ઉત્સવ

શ્રી સોરાબજીએ સત્તાવાળાઓને પત્ર લખી ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’માં સ્ત્રીઓને પ્રવેશ આપવા જણાવ્યું હતું અને તે વાત મંજૂર થઈ ગઈ હતી

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા

સોરાબજી શાપૂરજી બંગાળી

(ગતાંકથી ચાલુ)
ચિઠ્ઠીના ચાકર કોચમેને તો પોતાનો રૂઆબ દર્શાવવા બિચારા ગરીબોને ચાબૂકથી ઝડાઝડ ઝૂડવા માંડ્યા, ચાબૂકના ફટકાનો જેમ અવાજ થતો તેમ ઘોડાગાડીમાં ઊભી રહીને પેલી મડમ ખુશ-ખુશાલ નાચતી-કુદતી હતી.

સોરાબજી શાપૂરજી બંગાળી નામના પારસી શ્રીમંત વ્યાપારી અને સમાજસુધારક આ જોઈ ગયા. તેમને હૈયે લાગી આવ્યું અને રાતે ઊંઘી શક્યા નહીં સવારે એમણે આ ઘટના સંબંધમાં અંગ્રેજીમાં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું અને ‘બોમ્બે ગેઝેટ’નામના અંગ્રેજી વર્તમાનપત્રને મોકલી આપ્યું. તા. ૩જી મે, ૧૮૫૦ના અંકમાં ‘માનવતાને ખાતર’ એવા શીર્ષક હેઠળ એ ચર્ચાપત્ર પ્રગટ થયું અને તેમાં અંગ્રેજ અમલદાર અને ઘોડાગાડીમાં કૂદતી ગોરી પત્નીની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ સંબંધમાં અદાલતી પગલાં પેલા જવાબદાર અંગ્રેજ અમલદાર સામે લેવાવાં જોઈએ.

આજ સોરાબજી બંગાળી છે કે જેમણે હિન્દુ સમાજસુધારક શ્રી કરસનદાસ મૂલજીને મદદ કરી હતી અને કપોળ વણિક વેપારી માધવદાસ રૂપનાથદાસે બાળવિધવા ધનકોર સાથે પુનર્લગ્ન તા. બીજી મે ૧૮૭૧ના દિવસે કરતાં હિન્દુ સમાજમાં જબરો ઊહાપોહ મચી ગયો હતો. શ્રી માધવદાસની હત્યા કરવા ભાડૂતી ગુંડાઓ મોકલવામાં આવ્યા હતા; પરંતુ શ્રી સોરાબજી બંગાલી અને શ્રી કરસનદાસ મૂલજીએ તેમને બચાવી લીધા હતા. માધવદાસને કપોળ સમાજે નાતબહાર મૂકયા હતા. શ્રી સોરાબજીએ વિધવાવિવાહના પ્રસાર માટે શ્રી બાલાજી પાંડુરંગ નામના ગૃહસ્થને આંદોલન ચલાવવા રૂા. ૬૦૦ની રકમ આપી હતી. ૧૮૭૦ની સાલમાં એ રકમ કંઈ નાની સૂની કહેવાય નહીં.

શ્રી કરસનદાસ મૂલજીને પણ સમાજસુધારા માટે નાતબહાર મૂકવામાં આવ્યા હતા. જ્યારે ૩૮ વર્ષની ભરયુવાન વયે શ્રી કરસનદાસનું મરણ થયું ત્યારે તેમની પત્નીને કપોળ જ્ઞાતિમાં પાછાં લેવામાં આવે તે માટે બે પારસી ગૃહસ્થોએ મહેનત ઉઠાવી હતી. શ્રી ડોસાભાઈ ફરામજી કરાકા અને શ્રી સોરાબજી શાપુરજી બંગાળીએ કપોળ જ્ઞાતિના આગેવાન શ્રી ગોપાળદાસ માધવદાસને ભલામણ કરી કરસનદાસની પત્ની પરનો ન્યાત બહિષ્કાર દૂર કરાવ્યો હતો.

