ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ: રોડ રેજ- સડક પર વાહનચાલકોમાં આક્રમકતા કેમ વધી રહી છે?

-રાજ ગોસ્વામી

થોડા દિવસો પહેલાં, અમદાવાદના બોપલ વિસ્તારમાં ૨૩ વર્ષના એક બાઈકસવાર યુવાનની એટલા માટે હત્યા થઈ ગઈ, કારણ કે એણે બાજુમાંથી પૂરઝડપે પસાર થઈ રહેલા એક કારચાલકને સ્પીડ બાબતે ટોક્યો હતો. કારચાલકે ગુસ્સામાં આવીને કાર ઊભી રાખીને બાઈકસવાર સાથે ઝઘડો કર્યો હતો અને એમાં વાત વધી જતાં એણે પેલા છોકરાને છરી હુલાવી દીધી.

આ ઘટનાને અલગ-અલગ રીતે જોઈ શકાય, જેમ કે કારચાલકનો પૈસાનો નશો અથવા સત્તાનું ગુમાન અથવા નશામાં ડ્રાઈવિંગ કે પછી વિવેકનો અભાવ અથવા ટ્રાફિક સેન્સની ઐસીતૈસી… મૂળભૂત રીતે તેને ‘રોડ રેજ’ કહેવાય છે એટલે કે સડક પર ગુસ્સો કરવો તે. ક્યારેક આ ગુસ્સો વ્યક્તિઓ પર એટલો હાવી થઈ જાય કે તેમાં ઘણીવાર હત્યા પણ થાય છે.

બે વર્ષ પહેલાં, દિલ્હી પાસે નોઈડામાં બે જણની કાર એકબીજાને ‘ટચ’ કરી ગઈ, તેમાંથી થયેલા ઝઘડામાં એક વાહનચાલકે ઉશ્કેરાઈને બીજા કારચાલક પર કાર ચડાવી દીધી હતી, જેમાં એનું મોત થયું હતું. આ વર્ષે, ૩૧મી ઓક્ટોબરે મુંબઈમાં સ્કોર્પિયો ચલાવતા એક વેપારીની કેટલાક લોકો સાથે દલીલબાજી થઈ હતી. તે પછી, ઉશ્કેરાયેલા વેપારીએ ચાર લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતોને નાની-મોટી ઈજાઓ થઈ હતી પછી મિત્રોએ સાથે મળીને વેપારીને માર માર્યો હતો.

સડક પર વાહન માલિકો વચ્ચે અથડામણ થવાની ઘટનાઓ ઉત્તરોત્તર દુનિયાભરમાં વધી રહી છે. તેનો સીધો સંબંધ સડકો પર વાહનોની સંખ્યામાં થઈ રહેલા વધારા સાથે છે. ભારતનાં શહેરોમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૬૦ ટકાથી વધુ વાહનચાલકોએ સડક પર ગુસ્સો કર્યો હોવાની કબૂલાત કરી હતી, જેમાં લગભગ ૩૦ ટકા લોકોએ આક્રમક પ્રતિક્રિયા આપી હતી. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો’નો અહેવાલ છે કે રોડ રેજ અને આક્રમક ડ્રાઇવિંગ સંબંધિત ઘટનાઓમાં દર વર્ષે ૭ ટકાનો વધારો જોવા મળ્યો છે, જે આ બાબત કેટલી ગંભીર છે તે બતાવે છે.

કેંદ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ માર્ચ ૨૦૨૨માં સંસદ સમક્ષ ડેટા રજૂ કર્યો હતો. એમના જણાવ્યા અનુસાર, ૨૦૧૯માં દેશમાં રોડ રેજ અને અવિચારી ડ્રાઇવિંગના ૧.૫ લાખથી વધુ કેસ નોંધાયા હતા. ૨૦૨૦માં તેની સંખ્યા વધીને એક લાખ ૮૩ હજાર થઈ ગઈ. ૨૦૨૧માં આવા કેસોની સંખ્યા વધુ વધીને બે લાખ ૧૫ હજાર થઈ ગઈ…

ઘણી વાર, ટ્રાફિક પોલીસકર્મીઓ ખુદ રોડ રેજનો ભોગ બને છે. ગયા વર્ષે, મુંબઈમાં એક ડ્રાઈવરે લાલ બત્તી હોવા છતાં વાહન ના રોક્યું ત્યારે એક ટ્રાફિક કૉન્સ્ટેબલે એને રોકવાનો સંકેત આપ્યો છતાં ડ્રાઈવરે કારની ઝડપ વધારી હતી એમાં કારની સામે ઊભેલો કૉન્સ્ટેબલ બોનેટ પર પડી ગયો. તેમ છતાં, ડ્રાઈવરે ૨૦ કિલોમીટર સુધી વાહન દોડાવે રાખ્યું હતું. આ દરમિયાન કૉન્સ્ટેબલે કારની વિન્ડશીલ્ડને ચુસ્તપણે પકડીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આવું દુનિયાભરમાં પણ બને છે. અમેરિકામાં આ વર્ષે એક સર્વેક્ષણ અનુસાર ૯૬ ટકા લોકો રોડ રેજના સાક્ષી બન્યા હતા. છેલ્લા સાત વર્ષના આંકડા અનુસાર, અમેરિકામાં રેડ રેજની મારામારીને કારણે કુલ ૧૨,૬૧૦ લોકોને ઈજા થઇ હતી અને ૨૧૮ લોકોનો જીવ ગયો હતો. ૨૦૨૨માં, રોડ રેજમાં દર ૧૬ કલાકે એક માણસની ગોળી મારીને હત્યા થઈ હતી. (અમેરિકામાં નાગરિકો ખાનગી હથિયાર રાખી શકે છે). અમેરિકામાં, છેલ્લાં ૧૦ વર્ષમાં રેડ રેજની ઘટનાઓમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે…!

