ઉત્સવ

નીટ: ચક્રવ્યૂહ અને વાસ્તવિકતા

વાસ્તવિકતા -રશ્મી પટેલ

મેડીકલ પ્રવેશ માટે લેવાતી ‘નીટ’ પરીક્ષા બાબતે હાલ ગરમાગરમ ચર્ચાઓ થઇ રહી છે. પેપર લીક થવાના મુદ્દે વિદ્યાર્થીઓના મોરચા, પ્રધાનોના નિવેદનો અને રાજ્યસભા તેમ જ લોકસભામાં વિરોધ પક્ષોના આરોપો,ફરી પરીક્ષા લેવા અંગે સુપ્રીમ કૉર્ટનો નિર્ણય આ બધા મુદ્દા પર લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું ધ્યાન લાગેલું હતું. આ બધા મુદ્દાઓની કારણ -મીમાંસા ન કરતા આ પરીક્ષા પદ્ધતિમાં જ પરિવર્તન આણવું જોઇએ એમ પુણેના કૅરિયર કાઉન્સેલર, લેખક અને અભ્યાસુ ડૉ. શ્રીરામ ગીતનું માનવું છે. આ પરીક્ષા લેનારા અને દેનારા તેમ જ ડૉક્ટર બનવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓનાં સપનાં અને માબાપની અપેક્ષાઓને યોગ્ય દિશા મળે એ માટે તેમણે કેટલાક વિચારો વાચકો સમક્ષ રજૂ કર્યા છે.

નીટ પરીક્ષા કુલ ૭૨૦ માર્ક્સની હોય છે. તેમાં ચાર ચાર માર્ક વાળા ૧૮૦ પ્રશ્ર્નો હોય છે. જો તમારો ઉત્તર સાચો હોય તો ઉત્તર દીઠ ચાર માર્ક મળે, પણ ખોટો હોય તો એક માર્ક કપાય અને ઉત્તર ન આપ્યો હોય તો માર્ક કપાય નહીં. મેડિકલ પ્રવેશની યોગ્યતા માટે ઓછામાં ઓછા ૧૬૮ માર્ક્સ આવવા જોઇએ. આરક્ષણને લઇને આ માર્ક્સ હજી પણ ઓછા થઇ શકે છે. આનો સીધો અર્થ એ કે ૧૮૦માંથી માત્ર ૪૨ પ્રશ્રોના ઉત્તર આપનાર પણ મેડિકલ પ્રવેશને પાત્ર છે.

કેન્દ્રિય પદ્ધતિ દ્વારા બધી પરીક્ષાઓ લેવાના સુપ્રીમ કૉર્ટના નિર્ણય બાદ આ ‘નીટ’ પરીક્ષાઓ ચાલુ થઇ. નીટ માં પાત્ર ન ઠરે તે વિદ્યાર્થી ભારત કે વિશ્ર્વમાં બીજે ક્યાંય તબીબી શિક્ષણ લેવા પાત્ર ઠરે નહીં. આવામાં ઘટનાત્મક દૃષ્ટિએ ‘નીટ’ બંધ કરવી અશક્ય છે, પરંતુ આ પદ્ધતિમાં થોડાક ફેરફાર જરૂરી છે. સર્વ પ્રકારના તબીબી અભ્યાસક્રમ( એમબીબીએસ, હોમિયોપથી, આયુર્વેદ,વેટરનરી, યુનાની, દંતચિકિત્સા)માં પચાસ ટકાએ વિદ્યાર્થીઓને પાસ કરવા. મૌખિક તેમ જ લેખિત બન્ને પરીક્ષામાં પચાસ ટકા માર્ક આવશ્યક છે. સીબીએસઇ ૧૨મું સાયન્સ પાસ કર્યા પછી પ્રાથમિક નીટ પરીક્ષા લઇ ૩૬૦ માર્ક મેળવ્યા હોય તે વિદ્યાર્થીઓને જ બીજી પરીક્ષા માટે પાત્રતા આપવી. પછી પચાસ દિવસ બાદ બીજી નીટ પરીક્ષા લેવી. પહેલી પરીક્ષામાં અગર ૪૭૫૦ કેન્દ્ર હોય તો બીજી પરીક્ષામાં આ કેન્દ્રોની સંખ્યા લગભગ ૧૦૦૦ કેન્દ્રો સુધી પહોંચશે. એક કેન્દ્ર દીઠ ૩૦૦ વિદ્યાર્થી ગણીએ તો ત્રણ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે. આ પરિણામમાંથી જ સર્વ પ્રકારના દાક્તરી અભ્યાસક્રમ માટે ક્રમવાર એડમિશન મળે.

આ છ પ્રકારના તબીબી અભ્યાસ ક્રમ માટે પૂરા ભારતમાં ત્રણ લાખથી ઓછી જ સીટો છે. આ પરીક્ષા લેવી અને તેનું પરિણામ ૧૦ દિવસમાં જ લાવવું નેશનલ ટેસ્ટિંગ એજન્સી( એનટીએ) માટે શક્ય છે. એમબીબીએસ અભ્યાસક્રમની વાત કરીએ તો પૂરા દેશમાં સરકારી મેડિકલ કૉલેજોમાં લગભગ પચાસ હજાર સીટો ઉપલબ્ધ છે. અહીં એડમિશન લેવા ૭૨૦માંથી ૬૦૦ માર્કસ જરૂરી છે. મતલબ ૧૮૦માંથી ૧૫૦ પ્રશ્ર્નોના સાચા ઉત્તર આપવા પડે. એ પછીના વિદ્યાર્થીઓ માટે ખાનગી મેડિકલ કૉલેજમાં એડમિશન ઉપલબ્ધ થાય.

હવે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય કે પહેલી નીટ પરીક્ષાનું શું કરવાનું? ફક્ત ચાળણી ( છોકરાઓને માર્ક પ્રમાણે ચાળી લેવા) પદ્ધતિ સમજી લેવી કે શું? તો એ પ્રશ્ર્નનો ઉત્તર પણ સરળ છે. પચાસ ટકા ધરાવનાર વિદ્યાર્થીઓને જ તબીબી અભ્યાસક્રમ માટે પાત્ર ઠરાવવા. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી લગભગ ચાલીસ હજાર ભારતીયો વિદેશ જઇને તબીબી શિક્ષણ મેળવે છે. આ શિક્ષણનો ખર્ચ લગભગ વીસથી ત્રીસ લાખ થાય છે. ‘નેશનલ મેડિકલ કમિશન’ના આદેશ અનુસાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણયાનુસાર આ વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવી જોઇએ. ફિઝિયોથેરાપી, ઑક્યુપેશનલ થેરાપી, સ્પીચ ઑડિયો થેરાપી, નર્સિંગ બીએસસી, તથા બધા પ્રકારની તબીબી ટેક્નિશિયન માટેના શિક્ષણનો પ્રવેશ પણ પરીક્ષા દ્વારા જ કરવો. સમજો એક વિદ્યાર્થીને પહેલી પરીક્ષામાં પાંચસો કે છસો માર્ક મળે તો તેને બીજી પરીક્ષા ન દે છતાંય પ્રવેશપ્રક્રિયા માટે યોગ્ય ગણાય. માત્ર કોઇ પણ અભ્યાસક્રમના ‘સરકારી મેડિકલ કૉલેજ’ના એડમિશન માટે એ વિદ્યાર્થી પાત્ર ઠરશે નહીં , એ અરજી ભરતી વખતે સ્પષ્ટ કરવું જોઇએ.

નીટ પરીક્ષા માટે પણ જો ક્લાસનું કોચિંગ લેવામાં આવે તો ચારથી પાંચ લાખનો ખર્ચ થાય. એક, બે કે ત્રણ પ્રયાસ પણ કરવા પડે. આમ કરવામાં કેટલો બધો ખર્ચ કરવો પડે. આ સંજોગોમાં માબાપે ઉપલબ્ધ સરકારી બેઠકોની સંખ્યા, પ્રવેશ પરીક્ષાની કઠિન લિમિટ અને પોતાના સંતાનની કુશળતાનો ઓછામાં ઓછો દસ વાર વિચાર કરીને નિર્ણય લેવો જોઇએ. સરકારી કે ખાનગી મેડિકલ કૉલેજમાં ભણીને માત્ર એમબીબીએસ કરવા માટે જ એંસી લાખ જેટલો ખર્ચ થવો સામાન્ય છે. એનાથી આગળ વધવું હોય તો પાછી પોસ્ટ ગ્રેજ્યુએટ નીટ ની પરીક્ષા આપવી પડે. છોકરાઓને પ્રોત્સાહન આપવું અને તેની સામે થતા ખર્ચ અંગે વ્યવહારુ વિચારવું. આ બે પ્રક્રિયાનું સમતુલન સાધી શકાય તો જ આ અભ્યાસક્રમ અંગે વિચારી શકાય. બાકી છેલ્લાં ૧૦ વર્ષથી ચાલુ થયેલી આ પરીક્ષામાં
ભાવુક પાલક અને વિદ્યાર્થીઓ હોમાય છે
તે કેટલું ઉચિત છે એ ગંભીરતાથી વિચારવું
જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button