ઉત્સવ

નંદ ઘેર આનંદ ભયો

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

નડિયાદથી ડો.હિમાંશુ ભટ્ટ આજે અમદાવાદના નારી કલ્યાણ કેન્દ્રમાં સિનિયર ડો.સુજાતા મહેતા સાથે સ્ત્રી અને સ્વાસ્થ્ય વિષે લેક્ચર આપવા આવ્યા છે. બેંકમાં એકાઉન્ટંટ તરીકે કામ કરતી અને સમાજસેવા માટે આ સંસ્થામાં જોડાયેલી મનીષા જોષી પણ હાજર હતી.

હિમાંશુના લેકચરને અહોભાવથી સાંભળી રહેલી મનીષાએ કહ્યું: ડોકટર સાહેબ, તમારા સ્ત્રી સ્વાસ્થ્યના વિચારો આદર્શ છે, પણ આપણી રૂઢિગત જીવનશૈલી અને સ્ત્રીઓ પર લદાતાં બંધનો પણ તેની શારીરિક-માનસિકતા પર અસર કરે છે.

તમારી વાત સાચી છે, પણ તેમાંથી જ માર્ગ કાઢવાનો છે. નારી કલ્યાણની આવી સંસ્થાઓ અને તમારા જેવી સુશિક્ષિત નારી સમાજ માટે ઘણું કરી શકે. હિમાંશુએ કહ્યું.

લેકચર પૂરું થયા પછી સુજાતા મહેતાએ મનીષાને ડાયરેકટરની ઓફિસમાં બોલાવીને કહ્યું- તમે નડિયાદમાં આવોને, ત્યાં પણ આપણે નારીવિકાસના વધુ સારા કામ કરી શકીએ.

મનિષાબેન, મારાં માતા-પિતા પણ ઘણી સામાજિક સંસ્થા સાથે જોડાયેલાં છે. તમને ઘણું શીખવા મળશે. ડો.હિમાંશુએ પોતાનું કાર્ડ આપતાં કહ્યું. હિમાંશુનું આકર્ષક વ્યક્તિત્વ અને મધુર વાણી મની૨૪ષાના હૈયાના તારને ઝંકૃત કરી ગયા તો ડોકટર પણ મનિષાથી મોહિત થયા હતા.

પ્રેમની વસંત તો જાણે રાહ જોઈને ઊભી હતી. ડો.હિમાંશુ અને મનિષાનાં લગ્ન લેવાયાં. અમદાવાદની મનિષા હવે સંસ્કારનગરી નડિયાદની રાણી થઈ ગઈ.

મનિષાને મનમાં થયું કે પ્રેમાળ પતિ અને વાત્સલ્ય સભર સાસુમા-સ્વસુર પિતાજી બીજું શું જોઈએ? પુણ્યતીર્થ સંતરામ મંદિરમાં મળતા મહારાજના આશિષ, ભક્તોના સંભળાતા જય મહારાજ- જય મહારાજના ના, સમાજસેવાના ભેખધારી આ સેવકો, પોતાના સ્વસુરપિતાની શાખ અને ધર્મિષ્ઠ સાસુમા. ખરેખર હું નસીબદાર છું.

અમદાવાદની બેન્કે મનિષાને આણંદની શાખામાં ટ્રાન્સફર કરી આપી.અમદાવાદના ભદ્રવિસ્તારમાં શિક્ષણ અને ઉછેર, આધુનિક વિચારધારા સાથે સંસ્કારની શ્રીમંતાઈ ધરાવતી મનિષા સાસુમા નિમુબેનની લાડકી દીકરી બની ગઈ.

હિમાંશુ અને મનિષા વ્યવસાયિક ફરજ સાથે પિતાશ્રી ગિરધરભાઈ સાથે સામાજિક- ધાર્મિક કામમાં પણ ખડે પગે ઊભા રહેતા. 

એક સાંજે સોસાયટીના ગાર્ડનમાં લટાર મારતાં મનિષાએ કહ્યું- બોલો, ડોકટર સાહેબ તમને શું ગિફટ જોઈએ છે?
તમે ખુશ છો, મારે બીજું શું જોઈએ પણ લગ્નના ત્રણ વર્ષ થયા છે, દેવી ખુશ હોય તો-આપણા પ્રેમનું નજરાણું.. .. કહેતાં હિમાંશુએ મનિષાની કમરે હાથ પ્રસરાવ્યો.
નાજુક વેલની જેમ હિમાંશુની બાહુપાશમાં લપેટાઈ જતાં એણે
નજર નીચે ઢાળી દીધી. રાત્રે પ્રેગન્સી કીટથી ટેસ્ટ કર્યું.

રિઝલ્ટ પોઝિટીવ આવ્યું. બંને ખુબ ખૂશ થઈ ગયા. મનિષાએ કહ્યું- હું મમ્મીજી સાથે લેડી ડોકટરને બતાવવા જઈશ. મમ્મીજી ડોકટર પાસેથી જાણશે ત્યારે કેટલા ખુશ થશે.
મંગળવારે સવારે મનીષા, હિમાંશુ અને મમ્મીજી નડિયાદના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.સ્મિતા શુકલને બતાવવા ગયાં.

ડો.સ્મિતા શુકલે મનિષા અને હિમાંશુને કહ્યું: કોંગ્રેચ્યુલેશન, ગુડ ન્યુઝ તમે પેરેન્ટસ બનવાના છો. પછી નિમુબેન સામું જોઈને કહ્યું હવે તમે દાદીમા થવાના,ઉત્સવ મનાવો.
ડો,સ્મિતાના મોઢે ખુશીના સમાચાર સાંભળતા રાજીના રેડ થયેલાં મમ્મી મનિષાને ભેટી પડયાં અને હિમાંશુને માથે હાથ ફેરવ્યો, પછી બોલ્યા: બહેન મારા પ્રભુની કૃપા અને મહારાજશ્રીના આશિષ. ઉત્સવના દિવસો તો ખરા, પછી લાલો પધારે કે લક્ષ્મીજી.

તે જ દિવસે નિમુબેન મનિષાને માઈમંદિરમાં અને સંતરામ મંદિરમાં દર્શન કરાવવા લઈ ગયા. રાત્રે બાજુના બંગલામાં રહેતા મોટા દીકરા જતીન અને અંજનાને બોલાવ્યા આ ખુશખબરી આપી. બધાએ સમૂહપ્રાર્થના કરી.

બીજે જ દિવસે અમદાવાદથી મનિષાના મમ્મી-પપ્પા હરખ કરવા આવ્યાં. નિમુબેન વેવાણને કહ્યું: તમે દીકરીની જરાય ફીકર કરશો નહીં. અમે એને બરાબર સાચવીશું. તમારે જયારે મનિષાને મળવું હોય ત્યારે આવજો.

નિમુબેન મનિષાની કુનેહપૂર્વક કાળજી લઈ રહ્યાં હતાં. કોઈ રોકટોક કે શીખામણ નહીં. એક હૂંફાળું અને મુકત-પ્રસન્ન વાતાવરણ ઘરને ગોકુળ બનાવી દેતું.
બાજુના જ બંગલામાં રહેતા મણિમા હવે સાંજે પાંચ વાગતામાં જ નિમુબેનને ઘરે અચૂક આવવા લાગ્યા.

એક સાંજે હીંચકો ખાતા મણિમાએ કહ્યું:- નિમુ, સાચું કહું તો હું પણ તમારે ઘેર ઘોડિયું કયારે બંધાય એની રાહ જોઉં છું. આ મારો જીજ્ઞેશ એની વહુ સાથે અમેરિકા ગયો ત્યારથી હું એકલી જ છું. પણ, આ તારી મનિષાને તેં બહુ છૂટ આલી રાખી છે. એનો ટાંટિયો ઘરમાં ટકતો જ નથી. બેજીવ હોય તેને નજરાતા વાર ન લાગે.

મણિબેન તમારી વાત સાચી છે, વધુ કાળજી રાખવી જોઈએ. પણ, આજના ભણેલા અને સંસ્કારી યુવાસંતાનોને આપણાથી ટોકાય નહીં. એ પૂછે ત્યારે સાચી સમજ આપી શકાય. નિમુબેને વાતને વાળી લેતાં કહ્યું.

ત્યાં જ મનિષા ચા અને મેથીના ગરમ ગોટા લઈ આવી. મમ્મીજી લો, ગરમાગરમ ગોટા વીથ સ્પેશીયલ ચા. (મણિબેન તેના વિકસતા ઉદર ભણી જોઈ રહ્યાં,)
સામેની સોફા ખુરશી પર બેસતા મનિષાએ કહ્યું- મમ્મીજી મારો ભાઈ એના મિત્રો સાથે ગિરનાર જવાનો છે.

એ જ વખતે હિમાંશુને ત્રણ દિવસ માટે મુંબઈમાં એક મેડીકલ કોન્ફરંસમાં જવાનું છે. તો હું ભાઈ સાથે જઉં ? શનિવારે અમદાવાદથી જઈશું. ગુરુવારે પાછા આવીશું.
જરૂર જા. પણ તારી દવા, સમયસર ખાવાનું ધ્યાન રાખજે. નિમુબેને કહ્યું.

હું મારી રૂમમાં મુવી જોઉં છું, તમે પણ પછી આવો. કહેતાં પોતાની રૂમ તરફ ગઈ.

મણિમા મનોમન પોતાની એકલતાને પી રહ્યા.

મનિષા મમ્મીજીને ગિરનારના ફોટા બતાવતી હતી, તે જોઈ નિર્મળાબેને કહ્યું- હવે તારું બાળક પણ બહાદુર થઈ ગયું. કાલે આપણે સંતરામ મંદિરના ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જવાનું છે. ત્યાંના બહેન તને પ્રેગનન્સીમાં શું કરવું તે સમજાવશે.

