ઉત્સવ

મારી ખુશીની દુનિયા

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

વૈશ્ર્વિક સ્તરે ઉજવાતો નવરાત્રિનો ઉત્સવ ભારતભરમાં અને ગુજરાત તથા મુંબઈ જેવા મહાનગરમાં ધામધૂમથી ઉજવાય છે. મુંબઈના એક સમૃદ્ધ પશ્ર્ચિમ પરાંની આ વાત છે.

નવરાત્રિનો ઉત્સવ અને માતાજીની આરાધનામાં સોસાયટીના બધા ભક્તો રંગાયા હતા. પરી જેવી રૂપાળી, પૂનમના ચાંદ જેવી મારી ખુશીને ત્રીજા માળની મારી ફુલ સાઈઝની સ્લાઈડીંગ બારી પાસે બેસીને હું ખુશીને ખવડાવતી હતી. નીચે કેટલાક છોકરાં માતાજીના મંડપ પાસે ધમાચકડી કરતાં હતાં. સેવકો સાંજ માટે મંડપનો શણગાર કરી રહ્યા હતા.

હું ખુશીને માથે હાથ પસવારતી હતી, ત્યાં જ મારો મોબાઈલ રણક્યો. હું ટી.વી. નજીક મૂકેલા મોબાઈલને પીકઅપ કરવા ગઈ. તે જ ઘડીએ ખુશી અચાનક બારીમાંથી નીચી નમી, સ્લાઈડીંગ બારી ખુલ્લી હોવાથી અને અચાનક વધારે નીચા નમી જવાથી ખુશી નીચે ગબડી પડી. ,

હું બેબાકળી બની જોઈ રહી. મારી ખુશી મારા દેખતાં ત્રીજા માળેથી નીચે પટકાઈ. મારી આંખે અંધારા આવી ગયા, મારો અવાજ રૂંધાઈ ગયો.

પણ મારા માતાજી તો સાક્ષાત્ હાજરાહજુર હતાં ને !

બારીમાંથી મેં નીચે જોયું તો, માતાજીના મંડપની છત પર મારી ખુશી ઝીલાઈ ગઈ હતી અને છતના ઢાળ પરથી સરકતી સરકતી ભોંય પર પડી.

હું એકી શ્ર્વાસે નીચે ગઈ. ખુશીને મારા ખોળામાં લીધી. એ સાવ ગભરાઈ ગઈ હતી, એની આંખો બંધ હતી.

મે આંખો બંધ કરી માતાજીનું સ્મરણ કર્યું. મંડપમાં ગોઠવેલી માતાજીની મુર્તીને મનોમન નમન કર્યા.

પછી તરત ડોકટર પાસે લઈ ગયા. ડોકટરે એને તપાસીને કહ્યું,”તમે લકી છો. ત્રીજા માળેથી પડી, પણ એને કંઈ થયું નથી. મને લાગે છે કે એ ગભરાઈ ગઈ છે. એને આરામ થાય એટલે માઈલ્ડ ઘેનનું ઈંજેક્ષન આપું છું. ત્રણ-ચાર કલાકમાં ખુશી રમવા લાગશે. મેં અને મહેશે ડૉકટરનો આભાર માન્યો.

“ડૉકટર સાહેબ, આજે તમે ખુશીની સાથે અમને બંનેને નવું જીવન આપ્યું છે.
ક્લિનીકની બહાર નીકળતાં જ મહેશે કહ્યું,”સાચું કહું, પ્રતિક્ષા , આપણા માટે જ આ ખુશી આપણા ઘરે આવી છે. નહીં તો ત્રીજા માળેથી નીચે પડે .. .. એની શું હાલત થાય ? પણ મારી ખુશી, હેં .., આપણી ખુશી હેમખેમ રહી. આટલું બોલતાં તો મહેશની આંખે ઝળઝળીયાં આવી ગયા..

“મારા અંબે માએ જ ખુશીને નવજીવન આપ્યું છે, કહેતાં પ્રતિક્ષાએ ખુશીને છાતી સરસી ચાંપી દીધી.

