ઉત્સવ

મારું ભારત અને ચૂંટણી-૨૦૨૪

આજે આટલું જ -શોભિત દેસાઈ

શું લાગે છે તમને? ૧૪૦ કરોડ લોકોના દેશની લોકશાહી પદ્ધતિની ચૂંટણી આટલી નિરામય શાંતિથી સંપૂર્ણ થઇ જાય, કોઇ પણ હિંસા ઇત્યાદિના ઉપદ્રવ વગર, એ સિદ્ધિ વિશે? થાબડો, સાહેબો! થાખડો… જરૂરથી તમારી પોતાની પીઠ થાબડો…. આ કૈં જેવી તેવી સિદ્ધિ નથી અને એ દેશ માટે કે જ્યાં હજી નજીકના ભૂતકાળની ચૂંટણીઓ મતદાન કેન્દ્રની ધાંધલ-ધમાલ માટે જગતભરમાં ‘જાણીતી’ હતી. દેશને બાપદાદાનો માલ સમજી બેઠેલા મુઠ્ઠીભર અઠંગ ઉઠાઉગીરો ચૂંટણી નામની લોકરાજની એક અતિ પવિત્ર દેવીના મેલા રેશમી વસ્ત્રથી પોતાના જૂતાં પોલિશ કરતા’તા. થયું છે, દોસ્તો! કૈંક તો થયું છે આટલાં વર્ષોમાં… ખોડંગાતા ભારતના બન્ને પગના લકવા પર રુઝ આવવા માંડી છે, ભારતની કૅન્સરગ્રસ્ત વિચારધારાને કળ વળીને કૅન્સરમુક્તિ મળવા માંડી છે, ભારત નિમ્નયોગ ત્યજી ઉર્ધ્વયોગમાં ઉડાન આદરી રહ્યું છે અને એનું શ્રેય જાય છે. એકમાત્ર… ના જી…. આપણને … ભારતવાસીઓને… આપણી અંદરનો ભારતભાવ જરૂર એમણે જગાડ્યો છે. જી હા, એમણે… પણ આપણે પગ હતા, માટે એમના ખભે ચઢી શકયા અને વિશ્ર્વરૂપ દર્શનનાં અણસાર પામ્યા….

કેવી ચૂંટણી! સાહેબો ! કેવી ચૂંટણી! ભારતની લોકસભાની ચૂંટણી એ ફકત ચૂંટણી નથી, પણ જગતનો મોટામાં મોટો Show છે. લોકશાહી મૂલ્યોનો અતિપવિત્ર સ્તોત્ર છે, કસીદો છે, પ્રાર્થના છે, જયાં ૯૦ કરોડથી વધુ લોકો મત દ્વારા પોતાનો અતિવિરાટ પણ અલ્પ ભાગ ભજવે છે એમની, વિશ્ર્વની જૂનામાં જૂની સંસ્કૃતિને ભવિષ્ય તરફ ગતિ કરાવવામાં… અને પડોશના ધતિંગબાજ લોકશાહી વાળા પાકિસ્તાન, વિસ્તારવાદથી પીડિત કોમ્યુનિસ્ટ (લોકશાહીની મોટામાં મોટી ગાળ) ચાઇના અને આતંકિંત બર્માના સંદર્ભમાં આ ચૂંટણીની પવિત્રતા અને મહત્તા કંઇ ઔર જ સુગંધ ફેલાવે છે.

અને બધું એની મેળે ગોઠવાઇ નથી જતું. આ આયોજનમાં અતિ વિકરાળ ત્રાસવાદને સંપૂર્ણ નાથવા અને આંતરધર્મ અને આંતર્ભાષિય ખટરાગને કાબૂમાં રાખવા કૈં નાનું સૂનું કામ નથી. બહુ સરસ બોલ્યા હતા વડા પ્રધાનશ્રી કે પાકિસ્તાનમાં એમના વિશે શંકા સેવાઇ કે આ માણસ વિઝા વગર ખરો ટપકી પડયો છે આપણા વડા પ્રધાનને મળવા, ત્યારે એમણે જણાવ્યું કે આ આખો દેશ તમારો એક વખત તો અમારો જ હતો ને! મારા દેશમાં અચાનક લટાર મારવાનું મન થયું, તે આવી ગયો!