સવારે ૧૧ વાગે મનિષા મમ્મીજી સાથે ગર્ભ સંસ્કાર કેન્દ્ર પર પહોંચી ગઈ.

ડો.સ્મિતા શુકલ (નામ બદલ્યું છે) સાથે સંસ્કાર કેન્દ્રના સંચાલિકા મીરાંબેન પણ હતાં.

ડો.સ્મિતા શુકલે મીઠું સ્મિત આપતાં માનસીને તપાસીને કહ્યું- તમારું ગર્ભ સ્વસ્થ છે, સારી રીતે વિકસી રહ્યું છે.

મીરાબેને કહ્યુ: મનિષા તમે સુશિક્ષિત છો, તમારા પતિ ડોકટર અને સમાજસેવક સસરાજી, પ્રેમાળ સમજુ સાસુમા એટલે મારે ખાસ સમજાવવાનું નથી. પણ, આ અવસ્થામાં શ્રેષ્ઠ શિશુને જન્મ કેવી રીતે આપી શકાય તે કહું છું.

સૌ પ્રથમ સ્વસ્થ માતા જ સ્વસ્થ શિશુને જન્મ આપી શકે. એટલે શારીરિક અને માનસિક રીતે હંમેશા સ્વસ્થ રહો. કોઈ પણ જાતની ચિંતા ન કરો. યાદ રાખો, તમારા જીવનમાં એક
નવો અદ્ભુત આનંદ મળવાનો છે. માતૃપદનું ગૌરવ પદ- શ્રેષ્ઠ પદ તમે પામશો.

મનિષા એકચિતે સાંભળી રહી હતી.

જેટલા તમે પ્રસન્ન રહેશો એટલું તમારું ગર્ભશિશુ પ્રસન્ન રહેશે. તમારા વિચારો અને વર્તનની અસર તમારા વિકસિત ગર્ભ પર થાય છે. મનિષા તમે તો નારી કલ્યાણ સંસ્થામાં સેવા આપતાં હતાં એટલે એક સુશિક્ષિત બહેન છો.

બાળક ગર્ભમાં હોય ત્યારે તેનું માત્ર શરીર જ નથી ઘડાતું પણ તેની બુદ્ધિ- તેનું લાગણીતંત્ર પણ ઘડાય છે. એટલે ભાવાત્મક વિકાસ થતો હોય છે. તમારા આહાર-વિહારની અસર પણ ગર્ભશિશુ પર થાય છે.

મીરાંબેન, શ્રેષ્ઠ શિશુને જન્મ આપવા માટે આપની સલાહ ઘણી મહત્ત્વની છે. મારાં મમ્મીજી મારી ખૂબ સંભાળ રાખે છે. મને કોઈ તકલીફ નથી. એમણે મારાં મમ્મીને કહી દીધું છે તમે નડિયાદ રહેવા આવજો આપણે દીકરીની સુવાવડ સાથે કરીશું. હું ખૂબ લક્કી છું. મનિષાએ કહ્યું.

મનિષા હવે એક અગત્યની વાત સમજી લે.

પ્રભુએ સ્ત્રીમાં બાળકને જન્મ આપવાની અદ્ભુત શક્તિ આપી છે. ઘણા તેને માત્ર ભોગની દ્રષ્ટિએ જુએ છે, પણ આ એક દિવ્યશક્તિ કહી શકાય. પ્રભુનો એક અંશ તમારામાં આકાર લઈ રહ્યો છે. આવું માની તમે તેનું જતન કરો. આ થઈ ગર્ભસંસ્કારની વાત.

શ્રેષ્ઠ બાળકને જન્મ આપવા મારે બીજું શું કરવું જોઈએ? મનિષાએ પૂછયું
સગર્ભ અવસ્થાને તથા બાળકના ઉછેર માટે તમે બેંકની જોબને સ્વેચ્છાએ છોડી એ સારું કહેવાય. મેં તમને ગર્ભ સંસ્કાર વિષે કહ્યું. ગર્ભઘ્યાન કરો. એટલે આવનાર શિશુની કલ્પના કરો. સુંદર શિશુના ફોટા નજર સામે રાખો, બાળસ્વરૂપ પ્રભુનું સ્મરણ કરો, ધાર્મિક વાચન કરો.

શિશુ જયારે તમારા ઉદરમાં ફરકવા લાગે ત્યારે માતા-પિતા ઉદર પર હાથ ફેરવતાં શિશુ સાથેવાતો કરે. આને ગર્ભસંવાદ કહે છે.

શ્રેષ્ઠ શિશુને જન્મ આપવા માટે ગર્ભસંસ્કાર, ગર્ભધ્યાન અને ગર્ભસંવાદ – આ ત્રણ વાત યાદ રાખજે.
મનિષાને માતૃત્વપદની ગુરૂચાવી મળી ગઈ.

શ્રાવણ વદ દશમે મનિષાના લાલાએ જન્મ લીધો.

નિમુબેને વધામણાં લેતાં ગાયું-
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