મહર્ષિ અરવિંદની દ્રષ્ટિએ રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિ
*શ્રી અરવિંદના સામાજિક-રાજનીતિક વિચાર પર દ્રષ્ટિ કરવામાં આવે તો આપણને વેદાન્તની પરંપરા જોવા મળશે.
*ભારતે ભારત જ રહેવું જોઈએ – અરવિંદ
*અરવિંદનો સંદેશ વિશ્વને ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. એક શબ્દમાં તેમનો સંદેશ સર્વાંગી જીવનનો સંદેશ છે.
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ
શ્રી અરવિંદ શરૂઆતથી જ તદ્દન અલગ અને મૂળ વિચારક હતા. તેમની રાજનીતિ રાષ્ટ્રીય નીતિ હતી. તેઓ ભારતને તેના સાચા સ્વરૂપમાં જોવા માગતા હતા. તેમનું માનવું હતું કે, જો ભારત તેની ખોવાયેલી પ્રાચીન આધ્યાત્મિક અને ભૌતિક ઉત્કૃષ્ટ શ્રેષ્ઠતા પાછી મેળવી શકે તો તે વિશ્ર્વ ગુરુ બની શકશે.
વિશ્ર્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી ભારતીય વિભૂતિ એટલે શ્રી અરવિંદ. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક, મહાન રાજકીય નેતા, કવિ અને નાટ્યકાર, સાહિત્યમર્મજ્ઞ અને કવિતાના મીમાંસક, દાર્શનિક, ભાષ્યકાર અને અનુવાદક પણ હતા. આ ઉપરાંત તેઓ મહાન યોગી અને દીર્ધદ્રષ્ટા હતા.
પિતાનું નામ કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા. ૧૮૭૯માં કૃષ્ણધન પોતાના ત્રણ પુત્રોને ઇંગ્લેન્ડ મોકલી ડ્રરયએટ કુટુંબને સ્પષ્ટ સૂચના આપી કે, તેમનો ઉછેર સંપૂર્ણપણે અંગ્રેજી ઢબે થવો જોઈએ અને કોઈ પણ પ્રકારના ભારતીય સંસ્કાર તેમના પર પડવા ન જોઈએ. શ્રી અરવિંદનું બાળપણ આ રીતે પરદેશમાં પાશ્ચાત્ય સંસ્કારો હેઠળ વીત્યું. ૧૮૮૯માં સેન્ટ પોલની સ્કૂલમાંથી તેમણે મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ‘ઇન્ડિયન મજલિસ’ નામના વિદ્યાર્થી-ગ્રૂપમાં જોડાયા અને ભારતને સ્વતંત્ર કરવાની જોરદાર હિમાયત કરતાં ભાષણો તેમણે કર્યાં. ૧૮૯૨માં ઇન્ડિયન સિવિલ સર્વિસની છેલ્લી પરીક્ષા પસાર કરી, પણ ઘોડેસવારીની પરીક્ષા ન આપવાથી આઈ.સી.એસ. થઈ શક્યા નહિ. વડોદરાના મહારાજા સયાજીરાવ ત્યાં આવેલા. તેમને મળ્યા અને વડોદરા રાજ્યની નોકરી મેળવી. ઈ. સ. ૧૮૯૩ના જાન્યુઆરીની ૧૨મીએ તેમણે કાર્થેજ સ્ટીમર મારફત ઇંગ્લેન્ડ છોડ્યું અને ફેબ્રુઆરીની ૬ઠ્ઠીએ મુંબઈના એપોલો બંદરે ઊતર્યા. તેમણે જેવો ભારતીય ભૂમિ ઉપર પગ મૂક્યો તેવી એક વિશાળ શાંતિ તેમના ઉપર ઊતરી આવી. આ આધ્યાત્મિક શાંતિ ઘણો સમય તેમના પર રહી.
