ફોકસ પ્લસ: નાગ જનજાતિ માટે તહેવારોનો તહેવાર છે હૉર્નબિલ મહોત્સવ…
-ધીરજ બસાક
દર વર્ષે એકથી ૧૦મી ડિસેમ્બર સુધી ઉજવાતા નાગાલૅન્ડના હૉર્નબિલ મહોત્સવને તહેવારોનો તહેવાર કહેવામાં આવે છે, કારણ કે આ તહેવાર કોઈ જાતિ વિશેષનો નથી, પરંતુ નાગાલૅન્ડમાં રહેનારા બધા લોકોનો પર્વ છે. આમાં દરેક નાગરિક સહભાગી થાય છે. આ નાગા જનજતિનો સૌથી મોટો વાર્ષિક મહોત્સવ છે.
આ સાંસ્કૃતિક તહેવારમાં સહભાગી થનાર બધી નાગ જનજાતિઓ પારસ્પરિક એકતા અને સૌહાર્દની ભાવના વ્યક્ત કરે છે. આ મહોત્સવ કોહિમાથી ૧૨ કિલોમીટર દૂર કિસામા હેરિટેજ ગામમાં ઉજવામાં આવે છે. એમ મનાય છે કે આ ગામ નાગ જનજાતિનું ઉદગમ સ્થાન છે.
અહીં એ વાતની નોંધ લેવી ઘટે કે નાગાલૅન્ડમાં એક નહીં, પરંતુ ૩૮ વિવિધ જનજાતિ રહે છે. આ જનજાતિના રીતરિવાજ અને પોષાક અલગ છે.
અલબત્ત હૉર્નબિલ મહોત્સવ બધી નાગા જનજાતિનો એક એવો સામૂહિક તહેવાર છે જેમાં બધા એકસરખા દેખાય છે. નાગાલૅન્ડની ૬૦ ટકા વસતી વિવિધ કૃષિ કામો પર અવલંબિત છે. આથી નાગ જનજાતિના સામાન્ય જીવનમાં ખેતી કેન્દ્રસ્થાને છે. દુનિયાની બીજી કૃષિ પ્રજાતિઓની જેમ નાગાલૅન્ડમાં વિવિધ કૃષક સમાજ બી ઉગાડવાથી લઈને પાક પાકવા પર આનંદ વ્યક્ત કરતા હોય છે.
નાગાલૅન્ડના નાના ભૌગોલિક ખંડમાં અનેક જાતિ સમૂહ નિવાસ કરે છે. આથી તેમના અલગ તહેવાર અને રીતરિવાજ છે.
નાગાલૅન્ડના બધા લોકોની સામૂહિક નાગભાવનાને એક સૂત્રમાં બાંધવા ૨૦૦૦ની સાલથી નાગાલૅન્ડ સરકારે હૉર્નબિલ મહોત્સવ ઉજવવાનું શરૂ કર્યું હતું. આમાં નાગાલૅન્ડના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવે છે.
દર વર્ષે એકથી ૧૦ ડિસેમ્બર તારીખ સુધી ‘હોર્નબિલ મહોત્સવ’ યોજાય છે. આનો હેતુ વિવિધ નાગા જાતિઓ વચ્ચે આંતરજાતીય સંપર્ક સ્થાપવાનો અને રાજ્યના વારસાને સામૂહિક રીતે રજૂ કરવાનો છે.
આ મહોત્સવ દરમિયાન કોહિમા જિલ્લામાં દક્ષિણ ક્ષેત્રમાં સ્થિત કિસામા હેરિટેજ ગામમાં બધી નાગા જાતિના લોકો ભેગા થાય છે. આમાં દસ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાય છે. આનાથી નાગાલૅન્ડની સમૃદ્ધ સંસ્કૃતિને પુનર્જીવન મળ્યું છે અને વિવિધ નાગા પ્રજાતિઓ વચ્ચે પારસ્પરિક સાંસ્કૃતિક સંંબંધ પણ મજબૂત થાય છે.
નાગાલૅન્ડ એક મહત્ત્વનું પર્યટક શહેર પણ છે. આથી દેશના વિવિધ ભાગોના લોકો પણ આ તહેવાર નિહાળવા આવે છે. તેમને તહેવારમાં નાગા સંસ્કૃતિને નજીકની નિહાળવાનો મોકો મળે છે. આ મહોત્સવમાં નાગાલૅન્ડના સ્વાદિષ્ટ ભોજન અને વ્યજંન, ગીત, નૃત્ય, રીતરિવાજ, પોશાક વગેરેની ઝલક જોવા મળે છે. આ તહેવારમાં લોકો રંગબેરંગી કપડા પહેરે છે અને ઉત્કૃષ્ટ શિલ્પનું પ્રદર્શન કરે છે.
આમાં ગ્રામીણ ખેલ રમાય છે અને વિવિધ વ્યજંનોનું પ્રદર્શન થાય છે. આની સાથે આ મહોત્સવમાં પારંપારિક કળા જેમાં પેન્ટિંગ, લાકડી પર નકશીકામ અને મૂર્તિનો સમાવેશ થાય છે. મહોત્સવમાં નાગા મોરંગ પ્રદર્શન તથા કળા અને શિલ્પના વેચાણ માટે સ્ટોલ લગાડવામાં આવે છે. તદુપરાંત ખાદ્ય સ્ટોલ, હર્બલ દવાની દુકાન, ફૂલોનું પ્રદર્શન, જોવા મળે છે.