ઉત્સવ

દુર્ગાદાસથી મોગલ સૈનિકો ફફડવા માંડ્યા, તો પ્રજા એમને પ્રેમ કરવા લાગી

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૨૦)
કુટિલતા અને ક્રુુરતાના વિકલ્પ સમાન ઔરંગઝેબ જે કરતો હતો. એમાં સ્વાભાવિક રીતે વીર દુર્ગાદાસ રાઠોડ ક્યાંય પિકચરમાં આવતા નહોતા પણ દૂરદૂરથી એમને સમજવા મળતું હતું કે પોતે કેવા ભયંકર શત્રુ સામે લડવાનું છે અને કુમાર અજીતસિંહને જીવતા-સલામત રાખવાના છે.

ઔરંગઝેબ એકદમ રઘવાયો થઇ ગયો હતો. એને રાજપૂત એકતાનો ડર હતો. રાઠોડોનો ફફડાટ હતો. આમ છતાં મોટા લશ્કરના પ્રદર્શન ઠેરઠેરથી સુબા-સેનાપતિ અને શાહજહાઓને બોલાવતો હતો. માની જાય એ રાજપૂતને હોદ્દા અને ઇનામ આપતો હતો તો ક્યાંક વિદ્રોહીઓને ઠંડા પાડવા માટે કુમક મોકલતો હતો. ‘ભાગલા પાડો અને રાજ કરો’જોરમાં હતું.

ઔરંગઝેબની હાજરી અને પ્રવૃત્તિથી આખા મારવાડમાં હાહાકાર મચી ગયો હતો. મોગલ સેના મોકો મળતા જ લૂંટફાટ મચાવતી હતી, મંદિરો તોડતી હતી અને ત્યાં મસ્જિદ બનાવવાના પ્રયાસ કરતી હતી. સામે પક્ષે રાઠોડો અને રાજપૂતો તેમને ક્યાંય નિરાંતે બેસવા દેતા નહોતા. ઘણીવાર તો મોગલ છાવણી પર હુમલો કરીને તેઓ પહાડ પર જતા રહેતા હતા. ઘાયલ મોગલ સેના પોતાની પાટાપીંડી અને સાથીઓની દફનવિધિ વચ્ચે મોઢું વકાસીને જોઇ રહેતી હતી.

મોગલોના અત્યાચાર વચ્ચે ય રાજપૂતોએ માનવતા, ઔચિત્ય અને સ્ત્રી-દાક્ષિણ્ય જરાય ગુમાવ્યા નહોતા. ઉદયપુરમાં એકવાર મોગલોની સેના બરાબરની ફસાઇ ગઇ હતી. એમાં ઔરંગઝેબની એક વિદેશી બેગમ પણ હતી. ઇતિહાસમાં ત્રણેક સ્થળે આ બેગમનો ઉલ્લેખ મળી આવે છે. આ બેગમ વિદેશી મૂળની હોવાની વધુ શક્યતા છે. એ જ્યોર્જિયા અમેકિા કે સિરકેશિયાની ખ્રિસ્તી અથવા કાશ્મીરી હોવાની શક્યતા વ્યક્ત થઇ છે. એ ગુલામડીમાંથી બેગમ બની પોતાની ખૂબસુરતી અને નજાકતને લીધે એ શાહજાદા દારાશિકોરના હરમમાં રહેતી હતી. દારાશિકોરને મારી નાખ્યા બાદ ઔરંગઝેબે એને પોતાની બનાવી હતી.

રૂપરૂપના અંબર જેવી બેગમને રાજપૂત પોતાની સાથે થઇ ગયા તો ઉદયપુરના મહારાજાએ એને વસ્ત્રો ભેટ આપીને પૂરા માનપાન સાથે ઔરંગઝેબ સુધી પાછી પહોંચાડી દીધી હતી. આ કારણસર જ ઔરંગઝેબે એને ઉદયપુરી બેગમ કે ઉદયપુરી મહલ જેવું નામ આપ્યું હતું. એ દેખાવડી અને ઉંમરમાં ખૂબ નાની હોવાથી બાદશાહ એના શબ્દો ઉથાવી શક્તો નહતો. આ બેગમને શાહજાદા મોહમ્મદ કામબખ્શને જન્મ આપ્યો હતો. આ બેગમનો ઔરંગઝેબ પર ખૂબ પ્રભાવ હતો પણ એની વિગતોમાં ઉતરવાનું અસ્માને ગણાશે.

બાદશાહની સેના કોઇ જાતના નિયમ, નૈતિક્તા કે માનવતા વગર વર્તતી હતી. ઔરંગઝેબને ખુશ કરવા એના સૂબાઓ જ્યાં- ત્યાં મંદિરો તોડી પાડતા હતા, ને લૂંટફાટ મચાવતા હતા. બદલામાં બાદશાહ એમને હાથી, ઘોડા, સૈન્ય, ઝવેરાતની ભેટ આપતા હતા. આની વચ્ચે બાદશાહની હકુમત નીચે આવેલા વિસ્તારો પર રાજપૂતો ત્રાટકતા હતા.

ગમે તેટલા પ્રવાહ અને જાનમાલ ગુમાવવા રાજસ્થાનમાં ઔરંગઝેબને જીત કે શાંતિ ન જ મળ્યા. અંતે એ કંટાળીને ઔરંગઝેબ અજમેર ભણી પાછો વળી ગયો. પરંતુ એ અગાઉ તેણે ચિત્તોડને શાહજાદા અકબરને હવાલે કરી દીધું. એની પાસે ૫૦ હજાર સૈનિકો રખાયા. એટલું જ નહીં અકબરની મદદ માટે રજિઉદ્દીન ખાન અને હસન અલી ખાનને પણ ચિત્તોડમાં મૂકી દેવાયા.

પરંતુ ઔરંઝેબનો પીછેહઠમાં ય શાંતિ ક્યાં મળવાની હતી? મહારાણા રાજસિંહે પાછી વળતી મોગલ સેના પર હુમલો કરવા તૈયાર થઇ ગયા. પરંતુ એ સમયે કોઠારિયાના ચૌહાણ શાસક રુકમાંગદે એમને રોકી દીધા: આપ રહેવા દો, હું જ આક્રમણ કરીશ. રુકમાંગદે પોતાના વીર પુત્ર ઉદયભાન સહિતની સેના સાથે મોગલ સેના પર તૂટી પડયા અને ભારે નુકસાન પહોંચાડયું:

આ ધમાસાણ વચ્ચે દુર્ગાદાસ પણ ઠેર-ઠેર મોગલ શ્રાવણી -થાણા પર હુમલા અને લૂંટફાટ થકી ઔરંગઝેબના નાકમાં દમ લાવી દેતા હતા. આને લીધે દુશ્મન તો ત્રાસી જ ગયા પણ દુર્ગાદાસ અને સાથીઓ મારવાડની પ્રજાના વહાલા થઇ ગયા. આમાં દુર્ગાદાસના વ્યૂહ બણ ગજબનાક હતા. રાઠોડોનું એક સૈનિક જૂથ જાલોર અને સિવાને પર અચાનક ત્રાટકે, બીજું જૂથ મારવાડના પૂર્વમાં આવેલા ગોડવાડના મોગલ થાણાને નિશાન બનાવે અને ત્રીજું જૂથ ડીડવાના સાંભરમાં હાહાકાર મચાવી દે. ટૂંકમાં કોઇની વહારે ન જઇ શકે. મોગલ સૈનિકોમાં ફફડાટ પેઠી ગયો અને પ્રજાની હિમ્મત વધતી ગઇ. (ક્રમશ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button