નવી સંસદ: આધુનિક ને અદ્ભુત
સંસદના વિશેષ સત્રના એજન્ડાની અટકળો વચ્ચે લોકશાહી માટે નવું વિશાળ મંદિર
કવર સ્ટોરી -વિજય વ્યાસ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૧૮ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર એમ પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું એ પછી શા માટે આ વિશેષ સત્ર બોલાવાયું એ મુદ્દે જાત જાતની અટકળો ચાલી હતી. કોઈએ કહેલું કે, ‘વન નેશન, વન ઈલેક્શન’નો ખરડો પસાર કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે તો કોઈનો દાવો હતો કે, સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું તેનું કારણ દેશના નામમાંથી ઈન્ડિયા કાઢીને માત્ર ભારત રાખવાનો બંધારણીય સુધારો કરવાની ક્વાયત છે. કોઈએ વળી લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો ઐતિહાસિક કાયદો બનાવવા સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હોવાનો દાવો કરેલો તો કોઈએ વળી કોઈ નવી ઐતિહાસિક જાહેરાત કરાશે એવી વાતો પણ વહેતી કરેલી.
મોદી સરકારે આ બધી અટકળોને અત્યારે તો ખોટી સાબિત કરીને સંસદના વિશેષ સત્ર માટેનો એજન્ડા જાહેર કર્યો છે. રાજ્યસભા દ્વારા જાહેર કરાયેલા સંસદીય બુલેટિનમાં અપાયેલા પ્રમાણે, આ વિશેષ સત્ર સંસદમાં ચાર બિલ રજૂ કરવામાં આવશે કે જેમાંથી બે બિલ રાજ્યસભામાં પહેલાં જ પસાર થઈ ચૂક્યાં છે.
સત્રના પહેલા દિવસે એટલે કે ૧૮ સપ્ટેમ્બરે રાજ્યસભામાં ભારતીય સંસદની ૭૫ વર્ષની સિદ્ધિઓ, અનુભવો, યાદો પર ચર્ચા થશે. તેના એક દિવસ પહેલાં એટલે કે ૧૭ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી નવા સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ૧૭ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને વિશ્ર્વકર્મા જયંતી હોવાથી નવા સંસદ ભવનના નિર્માણમાં યોગદાન આપનારા કારીગરોને સન્માન પણ આપી દેવાશે અને મોદીનો જન્મદિવસ પણ યાદગાર બની જશે.
મોદી ૧૭ સપ્ટેમ્બરે નવા સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છે તેના કારણે એવી અટકળો શરૂ થઈ છે કે, સંસદના વિશેષ સત્રના પહેલા દિવસે જૂની સંસદમાં સંસદની ૭૫ વર્ષની સફરની સ્મૃતિઓ વાગોળ્યા પછી બીજા દિવસથી નવી સંસદમાં કામકાજ શરૂ થશે. ભારતના ફ્લેગ કોડ મુજબ કોઈપણ સરકારી ઈમારતનો ઉપયોગ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી જ કરી શકાય છે. આ કારણે નવા સંસદ ભવનમાં હજુ કામકાજની શરૂઆત કરવાનું બાકી છે પણ મોદી વિશેષ સત્રના એક દિવસ પહેલાં રાષ્ટ્રધ્વજ ફરકાવી દે પછી ૧૯ સપ્ટેમ્બરથી નવી સંસદમાં કામકાજ શરૂ કરી શકાશે.
સંસદના વિશેષ સત્રમાં જે બિલ રજૂ થવાના છે તે પૈકી પોસ્ટ ઓફિસ બિલ ૨૦૨૩ તેમજ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત બિલ છે. આ બંને બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૩ અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પિરિયોડિકલ બિલ ૨૦૨૩ લોકસભામાં રજૂ કરાશે. આ બંને બિલો ૩ ઓગસ્ટે સંસદના ચોમાસુ સત્રમાં રાજ્યસભાએ પસાર કર્યાં પછી ૪ ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા પણ મણિપુર મુદ્દે વિપક્ષોએ કરેલા હોબાળાને કારણે આ બિલો પસાર થઈ શક્યાં ન હતાં.