રમણલાલ જોશી ગુજરાત વિશ્ર્વકોશમાં લખે છે કે, વડોદરા રાજ્યની નોકરીમાં શ્રી અરવિંદે મહેસૂલ ખાતામાં, મહારાજાના રહસ્યમંત્રી તરીકે, અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક તરીકે એમ વિવિધ કામગીરીઓ સંભાળેલી. કોલેજના ઇન્ચાર્જ-આચાર્ય પણ નિમાયેલા. ૧૯૦૧માં તેઓ કોલકાતામાં ભૂપાલચંદ્ર બોઝની સૌથી મોટી પુત્રી મૃણાલિની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ૧૯૦૪માં મહારાષ્ટ્રીય યોગી વિષ્ણુ પ્રભાકર લેલે પાસેથી તેઓ યોગ શીખ્યા. ૧૯૦૫માં બંગભંગની લડતમાં બંગાળના ક્રાન્તિકારીઓ સાથે તેઓ ગાઢ સંપર્કમાં હતા. ૧૯૦૭માં તેઓ રાષ્ટ્રનેતા તરીકે પ્રસિદ્ધિ પામી ચૂક્યા હતા. શ્રી અરવિંદે ‘યુગાન્તર’ અને ‘વન્દે માતરમ્’માં ક્રાન્તિકારી લખાણો લખતા તેથી વન્દે માતરમ્’ પર રાજદ્રોહનો કેસ થયો. શ્રી અરવિંદની ધરપકડ અને જામીન પર છૂટ્યા બાદ બંગાળની નેશનલ પાર્ટીના નેતા તરીકે દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યા. મુંબઈ, નાશિક, નાગપુર વગેરે સ્થળોએ જાહેર ભાષણો આપ્યાં. ૧૯૦૮માં તેમના પર અલીપુર બોમ્બ કેસ થયો અને ૧૯૦૯માં તેમને અલીપુરની જેલમાં મોકલી દેવાયા. અહીં તેમને જે આધ્યાત્મિક અનુભવ થયો એનું વર્ણન તેમણે ઉત્તરપાડા વ્યાખ્યાન’માં કર્યું છે. જેલવાસ દરમિયાન ગીતાનું અધ્યયન કર્યું તે ‘ગીતા નિબંધો’માં મળે છે. આ કેસમાં તેઓ ૧૯૦૯માં નિર્દોષ જાહેર થયા અને પછી અંતરના અવાજને અનુસરી ૧૯૧૦માં ફ્રેન્ચ હકૂમત હેઠળના ચન્દ્રનગરમાં અને ત્યાંથી પોંડીચેરી ગયા. તેમનું લેખનકાર્ય તો ચાલુ જ હતું. તેમણે પોતે શરૂ કરેલ ‘કર્મયોગિન્ પત્રમાં લખેલા ટુ માય ક્ધટ્રીમેન’ લેખ માટે તેમના ઉપર રાજદ્રોહનો આરોપ મુકાયેલો અને વોરંટ પણ નીકળેલું; પરંતુ હાઈકોર્ટે એ લેખને રાજદ્રોહી ન ગણતાં વોરંટ પાછું ખેંચાયેલું. પછી તેમણે ‘હિંદુ’માં એક પત્ર પ્રગટ કરી રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાની જાહેરાત કરી. ૧૯૧૪માં શ્રીઅરવિંદના ‘આર્ય’માં તત્વજ્ઞાન વિષયક લેખો ક્રમશ: પ્રગટ થવા લાગ્યા. તેમનાં ‘ધ લાઇફ ડિવાઇન’,‘ ધ સિન્થેસિસ ઑવ્ યોગ’, ‘ધ આઇડિયલ ઑવ્ હ્યૂમન યુનિટી’, ‘ધ હ્યૂમન સાઇકલ’,‘ ધ ફ્યૂચર પોએટ્રી’ વગેરે પુસ્તકોનાં લખાણો સૌપ્રથમ ‘આર્ય’માં હપતાવાર છપાયાં હતાં. ‘કર્મયોગિન્’માં પણ તેઓ લખતા. ૧૯૧૪ના માર્ચની ૨૯મીએ શ્રીમાતાજી શ્રીઅરવિંદને પ્રથમ વાર પોંડીચેરીમાં મળ્યાં. ૨૨મી ફેબ્રુઆરી, ૧૯૧૫ના રોજ તે પાછાં ફ્રાન્સ ગયાં. શ્રી માતાજીનું ૧૯૨૦માં પોંડીચેરીમાં પુનરાગમન થયું. પછી તે ત્યાં જ રહ્યાં. ૧૯૨૨માં તેમણે શ્રી અરવિંદના નિવાસની બધી વ્યવસ્થા સંભાળી લીધી.
૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ ભારતને સ્વતંત્રતા મળી એ પ્રસંગે ઑલ ઇન્ડિયા રેડિયોને આપેલા સંદેશામાં તેમણે કહેલું : મારો જન્મદિન અને હિંદની સ્વતંત્રતાપ્રાપ્તિનો દિન આમ એક જ દિવસે આવે છે એ ઘટનાને, એક યોગી તરીકે, હું કોઈ સાદા યોગાનુયોગ તરીકે યા તો કોઈ ગમે તેમ બની આવેલા અકસ્માત તરીકે ગણતો નથી; પરંતુ આ ઘટના દ્વારા હું મારા જીવનના આરંભકાળથી મેં હાથ ધરેલા કાર્યમાં પ્રભુની જે દિવ્ય શક્તિ મારાં પગલાંને દોરી રહી છે તેની સંમતિ નિહાળું છું, એ કાર્ય ઉપર તેની મહેચ્છા અંકાતી જોઉ છું. એ જ સંદેશામાં હિંદના ભાગલા જવા જ જોઈએ અને જશે પણ ખરા જ એવી આગાહી તેમણે કરી હતી. એ જ રીતે ગાંધીજીના નિધનસમયે પ્રકાશ છે જ’ એમ કહી એમાં સ્થિર થવાનું તેમણે ઉદબોધેલું. અતલ નિરાશા અને વિષાદમાં પણ પ્રભુના આશાકિરણ પ્રત્યે તેમણે પ્રજાને પ્રેરેલી. ધ હ્યૂમન સાઇકલ’માં તેમણે ચીન વિશે જે લખ્યું તે પણ ચેતવણીરૂપ હતું. શ્રી અરવિંદના આર્ષદર્શનની એમાં ઝાંખી થાય છે. ૧૯૫૦ના ડિસેમ્બરની ૫મીએ તેમણે સમાધિ લીધી. ડિસેમ્બરની ૯મીએ આશ્રમના ચોકમાં શ્રી અરવિંદના દેહને સમાધિ આપવામાં આવી.
અરવિંદની દ્રષ્ટિએ સ્વાતંત્ર્ય લડત : મહર્ષિ અરવિંદ ભારતીય રાજનીતિમાં એટલે કે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ૧૯૦૫ થી ૧૯૧૦ સુધી માત્ર પાંચ વર્ષ રહ્યા અને આટલા ટૂંકા ગાળામાં તેમણે દેશના લોકોને એટલા સક્ષમ બનાવ્યા કે તેઓ તેમના વાસ્તવિક વ્યક્તિત્વને ઓળખી શકે અને તેમના ભૂતકાળનું ખોવાયેલ ગૌરવ પાછું મેળવી શકે.
બરોડા રાજ્યની સેવાની જવાબદારી સંભાળી ત્યારે તેમને એ જોઈને આશ્ર્ચર્ય થયું કે, તત્કાલીન કેટલાક નેતા અંગ્રેજોને આજીજી કરી સ્વતંત્રતાની માંગ કરી રહ્યા હતા. વિનીત નારૈન પોતાના એક લેખ અરવિંદના ‘સ્વપ્નનું ભારત’માં જણાવે છે કે, અરવિંદે કોંગ્રેસની સ્વાતંત્ર્ય સંગ્રામ નીતિની આકરી ટીકા કરતા મુંબઈથી પ્રકાશિત ઈન્દુ પ્રકાશ’માં લખેલું, ’હું કોંગ્રેસ વિશે કહું છું કે, તેના ઉદ્દેશ્યો ભ્રામક છે, તેની સિદ્ધિઓ પાછળની ભાવનામાં ઈમાનદારી અને અખંડિતતાનો અભાવ છે. અને તેની પદ્ધતિઓ યોગ્ય નથી અને તે જે નેતાઓમાં તેમને વિશ્ર્વાસ છે તે નેતૃત્વ કરવા સક્ષમ નથી.’
તેમના શક્તિશાળી ભાષણો અને જ્વલંત લખાણો નિંદ્રાધીન દેશમાં પ્રાણ ફૂંકવા લાગ્યા. લાલા લજપત રાય ઉત્તર ભારતનું નેતૃત્વ કરી રહ્યા હતા, બાલ ગંગાધર તિલક મહારાષ્ટ્રના મુખ્ય નેતા હતા અને બંગાળનું નેતૃત્વ બિપિન ચંદ્ર પાલના હાથમાં હતું. શ્રી અરબિંદોએ જૂના આંદોલનને નવી દિશા આપી.
