ઉત્સવ

સર્જકના સથવારેઃ શયદા યુગના સમર્થ કવિ નઝીર ભાતરી…

-રમેશ પુરોહિત

મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, શંકામાં નથી હોતી.

ગઝલના આકાશમાં કંઈક એવા ચમકતા સિતારાઓ આવ્યા અને અકાળે ખરી પડ્યા. આવા તેજસ્વી સર્જકોની નોંધ કોઈએ લીધી નહીં અને વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ ગયા. આવું એક નામ છે નઝીર ભાતરી. શયદા-યુગમાં શૂન્ય, મરીઝ, બેફામ વગેરે અગ્રગણ્ય શાયરોની હરોળમાં બેસી શકે એવો આ શાયર હતો.

Also read : હેં… ખરેખર?! : નામાંકિત લેખકોની લખવાની અનોખી આદતો: રોજ કેટલાં શબ્દો લખે?

નઝીર મૂળ સૂરતનાં. 1930માં એપ્રિલ મહિનામાં સૂરતમાં જન્મ પણ અભ્યાસ કર્યો મુંબઈમાં. કૅપટલો સિનેમા પાસે એ વખતે પ્રખ્યાત ભરડા હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. વાંચનનો ખૂબ જ શોખ. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ. યુવાનીમાં જ મોટા મોટા અંગ્રેજ લેખકોનાં પુસ્તકો વાચી નાખેલા. ચાર્લ્સ ડિક્ધસ, ઓસ્કાર વાઈલ્ડ, સમર સેટ મોમ, વર્ડઝ્વર્થ, શેક્સપિયરના સર્જનનો ઊંડો અભ્યાસ.

જિંદગીની રાહમાં અનેક અગવડો, વ્યથા અને યાતનાઓ. શરૂઆતમાં પત્રકારત્વમાં જોડાયા. ભાષા પરના અંકુશને લીધે આ વ્યવસાયમાં આગળ વધતા હતા ત્યારે રિઝર્વ બૅંકમાં નોકરી મળી ગઈ. બૅંકના રિસર્ચ ઍન્ડ સ્ટેટિસ્ટિક ખાતામાં જોડાયા. સુંદર મજાનો કંઠ હતો. આનંદી સ્વભાવ એ શાણપણભરી સમજદારીથી હંમેશાં આકર્ષણનું કેન્દ્ર હતા. મિત્રોની મહેફિલમાં શેરો-શાયરીનો રંગ જમાવીને બધાને ખુશ કરી દેતા. આ સર્જકની સર્જનહારને જરૂર હોય એમ ફકત પચીસ વર્ષની ભરજવાનીમાં કૅન્સર થયું. એક આશાસ્પદ તેજસ્વી કવિએ 70 જેટલી ગઝલોનું સર્જન કરી વસમી વિદાય લઈ લીધી.

નઝીર ભાતરીની ગઝલોની શૈલી બીજા સાથી શાયરોથી જુદી હતી એટલે કે વિશિષ્ટ હતી. એમની પાસે આ રીતે નોખી ભાત પાડે એવી વર્ણન શૈલી હતી અને ચાર ચાંદ લાગે એવું રચના કૌશલ હતું.

નઝીરે ગઝલના રંગને નખશિખ વફાદાર રહીને વિવિધ વિષયો પર ગઝલો લખી હતી. એમની એક પ્રખ્યાત ગઝલ પહેલાં માણીએ જેથી એમની પારદર્શી પ્રતિભાનો આપણને સંસ્પર્શ થઈ શકે. ગઝલ છે:

અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી
અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી.

મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, શંકામાં નથી હોતી.

હરીફાઈ બહુ સાંખી નથી શકતી સરસ વસ્તુ
સરળતા એટલે મારી કવિતામાં નથી હોતી.

જગત ટૂંકી કહે છે જિંદગીને એમ માનીને
જે એના ગમમાં વીતે છે ગણનામાં નથી હોતી.
સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને
ચમક દરિયાના મોતીમાં છે દરિયામાં નથી હોતી.

‘નઝીર’ એવા વિચારે ફૂલ કરમાઈ ગયું આખર
જે ખુશ્બૂ હોય છે બીજામાં, એનામાં નથી હોતી.

