મારી મેથ્સની મોકાણ!: ‘ગણિત’ ગણું ગણુંને ભૂલી જાઉં
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઈટલ્સ: સૌથી લાંબી ગણતરી શ્ર્વાસોની છે. (છેલવાણી)
મહાન અને મૂડી ગાયક-અભિનેતા-નિર્દેશક કિશોરકુમારે યોગીતાબાલી નામની સુંદર અભિનેત્રી સાથે લગ્ન કર્યાં ત્યારે હનીમૂન પછીની સવારે સંગેમરમર જેવી સુંદર યોગીતાબાલીને ટોઈલેટમાં જતી જોઈને, એમણે પોતાની મેડ રમૂજથી પૂછ્યું, સુંદરી! તમારાં જેવી પરીએ પણ ટોઈલેટ જવું પડે? એ રોમેન્ટિક પ્રશ્ર્નમાં અચંબો હતો. અમને પણ એવો જ અચંબો ગણિતના એક્સપર્ટ લોકો વિશે થાય છે કે હાડ-માંસનાં બનેલા આ તે કેવા માણસો છે, જે ફટાકથી મેથ્સના પ્રોબ્લેમ ઉકેલી શકે છે? અમને થોડું રાજકારણ કે આધ્યાત્મ કે માનવમન સમજાય છે પણ કમબખ્ત આખેઆખું ગણિત જ સમજાતું નથી!
હમણાં અમેરિકામાં ગણિત વિશેની ‘ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ ટેસ્ટ’માં દુનિયાની ૩૬ જેટલી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. એમાં અમેરિકાના વિદ્યાર્થીઓએ સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હતા. જ્યારે અમેરિકાના નંબર વન દુશ્મન એવાં ચીનના વિદ્યાર્થીઓએ ગણિતમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા હતા! અમેરિકામાં વિદ્યાર્થીઓના ગણિતમાં માર્ક્સ ઘટવાનું પ્રમાણ પણ પહેલાં કરતાં ખૂબ વધી ગયું છે. આ સમાચાર વાંચીને અમને થયું કે હાશ, આ જગતમાં ગણિતથી પીડિત અમે એકલા નથી. અમેરિકા જેવી મહાસત્તાનાં માણસો પણ ગણિત સામે લાચાર છે.
અમને ફાની ને ફની દુનિયામાં આતંકવાદી કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેંટથી એટલો ડર નથી લાગતો જેટલો ગણિતનો ડર લાગે છે. શાળા- કોલેજ છૂટ્યાનાં આટ આટલા વરસો બાદ આજે ય નીંદરમાં ગણિતનાં પેપરનો રાક્ષસ દેખાય છે ને ઝબકીને જાગી જવાય છે. માટે જ જેઓ ગણિતમાં હોશિયાર છે, એમનાં માટે અમને ખરેખર ભયપૂર્વકનો આદર છે કે કોણ છે આ ગણિતના મહારથીઓ?
એક અમેરિકન યુનિવર્સિટિનાં પ્રો. જિમ સ્ટીગલનું માનવું છે કે આવનારાં ૫૦ વર્ષમાં ટેકનોલોજીમાં હજી ખૂબ પ્રગતિ થશે. પણ અમેરિકા કરતાં, દુનિયાનાં બીજા ઘણાં દેશો ટેકનોલોજીમાં વધારે પ્રગતિ કરશે કારણ કે એ બધા રાષ્ટ્રોની પાસે ગણિતના વિષયમાં કેવી રીતે આગળ આવવું એ શીખવાની ધગશ કે એ શીખવવાનો અભ્યાસ છે.
અમેરિકાના સંરક્ષણ વિભાગે, ‘જઝઊખ’ એટલે કે સાયન્સ, ટેકનોલાજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં શિક્ષણને વધારવાની ગંભીરતાથી ઝુંબેશ આદરી છે કારણ કે અમેરિકા કરતાં ચીનમાં સાયન્સ, ટેકનોલાજી, એન્જિનિયરિંગ, મેથ્સ વગેરે ક્ષેત્રમાં ૮ ગણાં વધુ ગ્રેજ્યુએટ્સ છે. એનો અર્થ એ કે જગતમાં ત્રીજું મહાયુદ્ધ થાય તો એમાં અમેરિકા, ચીન સામે તો જ જીતી શકશે જો ગણિત ભણવામાં જીતી શકે! એકચ્યુઅલી અણુસત્તા અમેરિકા તો શું પણ ગણિતથી કોઈ બચ્યું નથી.
