મારી લાડકી, શિવા
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
અંધેરી, મુંબઈની એડએજન્સીના ડાયરેક્ટર ૩૬વર્ષીય પ્રિયા સ્વતંત્ર માનસ ધરાવતાં માનુની છે.
સોરી, રાજ, આજની મારી બધી મીટિંગ કેન્સલ કરો. પ્રિયાએ ફોન પર કહ્યું. મેડમ, સાંજે ૪વાગે એક મીટિંગ લઈ શકાય? ખૂબ મોટો ઓર્ડર છે. પોલિટીકલ પાર્ટી છે. રાજે કહ્યું.
સોરી, આજે એ શક્ય નથી. મારી શિવાને બે ડિગ્રી તાવ છે. હું એને છોડીને કયાંય ન જાઉં. રાજ, સોમવારની મીટિંગ રાખો. અન્ય બધું કામ જોઈ લેજે. મને ફોન કરીને ડિસ્ટર્બ ન કરતો. કહેતા પ્રિયાએ ફોન મૂકી દીધો.
છ વર્ષની શિવા તેની ચોપડીમાંથી પિક્ચર સ્ટોરી વાંચી રહી હતી. એણે કહ્યું- મને તાવ ઓછો છે. ચિંતા ન કર. મોમ તું ઓફિસે જા, હું સોનલમામી સાથે રહીશ. એ મને જમાડશે. તું જલદી મિટિંગ પૂરી કરીને આવી જજે.
ના, ના તને તાવ આવતો હોય તો હું તને મૂકીને કયાંય ન જાઉ. કહેતા પ્રિયાએ શિવાને છાતી સરસી ચાંપી. બેટા. તું જ તો મારી દુનિયા છે. કહેતા પ્રિયાની આંખ ભરાઈ આવી.
મોમ, મારા ડેડી કયાં ગયા છે?, શિવાને મળવાનું ડેડીને નથી ગમતું. નાની શિવા ગંભીર થતાં બોલી.
જો, શિવા તારા ડેડી ચાર વર્ષ થયા બિઝનેસ માટે કેનેડા ગયા, પછી આવ્યા જ નથી. તારે ડેડીનું નામ જ નહીં લેવાનું સમજી- હું જ તારી મોમ અને હું નાની શિવા મનોમન અકળાતી હતી. મારા ડેડી કયાં છે, કેમ ઘરે આવતા નથી. હમણાં ડોકટર અંકલને મોમે કહ્યું હતું કે માત્ર શિવા પટેલ નામ લખો.
મારા ડેડીનું નામ શું હશે? એ આ ઘરે કેમ નથી આવતા ? નાની,મામા-મામી કોઈ ડેડી સાથે વાત કરતું નથી અને આજે મોમે તો કહી જ દીધું કે ડેડીનું નામ નહીં લેવાનું. એણે જોયું મોમ હવે એને મેડિસીન આપવાની છે. હું મોમને ફરીથી કહીશ, મોમ, ડેડીને ફોન કરને ..
ત્યાં જ મોમની ખાસ ફ્રેન્ડ મોની આન્ટીનો ફોન આવ્યો. પ્રિયા આય એમ ઈન ઈંડિયા ફોર અ વીક. આજે આવું તું ફ્રી છે ને.
યસ, યસ, આવી જા.
યુ આર વીથ યોર મોમ-ડેડ સો ઈઝ ઈટ ઓ.કે ઈફ આય સ્ટે વિથ યુ. હું મુંબઈમાં ત્રણ દિવસ જ છું. બાય ધ વે, સુજય સાથે સેટલમેન્ટ કે પછી બ્રેકઅપ થયું.
મોની, તું પ્લીઝ આવ- વીલ ટોક, કહેતા પ્રિયાએ ફોન મૂક્યો. પછી શિવા સામું જોતા બોલી,મોની મારી ખાસ ફ્રેન્ડ છે. કેનેડાથી એક વીક માટે આવી છે. તને ખૂબ મજા આવશે.
મોમ, મારા ડેડી પણ કેનેડામાં છે. એવું નાની કહેતા હતા. બોલતા શિવા મોમ સામું તાકી રહી.
જો. પાછો તાવ ચઢયો ને, આજે સવારથી ડેડી, ડેડી કરે છે. ચાલ,તું મારી લાડકી શિવા છે ને, દવા લઈને સૂઈ જા.
