નાખોદા સ્ટ્રીટનું નામ નાખોદા મહમદ અલી રોગે માટે અપાયું છે

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા
(ગતાંકથી ચાલુ)
નાખોદા સ્ટ્રીટ પણ મુંબઈમાં નાગદેવી સ્ટ્રીટ અને અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પરિસરમાં આવી છે. નાખોદા એટલે વહાણનો કેપ્ટન કે માલિક. ફારસીમાં ‘નાખુદા’ શબ્દ છે. આ સ્ટ્રીટ કંઈ ભંડારી સ્ટ્રીટ જેવી નથી. આ નામ નાખોદા મહમદ અલી રોગે માટે અપાયું છે. ૧૮૪૮-૧૯૧૦ના સમયમાં થઈ ગયેલા નાખોદા મહમદઅલી રોગે સરકારી લેજીસ્લેટીવ કાઉન્સિલના પહેલવહેલા મુસ્લિમ સભ્ય હતા. સરકારે એમની નિમણૂક કરી હતી. એમના પિતાએ ૧૮૩૭માં જામા મસ્જિદનું સમારકામ અને વિસ્તૃતીકરણ કરાવ્યું હતું. નાખોદા સ્ટ્રીટમાં એમના પૂર્વજોનું નિવાસસ્થાન નહોતું.
આવી જ વાત કાલબાદેવી પર આવેલી ‘પોપટવાડી’ ધરાવે છે. અહીં પોપટ બજાર નહોતું કે પોપટના વેપારી રહેતા નહોતા. અહીં શ્રીમંત પાઠારે ક્ષત્રિય મોરોબા પોપટનું નિવાસસ્થાન હતું. તેમના નામથી પોપટવાડી નામ આવ્યું છે.
સુખલાજી સ્ટ્રીટ દાણચોરીથી આવેલી ઘડિયાળો અને અન્ય ચીજો માટે આજકાલ નામચીન છે. આ સુખલાજી કોઈ હિન્દુ કે જૈન મારવાડી નથી. એ નામ એક પારસી સદ્ગૃહસ્થનું છે. સુખલાજી અને જામાસજી નામના બે ભાઈઓ અઢારમી સદીના અંતભાગમાં ગૂણી-કોથળાના કાપડ ‘બનાત’ના વેપારી હતા અને તેઓ સુખલાજી-જામાસજી નામથી પ્રખ્યાત હતા. સુખલાજીને પુત્ર ન હતો અને જામાસજીના પુત્ર ખરશેદજીએ (૧૮૦૯-૧૮૭૦) બનાતનો વેપાર ચાલુ રાખ્યો હતો. સુખલાજી અટક અપનાવી હતી. આ વિસ્તારમાં વસતા ખરશેદજી જામાસજી સુખલાજી (બનાતવાલા)ના નામ ઉપરથી સુખલાજી સ્ટ્રીટ નામ આપ્યું છે.
મુંબઈ સમાનતા વિશે માન્યતા ધરાવે છે. અહીં સંત, પીર, રાજકીય નેતા, સમાજસેવિકાના નામથી રસ્તાઓ, ગલીઓ છે તો કોલભાટ સ્ટ્રીટ નજીક એક બંધ ગલીનું નામ તારા નાયકણ ગલી છે, તારા નાયકણ એક નર્તિકા-નાચનારી હતી.
એક ઉંદરિયા સ્ટ્રીટ મસ્તાન તળાવ વિસ્તારમાં આવી છે. આ નામ ઉંદરોની વસતીના કારણે આવ્યું નથી. અહીં કોંકણી મુસલમાન ઈમામુદ્દીન બાબાસાહેબ ઉંદરે રહેતા હતા. તેમના નામ ઉપરથી ઉંદરિયા સ્ટ્રીટ નામ આવ્યું છે.
મસ્તાન ટેન્ક રોડ-મસ્તાન તળાવ માર્ગ એ નામ મુસ્લિમ સૈયદ મસ્તાન શાહ કાદરીના નામ ઉપરથી આવ્યું છે. લગભગ બસો વરસો પર સૈયદ મસ્તાન શાહ બગદાદ નજીક આવેલા હમાથી હિન્દુસ્તાન આવવા નીકળ્યા હતા અને મુંબઈ આવ્યા હતા. તળાવ નજીક એમની કબર આવી છે. શ્રી આર. પી. કરકરિયા જણાવે છે કે છેલ્લા પેશ્ર્વા બાજીરાવ બીજાના સમયમાં સૈયદ મસ્તાન શાહ અહીં આવ્યા હતા.
