ઉત્સવ

નયા સાલ… નયા પૈગામ… નયા આગાઝ…!

કેન્વાસ -અભિમન્યુ મોદી

 કેલેન્ડરની શરૂઆત સાથે માણસ પોતે નવી શરૂઆત કરી શકતો હોય છે? ન્યુ યર શું, એક મહિનો કે એક દિવસ પણ નહિ, પરંતુ એક ક્ષણ સાંગોપાંગ હેપી જાય એની રાહમાં આયખું નીકળી જતું હોય છે. નવો દિવસ, નવી સવાર, નવું વર્ષ. નવી આશાઓ, નવાં કામ, નવો અંદાજ – મોટા ભાગે માત્ર શબ્દો બની રહે છે. આપણે નવલા વર્ષની શરૂઆતમાં એકબીજાને શુભેચ્છા તો પાઠવીએ છીએ, પણ શરૂઆત માટે ખૂબ મહેનત કરીએ છીએ ખરા? કહેવત છે કે ‘જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો….’ તો પણ દરેક વર્ષનો અંત આપણને ખુશખુશાલ લાગતો હશે, પણ આપણે એનાથી સંતુષ્ટ કેમ નથી હોતા? કારણ કે શરૂઆત સારી હોય છે, સાચી નહિ. આ બધું દર્શાવે છે કે શરૂઆત વિના કશું શક્ય નથી. 


Also read: વેપાર માટે થોટ લીડરશિપ વ્યૂહરચના જરૂરી છે


‘શરૂઆત એટલે કેવી શરૂઆત?’

માત્ર ફૉર્માલિટી નહિ, પણ એક પ્રચંડ પ્રારંભના પગલાની વાત છે. ઉત્સાહસભર આરંભ કરવો પડે છે. ઈલેક્ટ્રીફાઈંગ ઑપનિંગ ઇગ્નિશન જરૂરી છે. કુદરત ખુદ શરૂઆતના પાયા ઉપર ટકેલી છે. ઈયળનું પતંગિયું બનવું કે વડનો ટેટો ફૂટવો કે પહાડમાંથી ઝરણાંની સરવાણી ફૂટવી કે વરસાદની પહેલી બુંદોનો અભિષેક થવો-કુદરત આ છે અને માટે કુદરતે જીવનમાં પણ આરંભ ઠાંસીઠાંસીને ભર્યો છે, પણ શું આપણે એક માણસ તરીકે, એક સરેરાશ માણસ તરીકે, શરૂઆતના એટલા મોકા ઉઠાવીએ છીએ ખરા? કુદરત છુટ્ટા  હાથે પ્રારંભ કરવાનો મોકો આપે પણ આપણે એનો લુત્ફ ઉઠાવીએ છીએ ખરા?

થોડો હતોત્સાહ કરનારો જવાબ છે:

ના. સરેરાશ માણસ એના જીવનમાં કુલ મળીને કેટલી શરૂઆતો કરે છે? એક તો જન્મ થાય ત્યારે અને તે તો એના હાથમાં નથી. સ્કૂલે બેસે ત્યારે અને કૉલેજ ચાલુ થાય ત્યારે, પછી કરિયરની શરૂઆત, લગ્ન, કરિયરમાં થોડા ઉતાર-ચડાવ સાથે લગભગ આખી જિંદગી એ જ મોનોટોનસ લાઈફ-એકધારાપણું. પછી આવતી પેઢી અને એ પેઢીઓનો આ જ ક્રમ….

‘ઈચ ડે ઇઝ ન્યુ બિગિનિંગ’નો વૉટ્સએપ મેસેજ વહેલી સવારે કરનારા મિત્રોને જ પોતાની તાજા  જૉબ- તત્કાલીન જૉબ સામે અનેક પ્રૉબ્લેમ છે. ‘લવસ્ટોરી’ નોવેલ્સની ગાંડી શોખીન છોકરીને એના બૉયફ્રેન્ડ સાથે નથી ફાવતું. ગવર્મેન્ટ જૉબ શોધનારાઓને સરકારની સિસ્ટમ સામું બહુ ફરિયાદ છે અને વૃદ્ધોને પોતાની મૉર્ડન થતી રહેતી આગામી પેઢીઓ સામે…. નાની કે મોટી, કમ્પ્લેઇન્સ બધા પાસે છે, પણ તેનું સૉલ્યુશન-ઉકેલ ભાગ્યે જ તરત જોવા મળે! જૉબ સામે આટલો વાંધો હોય, બૉસ આટલો બધો ગમતો ન હોય તો એને છોડીને બીજે કયાંક નવી શરૂઆત કેમ નથી કરતા? રિલેશનશિપ નથી ફાવતી એ-   કરિયરની લાઈન નથી ગમતી કે સ્વજન નથી ગમતું તો તેમાં કોઈ બદલાવની શરૂઆત કેમ નહિ? આઉટ ઑફ ધ બૉક્સ વિચારીને એનું નિરાકરણ કેમ નહિ? કેમ કોઈ નવું ઍડવેન્ચર ખેડવાની સાહસવૃત્તિ અત્યંત ઓછા પ્રમાણમાં જોવા મળે? ફરિયાદો કરવી છે, પણ બદલાવની શરૂઆત કરવાની વાત આવે તો ‘ચાલ્યા રાખે’નો એટિટ્યુડ આવી જાય છે.  


