ઉત્સવ

કુદરતનો અલાયદો આવાસ હિમાલયનો આલીશાન વૈભવ – વિશ્વ પ્રસિદ્ધ બરફાચ્છાદિત શિખરો

ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી

Look deep into nature, and then you will understand everything better. -Albert Einstein

એલબર્ટ આઈન્સ્ટાઈન કુદરત માટે લખે છે કે, “નિસર્ગમાં જેટલા ઊંડા ઊતરશો, એટલી જ સરળતાથી સઘળું સમજી શકશો અને ખૂબ સારી રીતે સમજી શકશો. મારું માનવું છે કે કુદરતને ખરા અર્થમાં જાણવા અને સમજવાની રીત એ મુસાફરી જ છે. દેશના ખુલ્લા વગડામાં વિવિધ રીતે મુસાફરી કરીને જંગલોની પ્રકૃતિને માણવી અને સમજવી, નદીઓની ધારાઓ સાથે કિનારે કિનારે ચાલતાં જઈને એના બદલતા રૂપ રંગ અને સંગીતને માણવું, ખુલ્લા આકાશ તળે બેસીને હજારો તારાઓથી પ્રકાશિત અગોચર વિશ્ર્વમાં ભજવાતા વૈશ્ર્વિક નર્તનને અનુભવવું, અણુ અણુમાં સ્પંદિત થતા લય અને કુદરતની ધ્વનિને મસ્તિષ્કથી છેક હૃદયનાં ઊંડાણ સુધી અનુભવવી.

આ બધી રીતો જ કુદરતના સમીપે રહીને નિસર્ગને મહાલવાની છે, અને આ રીતોને મેં પ્રત્યક્ષ રીતે સતત માણી છે. મેં હંમેશાં કુદરત પર અને કુદરતના દરેક સજીવ અને નિર્જીવ તત્ત્વો પર ભરોસો મૂક્યો છે. અજાણી જંગલોની કેડીઓએ મને હંમેશાં કોઈ શ્રેષ્ઠ સ્થળે જ પહોંચાડ્યો છે અને હું એ પરમ મનોહર દૃશ્યોને પામી શક્યો છું જે વર્ણવવા માટે હું અસમર્થ છું.

અજાણ્યા રસ્તાએ મને નિર્ભય બનાવ્યો છે. ખુલ્લા આકાશમાં ચમકતી મંદાકિનીએ મને જિજ્ઞાસુ બનાવ્યો છે. મધુર ગાન ગાતાં ગાતાં ઊંચાઈથી વહેતી સરિતાની સરવાણીઓએ મને પરોપકાર શીખવ્યો છે.

સવાર ઊઘડતાં જ મધુર ગાન ગાતાં રંગબેરંગી નાનકડાં પંખીઓએ મને પોતાની ક્ષમતા પર વિશ્ર્વાસ કરતા શીખવ્યું છે. વિશાળ જંગલોમાં ત્રાડ પાડતા વાઘે મને સંઘર્ષ શીખવ્યો છે તો વળી વાઘથી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા હરણાઓએ મને સતત પ્રયત્નશીલ રહેતાં શીખવ્યું છે.

પ્રકૃતિનો મૂળભૂત ગુણ હંમેશાં હકારાત્મક જ રહ્યો છે અને એ હકારાત્મકતા હું મારી અંદર કેળવી શકું છું એનું એક જ કારણ છે કે પ્રકૃતિ જ મારા આરાધ્ય દેવ છે, તે જ મારા ગુરુ છે અને હું આ પ્રકૃતિને વારંવાર નમું છું.
ઊંચાઈએથી દુનિયા જોવાનો મને ગજબનો શોખ એમાં પણ પ્રતિકૂળ સંજોગોમાં તો ખાસ. એનું એક જ કારણ કે બહુ જ જૂજ લોકો ત્યાં જોવા મળે.

હિમાલયમાં ઉત્તરાખંડમાં બરફવર્ષા પછી કેદારનાથ અને નંદાદેવીનો નજારો જોવાની એટલી મજા આવે કે જાણે આદિત્ય ખુદ હિમાલયને સોનાના ઢોળથી સજાવે એ જોતાં આંખો ન ધરાય. કુદરતનાં અનેરાં દૃશ્યો નિહાળવાં હોય અને અનુભવવાં હોય તો કપરાં ચઢાણ ચઢવાં પડે જે સામાન્ય રીતે ખૂબ જ ઓછો વર્ગ ચઢતો હોય છે. દુર્ગમ રસ્તાઓ જરા ઓછા ખેડાયેલા હોય એટલે એની સુંદરતા અકબંધ હોય.

ઉત્તરાખંડમાં ચોપતા વેલીમાં તુંગનાથ મહાદેવનો મજાનો ટ્રેક છે. ચોપતાથી શરૂઆત કરીને એક દિવસનો આ ટ્રેક કરી શકાય. તુંગનાથ મહાદેવ પહોંચતાં સુધી તો ઘણા લોકો તુંગનાથથી જ પરત ફર્યા હશે, પણ તુંગનાથથી ઉપર બીજો ત્રણ-ચાર કિમીનો ટ્રેક છે જે સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે.

