ઉત્સવ

સરદાર પટેલનું સ્વપ્ન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યું

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિએ અને સુપ્રીમ કોર્ટની મહોરે સરદાર પટેલની પુણ્યતિથિ-૧૫ ડિસેમ્બર પહેલા ૩૭૦ની કલમને માન્ય રાખીને સાચી ભાવાંજલિ અર્પિત કરી છે.

કે. એમ. મુંશીએ લખ્યું છે કે, જો શેખ અબ્દુલ્લાના પ્રભાવથી જવાહરલાલ નેહરુ કશ્મીર વિભાગ સરદાર પાસેથી ન લેવાયો હોત તો કાશ્મીર ક્યારેય સમસ્યાનું કેન્દ્ર ન બન્યું હોત.

બંધારણનો મૂળ ડ્રાફ્ટ જે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યો હતો તેમાં કલમ ૩૭૦નો ઉલ્લેખ સુધ્ધાં ન હોતો. સરદાર પટેલના વિરોધ પછી પણ મુખ્ય ૪ લોકોના કારણે ૩૭૦નો પ્રસ્તાવ સ્વિકાર્યો.

કલમ ૩૭૦ના પ્રથમ ડ્રાફ્ટમાં બધી સત્તાઓ શેખ પાસે હતી. તેમ છતાં સરદાર પટેલના પ્રયત્નથી શેખ અબ્દુલ્લાની વચગાળાની સરકારની જગ્યાએ યુનિયન ઓફ ઈન્ડિયા જોડાયું જેના કારણે કલમ ૩૭૦ હટાવી શક્ય બની હશે.

સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને માન્ય ગણાવ્યો છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણનો ઈતિહાસ વાંચતી વખતે ગોપાલસ્વામી આયંગરનું નામ વારંવાર આવે છે.
તેમને ૧૯૩૭માં જમ્મુ અને કાશ્મીરના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. કાશ્મીરમાં મહારાજા હરિસિંહનું શાસન હતું પરંતુ બ્રિટનના દબાણમાં તેમણે પીએમની નિમણૂક કરવી પડી હતી. કાશ્મિરના પીએમ તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પણ આયંગર કાશ્મીરમાં સક્રિય રહ્યા હતા.

ભારતની ઉત્તર-પશ્ર્ચિમ સરહદ પર સ્થિત આ રાજ્ય ભારત અને પાકિસ્તાન બંનેને જોડે છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી કાશ્મીરની સરહદ અફઘાનિસ્તાન, ચીન તેમજ સોવિયત સંઘની સરહદ થોડા અંતરે છે. તત્કાલિન શાસક હરિસિંહ વિરુદ્ધ ૧૯૪૬માં શેખ અબ્દુલ્લાએ કાશ્મીર છોડોનો નારા ઉદ્ઘોષ કર્યો. પરિણામે, અબ્દુલ્લાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા તથા તેમના સમર્થનમાં સભા યોજવાની ચેતવણી છતાં ત્યાં ગયેલ નેહરુની પણ ધરપકડ કરવામાં આવી. કાશ્મીર સમસ્યામાં વિશેષ રસ લેતા સરદાર પટેલે ૩ જુલાઈ, ૧૯૪૭ના રોજ મહારાજાને પત્ર લખીને નેહરુની ધરપકડની નિંદા કરી અને પોતાનો નારાજગી વ્યક્ત કરી. તેમના પત્રમાં સરદાર પટેલે લખ્યું હતું કે, “હું તમારા રાજ્યની ભૌગોલિક દૃષ્ટિથી નાજુક પરિસ્થિતિને સમજું છું પરંતુ એક સાચા મિત્ર અને શુભેચ્છક તરીકે હું તમને ખાતરી આપું છું કે કાશ્મીરનું હિત ભારતીય સંઘ અને બંધારણ સભામાં તેના તાત્કાલિક સમાવેશમાં રહેલું છે.’ બ્રિટિશ સત્તાના હસ્તાંતરણ સમયે કાશ્મીરના દિવાન પ. રામચંદ્ર કાક હતા. કાશ્મીરના રાજા હરિસિંહે સ્વતંત્ર કાશ્મીરની કલ્પના કરી હતી અને દ્વિધાયુક્ત નીતિ અપનાવી ભારત અને પાકિસ્તાન બંને સાથે ‘યથાસ્થિતિ કરાર’ સુધી પહોંચવાનું યોગ્ય માન્યું હતું. પાકિસ્તાને ‘યથાસ્થિતિ કરાર’ ને સ્વીકારી ટ્રાન્સપોર્ટ, પોસ્ટલ, ટેલિગ્રાફ સિસ્ટમ જેમ હતી તેમ જાળવવાનું વચન આપ્યું. ભારત સાથે મંત્રણા થઈ શકે તે પહેલા પાકિસ્તાને કાશ્મીર સાથેના સંબંધો તોડી નાખ્યા અને અનાજ, પેટ્રોલ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓ અટકાવી નાખી અને કાશ્મીર પર કબજો કરવાના ઈરાદાથી મોટી સંખ્યામાં મુસ્લિમ બળવાખોરોને સરહદી પ્રાંતમાં ઘૂસણખોરી કરવા પ્રેર્યા. પાકિસ્તાને દેશદ્રોહીઓને પરિવહન અને હથિયારો પૂરા પાડ્યા અને તેમને સરહદમાં પ્રવેશવા દીધા. બાદમાં દેશદ્રોહીઓ કાશ્મીરની સરહદમાં વરામુલ્લા સુધી પ્રવેશ્યા અને જાહેરાત કર્યું તેઓ ૨૬ ઓક્ટોબર ૧૯૪૬ના રોજ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ઈદની ઉજવણી કરશે.

આવી નાજુક પરિસ્થિતિમાં કાશ્મીરની રાજધાનીના શાસક હરિસિંહે ૨૪ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ પ્રથમ વખત ભારત સરકાર પાસે મદદ માગી. મહારાજાના વિરોધી શેખ અબ્દુલ્લાએ પણ ભારત પાસેથી મદદની વિનંતી કરી. પરિસ્થિતિ વિશે વાસ્તવિક માહિતી મેળવવા માટે ભારતની સુરક્ષા સમિતિએ વી.પી. મેનનને કાશ્મીર મોકલ્યા. ૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ મહારાજાએ લોર્ડ માઉન્ટબેટનને એક પત્રમાં કાશ્મીરની વિસ્ફોટક પરિસ્થિતિની ચર્ચા કરતી વખતે લખ્યું:

રાજ્યની હાલની પરિસ્થિતિ અને કટોકટીને જોતાં મારી પાસે ભારતીય પ્રભુત્વની મદદ લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તે સ્વાભાવિક છે કે, જ્યાં સુધી કાશ્મીરનો ભારતીય આધિપત્યમાં સમાવેશ ન થાય ત્યાં સુધી ભારત સરકાર મને મદદ કરી શકે નહીં, તેથી મેં ભારતમાં જોડાવાનું નક્કી કર્યું છે અને તેનું પ્રવેશ ફોર્મ તમારી સરકારને મંજૂરી માટે મોકલી રહ્યો છું.’ પત્રના અંતમાં તેમણે કહ્યું કે, જો રાજ્યને બચાવવું હોય તો શ્રીનગરને તાત્કાલિક મદદ પહોંચાડવી જોઈએ. શ્રી મેનન પરિસ્થિતિની ગંભીરતાથી સારી રીતે વાકેફ છે. (દાસ, દુર્ગા, સરદાર પટેલ કરેસપાન્ડેન્સ)
મેનન એકીકરણના કરાર પર મહારાજાની સહી સાથે દિલ્હી પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર સરદાર પટેલ તેમની રાહ જોઈ રહ્યા હતા. (પટેલ રાવ, હિંદના સરદાર) ત્યાંથી તેઓ સીધા સુરક્ષા સમિતિની બેઠકમાં ગયા. લાંબી ચર્ચા પછી એ નિર્ણય લેવાયો મહારાજાની વિનંતી એ શરતે સ્વીકારવામાં આવે કે શાંતિ અને વ્યવસ્થા સ્થાપિત થયા પછી જમ્મુ અને કાશ્મીરના વિલીનીકરણ પર જનમત સંગ્રહ કરવામાં આવે. સરદાર પટેલે કહ્યું કે, જો હુમલો કરવામાં વિલંબ થશે તો ભારતનું વાતાવરણ પણ અરાજકતામાં ફેરવાઈ જશે. તેથી રાહ જોયા વિના ઘૂસણખોરોને ભગાડવા માટે ૨૬ ઓક્ટોબરની સાંજે સૈન્યને કાશ્મીર પર હુમલો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ૨૭ ઓક્ટોબરના રોજ સૈનિકોને તરત જ વિમાન દ્વારા કાશ્મીર મોકલવામાં આવ્યા હતા. ભારતીય દળોની કાર્યવાહી એટલી અચાનક, ઝડપી અને એટલી અસરકારક હતી કે, શ્રીનગર પહોંચતાની સાથે જ આક્રમણકારોને ભગાડી દેવામાં આવ્યા. ૩ નવેમ્બરના રોજ સરદાર પટેલ સંરક્ષણ પ્રધાન બલદેવસિંહ સાથે શ્રીનગર ગયા અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી અને કાશ્મીરના મંત્રી બ્રિગેડિયર એલ.પી. સેન પાસેથી લશ્કરી સ્થિતિ વિશે માહિતી લીધી. ૧૮ નવેમ્બરે ભારતીય દળોએ બારામુલ્લા પર કબજો કર્યો.