Also read: ભાઈ – બહેનના પુનર્મિલનમાં ‘મુંબઈ સમાચાર’ નિમિત્ત બન્યું


કેમ? એનું કારણ ખબર છે?

બાળકો હોય ને, એ કંઈ પણ કરી નાખે. કશું વિચાર્યા વિના ગમે તેનાથી રમવા માંડે, ગમે ત્યાં ચડી જાય કે કોઈની પણ પાસે પહોંચી જાય… કારણ કે  એમને કશાનીય બીક નથી લાગતી. સારું-નરસું, ભલું-બૂરું વિચાર્યા વિના એ કરી નાખે છે -જસ્ટ ડુ ઈટ.

‘સારા અને ખરાબની પેલે પાર એક મેદાન છે, હું તને ત્યાં મળીશ’ ૧૩મી સદીના મહાન ફારસી કવિ રૂમીએ ભલે આ પ્રેમીપંખીડા માટે લખ્યું હશે, પણ આ રૂમીની આ વાત સાંભળ્યાં પહેલાં એનો સૌથી સારો અમલ બાળકો કરે છે. માટે જ એ આટલા ક્રિએટિવ હોય છે. એ દર થોડા અંતરાલે કંઈક નવું તોફાન કરે છે. તે કોઈ પણ તોફાનની શરૂઆત કરતાં  ડરતા નથી અને માટે જ એ આટલા ખુશમિજાજી-નિખાલસ અને અવનવા ઉત્સાહથી ઊછળતાં રહે છે – રહી શકે છે, પણ જેમ જેમ બાળક મોટું થતું જાય, દુનિયાદારીના ભાર તળે દબાતું જાય એમ એમ એક ડર પેસી જાય છે. સુરક્ષિતતાના નામે કમ્ફર્ટ ઝોનનો મખમલી કામળો આસપાસ ઓઢી લે છે પછી નવી કોઈ શરૂઆત કરતાં ખચકાય છે અને જ્યારે નવી શરૂઆતોનો અંત ચાલુ થાય ત્યારે પુર્ણાહુતિની શરૂઆત થઈ જાય એ નક્કી. સફળતાનાં દૃષ્ટાંતો સતત પરિવર્તનશીલ છે. દર થોડા સમયે એકડેએકથી શરૂઆત કરવાની હામ ધરાવે છે એને સફળતા કદમ ચૂમતી હોય છે.

એક ક્લાસિક ફિલ્મ છે :  શોશાંક રિડેમ્પશન… જેમાં આકરામાં આકરી સજા ભોગવતા કેદીઓ જેલમાં દાયકાઓથી જિંદગી જે રીતે ગુજારે છે તેની વાત છે. રોજબરોજની ઘરેડમય જેલમાં જકડાયેલી જિંદગીથી કંટાળેલા બધા કેદીઓ નખાઈ ગયા હોય છે, અમુક તો મોત પણ ઝંખતા હોય. ત્યારે એ કેદીઓની શુષ્ક જિંદગીમાં થોડીક આશાનો સંચાર નાખવા એક કેદી જેલના નિયમોની વિરુદ્ધ જઈને એક મહિનાની અંધારી બંધ કોટડીમાં રહેવાની કઠિનતમ સજા મળવાની છે એ જાણતો હોવા છતાં વિશાળ જેલના બધા કેદીઓને સંભળાય તે રીતે લાઉડસ્પીકરમાં એક ગીત વગાડે છે.


Also read: ગામડામાં જ નહીં, હવે તો શહેરોમાં પણ ઉગાડવામાં આવે છે ફળ ને શાકભાજીઓ


વર્ષો પછી, દાયકાઓ પછી એ કેદીઓના કાને કોઈ મધુર રણકાર રેડાય છે અને જાણે એ એક મિનિટનું સંગીત આખી જેલમાં ચેતનાનો નવસંચાર કરી દે છે.. કહેવાનો અર્થ એ છે કે શું આપણે પણ આપણી અમુક માની લીધેલી કે અમુક ખુદ આપણે બનાવેલી દીવાલોની જેલમાં બંધાયેલા નથી ને? આપણે ખુદ આપણી કહેવાતી વ્યાખ્યાથી મુક્ત છીએ? નહિ ને? તો સામા પ્રવાહમાં તણાઈને એ સ્વતંત્રતા અને એ પરિવર્તનનું સંગીત પોતાના માટે આપણે ખુદે જ વગાડવું પડશે. આપણા માટે આપણે જ આ  રીતે શરૂઆત કરી શકીએ.                        

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker