મૂર્તિ સાહેબનું ૭૦ કલાકનું વિધાન બ્રાન્ડ માટે દીવાદાંડી
બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે – સમીર જોશી
થોડા સમયથી ઇન્ફોસિસના શ્રી નારાયણ મૂર્તિ દ્વારા કરેલા એક નિવેદન કે યુવાનોએ અઠવાડિયાના ૭૦ કલાક કામ કરવું જોઈએ તેના પર કોર્પોરેટની દુનિયામાં વિવિધ ચર્ચાઓ થઇ રહી છે. અમુક લોકો આ વિધાનના પક્ષમાં છે તો વધુ લોકો આ વિધાનના વિરોધમાં છે. તેમણે આ વિધાન કયા સંદર્ભમાં કર્યું તે જાણવું જરૂરી છે. તેમણે કહ્યું ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્ર્વામાં સૌથી ઓછી છે અને વૈશ્ર્વિક શક્તિઓ સાથે સ્પર્ધા કરવા આમ કરવું જરૂરી છે જે આપણે ચાઇના અને જાપાન જેવા દેશોમાં જોઈ શકીએ છીએ.
માર્કેટિંગમાં મહત્ત્વની વાત છે ક્ધઝ્યુમર બિહેવિઅર અર્થાત્ ગ્રાહકની વર્તણૂક પર નજર. આજની યુવા પેઢીની વિચારધારા સ્પષ્ટ છે. તેઓને ફક્ત કમાવવું નથી, તેઓને વિવિધ અનુભવો મેળવવા છે અને પોતાની રીતે જીવન જીવવું છે. તેઓ માટે કામ તે જીવન નથી પણ જીવનનો એક હિસ્સો છે. આનો અર્થ તે નથી કે તેઓ આળસુ છે કે પછી બેજવાબદાર છે. જો તેમ હોત તો તેઓ ઘણીબધી ચીજો ના કરતા હોત.
પાછલી પેઢી અને આ પેઢીની અમુક વાતોમાં સરખામણી કરીયે જે આપણને આ વિષય અને ક્ધઝ્યુમરની બદલાતી વર્તણૂક પર વધુ સ્પષ્ટતા આપશે. સૌ પ્રથમ આ પેઢી વૈશ્ર્વિક વિચારધારા ધરાવે છે કારણ તેમની સામે દુનિયાની બધી માહિતી છે, જયારે પાછલી પેઢી પાસે નહોતી. પાછલી પેઢી પાસે તકો ઓછી હતી, આજની પેઢી પાસે તકો ભરપૂર છે. પાછલી પેઢીની વિચારધારા હતી કે જો કામ નહિ કરીએ તો ઘર કેવી રીતે ચાલશે, નોકરી મેળવવી ખાવાના ખેલ નથી વગેરે. આજની પેઢી આ વિચાર નથી કરતી, તે જાણે છે કે ઘર ચલાવવું મુશ્કેલ છે પણ નામુમકીન નથી અને તેના ડરથી નોકરી પર ટકી રહેવું તેને મંજૂર નથી. મલિક કે બોસ એટલે ભગવાન અને તેની સામે ના બોલાય, તે ઑફિસ છોડે પછી ઑફિસમાંથી નીકળાય. આજની પેઢી પોતાનું કામ પત્યું કે નીકળી જશે. આજની પેઢી સ્પષ્ટ છે, વધુ કલાકો બેસી, દેખાડો કરવો અથવા વધુ કામ કરવું એટલે આપણે હાર્ડ વર્કિંગ ગણાશું તેમાં નથી માનતો. તેને પરિણામથી મતલબ છે અને તે તેના ઉપરીને કે બોસને પણ પૂછશે જે તે પ્રોજેક્ટ ક્યાં સુધી જોઈએ છે અને અપેક્ષા શું છે. અર્થાત્ તે કલાકોમાં નથી માનતો. કાર્યની ઉત્પાદકતાને તેઓ કામ પર કેટલા કલાકો વિતાવે છે તેના દ્વારા માપવા તે પ્રતિકૂળ છે, કાર્યસ્થળ પર વિતાવેલા કલાકોને બદલે કામના આઉટપૂટ પર, ઈમ્પેક્ટ અર્થાત્ અસર કે પછી તેના પરિણામ પર માપવી જોઈએ.