ચંદ્રશિલા નામનો આ ટ્રેક ખૂબ જ રમણીય છે.
ચંદ્રશિલાનાં કપરાં ચઢાણ પછી હિમાલયનાં નરી આંખે દર્શન કરનાર વ્યક્તિ કદાચ એ ક્ષણને જિંદગીભર ન ભૂલી શકે એવો નજારો જોવા મળે. ખૂબ કપરું ચઢાણ અને તુંગનાથ સુધીનો થાક પણ ખરો, પણ આત્મવિશ્ર્વાસ હોય તો ચંદ્રશિલા ચઢી જ શકો. ચઢાણ કરતાં ઉતરાણ વધારે કપરું ખરું, પણ એવું કહેવાય છે જે વ્યક્તિ ચંદ્રશિલા પહોંચી જાય એ ત્યાંનું દૃશ્ય જોઈને બોખલાઈ જાય છે, આભો બની જાય છે. ઘડીભર માટે એની વાચા હણાઈ જાય છે.

ચંદ્રશિલા પરથી ચારે તરફ હિમાલયના સુવર્ણ શિખરો દેખાય છે. નરી આંખે જોયેલું દૃશ્ય કોઈ કૅમેરા લઈ શકે તેમ નથી કે કોઈ રીતે એ સુંદરતાને હું શબ્દોમાં ઢાળી શકું એમ નથી. હું નતમસ્તક શિવની જટામાં ખોવાયો હોઉં એવો જ કંઈક અનુભવ હતો. ચંદ્રશિલા જનાર વ્યક્તિ પણ દિવસ આથમે એ પહેલાં તો નીચે ઊતરી જ જાય કેમ કે ઠંડોગાર પવન, ચોતરફ બરફ અને ક્યાંય રસ્તો પણ ન દેખાય.

ચઢાણ કરતાં ઊતરવાનું વધારે, જ્યાં પગ મૂકો ત્યાંથી લપસીને સીધા નીચે આવો એટલે પાછી ફરી શરૂઆત કરવાની. કોઈક કોઈક જગ્યાએ પાકો બરફ જાણે કુદરતી લસરપટ્ટીની રચના થઈ હોય એવું જ કંઈક, પણ આ બધા અંતરાયોને ઓળંગીને ચંદ્રશિલા ચઢતાં સાથે જ મેં સુમેરુ અને નંદાદેવીને જોતાં જ અહીંયાના સૂર્યાસ્ત પછીની લાલિમાની કલ્પના કરી અને નક્કી કર્યું કે સૂર્યાસ્ત પહેલાં અહીંયાથી હટવું નથી.

પૂનમ પહેલાંની ઢળતી સાંજ હતી, ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હતો, સૂરજ ડૂબું ડૂબું થઈ રહ્યો હતો અને ચંદ્રશિલા પરના એક પથ્થરને અઢેલીને વાદળોને પહાડની સોડમાં લપેટાયેલાં જોતો હું લગભગ કલાક જેટલો સમય અવાચક બનીને કુદરતની આ પરમ મનોહર લીલાને આંખોથી મારામાં ભરી રહ્યો હતો. આ બધી ક્ષણો એ હતી જે સંપૂર્ણપણે ખાલી મારા માટે જ હતી, મારી જાત માટે જ હતી.

સાંજ ઢળતાં સૂરજને ગંગોત્રીની સોડમાં લપાઈ જતાં જોઈને જાતને ઢંઢોળી ત્યાં સુધીમાં એકલદોકલ ટ્રેકર પણ નીકળી ચૂક્યા હતા અને હું સાવ એકલો અનિમેષ નજરે હાથી પર્વત પર ચંદ્રને જોઈ રહ્યો અને સૂરજની છેલ્લી લાલાશ બરફાચ્છાદિત પર્વતોને તમસની ચાદર ઓઢાડતી ગઈ.

આ પણ વાંચો : વિશેષ : તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે આ સુવર્ણ શબ્દો

કપરા ચઢાણ પછી ચંદ્રશિલા પહોંચે કે કુદરત પોતાની પાસે ખેંચીને તમને વહાલ કરે એવો સાક્ષાત્કાર અહીં થાય છે એટલે જ અહીંયા આવનાર વ્યક્તિ સમયનું ભાન ભૂલીને હિમાલયમાં લીન થઈ જાય છે. આ એ જ જગ્યા છે જ્યાં ચંદ્રએ દક્ષ પ્રજાપતિના ક્ષય રોગના શ્રાપમાંથી મુક્તિ માટે મહાદેવની આરાધના કરી હતી અને ભગવાન શ્રી રામે રાવણવધ પછી બ્રહ્મહત્યા નિવારણ માટે શિવ આરાધના કરી હતી.

