ઉત્સવ

નોલો કોન્તેન્દેરે

ટૂંકી વાર્તા -મધુ રાય

વાર્તા એટલે વીજળીનો કરન્ટ, યુ ફોલો? કોર્ટ બેઇલિફને ખબર હતી કે લીલી સાડીવાળી છોકરી સોનાલી બેગમ તે રફીકની મિસિસ હતી, ડોટર નહીં, પણ તેણે કટાક્ષથી કહ્યું કે તું ને તારી ડોટર અને તારી ગ્રાન્ડડોટર બહાર આવો.

સિટી મ્યુનિસિપલ કોર્ટમાં આજે એમડી રફીક નામે કોઈ અપરાધના કેસની સેક્ધડ ડેઇટ હતી. ઘોષાલ બંગાલી કેસીસ ઇન્ટરપ્રિટ કરવા કોર્ટ બોલાવે ત્યારે આવતો. હવે સરકારી વકીલ રફીક સાથે બહાર વરંડામાં ઊભા ઊભા વાત કરશે અને પછી જજ સાહેબ સામે હાલ સુધીનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરશે. ઘોષાલે મનોમન ઇન્ટપ્રિટરનો ટોપો પહેરી એક નજર રફીકની મિસિસ સોનાલી બેગમ તરફ નાખી.

કોર્ટ બેઇલિફે થર્ડ વર્ડ મુસ્લિમ ક્ધટ્રીની રિબાતી નારીની પોસ્ટર ગર્લ સોનાલી બેગમને તથા તેની બાળકીને એક બેન્ચ ઉપર બેસાડ્યા, બેઇલિફે એમડી રફીકને સરકારી વકીલ સાહેબની રાહ જોવા કહ્યું. ઘોષાલે રફીકને બંગાળીમાં સમજાવ્યું કે સરકારી વકીલ સાહેબ હવે તમારી સાથે કેસ વિશે વાત કરશે.

રફીકે ઘોષાલનો હાથ પકડી પૂછ્યું, દાદા, કેટલા વાગ્યા?

દસને પાંચ! ને રફીકે પોતાની પત્ની પાસે જઈ તેની દવાઓ લીધી, પાણીનો ઘૂંટડો ભર્યો, ઘોષાલે રફીકની નાની બેબીને દૂરથી રમાડવાનો ચાળો કર્યો.

અહીં ઇન્ટરપ્રિટર ઘોષાલે ઇન્ટરપ્રિટરની ટોપી ઉતારી વાર્તાલેખકનો ટોપો પહેરી લીધો કેમકે વાર્તા એટલે વીજળીનો કરન્ટ. તેને મીડિયમ ખપે. પછી મગજની નોટબુકમાં નોંધ કરી, કે રફીક સહેજ બાઘો લાગતો હતો. આ બાવીસ ત્રેવીસની છોકરી તેની બીજીવારની વાઇફ હશે, ને પિસ્તાલીસેક વરસનો બંગલાદેશી માણસ રફીક અમેરિકામાં ગ્રોસરી ક્લાર્ક કે વોલમાર્ટ બોલમાર્ટમાં કારકુન હશે, ને શોપલિફ્ટિંગ કે એવી કશીક ભૂલ કરી બેઠો હશે તેથી પકડાયો છે. હવે તેને જેલબેલ થશે કે શી ખબર ડિપોર્ટેશન કે ફાઇન કે વોટેવર! મતલબ કે તેની વીસ બાવીસ વર્ષની કાચી કાકડી જેવી મહેરારુ ઘરમાં એકલી થઈ જશે?

રફીકની પત્નીએ બેન્ચ ઉપર ખાલી જગ્યામાં હાથ ફેરવતાં ઘોષાલને બેસવા જણાવ્યું, ને ઘોષાલે ના પાડી મોં ફેરવી લીધું. જોબ ઉપર કોઈ નમણી ને આકર્ષક નારી પોતાની પાસેની જગ્યા થપથપાવીને ઘોષાલને પોતાની પાસે બેસવા બોલાવે ત્યારે ઘોષાલ મનોમન અકોક્તિ કરતો, આપણો એક નિયમ છે, યુ નોવ! આ તો જોબ કહેવાય, જોબ ઉપર બહુ ડિસિપ્લીન જાળવવી પડે. આમ જોબ સિ-વા-યની કોઈ નમણી નારી પાસેની જગ્યા થપથપાવે તો ઘોષાલ બેસેય ખરો. તેને સોનાલી જેવી કાચી કાકડી જેવી નારીનો ગ્રાસ મળે તો બટકે બટકે ચાવીયે જાય.

હટ, બુડબક, તારામાં હિંમત જ ક્યાં છે, જોબ-ટોબનાં બહાનાં, ને તારે કોઈ નિયમ નથી, હલકટ! તું તેની પાસે જતાંય ડરે છે, તને રિજેક્શનની બીક છે, ભોંદૂ! યસ, યસ, ઘોષાલ વાર્તાલેખકનો ટોપો ઉતારી મનોવિશ્ર્લેષકનો ટોપો પહેરે છે, ને તરત અગાઉનો વિચાર ખંખેરે છે, બુડબક, આ વાર્તા ઘોષાલની નથી, ને ઘાઘરી જોઈને ઘેલો ના થઈ જા! હેહેહે, પેલો કોર્ટ બેઇલિફ બી લસર્યો હશે કેમકે તે બી પુરુષ છે, યસ?

ઘોષાલના દસ વરસના ઇન્ટરપ્રિટરના અનુભવમાં બંગાલી કે ઇવન ઇન્ડિયન આરોપીઓ મોટાભાગે ટ્રાફિક -વાયોલેશનમાં પકડાતા કે કશીક સિવિલ બાબતમાં કોર્ટમાં આવતા. ક્રિમિનલ બહુ જૂજ, સિવાય કે શોપલિફ્ટિંગ કે ડોમેસ્ટિક વાયોલન્સમાં… ઓહમાયગોડ! ઘોષાલને તરત ભાન થયું કે રફીકે પત્નીને માર્યું તો નથી ને? રફીક પોતે એકવડો હાંડકાં પાંસળાંવાળો સાડા પાંચેક ફૂટનો માણસ હતો પણ બૈરીને ફટકારવાનો તેનો સ્વાભાવિક હક હોય તેમ કદાચ તેણે… ઓહમાયગોડ… ઘોષાલે જીભ કચરી. સોનાલીના ગાલને જોતાંજોતાં તેની નજર લસરી, ગાલ ઉપરથી ડોક, ખભા, તતતત, તતતત ને તેણે કલ્પના કરી કે બીજે ક્યાં ક્યાં માર્યું હશે? ઘોષાલને તે કલ્પનાઓ લોભામણી લાગી. સોનાલીને મારવાની કલ્પનાઓ, સ્સ્સ્સ્સટોપ!

ઘોષાલે સહેજ ગળું સાફ કરી સોનાલીએ પોતાની પાસે બેન્ચની જગ્યા થપથપથાવેલી તે તરફ નજર કરી અને હિંમત કરીને બેસી ગયો. સોનાલીએ આંખો વડે આભાર માન્યો. જીભ કરતાં આંખો વડે વધુ વાત થઈ શકે, તેમાં સગવડ તે કે સામેની આંખો જે કહે તે ભલે કહે, આપણા દિલને જે માનવું હોય તે માનીએ; નાઇસ તો નાઇસ, કે નાઇ-સર તો નાઇ-સર.
તમે કશેય જોબ કરો છો? ઘોષાલે પૂછવા ખાતર પૂછ્યું. જી, હા. સોનાલીએ વિનયપૂર્વક હા પાડી. ગંજાવર ફ્રેન્ચાઇઝ કોફી શોપમાં લગભગ બધી બંગાલણ બાઈઓની જેમ સોનાલી પણ એઇટ ટુ એઇટ નોકરી કરે છે, ડોનટ કોફી શોપમાં!

અજગર જેવી જુવાની, ને દારૂડિયો બીજવર પતિ, દિવસના બાર-બાર કલાકનું વૈતરું, આગલી વહુની બેબી, અને અમેરિકા!

દાદા, તમે ક્યાં રહો છો? રફીકે પૂછ્યું.

આપણાથી અંદરોઅંદર વાતો ન કરાય,

કેમ? રફીકે અચંબાથી પૂછ્યું. વાતો કેમ ના થાય? અને તરત ઘોષાલને ખ્યાલ આવ્યો કે પોતે તો સામેથી હમણાં લબલબ કરતો સોનાલી સાથે ગપાટા મારતો હતો તેથી રફીક પૂછે છે કે તો પછી આપણાથી વાત કેમ ન થાય. ઘોષાલે મનોમન બચાવ ઊભો કરી લીધો, સોનાલી કાંઈ ક્લાયન્ટ નથી, ક્લાયન્ટ રફીક છે, સોનાલી સાથે વાત કરવાનો વાંધો નહીં (સફેદ જૂઠ) રફીક સાથે લટરપટર ન થાય (હાફ જૂઠ.)