મોમ, મોની આંટીને ખબર હશે મારા ડેડી કયાં છે, કયારે આવશે?
શિવા ડેડીને મળવા કેવી હિજરાય છે, કદાચ આ તાવ એના માનસિક તનાવનું કારણ હોઈ શકે. એવું વિચારી એ ઉદાસ થઈ ગઈ.
સાંજે છ વાગે મોની તો તોફાની વાયરાની જેમ આવી પહોંચી.
શિવા તો બહારની રૂમના સોફા પર નાની સાથે બેઠી હતી. દેખાવે ગોરા, વાંકડીયા સેટ કરાવેલા વાળમાં શોભતી મોની બ્લેક જીન્સ પર લાઈટ બ્લ્યુ શર્ટમાં ખૂબ આકર્ષક લાગતી હતી.
આ નાની સુંદર પરી કોણ છે, આન્ટી. હમણાં એક વર્ષ પહેલાં કેતનને બેબી બોય આવ્યો એ પ્રિયાએ કહ્યું હતું,
આન્ટી, હું શિવા. તમે મારી મોમના ખાસ ફ્રેન્ડ છો, કેનેડાથી આવ્યા છો. મારા ડેડી કયાં છે ?તમે જાણો છો?
મોનિકા તરત કંઈ બોલી ન શકી. એ આ નાની ભોળી શિવા સામું જોઈ રહી. ત્યાં જ નાનીએ કહ્યું- જા શિવા, મોમને કહે કે એની ફ્રેન્ડ આવી છે, ને તને તાવ આવે છે તો બેડરૂમમાં સૂઈ જા.
શિવા ઉદાસ ચહેરે બેડરૂમમાં ગઈ અને સૂઈ ગયેલી મોમને કહ્યું- મોમ, તારી ફ્રેન્ડ આવી ગઈ.
મોમની સાથે સાથે શિવા પણ બહારની રૂમમાં આવી.
પ્રિયા અને મોનીએ એકબીજાને બાથમાં લઈને બે-ત્રણ ગોળ ચકકર માર્યા. એમના આનંદનો કોઈ પાર ન હતો. પછી મોનીને શાનમાં સમજાવતાં, શિવાનો હાથ પકડીને કહ્યું,આ મારી દીકરી, શિવા.
મોનીએ શિવાને વહાલ કરતાં કહ્યું- પ્રિયા, ખૂબ સુંદર પરી જેવી છે તારી શિવા.
આન્ટી, યુ નો મારી મોમની મોટી ઓફિસ છે. કોઈક વાર હું પણ ત્યાં જઉં છું. ત્યાં એક રૂમમાં ડાન્સ કલાસ અને મ્યુઝિકનાં સાધનો છે, મને ત્યાં ખૂબ ગમે. આન્ટી તમે મારી સાથે ત્યાં આવશો.?
હા, હું ત્રણ દિવસ અહીં છું, તું જેમ કહીશ એમ કરીશું.
આન્ટી, મારા ડેડ કેનેડામાં છે, મારે એમની સાથે વાત કરવી છે. એમને અહીં બોલાવવા છે, મોમ કહે છે કે હું જ તારી મોમ અને હું જ ડેડી. તે એવું તે કેવી રીતે હોય. બધાને મોમ-ડેડ હોય મારે કેમ નહીં ?
ઓ,કે. તું હમણાં સૂઈ જા. આપણે કાલે વાત કરીશું, મોનીએ કહ્યું.
રાત્રે શિવા સૂઈ ગઈ પછી પ્રિયાએ માંડીને વાત કરી,
મોની, બ્રેક અપ ન થાય તે માટે અમે ચાર વર્ષ પ્રયત્ન કર્યા. અંતે અરસપરસની સમજૂતીથી ડાયવોર્સ લીધા. મારા ચારિત્ર્ય પરના ખોટા આક્ષેપો, મારી ઓફિસ બંધ કરી દેવાના એના કાવતરા અને માનસિક યાતનામાંથી છૂટવાનો બીજો કોઈ રસ્તો જ ન હતો.
તો પછી ટેબલ પર આ ફોટો કેમ ?અને આ શિવા ક્યાંથી?