૨૮ નવેમ્બરના રોજ સરદાર પટેલ પોતે જમ્મુ ગયા અને ત્યાંના લોકોને આશ્વાસન આપ્યું અને કહ્યું – “હું તમને ખાતરી આપું છું કે, અમે કાશ્મીરને બચાવવા માટે અમારી શક્તિમાં બધું જ કરીશું. લોકોને નિર્ભયતાથી પરિસ્થિતિનો સામનો કરવાની સલાહ આપી. ૧, જાન્યુઆરી, ૧૯૪૮ ના રોજ ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ સમક્ષ કાશ્મીરનો પ્રશ્ન રજૂ કર્યો. સરદાર પટેલ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવાના પક્ષમાં ન હતા. તેમનો અભિપ્રાય એવો હતો કે “કાશ્મીરનો પ્રશ્ન સંયુક્ત રાષ્ટ્રને ન સોંપવો જોઈએ.” જે રીતે હૈદરાબાદનો પ્રશ્ન હલ થયો તેવી જ રીતે કાશ્મીરનો પ્રશ્ન હલ કરવાનો તેમની દ્રષ્ટિ હતી. ( જી. એમ. નન્દકુમાર, ઇન દી ટીયુંન વિદ દિ મિલિયન્સ)

સરદાર પટેલ જમ્મુ અને કાશ્મીરમાં બંધારણીય રીતે કાર્યરત સરકારની તરફેણમાં હતા. પરંતુ સાથે શેખ અબ્દુલ્લાના મહારાજા હરિસિંહ પ્રત્યેના વર્તનથી સંતુષ્ટ ન હતા અને નહેરુ શેખ અબ્દુલ્લાને વધુ મહત્વ આપતા હતા. ૮ જૂન, ૧૯૪૮ના રોજ નહેરુને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, “આપણે મહારાજા અને શેખ અબ્દુલ્લા વચ્ચેના ખાઈને પૂરવાનું કામ કરવું જોઈએ.” (પટેલ રાવ, હિંદના સરદાર)
શેખ અબ્દુલ્લા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે ગાંધીજીને લખ્યું કે “શેખ અબ્દુલ્લા વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી. સરદાર પટેલે અબ્દુલ્લાના પ્રભાવને કારણે જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો સમાપ્ત કરવાનું સૂચન કરતા કહ્યું – “કાશ્મીર દ્વારા ભારતનો વિશેષ દરજ્જો ખતમ કરીને તેને સંપૂર્ણ રીતે એકીકૃત કરી દેવો જોઈએ અને અન્ય ભારતીયો પર ત્યાં જવા પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરવા જોઈએ. (દાસ, દુર્ગા, સરદાર પટેલ કરેસપાન્ડેન્સ) સરદાર પટેલ નેહરુએ દેશી રાજ્ય વિભાગમાંથી કાશ્મીર સમસ્યાનો કબજો પોતાની પાસેથી લઇ લેવાથી નાખુશ હતા. આ સંદર્ભમાં તેમનું નિવેદન હતું કે “જો તેમના નિર્દેશમાં કાશ્મીરનો મુદ્દો ઉકેલાય છે, તો તેઓ ૧૫ દિવસમાં તેનો નિર્ણય લઈ શકે છે.” (દાસ, દુર્ગા, સરદાર પટેલ કરેસપાન્ડેન્સ)
જો નેહરુને બદલે સરદાર પટેલને તેના ઉકેલની જવાબદારી સોંપવામાં આવી હોત તો કાશ્મીરનો મુદ્દો આજે ગંભીર સમસ્યા ન બન્યો હોત. પટેલે મિનુ ભાસાનીને કહ્યું હતું કે જો નેહરુ માર્ગમાં ન આવ્યા હોત તો તેઓ કાશ્મીરનો મુદ્દો જલ્દી ઉકેલી શક્યા હોત. (બી, કૃષ્ણા, ઇન્ડિયન આયરન મેન)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત