ઉત્સવ

નવા વર્ષે નવા ફોન

ટેકનોલૉજી કા ઝમાના આ ગયા

ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ

વિક્રમ સંવત ૨૦૭૯ પૂર્ણ થયું અને ૨૦૮૦ની શરૂઆત થઈ. ગયા વર્ષમાં આમ તો ઘણા એવા પરિવર્તન અને ઊતાર ચઢાવ જોવા મળ્યા. પણ રાજનીતિ અને ટેકનોલૉજીની દુનિયામાં ક્યારે શું થાય એ કોઈ દાવા સાથે ન કહી શકે. છતાં કંપનીઓના જુદા જુદા આવિષ્કારો અને અપડેટમાંથી એટલું જાણી શકાયું છે કે, આવનારૂ વર્ષ ટેકનોલૉજીની ભરમારથી ભરપૂર રહેવાનું છે. સોશિયલ મીડિયામાં વધુ કોઈ પાસુ ઉમેરાશે તો નવા ડિવાઈસ યુવાનોને આકર્ષવામાં સફળ રહેશે. કેમેરા અને સ્માર્ટ ફોન ટેકનોલોજીમાં વધુ કોઈ ઊંચાઈ સિદ્ધ થાય, એમાં કંપની સફળ થાય એવા એંધાણ છે, કારણ કે નવા નવા સ્માર્ટફોનની જાહેરાત પરથી એટલું કહી શકાય છે કે, હવે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ની દુનિયા ખૂબ જ ઢૂકડી છે. હવે આવા માહોલમાં કોઈ ફોન લેવાનો પ્લાન હોય તો લેટ્સ સ્ટાર્ટ અ ટેક જર્ની, જેમાં એક ડિવાઈસની સાથે ફીચરની જાણકારી પણ મળી રહેશે. હવે એન્ડ ટાઈમ પર કંપની કોઈ નિર્ણય લઈને આમાં ફેરફાર કરે કહેવાય નહીં, પણ એક વાત એ નક્કી છે કે, ટેકનોલોજીની દુનિયામાં કંઈક નવું થઈ રહ્યું છે.

આવનારા ફોનમાં ઘણા નાના પણ મોટા પરિણામ આપતા ઈનોવેશનને સ્થાન આપવામાં આવ્યું છે. ટેક કંપનીઓએ વિદેશમાં જાહેર કરેલા એક રીપોર્ટ અનુસાર સૌથી મોટું અપડેટ ફોટો ફિચર્સમાં આવવાનું છે. ઈમોજી અને સ્ટિકરથી દુનિયાથી અલગ કોઈ પાસુ હશે એને કંપની રોલ આઉટ કરી શકે છે. જોકે, વિક્રમ સંવત ૨૦૭૯ના વર્ષમાં વોટ્સઍપ કંપનીએ ચેનલ ફીચર એડ કર્યું તો ઈન્સ્ટાગ્રામમાં આઈજીટીવીના બદલે રીલ્સ આવી. લાઈવ બ્રોડકાસ્ટ શરૂ કરાયું. આ નવા વર્ષે Samsung Galaxy Z Flip 5, Z Fold 5, iPhone 15 Series, Nothing Phone ૨ જેવા ફોન માર્કેટમાં એન્ટ્રી લેશે. જોકે, સેમસંગ અને આઈફોન વચ્ચે છુપી રીતે એક રેસ ચાલી રહી છે. ખાસ કરીને આપણા દેશમાં આઈફોનને એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. એવા માહોલમાં એપલ કંપની પોતાના નવા ફોનમાં હરીફોને હંફાવવા તૈયાર છે, પણ એમાં જો કંપનીએ કોઈ ચેટબોટ કે એપ્લિકેશન કંપની સાથે કરાર કરી લીધા તો એવું ફિચર આવશે કે જે તે ફોનની મોનોપોલી ઊભી થઈ જશે.દિવાળીની રોશનીની જેમ ટેકનોલોજીમાં ફ્લેશલાઈટ એવી પડવાની છે કે, કાયમી ધોરણે એ ટ્રેન્ડસેટ કરીને માઈલસ્ટોન ઊભો કરી શકે. લેટ્સ સી.

ન્યૂ જનરેશન ફોનને ભારતમાં તૈયાર કરવાની વાતો ચાલી રહી છે એવા માહોલમાં ગૂગલ કંપની પણ પોતાનો નવો ફોન પિક્સલ ૮ લોંચ કરશે. એડવાન્સ ફીચર, થ્રીડી ઈમેજ અને એકદમ અનોખી ચીપસેટ સાથે આ ફોન માર્કેટમાં આવશે. જોકે, આ ફોનની જાહેરાત શરૂ થઈ ચૂકી છે, જેમાં ફોટો પર લાઈવ એડિટિંગનો ઓપ્શન આપવામાં આવ્યો છે. એવામાં જો કંપનીએ ભારતમાં ચિપ બનાવવાનું ચાલું કર્યુ તો સો ટકા આઈટી ઈન્ડસ્ટ્રીમાં એક મોટો ફેરફાર આવશે. એપ્લિકેશનને બેઝ બધુ થતું જાય છે એવા સમયે આવી ટેકજાયન્ટ કંપનીઓ કંઈક એવું કરશે કે ભારતમાં એનું માર્કેટ મોટું થાય. મોસ્ટ અવેઈટેડ સ્માર્ટ ફોન ગેલેક્સી એસ૨૩ નવા વર્ષે માર્કેટમાં આવી શકે છે. સેમસંગ કંપનીનો અત્યાર સુધી સૌથી બેસ્ટ ફોન આને માનવામાં આવે છે. જોકે, ફિચર અંગે કંપનીએ સારી એવી ગુપ્તતા જાળવી રાખી છે. કલર્સ અને મોડલ્સની દુનિયામાં એક સરખા ફીચર્સ હોવા છતા સેમસંગે કેમેરા ફોનમાં વેરિએશન મૂકીને માર્કેટ કવર કરી લીધી છે. વોઈસ નોટ અને સેન્સર ફિચરને બાદ કરતા કોઈ વિઝ્યુઅલ પ્રોસેસમાં નવીનતા જોવા મળી શકે છે. એક વાત તો નક્કી છે કે, આ નવા ફોન આવતા જાણે આખ સામે અવકાશ ઉઘાડ્યું હોય એવો ભાવ જોવા મળશે. ભલે એપ્લિકેશનની દુનિયા રંગીલી છે પણ ફોન એનું સૌરમંડળ છે એમ કહેવામાં કંઈ ખોટું નથી.

સેમસંગ અને ગૂગલ જેવી કંપની માર્કેટ હોય તો માઈક્રોસોફ્ટ થોડી પાછળ રહી જાય. આ કંપનીએ પણ પોતાનું નસીબ અજમાવવા માટે માર્કેટમાં એન્ટ્રી લેવા ફોનના બેનર નીચે તૈયારીઓ કરી લીધી છે. પણ એક જાણકારી ખાતર જ્યારે ગૂગલનું પ્લાનિંગ ફોનની દુનિયામાં એન્ટ્રી કરવાનું ન હતું એ સમયે માઈક્રોસોફ્ટે એક ઑપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી લીધી હતી, જેને ફોનમાં પ્લે કરી શકાય. એ પણ સારી એવી પોર્ટેબિલિટી સાથે. પણ હવે ફોનની દુનિયામાંથી ડોકિયું કરીને દ્વાર બનાવવાના એજન્ડામાં કંપની છે. આ ફોન સેમસંગના ગેલેક્સીની ફીચરને ટક્કર આપી શકે છે. નોંધીને રાખવા જેવી વાત છે કે, અમેરિકા જેવા દેશમાં કંપનીને મોટી પછડાટ ફોને જ આપી છે. હવે જ્યાં ભારત જેવા દેશમાં પાગલની જેમ મોબાઈલ વાપરનારા છે એમાં પણ ઈઝીનેસનું મોકળું મેદાન છે ત્યાં જો કંપનીમાં આ બે મુદ્દા સિવાય કંઈ નવું કરવા જશે તો ફરી ધોબી પછડાટ ખાશે એ નક્કી છે, કારણ કે આપણા દેશમાં હજુ પણ ૩૦ ટકા લોકો એવા છે જેને કોમ્પ્યુટર સાથે માંડ મેળ આવે છે.
૧૫મી એડિશન લોંચ થાય બાદ હવે ૧૬મી એડિશનની રાહ જોવાઈ રહી છે, પણ નવું શું આવશે એના પર સૌની નજર છે. અત્યાર સુધી જુદી જુદી કંપનીઓએ માર્કેટમાં એક સસ્પેન્સ ઊભું કરીને થોડા ઘણા એંધાણ આપી દીધા હતા. પણ એપલ કંપનીએ હજું સુધી એક ઝલક પણ દેખાડી નથી. બની શકે છે કે, મુંબઈમાં શરૂ થયેલા નવા સ્ટોરમાંથી તે કોઈ નવી અપડેટ આપી દે. આમ તો આ ફોન એક ચોક્કસ વર્ગ પૂરતો લિમિડેટ છે. પણ કંપની પોતાના ફોન સિવાયનું ફ્યૂચર વિચારે છે તો નક્કી એનું માર્કેટ આપણા દેશમાં બની જશે, કારણ કે આપણે ત્યાં મોબાઈલ ફોન કરતા એસેસરીને કસ્ટમાઈઝ કરીને ફેશન અને અટ્રેક્શનને પ્રેમ કરનારા વધારે છે. મોબાઈલ ભલે માંડ દસ હજારનો હોય પણ કવર અને રિંગટોન તો આઈફોન જેવી હોય. એટલે ફોન વાપરી ન શકનારા એસેસરીઝ વાપરશે તો કંપનીના મુંબઈમાં ભાડા ના નીકળે એ વાત નક્કી.
આઉટ ઑફ ધ બોક્સ
નવા વર્ષે આમ તો સર્વત્ર બધુ જ નવું હોય છે આપણે એક જ જૂના હોઈએ છે. ખુદને નવા કરવા માટે વિચારોને નવા કરીએ. નવા વિચારને સ્વીકારીએ, સમજીએ અને સારા લાગે તો જીવનમાં પણ અપનાવીએ. હેપ્પી ન્યૂ યર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button