વાતો કરીએ તો આ લોકો માને અથવા સામેવાળાનો વકીલ માને કે હું તમારી સાથે મૈત્રી કરીને તમારી ફેવર કરું છું. પણ ફેવર તો કરીશ, ડોન્ટ વરી. ઘોષાલે કાવતરાખોરની અદાથી રફીકને જણાવ્યું. મનોવિશ્ર્લેષકનો ટોપો પહેરીને ઘોષાલે વિચાર્યું, રફીક સાથે ઘરોબો બાંધવાનો એક લૂલો પ્રયત્ન. બિકોઝ રફીક સાથે સારાસારી વિલ લીડ ટુઉઉઉ? સોનાલી સાથે સારાસારી. મનોવિશ્ર્લેષકના ટોપા નીચેથી ઘોષાલે વિચાર્યું કે તે કારણ વિના મનમાં ને મનમાં બહુ લાંબીચૌડી પંચાત કરે છે. ઘણા લોકો સ્ત્રીઓની હાજરીમાં બહુ બોલકા બની જાય છે, એવો બુડબક ઘણા લોકો ઘોષાલ પોતે હતો, સ્સ્સ્સ્સ્સ્સ્ટોપ!
આખરે સરકારી વકીલ આવ્યા, તરત રફીકને પૂછ્યું, તમે એમડી રફીક?

રફીકે ડોકું હલાવ્યું. વકીલે અકળાઈને પૂછ્યું, આ એમડી રફીક? એમડી એટલે શું? તું ડાક્ટર છે? રફીક ગૂંચવાયો, ઘોષાલે સ્પષ્ટતા કરી કે આ મહમ્મદ રફીક છે, અને મહમ્મદનું ટૂંકું એમડી. વકીલે આ વાત સાવ સ્ટુપિડ હોય તેમ ફિટકાર દર્શાવ્યો. ઓકે ડાક્ટર સાહેબ, વકીલે ઠઠ્ઠો કરતાં કહ્યું, હજી દારૂ પીઓ છો?

જી, નહીં.

છેલ્લે ક્યારે પીધેલો?

વન વીક! રફીકે એક આંગળી ઊંચી કરીને સમજાવ્યું. વન વીક કોમ્પલીટ. આહહા, ઘોષાલને તાળો મળ્યો. ઘોષાલ દારૂના વ્યસનમાં પોતાનો પગાર વાપરી નાખે છે. ભાડું ભરાતું નથી. મકાન માલિકે કેસ કર્યો છે. વોટ્ટ? મકાન માલિક તો હાજર નથી!

ગુડ, ગુડ. થેરેપી લેવા જાઓ છો? રફીકે ઘોષાલ સામે જોયું. તેની રજા સાથે રફીકે સમજાવ્યું કે ગયા હિયરિંગમાં જજ સાહેબે થેરેપીને બદલે મોસ્જિદમાં ઇમામ પાસે ધાર્મિક ઉપદેશ લેવા ભલામણ કરેલી, કેમકે બંગાલી થેરેપિસ્ટ અહીં બર્નમ સિટીમાં મળવો કઠણ હતો.

ઓ, વકીલે રફીકની પત્નીને જોતાંજોતાં ઘોષાલને પૂછ્યું, વાઇફ વિટનેસ થશે? ઘોષાલે સોનાલીને પૂછ્યું, તમારો વર ઇમામ પાસે જાય છે? સોનાલીએ હા પાડી. વીકમાં કેટલી વાર? ત્રણ વાર.
રફીકે મસ્જિદના લેટરહેડ ઉપર હાથેથી લખેલું સર્ટિફિકેટ બતાવ્યું, ત્રણ વાર જાય છે.

કેટલા દિવસથી વાઇફ ઉપર હાથ ઉગામ્યો નથી?

