ઉત્સવ

નેચરલ એરકન્ડિશનર: કચ્છી ભુંગા

વલો કચ્છ -ડૉ. પુર્વી ગોસ્વામી

(પ્રદીપ ઝવેરી)

ર૦૦૧ના ભૂકંપે કચ્છમાં તાંડવ મચાવ્યો છતાય એક અલિપ્ત ઘટના એ હતી કે કચ્છનો એક પણ ભુંગો પડયો નહોતો. જીવનરક્ષક ભુંગાઓ કઈ એમ જ ખાસ નથી! ભુંગા તેમાંય સુશોભિત ભુંગા એ ગ્રામલોકોની કલાકૃતિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. દરેક પ્રદેશ અને વિસ્તારની આગવી સંસ્કૃતિ અને કલા હોય છે. દક્ષિણ ભારતના નૃત્યો, બંગાળ-મહારાષ્ટ્રના સંગીત અને સાહિત્ય, રાજસ્થાનના લોકગીતો, ઉત્તર પ્રદેશમાં હોળી અને પંજાબ-હરિયાણામાં વૈશાખી જેવી અનેક આગવી વિશિષ્ટતાઓ છે. આજ રીતે ગુજરાતમાં કચ્છના ડિઝાઇનર અને કલાત્મક ભુંગા તેની અનન્ય વિશેષતાઓ પૈકીની એક છે.

આપણાં લોકો વિદેશ જતાં તો આપણે એવા વટથી ઓળખાણ કરાવતા કે, ‘એ તો વિલાયતથી આવ્યા છે.’ અને એ વિલાયતી માણસો આપણાં છાણ-લાદથી લીપાયેલી દીવાલોના દિવાના છે. આપણે એ લોકોના દેશમાં સિમેન્ટ ટાઇલ્સના અવનવા ફ્લોર જોવા આકર્ષાઈ જઈએ છીએ અને એ લોકો? સાવ સાદા પણ કમનીય ભુંગાનું સુશોભન જોઈને ચકિત થઈ જાય છે અને એટલે જ એ લોકોને લીધે આપણે પણ આપણું જોતાં થઇ ગયા છીએ.

આજે આપણે ગૃહનિર્માણ માટે પ્રકૃતિનું સતત નિકંદન કરીએ છીએ. લાઇમ સ્ટોન, લોખંડ, માટી, કોન્ક્રીટ, રેતી, લાકડું આ બધુ મેળવવા આપણે કેટલી ઊંડી ખાણો ખોદીને, વૃક્ષો કાપીને, ડુંગરા ખોદીને, નદીમાંથી રેતી કાઢીને, વાતાવરણને નુકસાન પહોંચાડીએ છીએ. એન્ટી કલ્ચરલ પ્રવૃતિઓના ભરમાર વચ્ચે થઇ રહેલી વિવિધ પ્રવૃતિઓમાં આલીશાન ભવનોના નિર્માણ પણ એક છે. જ્યારે ભુંગા એ નેચરલ એરકન્ડિશનર છે. ભર ઉનાળે એ.સી.માં રહો અને ત્યારબાદ ભુંગામાં રહો તો તેનો તફાવત સમજાય. ભુંગા ઉપર એક ડોલ પાણી નાખવામાં આવે અને જે શીતળતા આહલાદકતા અનુભવાય તે માણીએ તો જ ખબર પડે. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ હૂંફ આપે અને કોઈ પણ જાતનું પ્રકૃતિને નુકશાન પહોંચાડ્યા વગરનું સુંદર નિર્માણ.

પુરુષો તો માત્ર ભુંગાનું સ્ટ્રક્ચર ઊભું કરી આપે છે પણ તેના બારસાખ, ઘોડલિયા, ભાર, દીવાલો, પાણિયારું વગેરેનું સુશોભન કરે છે એ ભુંગામાં વસનારી બહેનો. દર વર્ષે ભુંગાની અંદર અને બહારની દીવાલો પર જૂની ગાર માટીને ઉખેડીને નવેસરથી લીંપણ કરે છે. અહીં કોઈ લપેડા નથી હોતા પરંતુ ઉચ્ચ કક્ષાના કલાકારોની બરાબરી કરી શકે તેવા કલાના નમૂના હોય છે. બહેનો લીંપણ કરતી વખતે હથેળીથી ઓકળિયો બનાવી વિવિધ ભાત ઉપસાવે છે. એમાં લાલ કે સફેદ માટીનો ઉપયોગ કરી આગવી રંગછાપ ઊપજાવે છે.

વળી દીવાલો પર ફૂલવેલની આકૃતિ ઉપજાવી તેમાં ક્યાંક વચ્ચે-વચ્ચે આભલાં ચોટાડે છે. ઉપરાંત મોર, પોપટ, ઢેલ, વૃક્ષો, ભાતીગળ ચાકળા, ફૂલ-વેલ, સૂર્ય, ચંદ્ર, શ્રીગણેશ વિગેરેનું બેનમૂન મડકામ હોય છે. ક્યાંક બારીની આસપાસ ભૌમિતિક આકારનું ચિત્રણ ચોરસ-ત્રિકોણ સર્જી બનાવેલું હોય છે. ગરાસિયા, રબારી, ચારણો, મુતવા, વણકર, મારવાડા, કુંભાર વિ. જ્ઞાતિની બહેનોની આંગળીના ટેરવે આ કરામત સર્જાય છે.

આશરે ત્રણ દાયકા પહેલાની વાત છે. ભૂજોડીના હાંસબાઈમાને ગારગોબરનું કામ કરાવવા ગોરાઓ વિદેશ લઈ ગયા હતા. પહેલે ફેરે તો બાઈ વિચારમાં પડી ગયા હતા કે વિદેશની ધરતી પર છાણને માટીનું કેમ થશે? અને ત્યારે હાંસબાઈ ગૂણ ભરીને વિમાનમાં સાથે જ લેતા ગયેલા. આજે તેમની દીકરી-વહુ માહેર કારીગર છે.

ભાવાનુવાદ: ર૦૦૧ જો ભૂકંપ કચ્છમેં તાંડવ મચાયો હો છતાં હિકડ઼ી અલિપ્ત ઘટના ઇ હુઇ ક કચ્છજો હિકડ઼ો પ ભુંગો છણ્યો ન હુઓ. જીવનજા રક્ષક હી ભુંગા ઇંય જ કીં ખાસ નઇયેં! ભુંગા તેમેં પ સુશોભિનવારા ભુંગા ઇ ગામજે માડૂએંજી કલાકૃતિજો ઉત્કૃષ્ટ પ્રિદરસન આય. મિડ઼ે પ્રિડેસ નેં વિસ્તારજી આઉગી સંસ્કૃતિ નેં કલા વેંત્યું. ડખણ ભારતજા નૃત્યો, બંગાળ-મહારાષ્ટ્રજો સંગીત નેં સાહિત્ય, રાજસ્થાનજા લોકગીત, ઉત્તર પ્રદેશમેં હોરી નેં પંજાબ-હરિયાણામેં વૈશાખી જેડ઼ી કિઇક આઉગી વિશિષ્ટતાઉં ઐં. હિન રીતેં ગુજરાતમેં કચ્છજા ડિઝાઇનર નેં કલાત્મક ભુંગા ઇનજી ખાસ વિશેષતાઉં મિંજાનુ હિકડ઼ી આય.

પાંજા માડૂ વિડેસ વેંધાવા તેર પાં ઍડ઼ે વટસે ઓરખાણ કરાઇંધાવાસિ ક, હી ત વિલાયતસે આયા ઐં.’ નેં ઇ વિલાયતી માડૂ પાંજે છેણસે લપલ ધિવાલુંજા ધિવાના ઐં. પાં ઇનીજે ડેસમેં સિમેન્ટ ટાઇલસેજા નિતનવા ફ્લોર ન્યારીને નવાઇ વિઞોંતા નેં ઇ માડૂ? નિપટ સાધા પ સણગારેલા ભુંગેકે ન્યારીને ચકિત થિઇ વિઞેતા નેં ઇતરે જ હિન માડૂ જે લિધે પાં પાંજો ન્યારીંધે થિઇ વ્યાસુ.

આજ પાં ઘર ભનાયલા પ્રિકૃતિજો ગ઼ચ જ નુક્સાન કરી રયા અઇયું. લાઇમ સ્ટોન, લોખંડ, મટી, કોન્ક્રીટ, રેતી, લકડો હી મિડ઼ે મડ્વેલા પાં કિતરી ઊની ખાણૂ ખોધેને, જાડ઼ કપેને, ડુંગરા ખોધેને, નધિએં મિંજાનું રેતી કઢીને, વાતાવરણકે નુકસાન પુજાઇયુંતા. એન્ટી કલ્ચરલ પ્રિવૃતિએંજે ભરમાર વિચે આલીશાન ભવનેંજા નિર્માણ પ હિકડ઼ો આય. જેર ભુંગા ઇ નેચરલ એરકન્ડિશનર ઐં. ભર ઉનારેમેં એ.સી.મેં રોં નેં હિન પૂંઠિયા ભુંગેમેં રોં ત તફાવત સમજાજે. ભુંગે મથે હિકડ઼ી ડોલ પાણીજી વિજે મેં અચે નેં જુકો ટાઢક અનુભવાજે ઇ ત માણીયું ત જ ખિબર પે. સિયારેજી ટાઢમેં પ હૂંફ ડે નેં કો પ જાતજો પ્રિકૃતિકે નુકસાન પુજાય વિગરજો નિર્માણ.

ભાઇમાડૂ ત ખાલી ભુંગેજો સ્ટ્રક્ચર ઊભું કરે ડીંયે પ ઇનીજા ગોખલા, ભાર, ધિવાલું, પાણિયારો વિગેરેજો સુશોભન કરેત્યું હિન ભુંગેમેં રેંવારી ભેંણુ. હર વરે ભુંગે મિંજારા નેં બારાજી ધિવાલું તે જૂની ગાર મટીને ઉખેડીને નઇસરસે લિંપણ કરેમેં અચેતો. હિત કો લપેડ઼ા નતા વે પ સુંઠે કલાકારેંજી બરાબરી કરી સગે તેડા કલાજા નમુના હોયતા.

ભેંણુ લિંપણ કરે ટાણે હથેસેં ઓકરિયો ભનાય વિવિધ ભાત ઉપસાઇયેંત્યું. હિનમેં લાલ ક ધોરી મટીજો ઉપયોગ કરે આઉગી રઙછાપ ઉપસાયમેં અચેતિ. વરી ધિવાલું તે ફૂલવેલજી આકૃતિ ઉપસાયને તેમેં કિતક વિચ – વિચમેં આભલાં ચોંટાડેમેં અચેંતા. હિન સિવા મોર, પોપટ, ઢેલ, જાડ઼, ભાતીગડ઼ ચાકડ઼ા, ફૂલ-વેલ, સિજ, ચધર, શ્રીગુણેસ વિગેરેજો બેનમૂન મટીકમ હોયતિ. કિતક બારીજી બાજુમેં ભૌમિતિક આકારજો ચિત્રણ ચોરસ-ત્રિકોણ ભનાયલો હોયતો. ગરાસિયા, રબારી, ચારણો, મુતવા, વણકર, મારવાડા, કુંભાર વિ. કોમેંજી ભેંણૂજી આંગરીએંજે ટેરવે ભરાં હી કરામત સર્જાજેતિ.

લગ઼ભગ ત્રે ડાયકે પેલેજી ગ઼ાલ આય. ભુજોડ઼ીજા હાંસબાઈમાકે ગારગોબરજો કમ કરાયલા ગોરા વિડેસ ગ઼િની વ્યાવા. પેલે ફેરે ત બાઈ વિચારમેં પિઇ રિઇ ક વિડેસજી ધરતી મથે છેણ નેં મટીજો કીં
થીંધો? નેં તેર હાંસબાઈ ગુણ ભરેને વિમાનમેં ભેરા જ ગિનંધા વ્યા. અજ઼ ઇનીજી ધી નેં નોં માહેર
કારીગર ઐં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