વાણી વિહીન મારી ખુશીની આ દુનિયા અદ્ ભૂત છે. એ બોલી શકતી નથી. પણ એની આંખોમાં પ્રેમનો દરિયો વહે છે. એની ભાષા એટલે એની નિર્દોષ રમતો અને મર્માળુ હાસ્ય.

એક વેલ જેમ છોડને વીંટળાઈ જાય તેમ ખુશી તેના માતા-પિતાની સાથે જ હોય. અને માતા-પિતાની પણ આ એક જ લાડકી દીકરી, તે ખુશી !

આ ખુશીના આવવાથી મહેશ-પ્રતિક્ષાનું ઘર ગોકુળિયું બની ગયું હતું. જાણે નંદ-યશોદાને ઘરે લાલો મોહિની રૂપે ન પધાર્યો હોય !

પપ્પા ઑફિસેથી આવે એટલે પપ્પા સાથે રમવાનું. મમ્મા તો હંમેશા નજર સામે જ જોઈએ. મમ્મા સંગીત શરૂ કરે કે તરત ખુશી ઝૂમવા તૈયાર. ખુશીને પ્રેયર કરવામાં ખુબ આનંદ આવે.
ખુશીને મમ્મા કોળિયા ભરાવે તો જ એ ખાય, એવો એનો નિયમ. એક વાર મમ્માએ કહ્યું- ખુશી, જો, તારા ટેબલ પર બાઉલમાં દૂધ છે. બિસ્કીટ છે. જાતે ખાઈ લે. હવે તું છ વર્ષની થઈ. ખુશી બપોરે બે વાગ્યા સુધી ભૂખી રહી પણ જાતે ખાધું નહીં. જયારે મમ્માએ કોળિયા ભરાવ્યા ત્યારે જ ખાધું. પ્રતિક્ષાને ખુશીને ભૂખી રાખવાનું દુખ થયું.

 ખુશી  જયારે સવા મહિનાની થઈ હતી ત્યારે  મોમ-ડેડ તેને માતાજીના મંદિરે દર્શન કરવા લઈ ગયા હતા. ત્યારે અકસ્માતે ખુશીના માથે માતાજીના મુગટ પરથી ફૂલ પડ્યું,  એ જોઈ પૂજારીજી બોલ્યા હતા," આપ કે ઘરમેં પવિત્ર આત્મા આયા હૈ. "હાં. ગુરૂજી, ઈસ બેટીને હમારા જીવન ધન્ય કીયા હૈ.  મહેશે કહ્યું હતું.

મોમના પડખામાં જ સુવાનો ખુશીનો નિયમ.

વૈષ્ણવ પરિવારમાં ધર્મનું ચુસ્ત પાલન કરતાં દાદીમા ભારે મરજાદી. દાદી પૂજાઘરમાં પૂજા કરવા બેસે એટલે ખુશી તરત પૂજાઘરમાં પેઠી જ હોય. દાદીની લગોલગ બેસી જાય. દાદીને જરાય ગમે નહીં, દાદી બુમાબુમ કરી બેશે. મમ્મા તરત એને પોતાની પાસે બોલાવી લે. ચાર પાંચ વાર આવું થયું, બે ત્રણ વાર ઠપકો મળ્યો એટલે ખુશી સમજી ગઈ, દાદી પૂજા કરતા હોય ત્યારે પૂજાઘરમાં જવાય નહીં. એટલે પૂજાઘરના દરવાજા પાસે બહાર બેસે અને દાદીની પૂજા જોયા કરે. પૂજા પૂરી થાય એટલે પ્રસાદ મળે એનો આનંદ ખરો.

કોઈ વાર પાપા દાદીને મોટા અવાજે કશું કહે તો ખુશી તરત પાપાના મોઢે હાથ ફેરવતાં શાંત રહેવા કહે. વાચા વગરનો પ્રેમ અને સમજણ ધરાવતી ખુશી બધાને વહાલી લાગે.

એક વાર પપ્પાના જમણા પગના અંગુઠાનું ઓપરેશન કરવાનું હતું, એમને હોસ્પીટલમાં રાખ્યા હતા. રોજના સમયે પપ્પા ઘરે આવ્યા નહીં એટલે ખુશી
ઉંચીનીચી થયા કરે. મમ્માએ ખુશીને સમજાવ્યું કે પપ્પા કાલે આવશે,પણ એ આખી રાત મેઈન ડોર પાસે ઝોકા ખાતી બેસી રહી. બીજા દિવસે તો સવારથી જ બેચેન થઈને આંટા મારવા લાગી. રાત્રે આઠ વાગે પપ્પા આવ્યા, ત્યારે એમના ખાટલા પર જ બેસી ગઈ. આખી રાત ત્યાં જ સૂઈ ગઈ.

અમારે ત્યાં રોજ રાત્રે આઠ વાગે હનુમાનચાલીસાનો પાઠ બધાએ સાથે કરવાનો નિયમ. મોમ જેવો દીવો કરે કે તરત ખુશી હનુમાનજીની મૂર્તિ પાસે ગોઠવાઈ જાય. એની આંખમાં કોઈ અનેરી ચમક છવાઈ જાય.

ખુશી એટલે ખુશી. એની વાચાવિહિન દુનિયામાં કોઈ અનોખું તેજ હતું. પ્રેમના એ દરિયાએ મમ્મા-પપ્પાના જીવનને ધન્ય કરી દીધું હતું. મહેશ ઘણીવાર એમના મિત્રોને કહેતા કે “અભાવ અને વિષમતાની વચ્ચે સભર જીવનનો પંથ અમને ખુશીએ બતાવ્યો છે.

પોતાના સંતાનને તો પ્રેમથી બધા જ ઉછેરે, પણ શ્ર્વાન યોનિમાં જન્મેલી ખુશી એક સમૃધ્ધ,, સુખી કુટુંબમાં ઉછરી.

આ ખુશીની દુનિયા આપણા વ્યવહારિક જીવન કરતાં ભિન્ન છે. અહીં પાલક માતા-પિતાએ ખુશીનું પાલનપોષણ એક નિજ સંતાનની જેમ કર્યું છે.

ખુશીએ ૧૭વર્ષનું આયુષ્ય ભોગવ્યું. એ કારમાં બેસીને હનુમાનજીના દર્શન કરવા જાય, આગળના બે પગ જોડીને હનુમાનજીને પગે લાગે. આરતીનો આનંદ માણે. એક સાત્વિક માનવજીવન ભોગવી એ દિવ્યગતિને પામી. ઘરના મેઈનરુમમાં આજે પણ ખુશીની મોટી ફ્રેમવાળી તસવીર તમારું સ્વાગત કરે છે.

પ્રતિક્ષા અને મહેશભાઈ આજે પણ સોસાયટીના શ્ર્વાનોને રોજ રાતે પોતાના હાથે જમાડે છે અને ખુશીને અંજલિ આપે છે.

“ખુશીના દેહને પડે ત્રણ વર્ષ થયાં પણ એ મારી સાથે જ છે, એવું કહેતાં પ્રતિક્ષા ઉમેરે છેઢ્ઢ”હું આકાશ સામે જોઉં છું, મને તારા મંડળમાં ચમકતી ખુશી દેખાય છે.

ભાવવિભોર થતાં મહેશભાઈ કહે છે- “મારી ખુશીની એક અદભુત દુનિયા છે. હું જયારે લક્ષ્મીનારાયણના દર્શન કરું છું, ત્યારે લક્ષ્મીનારાયણની મૂર્તિ વચ્ચે મને મારી ખુશી દેખાય છે. જે અમને જોઈ રહી છે. જાણે પ્રભુને કહી રહી છે કે હવે, મારાં મમ્મી પપ્પાની તમે સંભાળ લેજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button