શાંતિ! કોઈ બોલતું નથી. સોનાલીની આંખમાંથી આંસુડાં પડે છે, ડસક, ડસક. સોનાલી ટિશ્યૂ પેપરથી આંસુ લૂછે છે. ફરિયાદી મકાનમાલિક નથી. ફરિયાદી સો-ના-લી છે. મારો વર મને દારૂ પીને મારે છે. પહેલી સુનાવણીમાં જજ સાહેબે હુકમ કરેલો કે દારૂ બંધ, ને બે મહિના થેરેપી લો તો ઘરમાં રહેવા દેશે નહીંતર ઘરની બહાર.

વકીલે ફરીથી સોનાલીને પૂછ્યું, કેટલા દિવસથી તારી ઉપર હાથ ઉગામ્યો નથી?

ઘોષાલે નોંધ્યું કે વકીલ સાહેબ સોનાલીની પીઠે આશ્ર્વાસનનો હાથ મૂકવા ધારે છે, ને હજી બેત્રણ સવાલ પૂછ્યા પછી મૂકશે યે ખરા. વકીલ સાહેબ બી પુરુષ છે.

સોનાલી કાંઈ બોલી નહીં. રફીક કાંઈ બોલ્યો નહીં. વકીલે તેમની નાની બેબીને રમતરમતમાં પૂછ્યું, તારો બાપ તારી માને મારે છે?

બેબી રડવા લાગી. સોનાલીએ તેને શાંત કરી. ચાલો કોર્ટમાં. બધાં અંદર ગયાં. રફીકનો કેસ આવ્યો. સરકારી વકીલ સાહેબે રજૂઆત કરી કે આરોપી મસ્જિદમાં ઉપદેશ લેવા જાય છે, ને એક મહિનાથી પત્ની ઉપર હાથ ઉપાડ્યો નથી. જજ સાહેબે યોગ્ય સવાલો પૂછી એક મહિના પછી પાછા આવવા ડેઇટ આપી. એ મહિનામાં રફીક દારૂ ના પીએ ને પત્નીને ન કનડે તો જજ સાહેબ થોડો ફાઇન કરી તેને જવા દેશે. બેબીના સતત રડવાના અવાજમાં જજ સાહેબનું ફરમાન સંભળાતું નહોતું, પણ આ રૂટિનની ઘોષાલને ખબર હતી અને તેણે ફરમાનનું અક્ષરશ: બંગાળી કરી ઘોષાલને સમાજવ્યું કે દારૂ બંધ એટલે સદંતર બંધ, ને હાથ ઉગામ્યો છે તો પોલીસ રફીકને ઘરની બહાર કાઢી મૂકશે અને તેણે કોઈ ફ્રેન્ડને ત્યાં કે કોઈ હોટલમાં રહેવા જવું પડશે. અને તેનું તે જ બિહેવિયર ચાલુ રહે તો સેપરેશન, અને ડિવોર્સ, ડિવોર્સ, ડિવોર્સ.

ઓક્કે. આવતા મહિને ફરી કોર્ટમાં આવવાનું થશે, અને જજસાહેબને ફાઇનલ રિપોર્ટ આપવાનું થશે. ઓક્કે, વકીલ, સોનાલી, બાળકી, રફીક અને ઘોષાલ બધા કોર્ટની બહાર આવ્યા. ચાલો, ગુડલક, કહીને સરકારી વકીલ સાહેબે પિતૃભાવે સોનાલીની પીઠે હાથ થપથપાવ્યો. સોનાલીએ આંખો વડે આભાર દર્શાવ્યો. સતત રડતી બેબીને તેડી લીધી.
રફીકે ઘોષાલનો હાથ ખેંચી પૂછ્યું, તમે મોટરકારમાં આવ્યા છો?
ના, કાર નથી મારે, ઘોષાલે કહ્યું.
ઓહ.
ચાલો, તબિયતનું ધ્યાન રાખજો, દારૂથી દૂર રહેજો. આવજો. ઘોષાલે હાથ ઊંચો કરી બંગાલી પરિવારને બાય બાય કર્યું. ઘોષાલને લાગ્યું કે રફીક તેને જવા દેવા માગતો નથી, કાંઈ કહેવા માગે છે. નો, નો, નો! ક્લાયન્ટ લોકો ઇન્ટરપ્રિટર પોતાની ભાષા બોલે એટલે પોતાની વકીલાત પણ કરશે એવું ધારી લેતા હોય છે. પણ આપણે નિષ્પક્ષ રહેવાનું. ઘોષાલે મનોમન જાતને શાબાસી આપી.

સોનાલીએ સૌજન્યથી હાથ ઊંચો કર્યો. ઘોષાલને વહેમ ગયો કે તેના હોઠ પણ થથર્યા. કાંઈક કહેવા માગે છે? કે એકદમ ઉત્તેજિત થઈને કિસ્સનો સંકેત આપે છે. અહ હ! બેબી રડ રડ કરે છે ને અચાનક સોનાલી અણધાર્યા ઝનૂનથી બેબીને તમાચો મારી દે છે. ડઘાઈને બેબી સજ્જડ ચૂપકીદીમાં ગરકાવ થઈ જાય છે.

દાદા, રફીકે ફરી ઘોષાલનો હાથ પકડ્યો. મારા ઘરે ચાલો ને, ચા કોફી કાંઈ? ઘોષાલને લાલચ થાય છે, ઓકે, સોનાલીની આડકતરી સંગતના વિચારે તે ભીનોભીનો થાય છે પણ નો નો નો! કેસ હજી ચાલુ છે, ને મી-ટૂના આ સમયમાં કોને ખબર કોણ ક્યારે વકરે ને નાહક —
ઘોષાલે રફીકના વાંસે આશ્ર્વાસનનો હાથ ફેરવતાં જણાવ્યું કે કેસ પતે પછી જરૂર આવીશ. ઘોષાલનો હાથ અડકતાં જાણે રફીકને કરન્ટ વાગ્યો હોય તેમ તેણે બદન હટાડી લીધું. ના, ના, ખાલી ખાલી વિવેક નથી કરતો, હું ભાત સાથે માછેર ઝોલનું ભોજન જમીશ. તેણે કહ્યું. પછી ઘણા લોકોની જેમ વિચાર્યું કે સોનાલી તેને ભાત પીરસવા નીચી નમશે ત્યારે– સ્સ્સ્સ્સ્ટોપ!

અબોશ્યો, અબોશ્યો. રફીક કહે છે, કાતર નજરે ઘોષાલને જતો જુએ છે, બંગાલી પરિવાર આ તરફ બસ સ્ટોપ પાસે ઊભો રહે છે, ઘોષાલ આ તરફ ઊબર બોલાવવા ફોનમાં નોંકઝોંક કરે છે. બંગાલીઓ બસમાં ચડી જાય છે, ને બસ જાય છે.
વાર્તા એટલે વીજળીનો કરન્ટ, તેને મીડિયમ જોઈએ. સોનાલીની હાજરી નથી તેથી ઘોષાલ ફરીથી નોર્મલ બની જાય છે, યસ, યસ, ઇન્ટરપ્રિટરનો ટોપો ઉતારી, મનોવિશ્ર્લેષકની ચુંગીનો ઘા કરી ઘોષાલ વિચારે છે કે માત્ર હાજરીથી પોતે આટલો ઘેલો થઈ જાય છે ને કોર્ટ બેઇલિફ લહેરમાં આવી જાય છે ને સરકારી વકીલ પાણી પાણી થઈ જાય છે, તો રોજ રાત્રે પોતાના પડખાંમાં સોનાલી સૂતી હશે ત્યારે રફીક હરામખોર તો સાતમા આસમાને જતો હશે—-સ્સ્સ્ટોપ!

પિસ્તાલીસ વરસનો સુકલકડી બંગાલી દારૂ પીને પોતાની બીજીવારની બેગમને ફટકારે છે? કુદરતનો કેવો વ્યભિચાર! ઊબર ટેક્સી આવતાં ઘોષાલ અંદર બેસવા જાય ત્યાં કોઈ ટેક્સીની અંદરથી વાર્તાકાર ઘોષાલનું પહેરણ ખેંચે છે?

અરે? આ તો રફીક છે, ને એકલો રફીક છે? ઘોષાલ તાજ્જુબીથી પોતાના માથે હાથ ફેરવે છે તો તેની વાર્તાકારનો ટોપો પોતાના માથે નથી, તે ટોપો રફીકના માથે ગોઠવાઈ ગયો છે! વાર્તા એટલે વીજળીનો કરન્ટ, તેને મીડિયમ ખપે, ને વાર્તા જ્યારે તદ્દન ખોટા પાટે જાય ત્યારે વાર્તાકાર કોઈ બી રૂપમાં દેખા દે છે.

જી! વાર્તાકારના અવતારમાં ભગવાનને ઘોષાલ જોઈ રહે છે. આરોપી રફીક પહેરણ ઊંચું કરીને પોતાનો વાંસો બતાવે છે, તેની ઉપર ફટકા માર્યા હોય તેવા સોળ છે. રફીક કહે છે, મેં જિંદગીમાં દારૂપીધો નથી, રફીક કહે છે. હું મુસલમાન છું, શરાબ હરામ છે.

તો પછી આ કેસ શાનો છે?

સોનાલી ને કોફીશોપનો મેનેજર બંને મારા ઘરમાં બાંધીને મને મારે છે! હું દારૂ પીને સોનાલીને મારું છું એવો ખોટો આરોપ મૂકી ડિવોર્સ લેવા માગે છે. બંગલા દેશમાં મારું ઘર છે, ખેતર છે, ને અહીંયા મારું પેન્શન છે, તેની ઉપર બેયની નજર છે.

ઘોષાલ રફીકને તાકી રહે છે. પૂછવાની જરૂર નથી કે રફીક શા માટે પોતાનો બચાવ કરતો નથી? છી: પુરુષ થઈને ભરી અદાલમાં કબૂલ કરે? કે તેની જોરૂ તેને મારે છે? પાગલ છે શું?
રફીક વાર્તાકારનો ટોપો ઘોષાલના માથે પરત કરે છે. ઘોષાલ વાર્તાકારના પાવરથી એક મહિના પછીનું કોર્ટ હિયરિંગ આજે ભજવાતું જુએ છે. જજસાહેબ સોનાલી બેગમને પૂછે છે, હજી રફીક તમને મારે છે?

જવાબમાં ડસક, ડસક. સરકારી વકીલ જજ સાહેબને જણાવે છે કે રફીક ઉપર વધારાનો આરોપ છે, તેણે સોનાલી બેગમને ડામ દીધા છે! વકીલ સાહેબ નાટકીય રીતે સોનાલીનો હાથ પકડી ડામ દર્શાવે છે, પછી સોરી યોર ઓનર કહી પોતાનો હાથ ઝટકાથી પાછો ખેંચે છે.

હાવ ડૂ યુ પ્લીડ? જજ સાહેબ પૂછે છે. ગિલ્ટી કે નોટ ગિલ્ટી?

પબ્લિક ડિફેન્ડરની સલાહ મુજબ રફીક જવાબ આપે છે,

નોલો કોન્તેન્દેરે. યાને હા પણ નહીં, ના પણ નહીં, ને નો કોન્ટેસ્ટ.

અને રફીકને એક મહિનાની જેલ થાય છે. રડતી દીકરીનો હાથ છોડાવી કોર્ટના સિપાઈ રફીકને હાથકડી પહેરાવી અંદર લઈ જાય છે. બેબી જોરજોરથી રડે છે. કોર્ટમાં કોફી શોપનો મેનેજર હાજર છે. તે આંસુભીની સોનાલીને તથા બેબીને પોતાની કારમાં બેસારી ઘરે લઈ જવા તૈયાર છે. રફીકને પકડીને સિપાઈઓ લઈ જાય છે. રફીક છેવટ સુધી સોનાલીને જોયા કરે છે.

ફરી ઘોષાલની ઊબર ટેક્સી આવે છે. ઘોષાલની નજર ડ્રાઇવર તરફ જાય છે: ડ્રાઇવર રફીકની બેબી છે!. ઓહ યસ, આ વખતે વાર્તાકારનો ટોપો બેબીએ પહેર્યો છે!
આબાર કિ? વળી પાછું શું બાકી છે? ઘોષાલ પૂછે છે. વાર્તાનું એવું છે ને, કે વાર્તા એટલે સપોઝ વીજળીનો કરન્ટ! તેને વહેવા માટે મીડિયમ ખપે.

ઓકે, તો?
હવે ધીમે ધીમે સોનાલીને ડિવોર્સ,એલિમોની ચાઇલ્ડ સપોર્ટ મળશે.

બસ?

નો નો નો નો! વાર્તાકાર ઘોષાલને આંખ મારે છે. સોનાલી બેગમ સમય જોઈને ડોનટ કોફી શોપના મેનેજર ઉપર સેક્સુઅલ હરાસમેન્ટનો કેસ કરશે. કંપની પાસેથી ફિફ્ટી થાઉઝન્ડ ડૉલર્સનો દરમાયો મેળવશે.

ઓહ, ટેક્સીમાં કોઈ નથી. બસ વાર્તા પૂરી.

સમાપ્ત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button