ઇંટરવલ:
ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં. (મરીઝ)
ગણિત, ગરોળીની પૂછડી જેવું છે. ગરોળીની પૂંછડી કપાઈ જાય તો ય પાછી આવી જાય. એ રીતે તમે આખાં આયખામાં ગણિતમાંથી પણ સો ટકા ક્યારે ય કપાઈ જ ના શકો. સ્કૂલ-કોલેજમાં ગણિત ભણ્યાં બાદ એમ માનો કે હાશ, હવે તો ગણિતનો પીછો છૂટ્યો! ના જરા યે નહીં. જીવનમાં ડગલે ને પગલે ગણિત તમારી સામે ભૂતની જેમ અચાનક પ્રગટ થઇને આવીને ઊભું રહે છે. જો કે- તમે ધંધો કરો તો નફો-નુકસાનથી લઈને ઇન્કમટેક્સ, જી.એસ.ટી. જેવાં પ્રાણઘાતક પ્રોબ્લેમ્સ નડે. તમે નેતા બનો તો ક્યાં, કેટલી જાતિ કે ધર્મની વોટ બૅન્ક છે- એ સતત ગણી ગણીને જીવવું પડશે . જો લેખક બનો તો તમારાં પુસ્તકની પબ્લિશરે કેટલી કોપી વેંચી (કે નથી વેંચાઇ) એ ગણતા રહેવાનું. ફિલ્મ કે ટી.વી. સિરિયલ લખો તો નિર્માતા પાસે કેટલાં લેણાં નીકળે છે એનો હિસાબ રાખવાનો. તમે ફિલ્મ લેખક- ડિરેક્ટર બનો તો અઢી કલાકની ફિલ્મમાં કુલ કેટલાં સીન થયાં, ફિલ્મ કેટલી મિનિટ લાંબી થઈ અને પછી ફિલ્મનો કેટલો ધંધો થયો- એ બધું ગણવાનું. સાદી નોકરી કરો તો ઓવર ટાઇમ કે બોનસ કે પી.એફ. કે પેન્શનના પૈસા ગણવાનાં. કોઇ નોકરી-ધંધો ના કરો તો કોને કેટલાં રૂ. પાછાં આપવાનાં છે એનું ગણવાનું. એટલે ગણિતનું તો રસ્તાનાં ખૂણે છૂપાયેલાં કોઈ ટ્રાફિક હવાલદાર જેવું છે. જેવું તમે સિગ્નલ તોડીને જવા નીકળો, તરત એ સીટી મારતા આવી જ પહોંચે.
અમેરિકામાં નોકરિયાતોનું કહેવું છે કે જેમ હોલીવૂડની ફિલ્મોને ‘બેટ-મેન’ કે ‘સુપર-મેન’ જેવા સુપર હીરોની જરૂર છે એ જ રીતે સારી નોકરી મેળવવા સારું ગણિત ભણવું જરૂરી છે! વળી, અમેરિકામાં જેનું ગણિત ખરાબ હોય એની તો લોકો મજાક પણ ઉડાવતા હોય છે, જે સાવ હસવા જેવી વાત નથી.
અમારું તો દ્રઢપણે માનવું છે કે જગતમાં જો ગણિતની પરીક્ષા જ ના હોત તો બાળકો, ભણતરને વધારે એન્જોય કરી શકતા હોત! જો કે આપણે આવા લંગડા વ્યંગ કે રમૂજ કરી કરીને ગણિતથી ક્યાં ક્યાં અને કયાં સુધી બચી શકીશું? આ ધરતી પર જન્મ લેવા માટે ૯ મહિનાનું ગણિત છે, ભણતર માટે ૧૨ કે ૨૧ વર્ષનું ગણિત છે, લગન માટે ૪ કે ૭ ફેરામાં ગણિત છે, છેવટે કફનની સાઈઝમાં કે મરણ-નોંધની જાહેરાતની સાઈઝમાં યે ગણિત છે.
હે ઈશ્ર્વર, અમને મોતનો કે પુનર્જન્મનો ડર નથી, ડર એટલો જ છે કે આવતાં જન્મે પાછું ગણિત નડશે ને ફરી ગણિતની પરીક્ષા આવશે. અમને ગણિતના હોવા સામે કોઈ જ વાંધો નથી પણ ગણિતને અમારી સામે વાંધો છે! જો કે જગતમાં ગણિત ના હોત તો પાપ-પુણ્યના લેખાંજોખાંથી માંડીને જીવનમાં કોણ કોણ આપણું દિલ તોડીને જતું રહ્યું એ બધાનો હિસાબ જ ના હોત ને?
એન્ડ-ટાઈટલ્સ:
ઈવ: શું ગણે છે?
આદમ: તારી આંખોમાં છુપાયેલા રંગોને!