રોડ રેજની ઘટનામાં મુખ્યત્વે, ખરાબ નિર્ણયશક્તિ, માનસિક અસ્વસ્થતા, નશો કે કશે પહોંચવાની ઉતાવળ જેવાં કારણ જવાબદાર મનાય છે. આવાં કારણોથી કોઈ પોતાને કે બીજાને જોખમમાં ના મૂકે, તેમ છતાં રોડ રેજ એટલું સામાન્ય થઈ ગયું છે કે તેની પાછળ બીજાં મનોવૈજ્ઞાનિક કારણોની પણ ભૂમિકા છે. માણસોને ક્યાંક જવામાં મોડું તો આજથી ૧૦૦ વર્ષ પહેલાં પણ થતું, પણ એવું તે શું થયું છે કે વર્તમાન સમયમાં જ લોકો એટલા બધા ઉશ્કેરાઈને પિત્તો ગુમાવે કે ખૂન પણ કરી નાખે?

રોડ રેજ બે પ્રકારના હોય છે. એકમાં, ડ્રાઈવર કાયમ આક્રમક રીતે વાહન ચલાવે છે અને આ વર્તન એની આદત બની ગયું છે (આધુનિક હોર્સ પાવરવાળાં વાહનોની ‘ખૂબી’ એ છે કે તે તમને જોશમાં આવીને ડ્રાઈવ કરવા લલચાવે છે).

બીજાને સિચ્યુએશનલ રોડ રેજ કહેવામાં આવે છે -તેમાં ડ્રાઈવર ઘર કે ઑફિસના ટેન્શનથી ગુસ્સામાં વાહન ચલાવી રહ્યો છે. સડકો પર ગુસ્સો અનુભવતા લોકોની એક સમસ્યા એ છે કે એ બીજા ડ્રાઈવરને એક માણસ તરીકે જોતા નથી. એને માત્ર એક વસ્તુ તરીકે જુએ છે. રોડ રેજનો ભોગ બનેલાને એવું દેખાતું નથી કે સામે જે માણસ છે એનો પણ એક પરિવાર છે, એની નોકરી જતી રહી છે અથવા હૉસ્પિટલમાં કોઈ બીમાર છે.

એમ તો મોલ્સમાં ખરીદી કરી રહેલા લોકો પણ ટેન્શનમાં હોય છે, પણ એ લોકો એકબીજા સાથે મારામારી નથી કરતા. તેનું કારણ એ છે કે મોલ્સમાં લોકો એકબીજાને માણસ તરીકે જુવે છે. કોઈની સાથે બાળક છે, કોઈ પતિ-પત્ની છે, કોઈ વૃદ્ધ મહિલા કે પુરુષ છે એટલે ત્યાં કોઈ એક બીજાને ‘ટચ’ કરે તો ‘સોરી’ કહીને આગળ નીકળી જાય છે.

સડક પર વાહન સાથેનો માણસ ‘માણસ’ મટીને ‘વસ્તુ’ બની જાય છે એટલે રોડ રેજનો ભોગ બનેલો માણસ ગુસ્સામાં એને સડક પરના એક ઉંદર કે પથ્થરથી વિશેષ નથી ગણતો. એ સિવાય, એવું કેવી રીતે શક્ય છે કે તે કારમાંથી ઊતરીને બીજાને છરી મારી દે અથવા એના પર કાર ચઢાવી દે!

રોડ રેજની મોટા ભાગની લોહિયાળ ઘટનાઓ કારચાલકો સાથે જ બનતી હોય છે. તેનું કારણ પણ એ છે કે લોખંડી કાર પોતે જે એક કિલ્લા જેવો અહેસાસ ઊભો કરે છે. સ્કૂટર પર જતા એક ચાલકની તુલનામાં કારચાલક પોતાને બહુ સુરક્ષિત (અને શક્તિશાળી) મહેસૂસ કરતો હોય છે, પરિણામે એ સામેના માણસને એક તુચ્છ આડખીલી સમજતો હોય છે.

આ બધા પાછળ મુખ્ય કારણ સડક પર વાહનોની ભીડ છે. પશ્ચિમમાં, ઉંદરોની આક્રમકતા પર અનેક પ્રયોગ થયા છે. સામાન્ય રીતે, ઉંદર અત્યંત ચંચળ જીવ છે, પરંતુ તે એકલો હોય ત્યારે આશ્ચર્યજનક રીતે શાંત હોય છે, પણ તેની બંધ જગ્યામાં એકથી વધુ ઉંદરો ઘૂસી આવે ત્યારે તે એકબીજાની ઉપર ચડી જાય છે.

આધુનિક શહેરોમાં આવું થઈ રહ્યું છે. સડકો પર મર્યાદિત જગ્યાઓમાં અનેક વાહનો આવી ગયાં છે. ૧૦૦ વર્ષ પહેલાં સડકો પર આટલા બધા લોકો નહોતા. રોડ રેજ ભીડનું પરિણામ છે. ઈંગ્લૅન્ડમાં, એક જુદા અભ્યાસમાં ખબર પડી હતી કે સ્કૂલોના ક્લાસરૂમમાં છોકરાઓની સંખ્યા વધી ગઈ હોવાથી એમનામાં પણ આક્રમકતા વધી છે…!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button