કાલાચોકીમાં કાળો જુલમ થયો નહોતો. અહીં પોલીસ ચોકી સ્થાપવામાં આવી ત્યારે એની દીવાલોને બહાર કાળો ડામર લગાડવામાં આવ્યો હતો અને લોકો એને ‘કાલા ચોકી’ કહેવા લાગ્યા.
ભીંડી બજાર વિસ્તારમાં ડુંગરી સ્ટ્રીટ આવી છે. અહીં કોઈ ડુંગર-ડુંગરી નથી. કચ્છી વેપારીઓ અહીં કાંદાનો વેપાર કરતા અને કાંદા રાખતા હતા. કચ્છી ભાષામાં કાંદાને ડુંગરી કહે છે અને એ ઉ૫રથી આ નામ આવ્યું છે.
મુંબઈ ધોબી, સુથાર, કુંભાર, ભોઈ (પાલખી ઉપાડનારા), ભીસ્તી (પખાલમાં પાણી પૂરું પાડનારા), ભંડારી, ભટને ભૂલ્યું નથી તો હજામ કોમ રહી જાય! પાયધોની નજીક બાપુ હજામ સ્ટ્રીટ છે. બાપુ હજામ એ કોંકણી મુસલમાન હતો. હજામ ઉપરાંત તે ફોડા-ફોલ્લી ચીરવાનું અને તે માટે મલમ આપવાનું કામ કરતો. એ સુન્નત કરવા માટે પણ જાણીતો હતો અને એની પત્ની દાયણનુું કામ કરતી હતી.
ચર્નીરોડ જંક્શન પરિસરમાં પારસીઓ, અન્ય ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયનો મુખ્યત્વે રહે છે ત્યાં એક બાલારામ સ્ટ્રીટ છે. આ બાલારામ તેલગુ બિલ્ડિંગ કોન્ટ્રેક્ટર હતા અને તેનું આખું નામ રાવ બહાદુર એલપ્પા બલરામ હતું. એનો જન્મ કોલાબા ખાતે ૧૮૫૦માં થયો હતો અને અવસાન ૧૯૧૪માં થયું હતું. એના પિતા બ્રિટિશ લશ્કરને દૂધ પૂરું પાડવાનો કોન્ટ્રેક્ટ ધરાવતા હતા, પણ બાલારામે અન્ય તેલગુ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર નાગુ સયાજીની સલાહથી બિલ્ડિંગ કોન્ટ્રેક્ટરના વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું. વરલી અને ભંડારવાડા વોટર રિઝરવોયર એમણે બાંધ્યા હતા.
આપણે નગરસેવકો એક વિદ્વાન વીર પુરુષનું નામ આપવાનું ભૂલી ગયા છીએ એ માણસ છે દાદોબા પાંડુરંગ (તરખડકર). ૧૮૧૪-૧૮૫૨ દરમિયાન થઈ ગયેલા આ વિદ્વાને મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષાનું ઊંડું અધ્યયન કર્યું હતું. મરાઠી ભાષાના વ્યાકરણના તેઓ પિતામહ છે. મુંબઈના રેવ ટેલરે ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ લખ્યું તો દાદોબા પાંડુરંગે મરાઠી ભાષાનું પહેલું વ્યાકરણ લખ્યું. દાદોબાનું નિવાસસ્થાન ગિરગાંવ-ઠાકુરદ્વાર પરિસરમાં જૂની શૈલીની હવેલી જેવું હતું. દાદોબાએ તે જમાનામાં જાતિવાદ, જાતિભેદ નાબૂદ કરવાની અને વિધવા વિવાહની હિમાયત હિંમતથી કરી હતી.
ભારતની પ્રથમ ફીચર ફિલ્મ ‘સત્યવાદી હરિશ્ર્ચંદ્ર’ બનાવનાર દાદા સાહેબ ફાળકે અને પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ બનાવનાર અરદેશર ઈરાનીના નામના માર્ગ મુંબઈમાં છે, પણ ‘આલમઆરા’ની હિરોઈન ઝુબેદાનું નામ કોઈ માર્ગને અપાયું નથી.