નાદબ્રહ્મ માનવજાતિનો પહેલો શબ્દ ક્યો હતો?
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
લંડનથી ‘ધ ગાર્ડિયન’ નામનું એક સમાચારપત્ર પ્રકાશિત થાય છે. ૨૦૦ વર્ષ જૂનું છે. બ્રિટિશ સમાજ અને રાજનીતિમાં તે ઘણું પ્રભાવશાળી છે. તેને ચાર વખત ‘ન્યૂઝપેપર ઓફ ધ યર’નો પુરષ્કાર મળી ચુક્યો છે. તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં નાગરિકોનો પક્ષ લઈને ઘણી સક્રિય ભૂમિકા ભજવી છે.
આ સમાચારપત્રમાં, ‘નોટ્સ એન્ડ ક્વેરીઝ’ ( નોંધ અને સવાલ) નામની એક લોકપ્રિય સાપ્તાહિક કોલમ આવે છે. ૧૩ નવેમ્બર ૧૯૮૯ના રોજ આ કોલમ શરૂ થઇ હતી. તેમાં વાચકો જાત-ભાતના, પણ વિચિત્ર અને હાસ્યાસ્પદ, સવાલો પૂછતા હોય છે અને અન્ય વાચકો જ તેનો જવાબ પણ આપતા હોય છે. સવાલ આમ મનોરંજન માટે હોય, પણ તેના જવાબ માટે મગજ કસવું પડે તેવા અઘરા પણ હોય , કારણ કે એમાં ક્યારેક વિજ્ઞાન હોય, ક્યારેક ફિલોસોફી હોય તો ક્યારેક કલ્પના પણ હોય.
ગુજરાતી સમાચારપત્રોમાં અગાઉ વાચકોના પત્રો માટે જગ્યા કરવામાં આવતી હતી અને એમાં ઘણા મુદ્દાઓ એવા આવતા કે બીજા વાચકો પણ એમાં ઝુકાવતા અને એક તંદુરસ્ત ચર્ચા આકાર લેતી. જો કે એ ચર્ચાઓ ગંભીર અને ક્યારેક આક્રમક પણ થઇ જતી. ‘ગાર્ડિયન’ની ‘રીડર્સ રિપ્લાય’ કોલમમાં તો પહેલેથી જ નક્કી હતું કે રમૂજી સવાલો જ પૂછવાના , જેમ કે, કોલમ શરૂ થઇ ત્યારે સૌથી પહેલો સવાલ હતો- તમારા બગીચામાં સીસોટા પાડતી પાડોશીની બિલાડીને કેવી રીતે અટકાવવી? બીજા કોઈકે પૂછ્યું હતું, માથાનું વજન કેટલું હોય? તો વળી એક અન્ય વાચકને એ જાણવું હતું કે પાણી ભીનું કેમ હોય છે?
આ કોલમ વાચકોમાં એટલી પ્રિય છે કે તેના સવાલ-જવાબનો સંગ્રહ કરીને અત્યાર સુધીમાં પાંચ પુસ્તકો પણ પ્રગટ થઇ ચૂક્યાં છે અને બીબીસી પર એક સિરીઝ પણ આવી છે. તે ઉપરાંત, દેશ-દુનિયાનાં અનેક પત્ર-પત્રિકાઓએ તેના પરથી પ્રેરણા લઈને એવી જ કોલમો શરૂ કરી છે. હમણાં ૧૯મી મે, ૨૦૨૪ના રોજ આ કોલમમાં, રેમન્ડ સિમ્સ નામના વાચકે દિલચસ્પ સવાલ પૂછ્યો હતો:
‘માનવજાતિનો પહેલો શબ્દ શું હતો? માણસે સૌથી પહેલાં કોઈ એક શબ્દ તો ઉચ્ચાર્યો હશે ને!’ વાસ્તવમાં, આ સવાલ ભાષાના ઈતિહાસ સાથે જોડાયેલો છે અને અગાઉ ધર્મોએ અને પછીથી વૈજ્ઞાનિકોએ તેનો જવાબ આપવા પ્રયાસ કર્યો છે અને હજુ પણ તે જારી છે. ઘરમાં શિશુને વાચા આવે ત્યારે તે પહેલો શબ્દ કે અક્ષર કયો બોલે છે તે તો ભાષાશાસ્ત્રીઓએ નોંધ્યું છે, પણ પૃથ્વી પર માણસ બોલતો થયો ત્યારે તેના મોઢામાંથી પહેલો શબ્દ કયો નીકળ્યો હતો? આપણે તેની વાત કરીએ તે પહેલાં, ‘ગાર્ડિયન’ના વાચકોની શું પ્રતિક્રિયા હતી તે જોઈએ. એક વાચકે કહ્યું, ‘વિલ્મા!’ શબ્દ હોવો જોઈએ. માણસો ગળામાંથી અવાજ તો કાઢતા હશે પણ તેમાં કોઈ અર્થ કે ઈરાદો નહીં હોય. જેમ શિશુ અચાનક જ ચાલવા લાગે છે તેવી રીતે, માણસોએ અચાનક જ અવાજ અને તેની પાછળના ઈરાદા વચ્ચે સંબંધ શોધ્યો હશે (બાય ધ વે, વિલ્માનો આજે અર્થ થાય છે ‘દ્રઢ સંરક્ષક.’) બીજા વાચકે કહ્યું, ‘હેલ્પ!’ અથવા ‘દોડો!’ વાચકે હેરોડોટસ નામના ગ્રીક ઇતિહાસકારે લખેલી એક વાર્તા ટાંકી હતી.
એક રાજાને આવો જ સવાલ થયો હતો એટલે એણે ઘેટાં ચરાવવાવાળાઓનાં બે બાળકોને મોઢે પહેલો શબ્દ સાંભળ્યો હતો. ત્રીજા વાચકે કહ્યું કે પહેલો શબ્દ મામા, પાપા, દાદા, અબ્બા અથવા તેની આસપાસના શબ્દો હશે. જો કે, ભાષાશાસ્ત્રીઓ માને છે કે દુનિયાની દરેક ભાષામાં શિશુના મોઢે પહેલો અક્ષર મ, પ, દ નીકળતો હોય છે. એ ખાલી અવાજ જ હોય છે, પણ પેરેન્ટ્સ તેનો અર્થ કાઢીને તેને ભાષા બનાવે છે. એક અન્ય વાચકે તર્ક લડાવ્યો કે પહેલો શબ્દ ‘ફૂડ’ને લાગતો હોવો જોઈએ. આદિ માનવો શિકારી હતા અને એમનું એક માત્ર કામ ખોરાક શોધવાનું હતું. એટલે એમની વચ્ચે ખાવાના જ ઈશારા થતા હોવા જોઈએ.
એક વાચકે કહ્યું, આદમ અને ઈવે એકબીજાને પહેલીવાર જોયા હશે ત્યારે તેમના મોઢામાં અવાજ નીકળ્યો હશે, ‘ઓ!’ જે પાછળથી ‘યુ’ (તું) બની ગયો હશે.ગ્રીક ભાષામાં ‘લોગોસ’ નામનો શબ્દ છે. તેનો અર્થ થાય છે શબ્દ, વિચાર, તર્ક અથવા બોલી. ઈસાઈ ધર્મમાં ઇસુને લોગોસ કહેવામાં આવે છે. તેના પરથી, ન્યૂ ટેસ્ટામેન્ટમાં એક વિધાન છે : ‘પ્રારંભમાં શબ્દ હતો અને શબ્દ ઈશ્ર્વર પાસે હતો અને શબ્દ ઈશ્ર્વર હતો. ’
આવો જ વિચાર હિંદુ પરંપરામાં છે. પ્રાચીન ઋષિઓ માનતા હતા કે સૃષ્ટિની રચના નાદથી થઇ હતી. બ્રહ્માંડના પૂરા જડ-ચેતનમાં નાદ વ્યાપ્ત છે એટલે તેને નાદબ્રહ્મ કહે છે. મતલબ કે શબ્દ રૂપી બ્રહ્મ અનાદિ કાળથી, વિનાશ રહિત અને અક્ષર (જે નષ્ટ ન થાય) છે. મુનિઓ શબ્દને જ બ્રહ્મ માનતા હતા- સૃષ્ટિમાં શબ્દબ્રહ્મની સત્તા છે. સમગ્ર જગત શબ્દમય છે. શાસ્ત્રોમાં, પ્રારંભના શબ્દને ‘ઓમ’ માનવામાં આવે છે. ઓમ એટલે કે ઓમકાર પરમાત્માના મુખમાંથી નીકળેલો પહેલો શબ્દ છે, જેણે સંસારની રચનામાં પ્રાણ મુક્યો હતો.
વિજ્ઞાનિકોને નક્કર ઈતિહાસમાં રસ પડે છે. એટલા માટે, બ્રિટિશ સંશોધકોની એક ટુકડીએ અલગ અલગ ભાષાઓનો અભ્યાસ કરીને એવા ૨૩ ઇંગ્લિશ શબ્દોની સૂચી બનાવી છે, જે છેલ્લા ૧૫,૦૦૦ વર્ષોથી યથાવત રીતે જીવંત રહ્યા છે. પૃથ્વીની અડધા ઉપરની વસતિ દ્વારા ઉપયોગમાં લેવાતી ૭૦૦ આધુનિક ભાષાઓ સાત મૂળ ભાષાના પરિવારોમાંથી આવે છે. સંશોધકોએ એવા શબ્દો શોધ્યા હતા, જે અલગ અલગ ભાષાઓમાં સમાન લાગતા હોય અને જેનો અર્થ એક જ થતો હોય, જેમ કે પિતા- તેના સમાનાર્થી શબ્દો પીદર, પાદરી, પીટર, પેરે વગેરે છે.
સંશોધકો કહે છે કે ત્રણ શબ્દો દરેક ભાષામાં છે અને પ્રારંભમાં એ જ સૌથી પહેલા બોલાયા હશે. પહેલો શબ્દ છે ‘તું’ (ઇંગ્લિશમાં ‘યુ’). ભાષાનો વિકાસ થયો ત્યારે, માણસોને એકબીજાની ઓળખ નક્કી કરવાની જરૂરિયાત ઉભી થઇ હશે, ખાસ તો એ માણસની, જેની સાથે વાત થઇ રહી હશે. ભાષા બે વ્યક્તિ વચ્ચેનું માધ્યમ છે અને એમાં સૌથી પહેલાં ‘તું’ શબ્દ આવ્યો હશે. એ પછી ‘હું’ (ઇંગ્લિશમાં ‘આઈ’) આવ્યો હશે. બીજી વ્યક્તિ સાથે વાત કરતી વખતે તમે તમારા વિશે વાત ન કરો તો ભાષાનો શો અર્થ? એટલે ‘તું’ સાથે વાત કરતી વખતે હું’નો જન્મ થયો હશે. સંશોધકોના મતે, ‘માતા’ (મધર) પ્રારંભનો શબ્દ હોવો જોઈએ. દુનિયાભરમાં, નવજાત શિશુ જયારે બોલવા લાગે ત્યારે એના ગળામાંથી ‘મ’ શબ્દ સૌથી પહેલો નીકળે છે- તેના પરથી જ મા, મમ્મી, મોમ, મામા, માતૃ, અમ્મા, અમ્મી, માઈ, માજી વગેરે શબ્દો આવ્યા છે.
મનુષ્યનો પહેલો શબ્દ કયો હતો તે નક્કી કરવો અસંભવ છે , કારણ કે ભાષાનો ઉદ્ભવ લાખો વર્ષ પહેલાં થયો હતો અને પૃથ્વી પર અલગ અલગ જગ્યાએ માનવ સમુદાય પથરાયેલા હતા એટલે દરેક સંસ્કૃતિ પોતપોતાની રીતે તેનો જવાબ આપવા પ્રયાસ કરે છે, પણ ‘ગાર્ડિયન’ના વાચકની જિજ્ઞાસા છે તો દિલચસ્પ: માનવજાતિનો પહેલો શબ્દ શું હતો? માણસે સૌથી પહેલાં કોઈ એક શબ્દ તો ઉચ્ચાર્યો હશે ને!