ઉત્સવ

સવારે ‘વેલકમ’, રાત્રે ‘ગેટ આઉટ’

મહેશ્ર્વરી

પપ્પા – મમ્મીની ઘણા વખતે ચિઠ્ઠી આવી એટલે હું આનંદમાં હતી, પણ માસ્તરે જ્યારે ચલાલા સાથે આવવાની વાત કરી ત્યારે હું સહેજ ગભરાઈ ગઈ કે મારા પર કોઈ નવી મુસીબત તો નહીં આવી પડે ને. જોકે, મારી શંકા આટલી જલદી સાચી પડશે એની તો સ્વપ્નેય કલ્પના નહોતી. ‘કોઈ જ જરૂર નથી તમારે નાટક જોવા આવવાની. હમણાં ને હમણાં અહીંથી નીકળી જાઓ,’ મારા બનેવી જોરથી તાડૂક્યા. તેમની ગર્જના સાંભળી હું થથરી ગઈ. અધૂરામાં પાછું બનેવીનો ગુસ્સાથી લાલઘૂમ ચહેરો અને દરવાજો દેખાડતો એમનો ટટ્ટાર હાથ વાતાવરણને વધુ ધ્રુજાવી રહ્યો હતો. હાંફળાફાંફળા થઈ દોડતા આવેલા પપ્પાની પાછળ પાછળ મમ્મી અને દીકરી પણ આવ્યાં. વાતાવરણમાંથી ગભરાટ અને ધ્રુજારી હજી શમ્યા નહોતા ત્યાં નાટકના ડિરેક્ટર નટુભાઈ પણ આવી પહોંચ્યા. તેમના ચહેરા પર ડોકાઈ રહેલી વ્યગ્રતાએ વાતાવરણને વધુ તંગ બનાવી દીધું. ‘તમે બધા તાબડતોબ નીકળી જાઓ. અહીં પળવાર રોકાતા નહીં,’ એકીશ્ર્વાસે તેઓ બોલી ગયા. તેમનો અવાજ ભયભીત લાગ્યો. અમે બધા એકબીજા સામે તાકવા લાગ્યા અને ક્ષણનો વિલંબ કર્યા વિના નીકળી જવા તૈયાર થઈ ગયાં. હું, મારી મા, બહેનનો દીકરો, મારી દીકરી અને નાની બહેન એમ ચાર જણ બીજો કોઈ વિચાર કર્યા વિના ચલાલા સ્ટેશન જવા નીકળી ગયા. ટ્રેન તો બીજે દિવસે સવારે ૧૧ વાગ્યાની હતી. રાત આખી ફફડતા હૃદયે ચલાલા સ્ટેશન પર જ વિતાવી. એવું સાંભળ્યું હતું અને કોઈ નાટકમાં એવો સંવાદ પણ હતો કે ‘એક એક ક્ષણ વરસ જેવી કોઈ વાર ભાસે છે.’ બસ એવો જ કંઈક અનુભવ થઈ રહ્યો હતો. બનેવીનું વર્તન અચાનક કેમ બદલાઈ ગયું એવો સવાલ વાચકોને થાય એ સ્વાભાવિક છે. શાહપુરથી હું અને માસ્તર સાથે નીકળ્યા હતા. ‘એકલી આવી છું’ એમ કહી હું બહેન – બનેવી પાસે પહોંચી હતી અને માસ્તર ધરમશાળામાં રોકાયા હતા. જોકે, મને ‘એકલી જા’ એમ કહી પોતે થિયેટર પહોંચી ગયા. નાટકનો શો હતો રાતના દસનો, પણ માસ્તર તો રાતના આઠ વાગ્યે જ ગોગલ્સ ચડાવી થિયેટરમાં બેસી ગયા. રાતના આઠ વાગ્યે કોઈ ગોગલ્સ પહેરે? સ્વાભાવિક છે કંપનીના લોકોની નજરે ચડ્યા અને કોઈએ એમને ઓળખી કાઢ્યા અને કહ્યું કે ‘અરે આ તો માસ્તર છે.’ આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ અને આગળ વધી મારા બનેવીના કાને આવી. માસ્તરને અંદર બોલાવ્યા અને બનેવીએ તેમને લાફો માર્યો અને માસ્તર ત્યાંથી ભાગી ગયા. બનેવીએ તેમની પાછળ માણસો દોડાવ્યા પણ માસ્તર ધરમશાળામાં છુપાઈ ગયા. આ બધી વાતની જોકે મને પાછળથી ખબર પડી અને હું સમજી ગઈ કે માસ્તરે બધું ઈરાદાપૂર્વક કર્યું હતું. એટલે પછી સવારનું ‘વેલકમ’ સાંજે ‘ગેટ આઉટ’ બની ગયું. આ સમગ્ર પ્રસંગ બાબત મારી બહેને જે મને પાછળથી કહ્યું એના પરથી બનેવી શું કામ તાડુક્યા એનો પણ ખ્યાલ આવી ગયો. માસ્તર સાથે આવ્યા હોવા છતાં મેં કહ્યું હતું કે ‘હું એકલી આવી છું’ એમ કહી ખોટું બોલી હું મારી બહેને ભગાડી જવા ચલાલા આવી હતી એમ બનેવી સમજી બેઠા. કાવાદાવા તો કર્યા માસ્તરે પણ બનેવી આગળ ‘ગુનેગાર’ તો હું સાબિત થઈ.સવાર તો માંડમાંડ પડી, પણ ટ્રેન તો ૧૧ વાગ્યાની હતી. સાડા દસ થયા એટલે મારી આંખો માસ્તરને શોધવા લાગી. સ્ટેશન પર મળવાનું નક્કી કરીને અમે છુટા પડ્યા હતા. ટ્રેનની વ્હીસલ વાગી પણ માસ્તર દેખાયા નહીં. સામાન્ય સંજોગોમાં બીજે ઠેકાણે નીકળતી વખતે નક્કી કરેલા સમયે જો પતિ ન દેખાય તો પત્ની હાંફળી ફાંફળી થઈ જાય, એના ચહેરા પર ચિંતાનો નકશો દોરાઈ જાય, પણ મને એવું કશું જ નહોતું થઈ રહ્યું. સમાજની દ્રષ્ટિએ માસ્તર મારા પતિ હતા, પણ મારા દિલમાં મેં એમને સ્થાન નહોતું આપ્યું. ટ્રેન આવી એટલે અમે ચારેય ચડી ગયા અને ગુમસુમ બેસી રહ્યા. આગલા દિવસના આઘાતમાંથી હજી મુક્ત નહોતા થયા. મગજ એવું બહેર મારી ગયું હતું કે વાત ના પૂછો. આવી પીડાદાયક પરિસ્થિતિમાં પણ મને જરાય રડવું ન આવ્યું કે હું દુ:ખી પણ ન થઈ. થોડો સમય ગયો ત્યાં સતાધાર નામનું સ્ટેશન આવ્યું અને માસ્તર ટ્રેનમાં ચડ્યા. ગોતતા ગોતતા અમે બેઠા હતા ત્યાં ધૂંધવાયેલા ચહેરે આવ્યા અને અમને સાંત્વના આપવાની વાત તો દૂર રહી, ચલાલા સ્ટેશન પર અમે રાત કેમ કાઢી એવી સામાન્ય પૂછપરછ પણ ન કરી અને હિંસક બની મને રીતસરના ધીબેડવા લાગ્યા. મારતા જાય અને બોલતા જાય કે ‘તારા પિયરિયાં આમ છે, તેમ છે અને શું થયું કોઈ કંઈ કહેતું નથી’ જેવી હૈયાવરાળ કાઢતા રહ્યા. તેમનો માર શરીરને પીડા આપતો હતો જ્યારે તેમના કડવાં વેણ મારી માને દિલમાં વાગી રહ્યા હતા. થોડી વાર પછી તેમનો ક્રોધ શમ્યો અને બેસી ગયા, પણ તેમનો ચહેરો તેઓ હજી અંદરથી ધૂંધવાયેલા છે એની ચાડી ખાતો હતો. સમય જેમતેમ કાપી અમે શાહપુર ધરમશાળામાં પહોંચી ગયા.માસ્તરનું રૌદ્ર સ્વરૂપ જોયા પછી મા શાહપુરમાં વધુ રોકાવા ઈચ્છતી ન હોય એ સ્વાભાવિક હતું. એક બે દિવસમાં જ બહેનના છોકરાને મારી પાસે મૂકી મા અને મારી સૌથી નાની બહેન પાછા ચલાલા જતા રહ્યા. અહીં હવે મારી જવાબદારી વધી ગઈ હતી. મારી દીકરી અને બહેનનો નાનો દીકરો એમ બે બાળકોને સંભાળવાના હતા. અગાઉ ધીરજ પેન્ટરે એલાન કર્યું હતું કે ‘તમે મુંબઈ ન જતા. આપણે વરસાદની મોસમમાં અમદાવાદમાં થિયેટરમાં નાટક કરવાના છીએ’, પણ એ વાત હજી પાકે પાયે નહોતી. મુંબઈ જતા રહેવું કે શું કરવું એની અસમંજસમાં હતા ત્યાં કચ્છના અંજાર શહેરમાં નાટક કંપની ચલાવી રહેલા પતિ – પત્ની ગુણવંતરાય – ઉષા રાયનો મેનેજર મને શોધતો શોધતો આવી પહોંચ્યો. એ સમયે દરેક નાટક કંપની અન્ય કંપનીના કલાકાર અને તેમની આવડતથી પરિચિત રહેતી. ઔપચારિક વાતચીત પછી મેનેજર બોલ્યો કે ‘ગુણવંત રાયને એક મહિના માટે તમારી જરૂર છે, કારણ કે તેમના પત્ની ઉષા બહેનની તબિયત સારી નથી.’ મારે હિરોઈનના જ રોલ કરવાના હતા અને કેટલા પૈસા આપશે એ પણ નક્કી થઈ ગયું એટલે હું જવા તૈયાર થઈ ગઈ. અમદાવાદના શોનું કોઈ ઠેકાણું નહોતું અને વરસાદની મોસમ ચાલુ હતી એટલે બીજું કોઈ કામ મળે એમ પણ નહોતું એ પરિસ્થિતિમાં કામ મને શોધતું આવ્યું હતું. અહીં સવાલ થવો સ્વાભાવિક છે કે વરસાદમાં અંજારમાં નાટક કેમ થઈ રહ્યા હતા? એનું દેખીતું કારણ એ છે કે કચ્છમાં વરસાદ બહુ નહોતો પડતો. એટલે ત્યાં નાટક કંપની બંધ ન થાય, શો ચાલુ રહે. સાંજે મેનેજર આવ્યો અને કહી ગયો કે ‘કાલે નીકળવાનું છે. તૈયાર રહેજો.’ અમે ચારેય જણા મેનેજર સાથે અંજાર જવા નીકળ્યા. રાત્રે પહોંચ્યા ત્યારે અમને ઉતારો એક એવી ધરમશાળામાં આપવામાં આવ્યો કે …

વડનગરના કલાકારો પાછળ મુંબઈ ગાંડું થયું
આર્થિક સંકડામણ હોવા છતાં નાટક અને રંગભૂમિ પ્રત્યે નિષ્ઠા રાખનારા લેખક ડાહ્યાભાઈ ધોળશાભાઈ ઝવેરીએ શ્રી દેશી નાટક સમાજના નેજા હેઠળ ૧૮૮૦થી લગભગ ૨૫ વર્ષ સુધી નાટકની ભજવણી અવિરત ચાલુ રાખી હતી. તેના અત્યંત લોકપ્રિય નીવડેલા નાટકોમાં ‘અશ્રુમતી’, ‘વીણા-વેલી’, ‘ઉમાદેવડી’ અને ‘સરદારબા’નો સમાવેશ હતો. એમાં ‘અશ્રુમતી’ લખાણની દ્રષ્ટિએ બહુ જ પ્રશંસા પામ્યું હતું. આ મૌલિક નાટક નહોતું, પણ રવીન્દ્રનાથ ટાગોરના મોટાભાઈ જ્યોતિરિન્દ્રનાથ ઠાકુરના બંગાળી નાટક ‘અશ્રુમતી’ને આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. અલબત્ત શ્રી ડાહ્યાભાઈએ પ્રસંગોની ગૂંથણીમાં તેમજ નાટકની ભાષા અને સંવાદમાં આપણા પ્રેક્ષકોને ધ્યાનમાં રાખી અનેક ફેરફાર કર્યા હતા. નાટકમાં દરજી – દરજણનું પ્રહસન ઉમેરવામાં આવ્યું હતું જે મૂળ નાટકમાં નથી. રસપ્રદ વાત તો એ છે કે આ નાટકની રજૂઆતમાં ગરબા પણ હતા અને પ્રેક્ષકોએ નાટકને વધાવી લીધું હતું. એ સમયે થતાં અન્ય નાટકોની સરખામણીએ ‘અશ્રુમતી’ ઘણું નોખું તરી આવ્યું હતું. નાટકના અંત ભાગમાં ‘યુદ્ધ’ આવે છે જેમાં વડનગરના નાયક કલાકારોએ સ્ટેજ પર કરેલી પટ્ટાબાજી એવી પ્રભાવી હતી કે મુંબઈ એ કલાકારો પાછળ ગાંડું થયું હતું. એને મળેલા ભવ્ય પ્રતિસાદને પગલે ગુજરાતી રંગમંચ પર ઐતિહાસિક નાટકોમાં તલવારબાજીનાં દ્રશ્યો રાખવાની પરંપરા શરૂ થઈ હતી. (સંકલિત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા