મુમ્બા: હજારો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સ્ટાર્ટ-અપ
-નિધિ શુક્લ
મહારાષ્ટ્રમાં રહેતા ૭ મિત્રોએ સાથે મળીને ખેડૂતો માટે એક્સ્ટ્રા આવક મળી રહે એ માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. એના માધ્યમથી ૩૫૦૦ ખેડૂત મહિલાઓને રોજગાર મળ્યો છે અને તેઓ આર્થિક રીતે સદ્ધર
બની છે.
આપણાં દેશમાં પાકની લણણી બાદ કુલ ખેતીની ઊપજના ૪૦ ટકા પાકનું નુકસાન થાય છે. એને કારણે લગભગ વાર્ષિક ૧૪ બિલિયન ડૉલરનું નુકસાન થાય છે.
એને ધ્યાનમાં રાખીને તે ૭ મિત્રો વૈભવ તિડકે, સ્વપ્નિલ કોકાટે, તુષાર ગવારે, નિધી પંત, અશ્ર્વિન પવાડે, ગણેશ ભેરે અને શીતલ સોમાણીએ ૨૦૧૯ માં ભેગા મળીને ‘મૂમ્બા’ નામનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. તે સાતેય ખેતીનું બૅકગ્રાઉન્ડ ધરાવે છે.
તેઓે પોતાના વૈજ્ઞાનિક ક્ષેત્રનાં જ્ઞાનના આધારે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. એનાં અંતર્ગત તેમણે એક ટૅક્નિક વિકસાવી છે. સોલાર ક્ધડક્શન ડ્રાયર ટૅક્નિકના માધ્યમથી ખરાબ અને હલકી ગુણવત્તાવાળા પાકને લાંબા સમય સુધી ટકી શકે એવા ટકાઉ પદાર્થમાં બદલી દે છે.
‘મૂમ્બા’એ નકામા પાક માટે એક માર્કેટ ઊભી કરી છે. એના માટે સોલાર પાવરના ઉપયોગથી ડિહાઇડ્રેશન ટૅક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે ફેંકી દેવામાં આવતા પાકની ગુણવત્તા વધારી દે છે.
‘મૂમ્બા’ની માહિતી આપતાં વૈભવ તિડકેએ કહયું કે, ‘જે ઉત્પાદનો વેચાયા નથી એને માર્કેટમાં વેચવા લાયક બનાવવામાં આવે છે. અમે ૩૫૦૦ મહિલા ખેડૂતોને વાર્ષિક ૫૦૦૦૦ થી એક લાખ રૂપિયા આવક રળી આપવામાં મદદ કરીએ છીએ.
કર્જની જાળમાં ફસાયેલા આપણાં ખેડૂતોને એમાંથી બહાર કાઢવામાં પણ અગત્યનું છે. તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાની સાથે જ તેમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં પણ એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’
‘મૂમ્બા’ દ્વારા બે લાખ ટન ફૂડને વેસ્ટ થતા અટકાવવામાં સફળતા મળી છે. સાથે જ ૧.૮ મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને
ઘટાડે છે.
આ સિવાય આ સ્ટાર્ટ-અપ લોકોને આર્થિક રીતે સદ્ધર તો બનાવે જ છે, પરંતુ સાથે જ ભેદભાવ રાખ્યા વગર મહિલાઓને પણ સોલાર પાવર ટૅક્નોલોજીને ઓપરેટ કરવાની તાલીમ આપે છે.
પાકને થતાં નુકસાન વિશે વૈભવ તિડકેએ કહયું કે, ‘વિવિધ પરિબળો પાકને નુકસાન કરે છે, જેમ કે સાચવવાની સગવડ ન હોય, હલકી સાધન-સામગ્રી, સક્ષમ ન હોય એવી સપ્લાય ચેન અને પ્રોસેસિંગની યોગ્ય ટૅક્નોલોજીનો અભાવ.
એને કારણે આર્થિક નુકસાન થાય છે, કેમ કે તેમના પાકની કિંમત ઘટી જાય છે. એને કારણે અનેક ખેડૂતોને ના છૂટકે કર્જ લેવું પડે છે. એથી ગરીબી અને દેવાનો ભાર વધતો જાય છે.’
‘મૂમ્બા’ હેઠળ કાશી પવાર છેલ્લા ત્રણ વર્ષથી કામ કરે છે. અગાઉ તે અન્યોના ખેતરમાં કાળી મજૂરી કરતી હતી. એ વિશે કાશીએ કહ્યું કે, ‘મારે બે કિલોમીટર સુધી ચાલીને કામની શોધમાં નીકળવું પડતું હતું.
આખો દિવસ બળબળતા તડકામાં કામ કર્યા બાદ મને દિવસના માત્ર બસો રૂપિયા મળતા હતા. પૈસાના અભાવે મારે મારી દીકરીને બાર સુધી ભણાવવી પડી હતી. જોકે અહીં કામ કર્યા બાદ મને ડબલ પૈસા મળે છે, જેમ કે દિવસનાં ૪૦૦થી ૫૦૦.
આ સેન્ટર મારા ઘરની પણ એકદમ નજીક છે, જેથી મારાં બાળકોનું પણ હું ધ્યાન રાખી શકું છું. મારી દીકરી હવે ગ્રેજ્યુએશન માટે તૈયારી કરી રહી છે.’
૭ મિત્રોનું આ સ્ટાર્ટ-અપ અત્યારે બસો કરોડ રૂપિયાનો બિઝનેસ ધરાવે છે. એમાં અંદર સોલાર પાવરનો ઉપયોગ કરીને ફળો અને શાકભાજી જેવા કે બટેકા, લીલા મરચા, વટાણા, કાંદા, લસણ, ટામેટા, પાલક અને કોળાને ડીહાઇડ્રેટ કરે છે.
સાથે જ ચોખા, સોયા અને મકાઇનો લોટ, બ્રેકફાસ્ટ સીરીલ્સ અને વિવિધ દાળને લાલ મરચા અને હળદર સાથે ભેળવીને પોષણ યુક્ત આહાર બનાવવામાં આવે છે. આ કંપનીમાં લગભગ ચાર લાખ ખેડૂતો જોડાઈ ગયા છે અને પોતાને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં સફળ રહ્યા છે.