ઉત્સવ

મિલ ઉદ્યોગમાં ને સ્ત્રીકેળવણી ક્ષેત્રે ઠાકરશી નામ જાણીતું છે વિશ્વવિખ્યાત ક્રિકેટ ખેલાડી વિજ્ય મર્ચન્ટ પણ આ કુટુંબનાં છે

નરીમાન પોઈન્ટની પાળેથી – મૂલચંદ વર્મા

મુંબઇમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં વ્યાપાર – વાણિજ્ય વ્યવસાય – ઉદ્યોગ, જમીન- સંપત્તિના ક્ષેત્રે ગુજરાતીઓનું સામ્રાજ્યપ્રવર્તતું હતું. મુંબઇમાં રાજાબાઇ ટાવરથી માંડી ને થાણાની પાગલો માટેની હૉસ્પિટલ અને વસઇની પ્રાથમિક શાળા સુધી ગુજરાતીઓનો મહત્ત્વનો ફાળો ઇતિસાહના પાને નોંધાયો છે. સરી જતા સમય સાથે ઓગણીસમી સદીના મુંબઇના કેટલાક ગુજરાતી શેઠિયાઓનો સંક્ષિપ્ત પરિચય કરવો એ આ આથમતી વીસમી સદીમાં આવશ્યક બની ગયો છે.
મુંબઇમાં માધવબાગ એ જાણતું સ્થળ છે. માધવબાગ બાંધવા આ જગ્યા કપોળ વણિક શેઠ વરજીવનદાસ માધવદાસે ઇ. સ. 1874માં પોતાના મોટાભાઇ સાથે ખરીદી હતી અને પોતાના પિતા શ્રી માધવદાસ રૂઘનાથદાસની યાદગીરીમાં ત્યાં માધવબાગ' બંધાવવામાં આવ્યો. શ્રી વરજીનદાસનો જન્મ 1817માં મુંબઇમાં જ થયો હતો. શિક્ષણની શરૂઆત મહેતાજીની ગુજરાતી શાળાથી કરી હતી અને ત્યાર પછી મિ. બોઝવેલની અને ડોંગરી કિલ્લા ખાતે આવેલી રેજીમેન્ટલ સ્કૂલમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તેઓ એશિયાટીક સોસાયટીના સભ્ય હતા અને 1878માં બોમ્બે બેન્કના ડિરેકટર થયા હતા. મુંબઇ યુનિવર્સિટીમાં બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત ભાષામાં સહુથી અધિક માર્ક લાવનારને વરજીવનદાસ સંસ્કૃત સ્કોલશિપ આપવા રૂા. પાંચ હજાર મુંબઇ યુનિવર્સિટીને આપ્યા હતા. માધવબાગમાં લાચાર તથા અપંગોને અન્ન આપવા રૂપિયા અઢી લાખનું દાન આપ્યું હતું. મુંબઇના મિલ ઉદ્યોગમાં અને સ્ત્રીકેળવણી ક્ષેત્રે ઠાકરશી નામ જાણીતું છે, વિશ્વવિખ્યાત ક્રિકેટ ખેલાડી વિજ્ય મર્ચન્ટ પણ ઠાકરશી કુટુંબનાં છે. ઠાકરશી કુટુંબના પ્રથમ સભ્ય ઠાકરશી મુુલજી દ્વારકાથી વહાણમાં રૂા. 