ઉત્સવ

મુનવ્વર રાણા કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાં આઈ મૈં ઘર મેં સબ સે છોટા થા મિરે હિસ્સે મેં માં આઈ

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

હિદુસ્તાનમાં ગઝલ-શાયરી અને મુશાયરાઓનો સમય સમાપ્ત થઇ રહ્યો છે. મિર્ઝા ગાલિબ અને અમીર
ખુસરોની ભૂમિ એવા હિન્દુસ્તાનમાં, સૂફી કવિતાઓ,
દોહાઓ ગીત-ગઝલના સમૃદ્ધ ખજાનાને જાહેર પઠનમાં જાળવનારા વારસદારો એક પછી એક અલવિદા ફરમાવી રહ્યા છે.
૨૦૨૦માં આપણે રાહત ઇન્દોરીને ગુમાવ્યા હતા…૨૦૨૧માં, કવિ અને ઇતિહાસકાર શમસૂર રહેમાન ફારૂકી વિદાઈ લઇ ગયા….
ઉત્તરાયણની બીજી સવારે એક વધુ વારસદારના જવાના સમાચાર આવ્યાં- મુન્નવર રાણા. માતા પર અનેક ભાવવાહી કૃતિઓ લખનાર રાણા ઘણા દિવસોથી બીમાર હતા. એમને હૃદય અને કિડનીની ઘણી સમસ્યા હતી. લખનઊમાં
એમની સારવાર ચાલી રહી હતી. તબિયત બગડ્યા બાદ ૯ જાન્યુઆરીએ એમને ઈંઈઞ માં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪ જાન્યુઆરીની મધરાત બાદ,
૭૧ વર્ષના રાણાએ અંતિમ શ્ર્વાસ લીધા…
મુનવ્વર રાણાનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૫૨ના રોજ રાયબરેલીમાં થયો હતો. બાળપણથી માંડીને યુવાની સુધીનાં ઘણાં વર્ષો કોલકાતામાં પસાર થયા હતા. કોલકાતામાં એમને પ્રથમ અને સૌથી પ્રભાવશાળી ગુરુ મુનવ્વર રાણાની કવિતા એવી અનોખી શૈલી હતી કે એમણે પોતાની કવિતામાં ફારસી અને અરબી શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો. એવું માનવામાં આવે છે કે મુનવ્વર રાણાએ યુવાનોમાં સરળતાથી પોતાની જગ્યા કરવા માટે આ કર્યું હતું. એ સાચું પણ છે કે રાણાની કવિતાઓ આજના યુવાનોમાં સૌથી વધુ લોકપ્રિય છે.ખાસ કરીને, એમની માતા વિશેની ઘણી કવિતાઓ લોકોના હોઠ પર અમર બની ગઈ છે,જેમકે..
કિસી કો ઘર મિલા હિસ્સે મેં યા કોઈ દુકાં આઈ
મૈં ઘર મેં સબ સે છોટા થા મિરે હિસ્સે મેં માં આઈ
મુનવ્વર રાણાનો આ શેર સાચા અર્થમાં અમર બની ગયો છે. આ શેરની મદદથી અનેક લોકોએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. મુનવ્વરની કલમની શક્તિ એવી હતી કે એમણે પોતાના હૃદયથી જે પણ લખ્યું તેની સમાજ પર ઊંડી અસર પડી. શેર-શાયરી માટે એમનો એટલો પ્રેમ હતો કે ઘણા દેશોમાં એમના સફળ કાર્યક્રમો હતા. ત્યાં પણ એ
હિન્દી અને અવધિનો એવો સમન્વય બનાવતા હતા કે કવિઓની ભીડમાં પણ એમની ઓળખ હંમેશાં અલગ તરી આવતી.

રાણા મુશાયરાઓનો આત્મા હતા. એમના જવાથી મુશાયરાઓ અનાથ થઇ ગયા છે.

જ્યારે પણ એમની કલમમાંથી માતાના સંબંધ પર લખાયું હતું, એમનું એ સર્જન એક નવી ઊંચાઈ પર પહોંચી જતું હતું.

