકમાં બ્રિટિશ સરકાર સામે બંડ જગાવવાનો એક સીન હતો. એ દ્રશ્યમાં બ્રિટનના સૈનિકો નાચતાં નાચતાં મીઠાના ક્યારાનું રક્ષણ કરે અને ગાંધીજી આવે એટલે ભાગી જાય. આ દ્રશ્યને કારણે બ્રિટિશ સરકારની બદનામી થાય છે એવું કારણ ધરી વડોદરાના સૂબાએ નાટકની ભજવણી સામે વાંધો લીધો હતો. મુંબઈના પોલીસ વિભાગને કાનૂની નોટિસ આપી ત્રણ મહિના માટે કંપનીને તાળા મરાવી દીધા હતા. જોકે, સંસ્થાનો ખર્ચ કાઢવા થોડા સમય માટે પોતાનું નામ બદલીને પણ નાટકો ભજવી કંપનીએ ગાડું ગબડતું રાખ્યું હતું. ‘લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ કંપનીએ જબરું સાહસ કર્યું એમ કહેવાયું હતું. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો