મોર્નિંગ મ્યૂસિંગ: સતહી સંસ્કૃતિનું સેક્સી હાસ્ય: ભારતમાં અશ્લીલ કૉમેડીની બોલબાલા

-રાજ ગોસ્વામી
રણવીર અલ્લાહબાદિયા નામના એક સેલિબ્રિટી યુ-ટ્યુબર અને પોડકાસ્ટરના એક ગંદા અને અશ્લીલ જોક પર તાજેતરમાં આખા દેશમાં હોબાળો થયો તે પહેલીવાર નથી. રમૂજવૃત્તિના નામે વધતી અશ્લીલતાનું એ લેટેસ્ટ ઉદાહરણ છે.
‘ઇન્ડિયા’સ ગોટ લેટેન્ટ’ નામના યુ-ટ્યુબના એક કાર્યક્રમમાં જે પ્રકારની રમૂજ થઇ તેમાં નવું કશું નથી. દસ વર્ષ પહેલાં ‘ઓલ ઈન્ડિયા બકચોદ નોકઆઉટ’ (એઆઈબી રોસ્ટ) કાર્યક્રમમાં અશ્લીલ અને ફૂવડ રમૂજ બદલ અદાલતના આદેશથી મુંબઈ પોલીસે ગુનો દર્જ કર્યો હતો તેને યાદ કરવા જેવો છે અને એ પણ યાદ રાખવા જેવું છે કે કપિલ શર્માનો શો ફૂવડ અને સ્ત્રીઓ વિરોધી જોક્સ પર જ લોકપ્રિય થયો છે.
એ શો માટેની ટિકિટ 4,000 થી 8,000 રૂપિયા સુધીની હતી અને લગભગ 4,000 લોકોએ તેને જોયો હતો. તેમાં મુંબઈના હાઈ-પ્રોફાઇલ લોકો અને ‘પેજ 3’ની હસ્તીઓ હતી. આ કાર્યક્રમમાં હાજર લોકો માત્ર દર્શકો જ નહોતા, પરંતુ લોકો આ શોનો એક ભાગ પણ બન્યા હતા, જેમણે જાહેર મનોરંજનના ક્ષેત્રમાં શાલીનતાની સીમાઓને તોડવાનો પ્રયાસ કર્યો હતો.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, ભારતીય મનોરંજન ઉદ્યોગમાં, ખાસ કરીને સોશિયલ મીડિયા અને સ્ટેન્ડઅપ કોમેડીમાં અશ્ર્લીલતા અને ડાર્ક રમૂજનું વધતું વલણ ગંભીર ચર્ચાનો વિષય બની ગયું છે. અમુક દાયકા પહેલાં આપણે જે રમૂજ પર હસતા હતા તેની પરિભાષા હવે બદલાઈ ગઈ છે.
આપણે ત્યાં એક કૃષ્ણા કોંડકે ઉર્ફે દાદા કોંડકે હતો, જેમની દ્વિઅર્થી અને અશ્ર્લીલ સંવાદોવાળી ફિલ્મે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’ બનાવ્યો હતો. સેક્સ અંધારાનો ખેલ છે અને તે વખતે ફિલ્મ સર્જકોને થિયેટરનું અંધારું માફક પણ આવતું હતું, પરંતુ ટેલિવિઝન, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોને આ મર્યાદા લોપી નાખી છે- ભૂંસી નાખી છે.
એ દિવસો ગયા જ્યારે ભારતીયો ફલોપ શો, યે જો હૈં જિંદગી, નુક્કડ અને હમ પાંચ જેવી સિરિયલો જોઈને હસતા હતા અને શેખર સુમન, જસપાલ ભટ્ટી, રાકેશ બેદી, શફી ઈનામદાર અને સતીશ શાહના વન લાઈનર્સ પર તાળીઓ ગાજતી હતી. એ પછી કપિલ શર્મા થિયેટરના અંધકાર વચ્ચેની દાદા કોંડકેની ફૂવડતાને ડ્રોઇંગરૂમના અજવાળામાં લઈ આવ્યો. શર્માના શોમાં ભદ્દા ટુચકા, સ્ત્રી વિરોધી વન લાઈનર્સ અને સ્ત્રીના વેશમાં ફૂવડતાએ લોકપ્રિયતાની નવી લકીર ખેંચી છે.
‘એઆઈબી રોસ્ટ’ ભારતનો સૌથી વધુ લોકપ્રિય ઓનલાઈન એડલ્ટ શો છે, જેમાં મુખમૈથુનથી લઈને ગુદામૈથુન સુધીની રમૂજ પર બોલિવૂડની જાણીતી હસ્તીઓ હસી હતી અને પોલીસે એમની સામે જ ગુનો નોંધ્યો હતો. તાજેતરમાં રણવીર અલ્લાહબાદિયાએ તેનું જ પુનરાવર્તન કર્યું હતું.
ભારતમાં નાના-મોટા ફૂવડ વ્યંગ કરનારને બુદ્ધિશાળીની કક્ષાએ મૂકવામાં આવે છે. બ્રિટિશ લેખક આલ્ડસ હક્સલેએ કહ્યું હતું કે, ‘બુદ્ધિજીવી માણસ એટલે એવો માણસ જેણે સેક્સથી વધુ દિલચસ્પ બાબત શોધી છે.’
આપણે ત્યાં ભારતમાં ઊંધું થઈ રહ્યું છે. આપણી દિલચસ્પી સતહી અને છીછરી બની રહી છે. ગંભીરતા અને વિદ્વતાને આપણે ખારીજ કરી દીધી છે. મુંબઈનાં ગુજરાતી નાટકોમાં દ્વિઅર્થી સંવાદોનો એક લાંબો ઈતિહાસ છે. તેની લોકપ્રિયતા એ વાતની સાબિતી છે કે મહાનગરના ગુજરાતીઓ કેવી કોમેડી પસંદ કરે છે. મોટાભાગની રમૂજ અને ટુચકામાં એક પ્રકારનો દ્વૈષ, વિરોધ હોય છે.
સાર્કાઝમના ગ્રીક શબ્દ સર્કેઝઈનનો અર્થ જ ‘ગોસ્તને ચીરવું’ એવું થાય છે. સ્કૂલ કે કોલેજમાં રેગિંગ કરવાવાળા કે ધોંસ (બુલીઈંગ) જમાવવાવાળા જે કામ શરીરથી કરે છે એ જ કામ કેટલાક લોકો ભાષાથી કરે છે. ગુસ્સૈલ, અસુરક્ષિત અને ડરપોક માણસોના વ્યંગ શારીરિક હિંસાથી ઓછા હોતા નથી એટલા માટે જ મોટાભાગના ટુચકા અને વ્યંગ સેક્સુઅલ, નસ્લીય અને વંશીય પૂર્વગ્રહતાથી ભરેલા હોય છે. તમે જ્યારે તમારી કરણીથી સર્વોપરિતા સિદ્ધ ન કરી શકો ત્યારે કથની દ્વારા બીજાને નીચા દેખાડવાનો ટૂંકો (અને છીછરો) રસ્તો અપનાવો છો.
આપણે આટલા બધા તનાવગ્રસ્ત, સંતાપગ્રસ્ત, ઉગ્ર અને નારાજ શા માટે છીએ? ટેલિવિઝન અને સિનેમામાંથી રમૂજ ઘટી ગઈ છે અને એનું સ્થાન કટાક્ષ અને વ્યંગે લઈ લીધું છે જે માણસની સતહી જિંદગીનું પ્રતિબિંબ છે. ફૂવડ હાસ્ય અને ભદ્દા જોક્સ ‘અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય’ કે ‘પરિપકવતા’ની નિશાની નથી. એ અંદર પડેલી-પનપી રહેલી ખરાબી અને દસ વર્ષની ઉંમરમાં જ ‘ચતુર’ થઈ ગયેલા બાળકની વાહિયાત માનસિકતા છે. જેને આપણે ‘સેન્સ ઓફ હ્યુમર’ કહીએ છીએ એ ઘણી વખત તીક્ષ્ણ હથિયાર તરીકે વપરાય છે. સાયકોલોજિસ્ટ કહે છે કે જે નાર્સિસ્ટિક હોય, આત્મરતિક હોય એની સેન્સ ઓફ હ્યુમર અત્યંત કાતિલ હોય છે.
કપિલ શર્મા ભલે તમને ‘મસ્ત’ લાગતો હોય પણ ધ્યાનથી જુઓ તો એ એક ‘ટ્રબલ્ડ ચાઇલ્ડ’થી કમ નથી. ગુફાવાસી માણસ નગરોમાં વસતો થયો છે, પરંતુ એના મનની ગુફાઓમાં હજુય સભ્ય અને અસભ્ય માણસના કિરદાર ભજવાતા રહે છે.
સિગ્મંડ ફ્રોઈડ નામના મનોશાસ્ત્રીએ એમના પુસ્તક ‘ધ જોક્સ એન્ડ ઈટ્સ રિલેશન ટુ ધ અનકોન્સિસયસ’માં કહ્યું હતું કે અચેતન મનમાં દબાઈને પડેલી લાગણીઓ જ્યારે મુક્ત રીતે અભિવ્યક્ત થાય ત્યારે કોમેડી પેદા થાય…. ભદ્દા જોક્સ પર પડતી તાળીઓ મનની ગુફામાં દબાયેલી અસભ્યતાના જાહેર પ્રદર્શનનો પુરાવો છે. થિયેટરનાં અંધારામાં આપણે જંગાલિયત અને અસભ્યતાની જે હિંસા માણીએ છીએ એ આપણો કિરદાર છે જે મનની ગુફામાં વર્ષોથી ભજવાતો રહે છે. આ કિરદારને ‘ઇન્ડિયા’સ ગોટ લેટેન્ટ- એઆઈબી રોસ્ટ’ કે કપિલના મંચ પર લાવીને આપણે આપણા સભ્ય ચહેરાને ભૂંસવા પ્રયાસ કરી રહ્યા છીએ.
ભારતમાં મનોરંજનનો ચહેરો કેવો બદલાયો છે તેનો એક કિસ્સો જાણવા જેવો છે. ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’ માં લખતા વિકાસ બજાજે હિન્દીના હાસ્યકવિ અશોક ચક્રધરને મનોરંજનની નવી પરિભાષા વિશે પૂછ્યું હતું. અશોક ચક્રધરે જવાબમાં એક રમૂજ સંભળાવી હતી:
આ પણ વાંચો…સમય રૈનાને તો મુંબઈ પોલીસે રાહત આપી પણ રણવીરનો કોઈ પત્તો નથી
‘80ના દાયકામાં સ્ત્રી પુરુષને કહેતી- પ્યાર કરો પર કિસ મત કરો. 90માં એ કહેતી- ટચ કરો પર કિસ મત કરો. 1995માં એ બોલતી- કિસ કરો પર ઈસસે આગે કુછ નહીં. 2000 આવતાં એ કહેવા લાગી- જો ભી કરના હૈ વો કરો પર કિસકો બોલના મત…. 2010માં એ બોલી- કુછ કરો, વરના મૈં સબકો બોલ દુંગી કે તુમ્હે કુછ નહીં આતા!