વર્તમાન હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈ કવિએ માતા પર આટલું બધું લખ્યું છે. રાણાએ પોતાનો સમગ્ર પ્રેમ માતા પર ન્યોછાવર કરી દીધો હતો.
એમણે રોજિંદા જીવનમાં જીવાતા મા-દીકરાના સંબંધોને ગઝલોમાં જે રીતે કોતર્યા તે અજોડ
છે. થોડાક શેર…
વહ કબૂતર ક્યા ઉડા છપ્પર અકેલા હો ગયા,

માં કે આંખેં મૂંદતે હી ઘર અકેલા હો ગયા

ચલતી ફિરતી હુઈ આંખોં સે અજાં દેખી હૈ

મૈને જન્નત તો નહીં દેખી હૈ માં દેખી હૈ

અભી જિંદા હૈ માં મેરી મુજે કુછ ભી નહીં હોગા

મૈ જબ ઘર સે નિકલતા હૂં દુઆ ભી સાથ ચલતી હૈ

ઇસ તરહ મેરે ગુનાહોં કો વો ધો દેતી હૈ,

માં બહુત ગુસ્સે મેં હોતી હૈ ટ રો દેતી હૈ

મેરી ખ્વાહિશ હૈ કી મૈં ફિર સે ફરિશ્તા હો જાઉં

માં સે ઇસ તરહ લિપટ જાઉં કી બચ્ચા હો જાઉં

મૈંને રોતે હુએ પોંછે થે કિસી દિન આંસુ

મુદ્દતો માંને નહીં ધોયા દુપટ્ટા અપના

લબોં પે ઉસકી કભી બદદુઆ નહીં હોતી

બસ એક માં હૈ જો મુજસે ખફા નહીં હોતી

હાલત બુરે થે મગર અમીર બનાકર રખતી થી
હમ ગરીબ થે, યે બસ હમારી માં જાનતી થી
સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર મુનવ્વર રાણાને ભારતના સૌથી લોકપ્રિય કવિઓમાંના એક માનવામાં આવે છે.

ઉર્દૂમાં કવિતા અને ગઝલો લખનારા મુનવ્વર રાણાનું સાહિત્યિક જગતમાં વિશેષ સ્થાન છે. ઉર્દૂમાં ઘણા લેખકોએ હુસ્ન- મશૂક-મહેબૂબ- સાકી અને જેવા વિષયો પર લખ્યું છે, પરંતુ મુનવ્વર રાણાએ પોતાની માતા પર જે લખ્યું તે ક્યારેય કોઈએ લખ્યું નથી.

મુનવ્વર રાણાએ એમની આત્મકથા ‘મીર આકાર લૌટ ગયા’માં પોતાના જીવનના ઘણા પાસાઓ વિશે લખ્યું છે. પોતાની
કવિતાના શરૂઆતના દિવસો વિશે લખે છે-
મને બાળપણથી જ કવિતાનો શોખ હતો. મારા ઘરમાં કોઈ કવિ નહોતા. મારા દાદા થોડી શાયરી કરતા હતા અને મારા અબ્બૂ કદાચ આ જ કારણોસર શેર નવાઝ હતા, પરંતુ ઘરમાં કોઈ શાયરીનો જન્મ થયો ન હતો. જો મારા બાળપણમાં મારા શાયરીના શોખની ખબર પડી ના હોત તો મને મારી મારીને મૌલવી બનાવાયો હોત….’
બાળપણમાં મુનવ્વરને એમના દાદા શેર ગોખાવતા હતા. એક કિસ્સો યાદ કરીને એ લખે છે,
હું મારા દાદા સાથે બેઠો
હતો. સાત વર્ષનો હતો. અચાનક એમણે કહ્યું કે હું તને એક શેર શીખવાડું. એ બોલ્યા- બેટા, મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ…હું અદ્દલ એવું જ બોલ્યો- બેટા, મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ!… મને તેમણે જોરદાર થપ્પડ મારી દીધી : કમબખ્ત, મને બેટા કહે છે! ’ એ એક થપ્પડમાં તો મોટા મોટા ઉસ્તાદોની કવિતા ઠીક થઇ જાય છે. મારી પણ એ જ ઉંમરમાં ઠીક થઇ ગઈ….!’
દાદાએ જે થપ્પડ મારી હતી એની ગુંજ ૭૦ વર્ષ સુધી શાયરી બનીને આજે હિન્દુસ્તાનની હવામાં
ગુંજી રહી છે..!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…