800નો માલ ભરી તે વેચવા મુંબઇ આવ્યા હતા અને શરૂઆતમાં જ રૂા. 300ની ખોટ કરતાં દ્વારકા જવાનું નાનમભર્યું લાગતાં તેઓ મુંબઇ જ રહી ગયા હતા. ઠાકરશી શેઠ 18 વર્ષની વયે વિક્રમ સંવત 1881માં મુંબઇ આવ્યા હતા. વેપારમાં મળેલા રૂા. 500માંથી પરચૂરણ કાપડની દુકાન શરૂ કરી હતી. સાથે સાથે મુંબઇના મોટા વેપારી શેઠ માણેકજી નસરવાનજી પિટિટ સાથે વિ. સં. 1909માં એક અંગ્રેજી પેઢીની દલાલી કરવા માંડી હતી. આ દલાલીમાં તેઓ તરી ગયા અને વિ.સં. 1924માં પોતાના સંબંધી મૂલજી જેઠા સાથે કાપડ બજારની સ્થાપના કરી અને તે મૂલજી જેઠા માર્કેટ તરીકે જાણીતી છે. એમના પુત્ર તે ધી હિન્દુસ્તાન મિલ સ્થાપનાર દામોદર ઠાકરજી મૂલજી. આ દામોદર શેઠ એ છે કે જેમણે મુંબઇમાં પહેલી વાર મિલના કાપડના તાકાઓ ઉપર લંબાઇ, પહોળાઇ તથા તોલના વજનનો માર્કો છાપવાની દરખાસ્ત રજૂ કરી હતી. મુંબઇ હરકિસનદાસ હૉસ્પિટલ જેમની યાદ અપાવે છે તે શેઠ હરકિસનદાસ નરોત્તમદાસનો જન્મ મુંબઇમાં 1849માં થયો હતો. મુંબઇ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સહુથી વધુ માર્કસ મેળવનાર મહિલાને લેડી 2ે સ્કોલરશીપ એ ગોલ્ડ મેડલ આપવા એમણે રૂા. 6 હજારની રકમ આપી હતી. કારકિર્દીની શરૂઆત પિતાની પેઢીએથી કરી હતી. જાહેર સેવામાં શેઠ સોરાબજી શાપુરજી બંગાળીના જમણા હાથ સમા હતા. શેઠ લક્ષ્મીદાન ખીમજીનો જન્મ મુંબઇમાં 1830માં થયો હતો. એમણે વ્યાપાર સાથે ધાર્મિક અને સામાજિક સુધારમાં સક્રિય રસ લીધો હતો. પોતે હાલાઇ ભાટિયા હતા એટલે વલ્લભવંશના મહારાજાના દુરાચાર સામે શ્રી કરસનદાસ મૂળજી સાથે હિંમતથી ભાગ લીધો હતો અને 1861માં ચાલેલામહારાજ લાયબલ કેસ’માં એમની મહત્ત્વની ભૂમિકા રહી હતી.