ભારતમાં મહિલાઓને મેડિકલ એજ્યુકેશન આપવાની પ્રવૃત્તિનો પ્રારંભ શ્રી સોરાબજી બંગાળીએ ૧૮૮૨ની સાલમાં મુંબઈથી કર્યો હતો. એમને એ પ્રવૃત્તિમાં ઉત્તેજન અને સક્રિય સહાય આપનાર શ્રી જ્યોર્જ એ. કીટ્રીડજ, શ્રી ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક, શ્રી કમુ સુલેમાન અને શ્રી મહમદઅલી રોગે હતા. આ શ્રી કીટ્રીડજ અને શ્રી સોરાબજીએ મુંબઈમાં ઘરેઘર ફરીને રૂપિયા ચાળીસ હજારથી અધિકનું ભંડોળ ભેગું કર્યું હતું એમણે પ્રથમ જણાવ્યું કે દેશની મહિલાઓની તબીબી સારવાર મળી રહે તે માટે મહિલા ડૉક્ટર ધરાવતી હૉસ્પિટલો અને દવાખાનાં હોવાં જોઈએ. આ વાત જાણીને શ્રી પેસ્ટનજી હોરમસજી કામાએ ૧૮૮૩ના માર્ચની પહેલી તારીખે શ્રી બંગાળીને પત્ર લખી જણાવ્યું હતું કે એવી એક હૉસ્પિટલ માટે રૂપિયા એક લાખ આપવા હું તૈયાર છું. પણ મારી ત્રણ શરત એ રહે છે કે આ હૉસ્પિટલ માત્ર બાળકો અને સ્ત્રીઓ માટે હોય, હૉસ્પિટલનાં ડૉક્ટરો મહિલા હોય અને મકાન માટે જરૂરી જમીન સરકારે આપવી. સરકારે આ માગણી કબૂલ રાખી હતી અને શ્રી પેસ્તનજી કામાએ સખાવતની રકમ વધારીને રૂા. ૧,૬૪,૦૦૦ કરી આપી હતી.

શ્રી સોરાબજીએ ૧૮૮૩ના માર્ચની બીજી તારીખે મુંબઈ યુનિવર્સિટીના સત્તાવાળાઓને પત્ર લખી તે વખતની એક મેડિકલ કોલેજ ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’માં સ્ત્રીઓને પ્રવેશ આપવા જણાવ્યું હતું અને તે વાત મંજૂર થઈ હતી. ઈ.સ. ૧૮૮૩માં સ્ત્રીઓએ મેડિકલ કોલેજનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. વધુમાં શ્રી બંગાળીએ જણાવ્યું હતું કે જે સ્ત્રી મેટ્રિક ન થઈ હોય તેમને પણ મેડિકલ કોલેજમાં ત્રણ વરસનો અભ્યાસક્રમ નક્કી કરી સફળ નીવડનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવાં. સત્તાવાળાઓએ આ વાત સ્વીકારી હતી; પરંતુ અભ્યાસક્રમની મુદત ચાર વર્ષની કરી હતી.

આ રીતે મુંબઈના પારસીઓ રાજકીય અને સામાજિક ક્રાન્તિમાં પણ અગ્રેસર હતા.

મહાનગર મુંબઈના મેયરને જેમ નગરના પ્રથમ નાગરિક માનવામાં આવે છે તેમ મુંબઈ શહેરના વાસ્તવમાં કોઈ ‘બડા સાહેબ’ હોય તો તે મ્યુનિસિપલ કમિશનર છે. એમને રહેવા માટે મહેલ જેવો વિશાળ બંગલો મલબાર હિલ જેવા વૈભવશાળી પરિસરમાં આવ્યો છે. લાલ ફરતા દીવાવાળી કાર અને લગભગ અડધો ડઝન ચપરાશીઓ એમની સેવા માટે આપવામાં આવે છે. આ બધુંયે મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને એ માટે એક પૈસો પણ ખર્ચવાનો રહેતો નથી. મહારાષ્ટ્ર સરકારના સર્વોચ્ચ અધિકારી ચીફ સેક્રેટરી પછી બીજો ક્રમ મ્યુનિસિપલ કમિશનર ધરાવે છે. ચીફ સેક્રટરીને મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠક મળે ત્યારે ગૃહ સમક્ષ ઉપસ્થિત રહેવું પડતું નથી; ત્યારે મુંબઈ મહાનગરપાલિકાની બેઠક મળે ત્યારે ગૃહ સમક્ષ મ્યુનિસિપલ કમિશનરને હાજર રહેવું પડે છે. અને કોેર્પોરેટરોના પ્રશ્ર્નોના ઉત્તર આપવા પડે છે. ઘણીવેળા પોતાના પદનો દુરુપયોગ કરીને અંગત હિત ખાતર મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરી ચોકકસ કામ કરાવી લેતા હોય છે.મ્યુનિસિપલ કમિશનર એ માટે નારાજગી વ્યક્ત કરે તો બહુમતીના માધ્યમથી તેમને મૂંઝવવા કે હોદ્દા પરથી ખસેડવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.