આઝાદી માટેની ‘પ્રાર્થના અને અરજી’ની જૂની અને ધીમી શૈલીને બદલે તેમણે પોતાની ધરતી પર પોતાનો વહીવટ દરેક દેશવાસીની ફરજ અને જવાબદારી છે તેવું બતાવ્યું. ત્રણેય દિગ્ગજ નેતાઓએ તેમની મજબૂત ભાવનાની પ્રશંસા કરી હતી. ચળવળને વધુ તીવ્ર બનાવવાના હેતુથી બિપિનચંદ્ર પાલે બંગાળમાં ‘વંદે માતરમ’ નામનું અંગ્રેજી દૈનિક શરૂ કર્યું અને તેનો સંપાદકીય હવાલો શ્રી અરબિંદોને આપવામાં આવ્યો.
અરવિંદની દ્રષ્ટિએ રાષ્ટ્ર : શ્રી અરવિંદે તેમના સાથીયો અને અન્ય નેતાઓની તુલનામાં રાષ્ટ્રની નવી વાત મુકી. દેશવાસિયોમાં સ્વાભિમાન જગાડ્યું, તેમનું પુરુષત્વ જગાડી ભારતીય આત્માનું ચિત્ર સ્પષ્ટ કર્યું. ભારત રાષ્ટ્ર માત્ર એક ભૌગોલિક સત્તા અથવા પ્રાકૃતિક ભૂમિ ખંડ માત્ર નથી. તેમણે સ્વદેશને માં’ નો દરજ્જોે આપ્યો, માં’ રૂપમાં તેમણે ભક્તિ અને પૂજા કરી. તેમણે દેશવાસિયોને ભારત માતાની રક્ષા અને સેવા માટે તમામ પ્રકારના કષ્ટો સહન કરવાની માર્મિક અપીલ કરી. તેમણે કહ્યું કે, ભારત માતા સદીયોથી પોતાની સંતાનોના પાલનમાં જુલતી રહી અને તેનું પાલન પોષણ કરતી રહી પરંતુ દુર્ભાગ્યપૂર્ણ આજે વિદેશી અત્યાચારોની બંધન જકડીને તેનું સ્વાભિમાન નષ્ટ થઇ ચુક્યું છે. માતાના પુત્રોનું કર્તવ્ય છે કે, ‘માં’ ને ગુલામીને બેડીયોથી મુક્ત કરે.
અરવિંદે લખ્યું રાષ્ટ્ર શું છે? આપણી માતૃભુમી શું છે? તે ભૂખંડ નથી, વાણીવિલાસ નથી કે મનની કોરી કલ્પના નથી. તે મહાશક્તિ છે, તે રાષ્ટ્રનું નિર્માણ કરવા વાળી કોટી-કોટી જનતાની સામુહિક શક્તિયોમાં સમાવિષ્ટ રૂપ છે.
ડો. મમતા યાદવ પોતાના શોધમાં જણાવે છે કે, અરવિંદે રાષ્ટ્રને ધર્મ બતાવ્યું જે ઈશ્વર પાસેથી આવ્યું છે તેને લઈને આપણે જીવિત રહેવું જોઈએ. આધ્યાત્મિક રાષ્ટ્રને આદર્શ રાજ્યના રૂપમાં પ્રસ્તુત કરે છે. જે આદર્શ રાજ્ય સ્વરાજ્યનું રૂપ લે છે. તેમનું લક્ષ્ય છે કે, આદર્શ આધ્યાત્મિક સમાજની સ્થાપના કરવી. પૂર્ણ સમાજ અપૂર્ણ વ્યક્તિયો દ્વારા ન બની શકે અને અધ્યાત્મક વગરના વ્યક્તિમાં પૂર્ણતા સંભવ નથી. આ જ કારણે ધર્મને ને ભારતીય લોકતંત્રનો મૂળ આધાર બતાવ્યું જે સમગ્ર ભારતને
એકતાના એક સૂત્રમાં બાંધ્યા પછી જ પ્રાપ્ત થઇ શકે છે.
