ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ: શિક્ષક એ નથી જે માહિતી આપે, શિક્ષક એ છે જે ડહાપણ આપે!

-રાજ ગોસ્વામી

થોડા સમય પહેલાં દિલ્હીની હિંદુ કોલેજમાં ગુરુ-શિષ્ય સંવાદ યોજાયો હતો. તેમાં કોલેજના વરિષ્ઠ હિન્દી શિક્ષક રામેશ્વર રાય અને એમના વિદ્યાર્થી રહી ચુકેલા અને હવે પ્રસિદ્ધ કોચિંગ સંસ્થા ‘દ્રષ્ટિ આઈએએસ’ના સંચાલક ડો. વિકાસ દિવ્યકીર્તિ હાજર રહ્યા હતા.

દાયકાઓ પછી એ બન્ને ભેગા થયા હતા અને એમની વચ્ચે પોણા બે કલાક વાતચીત થઇ હતી. કોલેજના વિદ્યાર્થીઓ માટે તો આ ‘સોને પે સુહાગા’ જેવો અવસર હતો. બંનેએ એમની વચ્ચેના ગુરુ-શિષ્ય સંબંધ અંગે અને શિક્ષણમાં આજે કેમ તેની બહુ જરૂર છે તેના પર ગહન વિચારો રજૂ કર્યા હતા. કોઈને આ તે સંવાદ સાંભળવો હોય તો તે યુટ્યુબ પર છે.

ભારતમાં ગુરુ-શિષ્ય પરંપરાનું કેટલું પતન થયું છે અને વિદ્યાર્થીઓને સાચા શિક્ષકનો અભાવ કેટલો સાલે છે તેની સાબિતી આ કાર્યક્રમને માણનારા યુવાનોની ટીપ્પણીઓ પરથી મળે છે.

મેં આ કાર્યક્રમ જોયો/સાંભળ્યો હતો અને પ્રોફેસર રામેશ્વર રાયે તેમાં વર્તમાન ભારતમાં શિક્ષણ અને શિક્ષકની કથળેલી ગુણવત્તા અંગે અમુક નિરીક્ષણો કર્યાં હતાં તેના પર હું વિચાર કરતો હતો. એ પછી યુટ્યુબ પર મને અમુક વિદ્યાર્થીઓની પ્રતિક્રિયાઓ વાંચવા મળી તેના પરથી ખ્યાલ આવ્યો કે સાચા અને જ્ઞાની શિક્ષક હોય તો લોકો કેવા પ્રભાવિત થાય છે. એક વિદ્યાર્થીએ લખ્યું, ‘આજના અતિશય માહિતીવાળા અને ડિજિટલ યુગમાં આ પ્રકારનો સંવાદ મુશ્કેલ છે. મેં પહેલીવાર ગુરુ અને શિષ્ય બંનેને આટલી વિનમ્રતા, સ્નેહ, આદર અને સન્માન સાથે વાતચીત કરતા સાંભળ્યા.’

બીજા એક વિદ્યાર્થીએ લખ્યું, ‘આજે જ્યારે મેં વિકાસ દિવ્યકીર્તિ સરના ગુરુને સાંભળ્યા ત્યારે ખબર પડી કે જેના ગુરુ આવા હોય તો જ વિકાસ સર જેવા ગુરુ મળી શકે. સરે કહ્યું હતું કે ગુરુજીએ એમનામાં વાંચવાની જિજ્ઞાસા જગાડી હતી. આજે ડો. રામેશ્વર સરને સાંભળીને મારામાં પણ જિજ્ઞાસા જાગી છે. રામેશ્વર સર જેવા શિક્ષકો મળે તો વિકાસ સર જેવા શિષ્યો જન્મે.’
એક અન્ય શ્રોતાએ લખ્યું, ‘વિકાસ સર અને રામેશ્વર સરની વાત સાંભળીને લાગ્યું કે માત્ર ગુરુ-શિષ્ય પરંપરા જ સમાજને યોગ્ય દિશામાં દોરી શકે છે. યુવા પેઢીને આવા મૂલ્યવાન માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે.’

બીજા એકે લખ્યું, ‘યુવા પેઢીને તમારા માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે. તમારો વીડિયો જોઈને મેં નવું જીવન શરૂ કર્યું. વર્ષમાં આવા ચાર વીડિયો બનવા જોઈએ. યુવા પેઢીમાં બહુ બદલાવ આવશે.’

એક વિદ્યાર્થી ઘણા સમયથી તનાવની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો. યુટ્યુબ પર એ નકામા વિડીયો જોઈને થાકી ગયો હતો. યુટ્યુબના અલગોરિધમે એને હિંદુ કોલેજના આ કાર્યક્રમનું સૂચન કર્યું. પહેલીવાર એને એવું લાગ્યું કે આટલો સારો વીડિયો પણ હોઈ શકે અને જીવન જીવવામાં મદદ મળી શકે છે.

એક અન્ય વિદ્યાર્થી આ સંવાદની ગુણવત્તાથી એટલો પ્રભાવિત થયો કે એણે લખ્યું, ‘આ એક કલાક 40 મિનિટનો એપિસોડ જેણે પણ સાંભળ્યો છે તે સાચે જ જ્ઞાનનો ભૂખ્યો છે, એનું માનસિક સ્તર નિશ્ર્ચિતપણે સામાન્ય લોકો કરતાં ઉપર છે. જીવનની દોડધામમાં કોઈ આટલો લાંબો એપિસોડ જુએ/સાંભળે તેનો અર્થ જ એ થયો કે એને જ્ઞાની લોકોની સંગત ગમે છે.’
આ બધી ટિપ્પણીઓથી એક વાત સમજાય છે કે શિક્ષણ જગતમાં સારા ગુરુઓ રહ્યા નથી અને શિષ્યો એક તરસ્યા પ્રાણીની જેમ પાણી માટે અહીં તહીં ભટક્યા કરે છે. કોલેજનાં છોકરાઓમાં કેવી જિજ્ઞાસા હોય છે તેની સાબિતી આ ટિપ્પણીઓ છે. આ ટિપ્પણી વર્તમાન દૌર અંગે પણ છે જેમાં માહિતીઓ તો આપાર છે, પરંતુ જ્ઞાન નથી.

આ સંવાદમાં, રામેશ્વર રાયે પણ આ જ સંકટ તરફ ધ્યાન દોર્યું હતું. એમણે કહ્યું કે આજના સમયમાં ભરોસાની જેટલી જગ્યાઓ હતી તે ધ્વસ્ત થઇ છે. ધર્મમાં તે ધ્વસ્ત છે. રાજનીતિમાં તે ધ્વસ્ત છે. સંત-મહાત્મામાં ધ્વસ્ત છે. અને 19થી 22 વર્ષનાં જે બાળકો આંખોમાં સપનાં લઈને વિશ્વવિદ્યાલયોના દરવાજે આવે છે તે માત્ર જ્ઞાનની શોધમાં નહીં, પણ ભરોસાની ખોજમાં પણ આવે છે, કારણ કે રાજનીતિ, પ્રશાસન, ધર્મ જેવાં જિંદગીનાં જેટલાં પણ ક્ષેત્ર છે, તે એમનો ભરોસો ગુમાવી ચૂક્યાં છે.

એમણે ઉમેર્યું કે શિક્ષકનું કામ માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીને એ ભરોસો આપવાનું છે કે જીવન સફળતાપૂર્વક અને સાર્થક રીતે જીવી શકાય છે રામેશ્વર રાયે એક સરસ વાત કરી હતી કે, ‘શિક્ષક જ્ઞાનના કારણે મહત્ત્વપૂર્ણ નથી, બલ્કે ભરોસાના ખંડેરમાં તે એક મજબુત ઈંટની માફક બચેલો રહે છે અને 18થી 22 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીને લાગે કે ના, ભરોસો કરવા જેવી હજુ એક જગ્યા બાકી છે.’