સર ફિરોઝશાહ મહેતાને મુંબઈના પ્રથમ બેતાજ બાદશાહ માનવામાં આવતા હતા અને તેમના પછી દ્ધિતીય બેતાજ બાદશાહ શ્રી સદોબા કાન્હોજી પાટિલને માનવામાં આવે છે. શ્રી એસ.કે.પાટિલ નામથી મુંબઈમાં તેઓ અત્યંત લોકપ્રિય બન્યા હતા. તેઓ મુંબઈના મેયર તરીકે ૧૯૪૯-૧૯૫૦ અને ૧૯૫૧એમ સતત ત્રણ સુધી ચુંટાઈ આવ્યા હતા. શ્રી પાટિલ ઈ.સ ૧૯૩૯માં પ્રથમ વાર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચુંટાઈ આવ્યા હતા અને સત્તર વર્ષ સુધી એટલે ઈ.સ કે ૧૯૫૨ સુધી ચુંટાઈ આવ્યા હતાં. ૧૯૩૯માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૉંગ્રેસ પક્ષ બહુમતી ધરાવતો પક્ષ બન્યો હતો. તે વખતે શ્રી એમ.ડી. ભટ્ટ મ્યુનિસિપલ કમિશનર હતા. શ્રી એસ. કે પાટિલ એમના વિશે લખે છે કે ભટ્ટ સાહેબ દક્ષ વહીવહટકર્તા હતા જ, પરંતુ એવા ચુસ્ત આદર્શવાદી હતા કે એમના સમયમાં ભ્રષ્ટાચાર વિશે ગુસપુસ પણ થતી નહોતી. શ્રી એસ.કે પાટીલ અને શ્રી એમ.ડી ભટ્ટ સારા મિત્રો હતા એટલે કોઈ પણ કૉંગ્રેસ પક્ષને બદનામી વહોરવી પડી નહિ અને મ્યુનિસિપલ કમિશનરને મૂંઝવણમાં મુકાવું પડ્યું નહીં.

સ્વાતંત્ર્ય પછી પ્રારંભમાં કૉંગ્રેસ પક્ષ જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતી ધરાવતો પક્ષ રહ્યો અને ઈ.સ. ૧૯૫૨ માં શ્રી પાટિલ લોકસભામાં ચુંટાતા તેઓ દિલ્હી ગયા ત્યાર પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કૉંગ્રેસ પક્ષના વડા અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે પહેલાંના જેવો સ્નેહસંબંધનો સેતુ રહ્યો નહિ. આઈ.સી.એસ. અમલદાર શ્રી પીમ્પુટકર શિસ્તાપાલનના અત્યંત આગ્રહી હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉચ્ચ અધિકારીઓથી માંડી તે ચોથા વર્ગના કર્મચારીઓમાં સેંકડો ‘લેટ લતિફેા’ હતા શ્રી પીમ્પુટકર ઓફિસનો સમય થતાં પોતે હાજર રહીને દરવાજા બંધ કરાવતા એટલે લેટ લતિફોની ઊંઘ ઊડી ગઈ હતી. કોર્પોરેટરો એટલો અહં ધરાવતા હતા કે ગમે ત્યારે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં દાખલ થઈ પોતાનું અંગત કામ કરાવવાની વાતને પોતાનો અધિકાર સમજતા હતા. શ્રી પીમ્પુકટર આવા કોર્પોરેટરો પ્રત્યે અણગમો દર્શાવતા હતા.

શ્રી પીમ્પુટકર આ કારણે કૉંગ્રેસીઓમાં નારાજગીના કારણરૂપ બની ગયા હતા. મુંબઈ શહેરમાંથી જનાવરોનાં તબેલા બહાર કાઢવાની ઝુંબેશ ચલાવનાર પ્રથમ કમિશનર શ્રી પીમ્પુટકર હતા. આથી પણ ઘણા કૉંગ્રેસી કોર્પોરેટરો એમના પ્રત્યે નારાજગી ધરાવતા થઈ ગયા હતા. કૉંગ્રેસી સભ્યો શ્રી પીમ્પુટકરને મૂંઝવવા કોઈ તકની પ્રતીક્ષામાં રહેતા હતા અને એવી એક તક મળતાં કૉંગ્રેસી સભ્ય શ્રી વરલીકર મ્યુનિસિપલ કમિશનર શ્રી પીમ્પુટકર સામે સત્તામોકૂફીની દરખાસ્ત લઈ આવ્યા.

