નાચ મેરી બુલબુલ કી પૈસા મિલેગા !
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
મદારી મહોલ્લામાં આવે છે અને વાંદરીને નચાવીને ખેલ દેખાડે છે. વાંદરીનું નામ ‘બુલબુલ’ છે. વાંદરીને નચાવ્યા પછી મદારી એની વાંદરીને
હંમેશની જેમ એક જ શાશ્ર્વત સવાલ પૂછે છે: ‘અરી ઓ બુલબુલ, તું નાચે છે શેના માટે?’
જવાબમાં વાંદરી હસીને એનાં દૂબળાં પેટ પર હાથ ફેરવીને ગુલાંટ
મારે છે!
વાંદરીનાં ઇશારાનો અનુવાદ કરતા મદારી કહે છે: ‘દેખા ? બુલબુલ પાપી પેટ માટે નાચે છે.’
મોહલ્લાના લોકો મદારીના વાડકામાં પૈસા નાખે છે. અહીંયા જ આપણી સંસ્કૃતિ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલી દેખાય છે.
મોહલ્લાના લોકો ભૂલી જાય છે કે ભૂખ, ગરીબી, બેરોજગારી વાંદરાના નૃત્યને જીવતું રાખે છે.
કોઈ મોડેલ મોડેલિંગ કેમ કરે છે? તો જવાબ એ જ છે, જે બુલબુલ વાંદરીએ મહોલ્લામાં ડાંસ કરીને આપ્યો હતો. નૃત્યાંગના, અભિનેતા, ગાયક-ગાયિકા, સંગીતકાર, મૂર્તિકાર વગેરે બધાં તરફથી બુલબુલ વાંદરી જવાબ આપી જ ચૂકી છે: ‘પેટ માટે.’
પ્રાચીન મૂર્તિઓ જુઓ, જ્યાં ને ત્યાં શરીર ઢાંકવા માટે કપડાંની કમી જોઇ શકો છો, પણ એ મૂર્તિઓ ખાધે-પીધે સ્વસ્થ ને સુંદર
લાગે છે. એમને જોઈને એવો ભ્રમ થાય છે કે પ્રાચીન સમયમાં ભારતીયો બહુ સ્વસ્થ અને સુખી રહ્યા હશે. એમના ખભા એટલા દુબળા નહીં હોય જેવા આજ કાલ મોટે ભાગના ભારતીયોના હોય છે. એ મૂર્તિઓને જોઈને જ લાગે છે કે ભારતમાં મોડેલિંગનો ધંધો પ્રાચીનકાળથી જ છે. એ સમયે પણ હિરોઈન જેવી સુંદર અને સેક્સી છોકરીઓ હશે, જે એક તગડી ફી લઈને મૂર્તિકારો માટે મોડેલિંગ કરતી હશે. એ વખતે ટી.વી., ફિલ્મો વગેરે નહોતાં ત્યારે પાતળાં પેટ અને નબળા હાથ-પગવાળી પ્રજાનું મનોરંજન આવી મૂર્તિઓથી જ થતું હશે.
જ્યારે લોકો રાતે જમીન પર સૂતા ને પેટમાં ખાવાનું નહોતું પણ એમની આંખોમાં સપનાઓની કમી નહોતી. એ મોડેલો, એ મૂર્તિઓ, એ જમાનાની કરિના- કેટરિના-દીપિકા હતી, જે ત્યારના લોકોનાં સપનામાં આવતી એટલે કે આ પ્રકારની સંસ્કૃતિએ હંમેશાં એક સુંદર આવરણનું કામ કર્યું હતું.
મંદિરો અને મહેલોની બહાર આકર્ષિત મૂર્તિઓ બનાવવાવાળા જૂના ચંદેલ શાસકો પાસેથી આજે ઉત્સવોથી લઈને ભારત મહોત્સવનું આયોજન કરવાવાળાઓ સુધી આ જ નીતિઓ રહી છે. જ્યાં હજારો લોકો, ભોપાલ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોય અને આજે પણ હજારો લોકો ટી.બી. જેવા રોગથી કે કુપોષણથી પીડાઇ રહ્યા હોય ત્યાં સરકારી રંગારંગ સમારોહ તો કરવો જ છે, કારણ કે ગરીબ ભૂખ્યા લોકો કે દર્દીઓ જ્યારે ઊંઘે ત્યારે ત્યારે એમની આંખોમાં સરકારી સંસ્કૃતિના દિવાસ્વપ્નો હોવાં જોઇએ.
બીજી બાજુ, અમુક ‘એક્ટિવિસ્ટ’ એટલે કે સામાજિક ચળવળકારો, અમેરિકામાં જઇને સરકારી મહોત્સવની બદનામી કરવાનાં રોગથી પીડિત છે. એ લોકોનું કહેવું એમ છે કે જો ભારતમાં નગ્ન અને ભૂખ્યા બાળકોની સમસ્યા હોય કે પછી ઇથોપિયામાં લોકો ભૂખ્યા તરફડતા હોય તો એ બધું દેશ માટે શોભાસ્પદ નથી, પણ એ તમામ એક્ટિવિસ્ટ જાણતા નથી કે આ દેશ પાસે વેચવા માટે ખજૂરાહોની મૂર્તિઓ, આદિવાસી નૃત્યો છે અને ખરીદવા માટે વિદેશી ટેક્નોલોજી છે.
આમાં ભૂખ અને ગરીબીની વાતો, સત્તાની દૃષ્ટિએ બેમતલબનો
બકવાસ છે.
સરકારો કંઇ ‘એક્ટિવિસ્ટ’ નથી હોતી, જે ૨૪ કલાક, ખાલી બીમાર અને ભૂખ્યાં બાળકોની જ સંભાળ લીધે રાખે. સરકાર
એવા લોકોના ટેકા પર ચાલે જે ટેસથી જીવે છે અને જીવનનો આનંદ લે છે. સરકારે નૃત્યાંગનાઓનું પણ ધ્યાન રાખવાનું હોય છે.
બુલબુલ વાંદરીને પૈસા આપતી વખતે આપણે કોઇ રેલ અકસ્માત, કોઇ પૂર-દુકાળ કે દેશની ઘેર- ઘરે ફેલાયેલી ગરીબી ભૂલી જ
જઈએ છે. ત્યારે આપણને પણ બસ, બુલબુલ વાંદરીનો ડાંસ જ જોવો છેને?
તો એ જ રીતે દુનિયા પણ ભારતની કળા જોવા માગે છે ગરીબી નહીં !