આ ઘટનાને માર્કેટિંગ સાથે સરખાવીએ તો આજની તારીખે તમે કેટલા મીડિયામાં એડ આપી કે પછી કેટલો ખર્ચો કર્યો તે નહિ પણ ઈમ્પેક્ટ, પરિણામ શું આવ્યું તે જાણવું જરૂરી છે. આજના સોશિયલ મીડિયાના સથવારે આ જાણવું આસાન છે. બીજી વાત, કોમ્યુનિકેશન અર્થાત્ હું જે માર્કેટિંગ મેસેજ લોકો સુધી પહોંચાડવા માગુ છું તે કોના માટે છે તે જાણવું જરૂરી છે. ક્ધઝ્યુમરની વર્તણૂક અને આજના સમયનો અભ્યાસ અતિ આવશ્યક છે નહિ તો લોકો તમારી બ્રાન્ડને ટ્રોલ કરતા નહિ ચૂકે, જેમ ૭૦ કલાકના વિધાન સાથે થયું. સૌથી મહત્ત્વનું, ભૂતકાળમાં મને કઈ રીતે સફળતા મળી તેના ગુણગાન અથવા તેમ માનવું કે આજે પણ તેમ સફળતા મળી શકે તે ભૂલ ભરેલું હશે. સમય અલગ છે તો વિચારધારા અને પદ્ધતિઓ પણ અલગ હશે. એક સમયે લિગસી બ્રાન્ડની વાહ વાહ થતી પણ આજે ક્ધઝ્યુમર જોશે કે કઈ બ્રાન્ડ તેને જે જોઈએ તે આપી શકે છે તેની સાથે તે વ્યવહાર કરશે. ફક્ત માર્કેટમાં મોટું નામ છે તેથી તેને અપનાવવું તે આજના સમયે મુશ્કેલ છે. જો તેમ હોત તો મુરતી સાહેબની વિરોધમાં આટલા બધા વિધાનો ના આવ્યા હોત. આનો અર્થ તે નથી કે લોકોને તેમના પર માન નથી કે તેમણે જે ઊભું કર્યું છે તેની કદર નથી, પણ આજની પેઢી જે પોતે માને છે તે કહેવામાં અચકાશે નહિ પછી ભલે તે ગમે તેટલી મોટી કે નામી વ્યક્તિ કે બ્રાન્ડ હશે. આજની પેઢીની આ વર્તણૂક બ્રાન્ડ માટે દીવાદાંડી છે કે જો તમે આજના ક્ધઝ્યુમરને અવગણશો તો તે તમને નહિ ચલાવી લે. બીજી મહત્ત્વની વાત એટલે, જો બ્રાન્ડથી જાણે-અજાણ્યે કોઈ આવી ભૂલ થઇ જાય તો તરત જ તેની સ્પષ્ટતા કરી દેવી જેથી વધુ નુકસાન ના થાય. આનો અર્થ તે નથી કે ક્ધઝયુમરના શરણે જવું કે તેની ‘હા’ માં ‘હા’ મેળવવી, તમારો મત સ્પષ્ટ કરો ક્ધઝ્યુમર આવી બ્રાન્ડને પહેલા સ્વીકારશે.
મુરતી સાહેબે જે કહ્યું તે ખોટું નથી, ભારતીય યુવાનોને પશ્ર્ચિમી જીવનશૈલીને આંખ આડા કાન ન કરવાની તેમની સલાહની પ્રશંસા થવી જ જોઈએ. આંધળું અનુકરણ સ્વીકાર્ય નથી જ અને તેથી કારકિર્દીના પ્રારંભિક સમયમાં વધારાના કલાકો સખત મહેનત કરવી તેમાં ખોટું નથી. આ સમયે તમે પોતાને તમારી કારકિર્દી માટે ઘડો છો અને તમારા ઉપરીઓની પાસેથી શીખો છો.
મુદ્દો વધુ મહેનત કરોનો નથી મુદ્દો ફક્ત મહેનત એક જ જગ્યાએ અર્થાત્ તમારા કાર્ય સ્થળે કરો તેનો છે. આની સામે લોકોની દલીલ છે તો જીવનના બીજા પાસાઓનું શું? અંગત જીવન, પારિવારિક જીવન, મિત્ર વર્તુળ, નવા અનુભવો, નવી સ્કિલ શીખવી વગેરે. લોકોને આજે જીવનનું સંતુલન જોઈએ છે અને ધીરે ધીરે લોકો આ તરફ વળી રહ્યા છે. આની સામે ઘણા એવા પણ છે જે લોકો ૭૦ નહિ પણ ૯૦ કલાક કામ કરી પોતાના સ્ટાર્ટઅપને કે નવા વેપારને કે પછી પ્રોફેશન માટે આપે છે. આ વાત મુરતી સાહેબ જાણતા જ હશે કારણ તેમણે કડી મહેનત કરી એક વૈશ્ર્વિક સ્તરની સંસ્થા ઊભી કરી છે. હું કદાચ ખોટો હોઈ શકું પણ આ તેવી વાત છે કે હું બધી વાતોને મારા પરિપેક્ષ્યમાં જોવા માગુ. ઘણીવાર પિતા પોતાના પુત્રને કહે કે અમે આટલી મહેનત કરી ત્યારે આમ થયું. આ વાતની ના નથી પણ આજે સમય અલગ છે તો પુત્ર પોતાની રીતે પોતાનો રસ્તો ગોતશે અને પ્રગતિ કરશે.
મૂર્તિ સાહેબનું વિધાન દિવાળીના આ દિવસોમાં આપણને શીખ આપી જાય છે કે, મહેનતનો કોઈ વિકલ્પ નથી પણ મહેનત ક્યાં અને શેના માટે કરવી તે નક્કી કરવું જોઈએ નહિ તો આંધળા અનુકરણમાં ના ઘરના રહીશું ના ઘાટના.