કૉંગ્રેસી પક્ષ સત્તાશાળી પક્ષ બન્યો હતો એટલે ધરપકડ ‘મુઝે ગુસ્સા બહુત આતા હૈ,’ જેવી વાત બની હતી. અત્યંત સંવેદનશીલ શ્રી પીમ્પુટકરે આ સભામોકૂફીની દરખાસ્તને અવિશ્ર્વાસની દરખાસ્ત (નો કોન્ફીડન્સ મોશન) માનીને આ દરખાસ્ત સામે પોતાનું રાજીનામું ધરી દીધું. આથી શ્રી વરલીકર સમસમી ગયા.

મ્યુ.કમિશનરનો વળતો પ્રહાર આવો જબરો નીવડશે એનો ખ્યાલ કૉંગ્રેસ પક્ષને નહોતો. એમાં જખમ ઉપર મીઠું ભભરાવવા જેવી વાત એ બની હતી કે વિરોધ પક્ષના નેતા અને વરિષ્ઠ સમાજવાદી શ્રી એમ. હેરિસે પોતે બીમાર હોવા છતાં લેખિત નિવેદન મોકલી આપી કૉંગ્રેસ પક્ષની સભામોકૂફીની દરખાસ્તનો તીવ્ર વિરોધ કર્યો હતો. શ્રી મો. હેરિસે જણાવ્યું હતું કે કૉંગ્રેસનું વલણ મ્યુ. કમિશનર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા સમાન છે. આથી શ્રી વરલીકરે અંતે ફેરવી તોળ્યુ હતું કે આ દરખાસ્ત પાછળનો ઈરાદો કમિશનરને ઠપકો આપવા માટેનો જ હતો.

ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવાણ હતા અને તેઓ શ્રી પીમ્પુટકરની કાર્યદક્ષતા માટે માન ધરાવતા હતા. મેયર શ્રી વિષ્ણુપ્રસાદ એન. દેસાઈ હતા અને તેમણે પણ શ્રી પીમ્પુટકરનું રાજીનામું સ્વીકારવામાં નહિ આવે એવું સ્પષ્ટ વલણ દાખવ્યું હતું. આથી શ્રી વરલીકર પોતે શ્રી પીમ્પુટકરના નિવાસસ્થાને દોડી ગયા હતા અને સભામોકૂફીની દરખાસ્ત પાછળ રહેલી ભૂમિકાની સ્પષ્ટતા કરી હતી. શ્રી વરલીકર વાસ્તવમાં સારા પખવાજવાદક હતા, સારા ભજનિક હતા. પખવાજ બંને બાજુ વગાડી શકાય છે. આ શ્રી વરલીકર મેયર પણ બન્યા હતા.

શ્રી પીમ્પુટકરના માર્ગમાં અવરોધો હતા તે છતાંયે તેઓ અટકયા નહિ. ૧૯૬૧ના ઉનાળાના મે અને જૂન મહિનાઓમાં શહેરમાં ફરિયાદ ઊઠી કે પીવાના પાણીમાંથી દુર્ગંધ તો આવે છે; પણ સાથોસાથ કીડા-જંતુઓ પણ આવે છે. ક્રોફોર્ડ માર્કેટ વોર્ડ, ઠાકુરદ્વાર, પરેલ વગેરે વિસ્તારોમાં વિશેષ ફરિયાદ ઉપસ્થિત થઈ હતી. ત્યારે હાઈડ્રોલીક એન્જિનિયર (પાણી ખાતાના ઈજનેર) શ્રી આર.વી. એબ્રો હતા. પાણી પુરવઠામાં આ પ્રકારની બેદરકારી માટે શ્રી એબ્રોને જવાબદાર લેખાવી શકાય. મ્યુ. કમિશનર તરીકે શ્રી પીમ્પુટકરે શ્રી એબ્રો સામે તપાસ યોજી. શ્રી એબ્રો-નો ‘પ્રોબેશન પિરિયડ’ (નોકરીની શરતની મુદત) પૂરો થતો હતો, છતાં કૉંગ્રેસ પક્ષના સમર્થનથી શ્રી એબ્રોએ નોકરીની મુદત વધારી આપવાની અરજી કરી. શ્રી પીમ્પુટકરે મુદત વધારી આપવાનો સાફ ઈનકાર કરી દીધો.

કૉંગ્રેસ પક્ષે બહુમતીના જોરે શ્રી એબ્રોની મુદત વધારી આપવાની દરખાસ્તને મંજૂર કરાવી દીધી. શ્રી પીમ્પુટકર તો માનતા હતા કે અયોગ્ય હથિયારો કોઈ કાબેલ કારીગરને આપવામાં આવે તો તે પ્રવીણ માણસ પણ સારું કામ આપવાને બદલે નાહક બદનામ થઈ જાય છે. શ્રી પીમ્પુટકર માટે શ્રી મોરારજી દેસાઈ પણ સારો અભિપ્રાય ધરાવતા હતા અને શ્રી પીમ્પુટકર જો શ્રી મોરારજીને કે મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવાણને મળ્યા હોત તો મ્યુનિસિપલ કૉંગ્રેસ પક્ષ ટાઢોબોળ થઈ ગયો હોત . શ્રી પીમ્પુટકર તો પહેલથી જ કહેતા આવ્યા હતા કે ‘અત ફ ભશદશહ તયદિફક્ષિ,ં ઈં ફળ ફલફશક્ષતિં ાજ્ઞહશશિંભશફક્ષત જ્ઞર ફક્ષુ ાફિિું રજ્ઞિ તીાાજ્ઞિિ.ં’ પરંતુ શ્રી પીમ્પુટકર તરત રજા ઉપર ઊતરી ગયા અને પછી મ્યુનિસિપલ કમિશનરના પદનું રાજીનામું આપી દીધું. શ્રી એ.યુ.શેખ આવ્યા અને તેઓ પહેલા આઈ.એ. એસ. મ્યુ. કમિશનર હતા.

શ્રી પીમ્પુટકર પહેલાં પણ ૧૯૪૫-૪૬માં આઈ.સી. એસ મ્યુનિસિપલ કમિશનર શ્રી યુ.એમ. મીરચંદાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ સામે બાખડી પડયા હતા. બન્યું એવું હતું કે એક વિભાગના મ્યુનિસિપલ કર્મચારીઓ હડતાળ ઉપર ઊતરી ગયા હતા. મ્યુ. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરી તથા શિસ્તનો આગ્રહ ધરાવતા શ્રી મીરચંદાનીએ કડક વલણ અપનાવ્યું. આથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડાહ્યાભાઈ પટેલે પોતાના ગાઢ મિત્ર અને કૉંગ્રેસ પક્ષના નેતા શ્રી એસ.કે. પાટિલની મદદ લઈને હડતાળની સમસ્યાનું સમાધાન પોતાની રીતે કયુર્ં.

શ્રી મીરચંદાનીએ આ વાતને આ મ્યુનિસિપલ વહીવહટમાં અવરોધરૂપ માની અને શ્રી ડાહ્યાભાઈ પટેલને મોઢા પર સંભળાવી દીધું કે આ માટે હું સરદાર પટેલને ફરિયાદ કરીશ. શ્રી મીરચંદાની જાણતા હતા કે શ્રી ડાહ્યાભાઈ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્ર હતા , પણ શ્રદ્ધા ધરાવૃ તા હતા કે સરદાર પટેલ કદી વહીવટમાં દરમિયાનગીરી કરવાની વાતને સમર્થન આપતા નથી. બીજી તરફ શ્રી ડાહ્યાભાઈ પણ એટલા જ ગરમ મિજાજના હતા. આ વાત તેમણે શ્રી એસ.કે.પાટિલ કરી. શ્રી એસ.કે.પાટિલ સરદાર પટેલના જમણા હાથ છે એમ સહુ જાણતા હતા ત્યારે શ્રી બી. જી. ખેરનું પ્રધાનમંડળ હતું. શ્રી એસ. કે.પાટિલે રજૂઆત કરી એટલે સરકારે શ્રી મીરચંદાનીને મ્યુનિસિપલ કમિશનર તરીકે ખસેડીને રાજ્ય સરકારના અન્ય હોદ્ધા ઉપર તેમની નિમણૂક કરી મ્યુ. કોર્પોરેશનમાં શ્રી આભારવિધિ રજૂઆત થઈ નહિ અને બીજા શ્રી સદાશિવ તિનઈકર છે કે જેમની બાબતમાં પણ આમ બન્યુ હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…