ગઝલ સર્જકના મનના ભાવની અભિવ્યક્તિનું સરળ અને સચોટ માધ્યમ છે. નઝીરની સરળતા અને શબ્દોની પસંદગીથી રવાનગી પ્રગટે છે. એમના ઘણાં શેર લોકોના હૈયે હોઠે રમતા હોય છે. આનું કારણ એ છે કે એનામાં ચિંતન છે અને કોઈ પ્રયત્ન વગર, આયાસ વગર બધું અનાયાસ આવ્યા કરે છે.

કોઈની પ્રતિભાને જાણવી હોય તો તેના વિશે નજદીકીથી જાણવું જોઈએ. કોઈના વિશે ઉપરછલ્લા અભિપ્રાયો આપનારાઓ પર કટાક્ષ કરીને શાયર કહે છે કે કે પહેલાં મારી પ્રતિભાને જાણો કારણ કે ચમક તો મોતીમાં છે, દરિયાના પાણીમાં ચમક નથી હોતી. આ શેર ગુજરાતી ગઝલનો અનમોલ રત્ન છે. સાંભળતાની સાથે જ તરત જ દિલમાં વસી જાય એવો આ શેર નઝીરના કવિકર્મની ઉજજવળ બાજુ છે.

એમના કહેવતરૂપ બની ગયેલા શેરોમાં મુખ્ય છે, નીચેના શેરો:
બાળકને એક-બેની રજૂઆત ના ગમે
તો એને મારા દુ:ખના પ્રસંગો જણાવજો.

Also read : સ્ટીલ્થ ટેકનોલોજી: રણભૂમિમાં ધાર્યું પરિણામ લાવતી ટેકનિક


અંધશ્રદ્ધાનો ન એને દોષ દો
અંધને શ્રદ્ધા નહીં તો હોય શું?
શ્રદ્ધા-અંધશ્રદ્ધાની વાતમાં વિચારની મૌલિકતા છે અને રજૂઆતની નોખી શૈલી છે. નઝીર પાસે શેરને ઊંચકવાની આવડત છે, શેરને પ્રભાવક બનાવવાની ખૂબી છે. અહીં વાત અંધની છે સાથે સમજણ વગરની શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધાને શાયરે અડખે-પડખે મુકીને ચમત્કાર કર્યો છે. અહીં આખોનું હીર અલપાઈ ગયું છે એવા અંધની વાત છે અને જેઓ મનથી અંધ છે તેઓના પર કટાક્ષ છે.

જેની સમજણ પર પટ્ટી લાગેલી હોય તે દેખતા હોવા છતાં અંધ હોય છે. આવા લોકોમાં શ્રદ્ધા ઓછી અને અંધશ્રદ્ધા વધારે હોય છે. આંખથી અંધ હોય તેને બીજામાં શ્રદ્ધા રાખવી પડે છે. જે કોઈ એમને રસ્તો ક્રોસ કરાવી આપે તેનામાં એને શ્રદ્ધા રાખવી પડે છે પણ એ અંધશ્રદ્ધા નથી.

નઝીર 17 ઑગસ્ટ 1956માં કાયમી વિદાય લઈ લે છે. એમણે જે જમીનમાં ગઝલો લખી છે, જે રદીફ અને કાફિયા પ્રયોજયા છે એ જ જમીનમાં મરીઝ અને સૈફ પાલનપુરીની ગઝલો પ્રાપ્ત થઈ છે. આપણે થોડાંક ઉદાહરણ જોઈશું. મરીઝની ગઝલ ‘ઈશારે ઈશારે’નો મત્લા અને નઝીરની આવી જ ગઝલનો મત્લા જોઈએ. પ્રથમ નઝીરનો મત્લા જોઈએ.

કદમ હું ધરું છું મહોબ્બતના પંથે
હૃદયના અદીઠાં ઈશારે ઈશારે
સફળ એ રીતે થઈ ગયા પથદર્શક,
મળી જાણે મંઝિલ ઉતારે ઉતારે
જ્યારે મરીઝ સાહેબની, ગઝલની શરૂઆત આ રીતે થાય છે:
જીવનભરના તોફાન ખમી રહ્યો છું
ફકત એના મોઘમ ઈશારે ઈશારે
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે
બન્નેની ગઝલોના કાફિયા-રદીફની સમાનતા મહ્દઅંશે એક સરખી છે. મરીઝની ગઝલમાં 8 શેર છે તો નઝીરના સાત છે. નઝીર પણ નોખી રીતે સહારાની વાત કરે છે જેમ કે:
થયો હો નિરાશાનો જેને અનુભવ,
વધી જાય છે એના જીવનનું ગૌરવ
ઝળકમય રહે છે સિતારાઓ પણ સૌ,
તિમિરમય ગગનના સહારે સહારે.
મરીઝ સાહેબે ‘કહ્યા વિના’ રદીફ પર 15 શેરની ગઝલ લખી છે. તેના કાફિયા અકારાન્ત છે. નઝીરે આ જ જમીન પર સાત શેરની ગઝલ લખી છે જેમાં કાફિયા અકારાન્ત છે અને રદીફ બન્નેના સરખા છે.
થોડાક શેર જેમાં કાફિયાનું સામ્ય છે તે શરૂઆતમાં માણીએ:
મારા રૂદનથી એટલું શીખો ઓ દોસ્તો!
આવી જવાય કેમ સમયસર કહ્યા વિના -નઝીર

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના -મરીઝ

ઊર્મિઓના જગતમાં દશા એ જ છે ‘નઝીર’
ઝરણું બની રહે છે ત્યાં સાગર કહ્યા વિના -નઝીર

તોબાની શી જરૂર છે કે મસ્તીમાં, ઓ ‘મરીઝ’
છૂટી પડે છે હાથથી સાગર કહ્યા વિના – મરીઝ
મરીઝ અને નઝીરની ગઝલોમાં આવું કાફિયા અને રદીફનું સામ્ય જોવા મળે છે તેના ઉદાહરણ સ્વરૂપે અકારાન્ત કાફિયામાં ‘પણ ગયો’ રદીફની વાત કરીએ જે આ પ્રમાણે છે:
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો -મરીઝ

આજે તો બદનસીબની શ્રદ્ધા જતી રહી
જાણે કે અંધ આંખનો અંધકાર પણ ગયો. -નઝીર

એ પણ છે સત્ય એની ઉપર હક હવે નથી
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો -મરીઝ

કંઈ એટલા સમયથી તમે યાદ છો મને
તમને ભૂલી જવાનો અધિકાર પણ ગયો -નઝીર
‘હોવી જોઈએ’ રદીફ પર મરીઝની ગઝલ છે તો નઝીરની પણ છે. જોઈઅ બન્નેની રદીફ નિભાવવાની કુનેહ અને કસબ:
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ -મરીઝ

જીવનને કંઈક રીતે અમે માનતે જીવન
એવું તો શું કે એમાં વ્યથા હોવી જોઈએ -નઝીર

એવી તો બેદિલથી મને માફ ના કરો
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ -મરીઝ

Also read : ગઝલની વિદ્યાપીઠ એટલે અમીન આઝાદ

દુ:ખ પણ ‘નઝીર’ મારા ગુનાહનો પ્રકાર છે
મારું સ્મરણ ગુનાહની સજા હોવી જોઈએ -નઝીર
સૈફ પાલનપુરી અને નઝીરની ગઝલના ફકત બે બે શેર ટાંકીને સમાપન કરું છું. રદીફ છે ‘કોણ કરે?’
શબ્દોની મુલાયમતાની પણ જળવાય નહીં જો મૌલિકતા
હૈયાની મુલાયમ વાતોનું શબ્દોમાં નિવેદન કોણ કરે? -નઝીર
છે હોઠ ઉપર એક સ્મિત સતત,
ને આંખ હસે છે ‘સૈફ’ સદા
દિલને તો ઘણાં દુ:ખ કહેવા છે,
પણ દિલનું નિવેદન કોણ કરે?
મનમાંયે નથી ઉદ્ભવતું કે આમ થયું ને આમ નહીં
ચૂપ રહેવા ઈશારો છે એનો તો મૂક વિવેચન કોણ કરે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button