માતા-પિતા બાળકોને જન્મ આપે છે. એમનું સ્થાન કોઈ લઈ શકતું નથી અને આપણે કોઈ પણ સ્વરૂપમાં એમનું ઋણ અદા કરી શકતા નથી, પરંતુ શિક્ષકને ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા તરીકે સમાન દરજ્જો આપવામાં આવે છે, કારણ કે શિક્ષક જ બાળકને સમાજમાં જીવવા યોગ્ય બનાવે છે. એટલા માટે શિક્ષકને સમાજના ઘડવૈયા કહેવામાં આવે છે.

શિક્ષક માત્ર વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરાવવા માટે જ ચિંતિત નથી હોતો, પરંતુ તે જીવનના દરેક પડાવ પર એના વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા અને એનો હાથ પકડવા માટે હંમેશાં તૈયાર હોય છે- ઉપસ્થિત હોય છે.

વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નનો એ જવાબ આપે છે અને વિદ્યાર્થીને યોગ્ય સલાહ આપે છે અને હંમેશાં એને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે એટલા માટે શિક્ષકને ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આજીવન સંબંધ છે. હવે એવું રહ્યું નથી. આજે શિક્ષકનું કામ 9 થી 5ની બેંકની નોકરી જેવું થઇ ગયું છે. બેંક બંધ થઇ જાય પછી પૈસાની લેવડદેવડ બંધ થઇ જાય તેવી રીતે સ્કૂલ કે કોલેજ બંધ થઇ જાય પછી જ્ઞાનનું સિંચન પણ બંધ થઇ જાય છે. શિક્ષક એ નથી જે માહિતી આપે. શિક્ષક એ છે જે ડહાપણ આપે.

આઈન્સ્ટાઈને લખ્યું હતું, ‘ખબર તો બેવકૂફને પણ હોય છે. મહત્ત્વની વાત સમજણની છે.’ જેને સમગ્રતા સાથેના જીવનની ગહેરાઈની સમજ નથી એ અભણ છે. શિક્ષક ટોર્ચબેરીયર છે. એ મગજમાં વસ્તુઓ ના ભરે, એ આગ લગાવે. તમને સારું લગાડે, પંપાળે એ શિક્ષક નથી, એ મનોરંજક છે.

શિક્ષણનો મુખ્ય હેતુ જ્ઞાન એકઠું કરવાનો નથી, કલ્પનાશક્તિને ઉત્તેજન આપવાનો છે, પરંતુ શિક્ષણ આપવાની આપણી મેથડ નવું વિચારવાની શક્તિને સીમિત કરે છે અને પૂર્વનિર્ધારિત જવાબો આપવાની ક્ષમતાને મજબૂત કરે છે. એટલા માટે, આપણી શિક્ષણ વ્યવસ્થામાંથી ભણેલા લોકો બહુ બહાર પડે છે, પરંતુ ક્રિએટિવ થિન્કિંગ કરવાવાળા ઓછા નીકળે છે. બાળકોમાં જન્મજાત જિજ્ઞાસાવૃત્તિ, ક્રિએટિવિટી અને કલ્પનાશક્તિ હોય છે પરંતુ સ્કૂલમાં બુદ્ધિનો ટેસ્ટ કરવાની મેથડના પગલે તે વૃત્તિઓ દબાઈ જાય છે. શિક્ષણ જ્યારે આપણી કલ્પનાશક્તિને રૂંધે, ત્યારે તેને ‘બ્રેનવોશિંગ’ કહે છે.

શિક્ષણ આપણને ‘શું’ વિચારવું એ શીખવાડે છે. વાસ્તવમાં તેનું કામ આપણે ‘કેવી રીતે’ વિચારવું તે શીખવાડવાનું છે. આપણને આવા શિક્ષકોની જરૂર છે.

આપણ વાંચો:  સુખનો પાસવર્ડ : મદદરૂપ થવા તત્પર માણસની કદર કરો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button