ગમે તેવો નાસ્તિક અહીંયા આવીને જ સાચો આસ્તિક બની જાય અને શિવમય થઈ જાય. વાદળોની રંગો સાથે રમાતી રમત અને ૪૦૦૦ મીટર ઊંચાઈએ આથમતો સૂરજ કઈ રીતે નંદાદેવી અને ત્રિશૂળ પર્વત પર સોનેરી ઢોળ ચઢાવે છે એ જોવાની જિજ્ઞાસાએ મને ચંદ્રશિલા પર સૂરજ આથમ્યા પછી પણ રોકી રાખ્યો.

અંધારું થતાં હું પાછા ફરવાનો રસ્તો ભૂલી જઈશ, તાપમાન નીચું જતા બરફ જામી જશે અને ઉતરાણ કપરું બનશે, પિવાનું પાણી પણ પૂરું થઈ ગયું હતું આવા ઘણા પ્રશ્ર્નો હતા, પણ કુદરતના એ વિશાળ કેનવાસ સામે આ બધા જ પ્રશ્ર્નો સાવ વામણા લાગતા હતા.સૂર્યાસ્ત થતાં જ હું સાવ દિગ્મૂઢ…

ચંદ્રશિલા પરથી જ નંદાદેવી દૃશ્યમાન થાય છે. સ્વર્ગ વિષે જેટલી પણ કલ્પનાઓ વાંચી છે એ સઘળી આની સામે વામણી છે. સાંભળ્યું છે કે અહીં સ્વર્ગની હવા આવે છે, પણ હવે અનુભવ્યું છે કે અહીં પહોંચવાનો આનંદ સ્વર્ગથી વિશેષ છે. મારા જીવનની શ્રેષ્ઠ ઘડીઓમાંની આ એક ઘડી છે કે ટોચ પર પહોંચીને “નંદાદેવી-ભારતના બીજા સહુથી ઊંચા પર્વતને શાંતિથી જોઈ શકું.

નંદાદેવીને ભારતીય લોકસાહિત્યમાં હિમાલયની પુત્રી તરીકે ઓળખાવવામાં આવ્યાં છે અને ૬૪૦૦ મીટર કરતાં ઊંચા બારેક જેટલા હિમાલયના પહાડોથી નંદાદેવી અને સુનંદાદેવી બંને ઘેરાયેલાં છે.

એ જ રીતે ભારતની મોટા ભાગની નદીઓનું ઉદ્દગમ સ્થાન એવું ચૌખંભાનાં અદ્ભુત શિખરો અહીંથી નજર સમક્ષ તરવરે. ચૌખંભા ચાર પિલ્લરના પર્વતોથી રચાયેલ અને ગંગોત્રી ગ્લેશિયર સ્થિત ગઢવાલ હિમાલયની સહુથી સુંદર પર્વત શૃંખલા છે અને એને કોઈ પણ દિશામાંથી જુઓ એકસરખી જ દેખાય એ એની ખાસ વિશેષતા છે. ચૌખંભા જ અલકનંદા અને ભાગીરથીની ધારાનું મૂળ છે.

કેદારનાથ, શિવલિંગ પર્વત જેવા હિમાલયના મનમોહક પર્વતોને કંપની આપતો આ ઉત્તરાખંડનો સહુથી સુંદર પર્વત છે. ગંગોત્રી ગ્રુપના આ દિવ્ય અને મુખ્ય પર્વતને ગુપ્તકાશી, તુંગનાથ, ચંદ્રશિલા, વાસુકીતાલ, દેઓરિયા તાલ, સાતોપંથ લેક, નાગ ટિબ્બા, કૌરી પાસ અને મદમહેશ્ર્વરથી ખૂબ જ સુંદર રીતે જોઈ શકાય છે.

મદમહેશ્ર્વરથી તો સૂર્યની સોનેરી ઝાંય સવાર-સાંજ એટલી અદ્ભુત લાગે કે પોતાની આંખો પાર વિશ્ર્વાસ ન થઈ શકે. આ તસવીર ચંદ્રશિલા પર સૂર્યાસ્ત સમયની છે. ખાસ તો સૂર્યાસ્ત સમયે ચૌખંભા અને એની શ્રેણીની તમામ પર્વતમાળાને નરી આંખે જોવા માટે હું સૂર્યાસ્ત સુધી ચંદ્રશિલા પર રોકાયો અને હું કુદરતની આ ભવ્યતાને કલાક સુધી માણી શક્યો. હિમાલયની આ પર્વતમાળાઓમાં શિવની ઝટાની કલ્પનાનો સાક્ષાત્કાર થાય જ.

આવાં દૃશ્યો રૂબરૂ જોઈને જ સમજી શકાય કે મહાન વિભૂતિઓ, મહર્ષિઓ કે દેવતાઓ હિમાલયને જ કેમ પોતાના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પસંદ કરતા હશે? આ વર્ષે હિમાલય તરફ પગલાં માંડો તો નંદાદેવીને વધારે ક્ષણો માટે અચૂક નિહાળજો, કુદરત પ્રત્યે અન્યાય કરતાં પહેલાં તમારી અંદરની સંવેદના તમને જરૂર ટોકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button