અરવિંદની દ્રષ્ટિએ રાષ્ટ્રીયતા : તેમણે પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીયતા શું છે? રાષ્ટ્રીયતા એક સિદ્ધાંત છે જેના અનુસાર આપણે જીવવું જોઈએ. રાષ્ટ્રવાદી બનવા માટે રાષ્ટ્રીયતાના એ ધર્મને સ્વિકાર કરવા માટે આપણે ધાર્મિક ભાવનાનું પૂર્ણ પાલન કરવું જોઈએ. આપણે સ્મરણ રાખવું જોઈએ કે, આપણે નિમિત્ત માત્ર છીએ, ભગવાનના સાધન માત્ર છીએ. જો આપણે દરેક બાબતમાં યુરોપિયન વિચાર અને વ્યવહારનું પાલન કરીશું તું પોતાની આધ્યામિકતા ક્ષમતા, બૌદ્ધિક બળ, રાષ્ટ્રીય લચક અને આત્મ-પુનરુદ્ધારની શક્તિ હંમેંશા માટે ખોઈ બેસીશું.
અરવિંદની દ્રષ્ટિએ સંસ્કૃતિ : શ્રી અરવિંદના ઇંગ્લેન્ડ વસાવટ દરમિયાન તેમની માતૃભાષા બંગાળી અને અન્ય ભારતીય ભાષાઓ તેમજ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરાથી અજાણ હતા. બરોડાકાળમાં તેમણે પ્રથમ વખત પોતાના દેશની પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન ભાષા સંસ્કૃત અને પ્રાચીન સાહિત્યનો અભ્યાસ કર્યો ત્યારે તેમને આશ્ચર્ય અને દુખ થયું કે, ભૂતકાળનો આટલો સમૃદ્ધ, સમર્થ અને જ્ઞાની દેશ કેવી રીતે બાહ્ય ક્ષુદ્ર શક્તિનો ગુલામ બની ગયો?
ડો. શ્રુતિ મિશ્રા પોતાના શોધમાં જણાવે છે કે, અરવિંદના મતે કોઈ જાતિની સંસ્કૃતિ તેના જીવન વિષયક ચેતનાની અભિવ્યક્તિ હોય છે તે ચેતના સ્વયંનો વિચાર, આદર્શ, આત્મિક અભિપ્સા, સર્જનશીલ આત્મ, સૌન્દર્ય બૌદ્ધ, કલ્પના અને વ્યવહારિકતામાં પ્રગટ થાય છે. અરવિંદનો આવિર્ભાવ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના સંસ્કાર લઈને થયો છે. તેમનો સંદેશ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનો સંદેશ છે. અરવિંદના સામાજિક-રાજનીતિક વિચાર પર દ્રષ્ટિ કરીશું તો તેમાં આપણને વેદાન્તની પરંપરા જોવા મળે છે.
’વંદે માતરમ’ના સંપાદકીય લેખમાં ભારતીય પુનરુત્થાન અને યુરોપ’ શીર્ષક હેઠળ જો ભારત યુરોપની બૌદ્ધિક વસાહત બની જશે તો તે ક્યારેય તેની કુદરતી મહાનતા પ્રાપ્ત નહીં કરી શકે, સાથે તેની જન્મજાત ક્ષમતાને પૂર્ણ કરી શકશે નહીં. … જ્યારે પણ, જ્યાં પણ, એક રાષ્ટ્રે તેની શક્તિનો હેતુ છોડી દીધો તેની સમૃદ્ધિ અટકી ગઈ. ભારતે ભારત જ રહેવું જોઈએ. જો ભારતે તેના ભાગ્યને અનુસરવું હોય તો ભારત પર તેની સભ્યતા થોપવાથી યુરોપને પણ કોઈ ફાયદો થશે નહીં.
યુરોપમાં તેમના અભ્યાસના સમયગાળા દરમિયાન તેમણે ત્યાના ઇતિહાસ અને મનોવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ભારત આવ્યા પછી તેમણે ભારતના સમૃદ્ધ ભૂતકાળ અને વર્તમાન તામસિક પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કર્યું. આ બંનેના પરિપ્રેક્ષ્યમાં તેમણે સ્વતંત્રતા સંગ્રામ માટે જે ત્રિપાંખીય યોજના અપનાવી હતી તે તેમની પોતાની મૌલિક વિચારસરણીનું પરિણામ હતું.
અંતમાં અરવિંદનો સંદેશ વિશ્વને ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. એક શબ્દમાં તેમનો સંદેશ સર્વાંગી જીવનનો સંદેશ છે. આ સર્વાંગી સંદેશમાં તન, મન અને પ્રાણ બધાનો સમુચિત સંતોષ અને વિકાસ થાય.