ન હારી હૂં, ન હારુંગી કભી
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે
રાજકોટના નાના ગામ મધુપુરમાંથી અમદાવાદ આવેલી મિસ.સોનાલી રાજપૂત ઓ.ટી.પી સિરિયલની ટોચની અભિનેત્રી ગણાય છે. જાણીતા પ્રોડ્યુસરોને પણ સોનાલીની સેક્રેટરી રાખી ચૌધરીએ કહી દીધું છે કે મેડમ ત્રણ વર્ષ સુધી કોઈ નવું કામ લઈ શકે તેમ નથી.
સુખનો સૂરજ સિરિયલમાં મુખ્ય ભૂમિકામાં સોનાલીનું પાત્ર રવિ કપૂર સાથે અત્યંત લોકપ્રિય બની ગયું હતું. પરંપરાગત સમાજમાં રહીને પણ સોનાલી કઈ રીતે અભિનયક્ષેત્રે સફળતાને પંથે આગળ વધી રહી હતી એ જોઈને આ વર્ષનો ગુજરાત સરકાર ફીલ્મસિટીનો બેસ્ટ ફીમેલ એવોર્ડ આપી સરકારે સોનાલીનું ગૌરવ કર્યું.
મધુપુર ગ્રામપંચાયતે પણ સોનાલીનું સન્માન કર્યું. સરપંચે ખાસ કહ્યું કે સોનાલી, તું આપણા ગામનું ગૌરવ છે. તારે મુંબઈ કોઈ મોટી ફિલ્મ કંપનીમાં જવું હોય તો હું મદદ કરીશ. સોનાલી મનોમન વિચારી રહી કે મોટા શહેરોમાં મોટી કંપનીઓમાં કામ કરવાના મોટા જોખમ હોય, તે આ સરપંચ સાહેબ કયાંથી સમજે? એણે મીઠુ સ્મિત આપતા હકારમાં માથું ધુણાવ્યું. બાજુમાં બેઠેલા તેના પિતા રામજીભાઈ ગર્વભેર સરપંચ સાહેબને બે હાથ જોડી મલકાતા હતા. મોઢામાંથી ઉદ્ગાર સર્યા-હા, આ મારી દીકરી છે. લાલ સાડલા પહેરી, પ્રથમ હરોળમાં બેઠેલી સોનાલીની
માતા નીરૂબેન સાડલાનો છેડો માથે ખેંચીને પછી બે હાથે
દીકરીના ઓવારણાં લેતા બોલી- મારી બહુચર મા, સદાય તારું રક્ષણ કરે, બેટા.
સરપંચનો દીકરો મોહિત સોનાલીના રૂપયૌવનને એકીટસે જોઈ રહ્યો હતો.
રાત્રે નવ વાગે જ સરપંચ તેના વંઠેલ દીકરા મોહિત અને ગામના બે આગેવાનો સાથે રામજીભાઈને ઘેર આવી ચઢ્યા.
ઉપલે માળેથી સોનાલી, તેની માતા અને દાદી ઊભા
હતા. તેઓ વિચારમાં પડ્યા,કે આમ અચાનક સરપંચ કેમ આવ્યા હશે?
ભોંયતળિયેના મોટા ખંડમાં બધા બેઠા. મોહિતે સોનાલી સામે મારક નજર નાંખી અને હાથ ઊંચો કરીને હાય સ્વીટી કહ્યું.
સોનાલી નિરુત્તર રહીને અંદરના ખંડમાં જતી રહી.
રામજીભાઈએ કહ્યું- હેઠા આવો, સરપંચજી આવ્યા છે.
ચા-પાણી લાવો. સોનાલીની માતા નિરુબેન અને દાદી
નીચે ગયા.
મોહિતની નજર સોનાલીને શોધી રહી હતી. એણે કહ્યું- બાપા, મૂળ વાત ઉપાડો.
રામજીભાઈ. તમારી દીકરી તો આપણા ગામનું નાક છે. ઠેઠ અમદાવાદ શહેરમાં ભણી, મોટી ફિલ્મ કંપનીમાં કામ કરે તેવી છે. અને સરકારી એવોર્ડ લઈ આવી. સરપંચે હસતા હસતા કહ્યું. સોનાલી કયાં ગઈ એને જોવા જ અમે આવ્યા છીએ.
રામજીભાઈ દિગ્મૂઢ બની ગયા. ત્યાં તો સરપંચે જ હાક મારી સોનાલી, કયાં છે?, અમે તને મળવા આવ્યા છીએ.
સોનાલી, સોનાલી આ સરપંચ સાહેબ તને મળવા માંગે છે. રામજીભાઈએ કહ્યું.
ઉપલે માળેથી દાદરા ઊતરી રહેલી સોનાલીને હાથ પકડીને લાવવા મોહિત દાદરા તરફ ગયો, પણ સોનાલી તેની સામું જોયા વગર જ આગળ વધી અને અદબભેર ઊભી રહી.
મોહિત મનમાં ને મનમાં ધૂંધવાયો. આખા ગામની સુંદર યુવતીઓ મોહિતને મળવા તડપે છે, પણ મારું મન અહીં તારામાં જ લાગી ગયું. ઓહોહો, સ્માર્ટ-ટેલેન્ટેડ અને રૂપનો છલકાતો દરિયો સાલું બધું એક સાથે. પાછી કમાતીધમાતી જાણે લક્ષ્મી- ગમે તે થાય આ સોનુ મારી જ થવી જોઈએ.
બીજી તરફ સોનાલી વિચારવા લાગી:- આ છેલબટાઉ, બાપાની સત્તાને જોરે ધાક જમાવતો મોહિત ફ્રેન્ડશીપ માટે પણ લાયક નથી.
ત્યાં જ સરપંચે કહ્યું- તારે મોટા શહેરની કોઈ ફિલ્મ કંપનીમાં જવું હોય કે પૂનાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ કામ કરવું હોય તો કહે મારા આ મોહિતને બધે સારી ઓળખાણ છે.
મારે હમણાં તો કંઈ જરૂર નથી. મારી પાસે ત્રણ સિરિયલો છે. બીજા ચાર પ્રોડ્યુસરને હમણાં ના જ પાડી છે. મીઠું સ્મિત આપતાં સોનાલી બોલી.
સોનાનો સૂરજના પ્રોડ્યુસરને ફાયનાન્સ મારી જ કંપનીએ કર્યું છે. અને તારો ડાયકેટર યજ્ઞેશજી આપણી જ કોલેજમાં ભણતો હતો. તુ નહીં માને પણ આ એવોર્ડ તને આપવાની સિફારસ પણ મારી જ હતી. મોહિતે રૂઆબ જમાવવા કહ્યું.
હું મારા અભિનય અને મારી સિરિયલના યુનિટને વફાદાર છું. સાહેબ હું રજા લઉં. કાલે મારે જવું છે,ખૂબ કામ બાકી છે. એવું કહેતા સોનાલીએ સરપંચને બે હાથ જોડીને પ્રણામ કર્યા.
રામજીભાઈ, હું મારા મોહિત માટે સોનાલીનો હાથ માગુ છું. સરપંચે સત્તાવાહી અવાજે કહ્યું.
રામજીભાઈએ કહ્યું- પછી થોડો વિચાર કરીને અમે જણાવીશું.
જુઓ,રામજીભાઈ તમારી દીકરીને મારા ઘરે કંઈ ઓછું નહીં આવે. ધનમાં આળેટશે. ગામમાં જ સાસરું તો નજર સામે રહેશે. સરપંચે કહ્યું.
હવે જમાનો બદલાયો છે, તમે કહો છો તે સાચું પણ છોકરાઓની મરજી પણ જાણવી પડે. સોનાલી જોડે અમે વાત કરીશું. રામજીભાઈએ ચાનો ઘૂંટડો લેતા કહ્યું.
જુઓ, આમ તો મોટા ઘરના માંગા આવે છે, મારા મોહિત માટે પણ એનું મન સોનાલીમાં છે. અમારે તો આ માગસરમાં જ લગન લેવા છે. સરપંચે મોહિત તરફ જોતાં કહ્યું.
નિરૂબેન તો બારણા પાસે ઊભા ઊભા મોહિતને સ્નેહાળ નજરે જોઈ રહ્યા હતા.
હાલો ત્યારે રામજીભાઈ સોનાલી સાથે વાત કરો અને બે-ત્રણ દિવસે પાછા મળીએ.
બીજે જ દિવસે રાત્રે રામજીભાઈએ
સોનાલી સાથે વાત માંડી.
બાપુ, મારે હમણાં લગ્ન નથી કરવા. મેં લીધેલા નવા પ્રોજેકટ અને સિરિયલના કામ ખૂબ રહે છે. સોનાલીએ કહ્યું.
પણ સરપંચના ઘરેથી આવું સરસ માંગુ આયુસે. મોહિતતો હોશિયાર છે.
બાપુ, અમે કોલેજમાં સાથે ભણતા હતા મને એના લખણ ખબર છે. મારે હમણાં લગ્ન નથી કરવા અને મોહિત સાથે તો નહીં જ. સોનાલીએ કહ્યું. મા અને દાદીમા તો આંખો ફાડીને જોઈ જ રહ્યા.
મારે સરપંચને શું કહેવું, ના કેવી રીતે કહું? રામજીભાઈ મૂંઝાયા.
હમણાં સોનાલીને ના પાડે છે. પછી જણાવીશ. કહી દે એમાં શેની શરમ. દાદીમાએ જ તોડ કાઢયો.
સરપંચ તો આ વાતને ગળી ગયા. પણ, મોહિતે મનોમન વિચાર્યું, સોનાલી તેં મને રીજેકટ કર્યો, હવે તને રખડતી ન કરું તો હું મોહિત નહીં.
ત્રણ દિવસ પછી સોનાનો સૂરજના સેટ પર સોનાલી ગઈ, ત્યારે ડાયરેકટર યજ્ઞેશજીએ તેના એક જ સીનના અગિયાર રીટેક કરાવ્યા અને દરેક રીટેક વખતે એમનો બરછટ સ્પર્શ સોનાલીને હચમચાવી ગયો. તેનો સહ કલાકાર પણ આ સીનને મૂક બની જોઈ રહ્યો.
આવું કયારેય બન્યું ન હતું. ત્યાં જ યજ્ઞેશનો મોબાઈલ રણક્યો.
યજ્ઞેશે કહ્યું- યસ બોસ, ચીડીયા મુઠ્ઠીમેં હૈ. યસ, અગર જ્યાદા ભાવ ખાયેગી તો સિરિયલ કયા ઈંડસ્ટ્રીમેં સે ફેંક દૂંગા.
દે, જરા તડપતી ચીડિયા કો. સામેથી અવાજ આવ્યો.
લે, સોનાલી સે બાત કર.
સોનાલીએ ફોન હાથમાં ન લીધો. યજ્ઞેશજીએ સ્પીકર ચાલુ કર્યું. સામેથી મોહિતનો અવાજ- જો તું મારી નહીં થાય તો હું તને બરબાદ કરી નાંખીશ. હું તને મેળવીને જ જંપીશ.
હું અનુજજી સાથે સગાઈ કરવાની છું, હી ઈઝ માય લવ. સોનાલીએ નિર્ભયતાથી કહ્યું.
નો,નો નેવર તું મારી છે. તને મેળવીને જ જંપીશ. મોહિતે કહ્યું
યજ્ઞેશજીએ ફોન કટ કર્યો.
યુનિટના સિનિયર ગણાતા વિજયા મેડમે સોનાલીને કેબિનમાં બોલાવી અને કહ્યું- તું જરા ય ગભરાતી નહીં. મારા યુનિટમાં કામ કરતી સ્ત્રીઓના રક્ષણ કરવાની મારી ફરજ છે. આ સિરિયલ જાય તો ભલે જાય પણ વિજયા મેડમ તારી
સાથે છે.
વિજયા મેડમે સોનાલીને હિંમત આપી. કોઈની ધમકીથી ડરવાની જરૂર નથી. આ યજ્ઞેશને તો આજે જ સીધોદોર કરી દઈશ. એના બધા કારનામા હું જાણું છું.
વિજયા મેડમે સિરિયલ યુનિટના ફાઇનાન્સરને વાત કરી.
ફાઇનાન્સરે યજ્ઞેશને ધમકાવ્યો અને ચેતવણી આપી કે હવે પછી ક્યારેય આવું બનવું ન જોઈએ. યજ્ઞેશે માફી માગી ત્યારે યજ્ઞેશની નોકરી માંડ બચી.
કોફી હાઉસમાં વિજયા મેડમ અને અનુજજી સાથે કોફીનો ઘૂંટ લેતાં સોનાલીએ કહ્યું- ન હારી હૂં, ન હારુંગી કભી.