અને કેવો ભારત દેશ! અને કેવડા આહ્વાનોથી ભરેલો! ભાષા અને પેટા ભાષાની સંખ્યા માંડો તો હજારોના આંકડામાં સંસ્કૃતિઓ અને ધર્મો અને પેટાધર્મોનું વિવિધતા મઢયું વિશ્ર્વ માત્ર ટકયું નથી, વધુ ને વધુ સમૃદ્ધં બનતું જાય છે દિન-બ-દિન. એ ભારત જયાં જન્મ્યા હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ, એ દેશ જે સમાવે છે જગતના સૌથી વધુ ઇસ્લામ ધર્મીઓને, જયાં ઇસાઇઓ વસે છે ૨૦૦૦ વર્ષથી, જયાં યહૂદીઓ અને એમના દેવસ્થાનો છે રોમનોએ એમનું બીજું દેવસ્થાન સળગાવી નાખ્યું ત્યારથી, જયાં વસે છે તિબેટની નિષ્કાસિત સરકાર અને એના સરસંઘચાલક દલાઇ લામા, વતન પર્શીયામાંથી હકાલપટ્ટી કરાયા બાદ પારસીઓએ સ્થાયી થઇ જેને પોતાની ધરી અને પરીઘ ગણ્યો છે એ ભારત દેશ, જયાં અર્મેનિયન-સિરિયનથી લઇ વિશ્ર્વના ખૂણેખૂણાના લોક સ્થાયી થયા છે એ ભારત, અને પેરિસના OECD નાં જણાવ્યાં મુજબ છેલ્લા ૨૦૦૦ વર્ષોમાંથી ૧૫૦૦ વર્ષ આર્થિક મહાસત્તા રહ્યો છે એ ભારત દેશ, રાષ્ટ્રસર્વોપરિ પ્રમુખ જયાં ૩ વખત ઇસ્લામધર્મીઓ અને એમાંથી એક તો ભારતની અણુ અને રોકેટ શક્તિના પ્રણેતા રહ્યાં છે એ હિંદુ બહુમતીવાળો ભારત દેશ, લઘુમતી કોમ શીખના એક અર્થશાસ્ત્રી દેશનાં વડા પ્રધાન અને એક વિદેશી સ્ત્રી શાસક પક્ષના પ્રમુખ રહ્યાં છે એ નિરઅપવાદી ભારત, જયાંની સમૃદ્ધ વ્યવસ્થા દર વર્ષે ૪ કરોડ લોકોને ગરીબીથી મુક્તિ અપાવે છે અને ૨૦૨૫ સુધીમાં જયાં અડધાથી ઉપરની આબાદી મધ્યમવર્ગીય હશે (અમેરિકાની સમગ્ર વસ્તી કરતાં ત્રણ ગણી) અને આશાવાદ અને વિવિધતા સતત રજૂ કરતાં ભારતનાં ચલચિત્રો, કળા કારીગરી, આર્થિક ઉન્નતિ પ્રકલ્પ કયાં મળશે, સાહેબો? વિશ્ર્વમાં બીજે ક્યાં મળશે? આવા અનન્ય ભારતની લોકશાહીની આ ચૂંટણીમાં વિશ્ર્વ વસ્તીના ૧૨ ટકા લોકો મતદાન કરશે એનો વિચાર કર્યો છે કોઇએ? આનંદો, સાહેબો! આનંદો… આ વાત પર તો સ્વર્ગ (જે છે કે નહીં) ની ય ઐસી કી તૈસી…. મારું ભારત તો છે જ…..

जननी जन्मभूमिश्‍च स्वर्गादपि गरीयसी
આજે આટલું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button