આ ચાર બિલમાંથી ચૂંટણી કમિશ્ર્નરોની નિમણૂકને લગતું બિલ વિવાદાસ્પદ છે જ્યારે બાકીનાં બિલ સામાન્ય છે તેથી તેમના વિશે વાત કરવાનો મતલબ નથી પણ નવી સંસદમાં કામકાજ શરૂ થાય એ ઘટના ઐતિહાસિક છે તેથી તેના વિશે વાત કરવી જરૂરી છે. નવી સંસદમા પ્રવેશ સાથે ભારતીય સંસદના ઈતિહાસમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થશે.
ઘણાંને નવા સંસદ ભવનના નિર્માણ સામે વાંધો છે. નવા સંસદ ભવનના નિર્માણ પાછળ લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. આ વાંકદેખાઓની દલીલ છે કે, આપણી પાસે ભવ્ય સંસદ ભવન પહેલેથી છે જ તો પછી આવો નકામો ધુમાડો કરવાની શું જરૂર હતી ? આ દલીલ કરનારાંમાં બુદ્ધિનો અભાવ છે. તેમને એ જ નથી સમજાતું કે સો વર્ષ પહેલાં બનાવેલા સંસદ ભવનમાં નવા જમાનાની સંસદની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા નથી.
હાલનું સંસદ ભવન અંગ્રેજોએ બનાવ્યું હતું. આ સંસદભવન લગભગ ૧૦૦ વર્ષ જૂનું છે. ભારતની વર્તમાન સંસદ ૧૯૨૭માં બની હતીને તેને બનાવતાં છ વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આઝાદી પહેલાં ધારાસભા તરીકે કામ કરતી સંસદમાં આઝાદી પછી રાજ્યસભા અને લોકસભા એ બે ગૃહની કામગીરી શરૂ થઈ. ઘણાં તેને અંગ્રેજ શાસનની ગુલામીનું પ્રતીક ગણાવે છે તેથી તેને છોડીને નવી સંસદ જરૂરી હોવાની વાતો કરે છે.
વાસ્તવમાં એવું તો ના કહી શકાય કેમ કે અંગ્રેજોએ આ સંસદ ભવન આ દેશનાં લોકો પાસેથી નાણાં લઈને જ બનાવેલું તેથી તેના પર દેશનો અધિકાર છે જ પણ આ સંસદભવન નાનું છે અને હાલના સંસદભવનમાં સાંસદો માટેની બેઠક વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં નથી. ભવિષ્યની જરૂરિયાતોને સંતોષી શકાય એટલી બેઠકો પણ સંસદમાં નથી તેથી નવું સંસદ ભવન જરૂરી છે.
નવું સંસદ ભવન ભારત સરકારના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોગ્રામમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે નવું નિવાસસ્થાન, કર્તવ્ય પથનું નવી કરણ, વડા પ્રધાન માટે નવું ઘર અને ઓફિસ સહિતનું ઘણું બધું છે. એ બધાની વાત કરી શકાય તેમ નથી પણ નવા સંસદ ભવનની ખાસિયતો વિશે જાણવું જોઈએ.
હાલ લોકસભામાં બેઠકોની સંખ્યા ૫૪૫ છે. ૧૯૭૧ની વસતીગણતરીના આધારે રાજ્યવાર બેઠકોની સંખ્યા નક્કી કરાયેલી ને તેમાં ૫૦ વર્ષથી કોઈ ફેરફાર નથી કરાયો. કાયદા પ્રમાણે ૨૦૨૬ સુધી લોકસભામાં બેઠકોની સંખ્યા ૫૪૫ જ રહેશે પણ એ પછી એટલે કે કદાચ ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં બેઠકોમાં વધારો કરાશે. હાલમાં જ સંસદમાં પૂરતી જગા નથી ત્યારે એ વખતે જે નવા સાંસદો ચૂંટાઈ આવશે તેમના માટે પૂરતી બેઠકવ્યવસ્થા નહીં હોય. આ સાંસદોનો સ્ટાફ, સંસદ સચિવાલયના કર્મચારીઓ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ સ્ટાઇ એમ જાત જાતનો સ્ટાફ મળીને સંસદમાં હજારોની સંખ્યામાં સાંસદો સિવાયના કર્મચારીઓ પણ કામ કરે છે. તેમને સમાવવા માટે પણ પૂરતી જગા નથી તેથી નવી સંસદનું નિર્માણ કરાયું છે.
બીજું એ કે, આ સંસદભવનનું જ્યારે નિર્માણ કરાયું ત્યારે ટેકનોલોજીનું પ્રભુત્વ નહોતું. તેના કારણે એર કન્ડિશનિંગ, ફાયર બ્રિગેડ, વાઈ-ફાઈ, સીસીટીવી, ઓડિયો-વીડિયો સિસ્ટમ, ડિફેન્સ ગેજેટ્સ સહિતની કોઈ ટૅકનોલૉજી નહોતી તેથી એ બધું નહોતું. જેમ જેમ નવી ટૅકનોલૉજી આવતી ગઈ તેમ તેમ સંસદભવનમાં આ બધી સુવિધાઓ ઉમેરાતી ગઈ પણ એ માટે વારંવાર તોડફોડ કરવી પડી છે. આ તોડફોડના કારણે સંસદ ભવનમાં ઠેર ઠેર લીલ જામી ગઈ છે. તેના કારણે આગ લાગવાનો ખતરો વધી ગયો છે અને સાંસદોની સુરક્ષા સામે મોટો ખતરો પેદા થયો છે.
બીજું એ કે, જૂની સંસદ ભવનની ઈમારત ભૂકંપપ્રૂફ પણ નથી. લગભગ ૧૦૦ વર્ષ પહેલાં જ્યારે સંસદભવનનું નિર્માણ થયું ત્યારે ભૂકંપપ્રૂફ બિલ્ડિંગ્સનો ક્ધસેપ્ટ જ નહોતો. એ વખતે દિલ્હી પર ભૂકંપનો ખતરો પણ નહોતો. એ વખતે દિલ્હી અર્થક્વેક ઝોન ૨માં ગણાતું હતું પણ અત્યારે અર્થક્વેક ઝોન ૪માં છે તેથી વિનાશક ભૂકંપનો ખતરો વધ્યો છે. આ ખતરાને ટાળવા માટે નવી ઈમારત બનાવવી પડી છે.
જૂના સંસદભવનની આ બધી મર્યાદાઓનો નવી સંસદમાં ઉકેલ લવાયો છે. હાલની લોકસભામાં મહત્તમ ૫૫૨ સભ્યો બેસી શકે છે જ્યારે નવા લોકસભા ભવનમાં ૮૮૮ સાંસદો બેસી શકે છે.જૂના રાજ્યસભા ભવનમાં ૨૫૦ સભ્યો બેસી શકે છે જ્યારે નવા રાજ્યસભા ભવનમાં બેઠક ક્ષમતા વધારીને ૩૮૪ કરી દેવાઈ
છે. નવા સંસદભવનમાં સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક દરમિયાન ૧,૨૭૨ સભ્યો બેસી શકે એવો વિશાળ હોલ પણ બનાવાયો છે. તેના કારણે વરસો સુધી સાંસદોની બેઠક વ્યવસ્થાની તકલીફ નહીં પડે.
નવી સંસદ ૬૪,૫૦૦ ચોરસ મીટરના વિશાળ સંકુલમાં ફેલાયેલી છે. હાલના સંસદભવન કરતાં નવા સંસદભવનનો વિસ્તાર ૧૭ હજાર ચોરસ મીટર વધારે છે ને આ જગાનો ઉપયોગ અનેક નવાં આકર્ષણો, નવી સગવડો ઊભી કરવા કરાયો છે. નવા ભવનમાં તમામ સાંસદો માટે અલગ ઑફિસ હશે. આધુનિક ડિજિટલ સુવિધાઓ ધરાવતી આ ઓફિસો દ્વારા ‘પેપરલેસ વર્ક’ના ઉદ્દેશને પાર પાડવામાં આવશે. નવી ઇમારતમાં એક ભવ્ય કોન્સ્ટિટ્યૂશન હોલ કે બંધારણ ખંડ હશે જેમાં ભારતના લોકશાહીના વારસાને રજૂ કરાશે. ભારતના બંધારણની મૂળ કોપી પણ હશે. બંધારણ ખંડમાં સાંસદો બેસી શકે એ માટે મોટો હોલ, એક લાઇબ્રેરી, સમિતિઓ માટે નવા ઓરડા, ભોજનાલય જેવી સુવિધાઓ હશે. પાર્કિંગ માટે ઘણી જગ્યા હશે અને પાંચ હજારથી વધારે વાહનો પાર્ક કરી શકાશે.
ભારતની નવી સંસદ આર્કિટેક્ચરનો શ્રેષ્ઠ નમૂનો છે તેથી તક મળે તો એક વાર જોવા ચોક્કસ જજો.