મુંબઇમાં જ્યારે 1857ના બળવાની ધાક દબાવી દેવા અંગ્રેજ સરકારે મુંબઇમાં પહેલીવાર 1858માં ઇન્કમટેક્ષ નાખ્યો ત્યારે વેપારીઓના ચોપડા તપાસવામાં નહિ આવે એવો તેમણે આગ્રહ ધરાવ્યો હતો. આથી સરકારે નક્કી કર્યું હતું કે વેપારીઓની આવકનો જે આંકડો શેઠ લક્ષ્મીદાસ ખીમજી જણાવે તેને શિલાલેખ માનવો.


1883માં મુંબઇમાં બંધાયેલી નવી કાપડબજારને વેપારીઓએ લક્ષ્મીદાસ ખીમજી કાપડ બજાર' એવું નામ આપ્યું હતું. સર મંગળદાસ નથુભાઇનો જન્મ 1832માં મુંબઇ ખાતે થયો હતો અને મોઢામાં સોનાની ચમચી લઇને જ જન્મ્યા હતા. શ્રીમંત થઇને બેસી રહેવાને બદલે તેઓ મોટા સમાજસુધારક નીવડ્યા હતા. હોળીના તહેવાર વખતે જાહેરમાં લોકો બેહૂદું વર્તન ચલાવતા હતા. તે માટે પ્રતિબંધ મૂકવાની ભલામણ સર મંગળદાસે પહેલવહેલી વાર મુંબઇ સરકારને કરી હતી. હિન્દુ ગ્રેજ્યુએેટો ઇંગ્લેન્ડ જઇને ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે સ્કોલશિપ શરૂ કરવા રૂા. 20 હજારની રકમ મુંબઇ સરકારને સુપ્રત કરી હતી. સર મંગળદાસ ધારાસભાના સભ્ય હતા અને અમદાવાદમાં આવેલી રેલ માટે ઉઘરાણું મુંબઇ આવ્યા હતા. સર મંગળદાસ આ મદદ માટે સરકારમાં પોતે જ માન પામવા ઇચ્છતા હતા. એનો વિરોધ કરતાં શેઠ મોરારજી ગોકુલદાસે સરને સંભળાવી દીધું હતું કે તમારે આ ઉઘરાણા માટે જાહેર સભા યોજવી જોઇએ. ત્યાર પછી શેઠ બેરામજી જીજીભાઇ અને શેઠ મોરારજી ગોકુલાદાસે રૂા. 25 હજાર બારોબર અમદાવાદના કલેકટરને મોકલાવ્યા હતા. મોરારજી ગોકુલદાસનો જન્મ તા. 29મી ઑક્ટોબર 1834ના દિવસે વિઠ્ઠલવાડી ખાતે મુંબઇ જેઠા માર્કેટ નજીક ધાકજીની ચાલમાં એક ઓરડીમાં થયો હતો. આ મોરારજી શેઠ મિલોના માલિક બન્યા ત્યારે પણ સ્પષ્ટ કહેતા હતા કેમિલના માલિક તરીકે મેં હજારો માણસોને કામે લગાડયા છે; તેનો અર્થ એ નથી થતો કે મેં પરોપકાર કર્યો છે. મેં તો મારી મૂડી ઉપર સેકડે 20 ટકા નફો મેળવવા જ મિલો ઉઘાડી છે. મોરારજી શેઠે સોલાપુર મિલનો પાયો ફેબ્રુઆરીની 16મી તારીખે 1875માં નાખ્યો હતો.
પોર્ટ ટ્રસ્ટમાં મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ હોવા જોઇએ એવી માગણી પ્રથમવાર રજૂ કરનાર ડોસાભાઇ ફરામજી અને મોરારજી ગોકુલદાસ હતા.


મુંબઇ ગુજરાતી શેઠિયાઓ નાટકના એટલા જ રસિયા હતા અને તે વખતે નાટક મધરાત- મળસ્કા સુધી ચાલતાં હતાં. આ ગુજરાતી શેઠિયાઓ ગુજરાતી, ઉર્દૂ, હિન્દુસ્તાની,
મરાઠી બધી જ ભાષાનાં નાટકો જોવામાં રસ ધરાવતા હતા.


આ કારણે જ મુંબઇ નાટકનું પાટનગર શરૂઆતથી જ રહ્યું છે અને આજે પણ રહ્યું છે.
મરાઠી નાટકમાં તે સમયે એક અજબ પ્રથા એ હતી કે નાટકના અંતે આરતીની થાળી પ્રેક્ષકોમાં ફેરવવામાં આવતી હતી. આ આરતીમાં સો રૂપિયાથી માંડી ને એક હજાર રૂપિયા સુધીની રકમ એકઠી થતી હતી.
મરાઠી નાટકના પિતા વિષ્ણુદાસ ભાવે 1853ના માર્ચ મહિનામાં મુંબઇમાં મરાઠી નાટક કરવા આવ્યા હતા. નાના શંકર શેઠ થિયેટર ત્યારે પિલા હાઉસ' ખાતે આવ્યું હતું. ત્યાં અંગ્રેજી નાટકો રજૂ થતાં હતાં અને તેનું ભાડું પણ વધારે હતું. ત્યારે નાટક માટે આ એક જ થિયેટર હતું એટલે તેમણે કામચલાઉ મંડપ ઊભો કરી મરાઠી નાટકો રજૂ કર્યાં હતાં. કાન્તના શંકર શેઠનું નાટ્ક થિયેટર નાનું હોવા છતાંરોયલ થિયેટર’ તરીકે ઓળખાતું હતું. ગ્રાન્ટ રોડ ઉપર લંડન હોટેલ અને અપ્પુ મીનીસ એન્ડ કંપની આવી છે તેની બરાબર સામે આવ્યું હતું. મુંબઇમાં નાટ્યવિકાસનું મોટું પગથિયું આ રોયલ થિયેટર હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…