ફોટો એટલા માટે કે હું આજે પણ સુજિતને અઢળક પ્રેમ કરુ છું. પ્રેમમાં મિલનનો આનંદ તો સહજ છે. પણ ત્યાગ કરીને, વિરહમાં પણ કૃષ્ણને ઝંખતી મીરાં જેવી પ્રેમની દિવ્ય અનુભૂતિ કરી શકાય. સુજિત જ્યાં હોય ત્યાં ખુશ રહે. પ્રિયાએ કહ્યું.
આ શિવા, તારી દીકરી કેવી રીતે? મોનીએ સહસા પૂછ્યું.
સુજિત સાથેના બ્રેકઅપ પછી મારી મમાએ મને ખૂબ સપોર્ટ આપ્યો. આજે મારી આ લાઈફ મમ્માને લીધે જ છે. સીંગલ લાઈફમાં ખૂબ સ્વતંત્રતા છે. ખૂબ પૈસો, જે જોઈએ તે બધી ભૌતિક સુખ-સગવડ. એડએજન્સીની ઓફિસ. ૩૫ એમપ્લોઈ, મારી ડાન્સિંગ-મ્યુઝિક કલાસ, કલ્ચરલ ઈવેન્ટ. યસ, આય એમ ધ બેસ્ટ પ્રોફેશનલ વુમન. બહારની દુનિયાથી રાત્રે ઘરે આવું ત્યારે એકલતા મને ભીંસી લેતી.આખરે આ જીવનમાં મારું કોણ- રીમેરેજ કરીને એ જ ભૂલ પાછી કરવી જ નથી. એટલે મેં આખી જિંદગી એકલતાના અડાબીડ જંગલમાં ભટકવા કરતાં દીકરીને દત્તક
લીધી. એ અનાથને માતાનો પ્રેમ મળ્યો અને પ્રિયાને કદી ન ખૂટે તેવો દીકરીનો પ્રેમ. સાચું કહું તો મોની દરેક સ્ત્રીને માતૃત્વની ઝંખના હોય છે. મા બને ત્યારે જ એ પૂર્ણ સ્ત્રીત્વને પામે છે.
થયું હતું એવું કે એક રાત્રે હું ભાભીના બેડરૂમમાં બેઠી હતી. ભાભી દીકરાને સ્તનપાન કરાવી રહ્યાં હતાં. તે સમયે બાબાનું એની ગોદમાં લપાઈ જવું. ભાભીના ચહેરા પર જોવા મળતો દિવ્ય આનંદ, ભાભીનું બાબાના માથાને પસવારવું તેમના બ્લાઉઝમાંથી ટપકતું અમૃત, મારી મનની લાગણીઓને ઝંકૃત કરી ગયું.
બીજે દિવસે એક ફૂલ વેચતી યુવાસ્ત્રી જાહેર રસ્તાના એક ખૂણામાં સ્તનપાન કરાવવાનો દિવ્ય આનંદ લઈ રહી હતી.
બસ, આ જોઈને મેં નાની દીકરીને દત્તક લેવાનો નિશ્ર્ચય કરી લીધો.
મેં શોધ આદરી. અને મારી શિવા મને મળી. પ્રભુના આશિષથી મળેલી આ દીકરી એટલે શિવા. મેં એને લીધી ત્યારે તે દોઢ વર્ષની હતી. આજે છ વર્ષની થઈ. શી ઈઝ માય લાઈફ લાઈન. મોની, હવે મને કશું જોઈતું નથી.
તારી બધી વાત સાચી પણ તને દેખાતું નથી કે તારી દીકરી એના ડેડીને મળવા માગે છે ? તે શિવાને દત્તક લીધી છે, એ વાત એને કેમ કહેતી નથી?
એમાં બે ત્રણ કારણ છે. એક તો એ કે એ હજુ નાની છે. ખરી વાત એ સમજી નહીં શકે. એક બે વર્ષ પછી એ જરા સમજણી થશે ત્યારે એને બધું જ કહીશ. પણ શિવા મારી દીકરી જ નહીં, મારા જિગરનો ટુકડો છે. દીકરીનો ઉછેર કરવો એક દિવ્યઅનુભૂતિ છે. શિવા મારી લાડકી દીકરી જ મારા જીવનનો પ્રાણવાયુ છે.