મ્યુનિસિપલ એલ્ફિન્સ્ટન કોલેજ કેપિટોલ સિનેમા ધોબીતળાવ સુધીના ક્ષેત્રમાં એક ચોરસવાર જમીન રૂા. ૭પના ભાવમાં આસાનીથી ત્યારે મળી જતી હતી
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા
મુંબઈ શહેર એક વિક્રમસર્જક શહેર છે. આપણી સ્વતંત્રતાનાં ૪ર વરસોમાં ઉત્તર પ્રદેશે જ વડા પ્રધાન આપ્યા છે, પણ જનતા રાજમાં એ વિક્રમ તોડીને મુંબઈ એ શ્રી મોરારજી દેસાઈ વડા પ્રધાન તરીકે આપ્યા. દેશભરમાં લોકશાહીના ધોરણે ચાલનાર પ્રથમ એવી કોઈ જાહેર સંસ્થા હોય તો તે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ખરી રીતે મુંબઈ મહાનગરપાલિકાના કામનો ઊગમ તો અઢારમી સદીના અંતિમ દાયકામાં થવા પામ્યો હતો અને સમ્રાટ ત્રીજા જ્યોર્જ આ કામ માટે મુંબઈ શહેરમાં ‘જસ્ટીસ ઓફ ધી પીસ’ની નિમણૂક કરવાનો આદેશ બંગાળના ગવર્નરને આપ્યો હતો. ત્યારે દિલ્હી નહિ, પણ કલકત્તા પાટનગર હતું. મુંબઈ શહેરમાં ત્યારે ન તો સારા રસ્તા હતા, ન દવાખાનાં હતાં, કે ન તો સ્વચ્છતાની કોઈ વ્યવસ્થા હતી. એવી પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં જન્મ ઓછાં અને મરણ ઝાઝાં હતાં. ૧૮૬૪ની સાલમાં પહેલા ૬ મહિનામાં જ ૬૪૩૪ મરણો નોંધાયા હતા અને ત્યારે મુંબઈની વસ્તી ૭પ હજારથી થોડી અધિક હતી. એના આગલા વરસે પહેલા ૬ મહિનામાં જ ૧૨૨૮૮૪થી અધિક મરણ નીપજ્યાં હતાં, રસ્તાઓ ઉપર અંધકાર રહેતો હતો અને પારસી લોકો પોતાના ઘરના ઓટલા પર દીવા લગાવતા હતા તેટલો જ પ્રકાશ રસ્તા પર મળવા પામતો હતો. ઝાડુવાળાઓ મનફાવે તેમ વર્તતા હતા. મુંબઈ શહેર ગંદકીના ઉકરડા સમાન હતું.
આ સમયે ૧૮૬૫માં ત્રીસ વર્ષના તરવરિયા યુવાન શ્રી આર્થર ક્રોફોર્ડની નિમણૂક મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહુ પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે થઈ. ત્યારે ખાટકીઓ ઘેટાંબકરાં, ડુક્કર, મરઘાં-બતકાં અને ઢોર ગમે તે શેરીને નાકે ખુલ્લી જગ્યાએ કાપતા હતા અને આંતરડા વગેરે કચરો ત્યાં જ ફેંકી દેતા હતા. શ્રી ક્રોફર્ડ સહુપ્રથમ આ ખાટકી લોકોને શોધી કાઢ્યા અને તેમને વાંદરા ખાતે જ મુકરર કરેલી જગ્યાએ કતલ કરવા જણાવ્યું. ઝાડુવાળાઓનો ઈજારો તોડી મ્યુનિસિપલ નોકરીમાં ઝાડુવાળાઓની ભરતી કરી. ઝાડુવાળાઓએ હડતાળ પાડી. શ્રી ક્રોફર્ડને પજવ્યા પણ ખરા, પરંતુ તેઓ સખત હાથે પહોંચી વળ્યા.
જાહેર સંડાસ-પેશાબખાનાની સગવડ કરી. રસ્તા પહોળા કરાવ્યા. કોટ વિસ્તારમાંથી ધોબીતળાવ થઈ ગિરગાંવ તડકામાં જવાનું કારમું થઈ પડતું હોવાથી રસ્તાની બંને બાજુએ ઘટાદાર ઝાડો રોપાવ્યાં અને પાણીની પરબો મંડાવી. ૧૮૬૫માં રૂા. ૧૯ લાખના ખર્ચે એમણે ભવ્ય માર્કેટ બંધાવી. એ માર્કેટને ‘જ્યોતિબા ફૂલે માર્કેટ’ એવું નામ આપ્યું હોવા છતાં લોકો આજે પણ એને ક્રોફર્ડ માર્કેટ તરીકે જ ઓળખે છે, અહીં આપણને શાકભાજી, ફળફૂલ સાથે મેના, તેતર અને સસલાં પણ મળી જાય.
શ્રી ક્રોફર્ડ સાહેબ જબર વહીવટદક્ષ હતા, પણ એટલા જ આળસુ હતા. ફાઈલો એકઠી થતી રહેતી, પણ મહિનામાં બે દિવસ મોડી રાત સુધી કામ કરીને સ્પષ્ટ આદેશ અને નિર્ણય દર્શાવીને ફાઈલો ફરતી મૂકી દેતા હતા. યુવાન હોવાથી એમને રંગીન પાર્ટીઓ યોજવાનો ભારે શોખ હતો. યુરોપિયન યુવતીઓને કિંમતી ભેટ આપવાનું ચૂકતા નહોતા. એમનો સ્વભાવ મસ્તમૌજી હોવાથી ખર્ચ અધિક થવા પામતો હતો. એ લોકોનું કામ પણ કરી આપતા હતા એટલે પ્રિય હતા. શ્રી ક્રોફર્ડ સાહેબને હાથ નીચેના દેશી અધિકારીઓ દ્વારા ‘હપ્તો’ પણ પહોંચી જતો હતો.
આમ બધું સરળતાથી ચાલ્યા કરતું હતું. શહેરનું આધુનીકરણ થઈ રહ્યું હતું અને મ્યુનિસિપલ એલ્ફિન્સ્ટન કોલેજ કેપિટોલ સિનેમા ધોબીતળાવ સુધીના ક્ષેત્રમાં એક ચોરસવાર જમીન રૂા. ૭પના ભાવમાં આસાનીથી ત્યારે મળી જતી હતી. એ વખતે નગર-સ્વચ્છતા અને સુધારણા માટે મ્યુનિસિપલ એક્ટ અમલમાં આવ્યો. રસ્તાઓ ધોવાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો અને તે માટે દર મહિને કોન્ટ્રેક્ટરને રૂા. ૨૦,૦૦૦ ચૂકવવામાં આવતા હતા. શ્રી ક્રોફર્ડના સમયમાં ૧૮૬પના ઑક્ટોબરની ૭મી તારીખે મુંબઈ શહેરને પ્રથમવાર ગેસની બત્તીઓ મળી. રસ્તાઓ ઉપર પ્રારંભમાં ૧૩૩ ગેસ બત્તીઓ લગાડવામાં આવી હતી.
આ બધા ખર્ચ માટે મ્યુનિસિપલ કરવેરા નિયમિત વસૂલ થવા જોઈએ તે થતા નહોતા. શ્રીમંત લોકો તો મ્યુનિસિપલ કરવેરા ચૂકવવામાં અપમાન સમજતા હતા. આથી શ્રી ક્રોફર્ડ સાહેબે કમિશનર તરીકેના અધિકામ હેઠળ કરવેરા નહિ ભરનારા ઘરમાલિકો ઉપર ૧૮ હજાર જેટલાં ‘ડિસ્ટ્રેસ વોરન્ટ’ કાઢ્યાં એટલે ખળભળાટ મચી ગયો. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં પ્રતિનિધિત્વ કરનાર જે.પી.ઓ પણ ઘરમાલિકો હતા. એટલે એમણે કર્તવ્ય કોરે મૂકી દઈને શ્રી ક્રોફર્ડ વિરુદ્ધ વંટોળિયો સર્જી દીધો. તે વખતે ઘરવેરો ૬ ટકા, પોલીસ કર ર ટકા, દીવાબત્તીનો વેરો ર ટકા, પાણી વેરો પ ટકા, ઝાડુવાળાઓ માટેનો વેરો ૬ ટકા હતો. આ અઢાર ટકા કરવેરો આ મકાનમાલિકોને આકરો પડતો હતો. એટલે એમણે શ્રી ક્રોફર્ડને ખસેડવાની પેરવી કરી.
શ્રી ક્રોફર્ડ વિરુદ્ધ સર જમશેદજી જીજીભાઈ, સોરાબજી શાપુરજી બંગાલી, વિશ્ર્વનાથ ના. માંડલિક, મહાદેવ ગોવિંદ રાનડે, નાના મોરોબા, ડૉ. આત્મારામ પાંડુરંગ જેવા મહાશયો હતા તો શ્રી ક્રોફર્ડના સમર્થનમાં શ્રી નારાયણ વા. દાભોલકર, નાના શંકર શેઠ, ડોસાભાઈ ફરામજી કરાકા વગેરે હતા.
શ્રી ક્રોફર્ડ તો મસ્તમૌલા હતા તેમ જ રહ્યા. આ અલ્લડતા મુંબઈના ગવર્નર લોર્ડ રેની નજરમાં પણ ખૂંચી ગઈ મુંબઈ સેક્રેટરિયેટ ખાતે શ્રી ક્રોફર્ડ સામે ગુપ્ત રીતે કારવાઈ કરવામાં આવી. દેશી અધિકારીઓએ એવી સાક્ષી આપી કે શ્રી ક્રોફર્ડ સાહેબ અમારી મારફતે લાંચ લેતા હતા. શ્રી ક્રોફર્ડ સાહેબ સામે પોલીસ કેસ થયો. તેમની અટકાયત કરી હજારોની રકમના જામીન પર છોડવામાં આવ્યાં.
આગળ તપાસ ચલાવતા એક કમિશનની નિમણૂક કરવામાં આવી. લાંચનો આરોપ તો પુરવાર ના થયો, પણ પોતાના હાથ હેઠળના કર્મચારીઓ પાસે કરજ લેવાના આરોપસર તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા. શ્રી ક્રોફર્ડ કોંકણી લ્હેકામાં શુદ્ધ મરાઠી બોલતા હતા અને મરાઠી માણસોમાં હરતા ફરતા રહેતા હોવાથી ગોરા અંગ્રેજોને એ વાત પણ પસંદ નહોતી.
મુંબઈ શહેરને નવી રોનક આપનાર મુંબઈના પ્રથમ મ્યુનિસિપલ કમિશનરનો આવો કરુણ અંજામ આવ્યો. શ્રી આર્થર ક્રોફર્ડ ૧૮૬૬થી ૧૮૭૫ સુધી મ્યુનિસિપલ કમિશનર રહ્યા હતા. સર્વપ્રથમ ભારતીય મ્યુનિસિપલ કમિશનર બનવાનું માન સર રૂસ્તમ પી. મસાનીને જાય છે. સર રૂસ્તમ મસાની ૧૯૨૩માં મુંબઈના મ્યુનિસિપલ કમિશનર બન્યા હતા. (ક્રમશ:)