ઉત્સવ

અમાસનો ચંદ્ર

ટૂંકી વાર્તા – બી. એચ. વૈષ્ણવ

ડોરબેલ સતત રણકતી હતી. અમે બંને હુતોહુતી ભરઊંઘમાં હતાં. એક રિલેટીવને ત્યાં ડિનર કરી મોડીરાત સુધી ગામગપાટા મારી મોડી રાતે બારેક વાગ્યે ઘર આવેલાં હતાં. કપડાં ચેઇન્જ કરી સાડા બારે ઊંઘેલા હતા. પથારીમાં પડતાં જ ઊંઘનું ઘારણ વળ્યું હોત તેમ ઘસઘસાટ ઘોરી ગયેલાં હતાં.
રાતે ઊંઘતા હોઈએ, ડોરબેલ વાગે કે ફોનની રીંગવાગે તો ઊંઘરેટું મન ચંદ ક્ષણ શું વાગે છે અને શું કરવાનું છે તે નક્કી જ કરી શકે નહીં. મગજના કમાંડનો સન્ન થયેલ શરીર એકઝાટકે અમલ કરવા ઇન્કાર જ કરે! તમને બધાને પણ આ પ્રકારનો અનુભવ થયો જ હશે? ખરું કે નહીં?
છેલ્લે એલાર્મ કે મોબાઇલની રીંગ વાગતી નથી તેનું ભગીરથ પ્રયત્ને નક્કી કરીને મેઇન ડોર ખોલી મધરાતે સાડા ત્રણ વાગે કોનો દિવસ સોરી કોની રાત ફરી છે તે નક્કી કરવા મેઇન ડોર ખોલ્યું.
ઊંઘરેટિયા ચહેરો સિરીઝ ઓફ બગાસા ખાઇ જોયું. દરવાજે ઇરફાન રાઠોડ ઊભો હતો. રાઠોડ અડધી રાતે મારા ઘરે આવે તેનું કોઇ કારણ હોવું જોઇએ.
સોરી ઇમેન્યુઅલ સર. એકસ્ટ્રીમલી સોરી ફોર ડિસ્ટર્બન્સ ટુ યુ… રાઠોડે દીન અવાજે માફી માગતા કહ્યું. તેના ચહેરા પર ઓશિયાળાપણાના ભાવો તરવરે. પછી બોલ્યો, સાહેબ બે-પાંચ સગા-સંબંધીના દરવાજે દસ્તક દઇ મદદ ન મળતાં તમારે ત્યાં આવ્યો છું! આપે કહ્યું હતું ને કે જરૂર પડ્યે અડધી રાતે દરવાજો ખખડાવજે. એટલે હું આવ્યો છું.
કંઇ વાંધો નહીં દોસ્ત. શું કામ છે?
ઈમેન્યુઅલ સર મારા અબ્બાજાનનો હમણા જ ઇંતેકાલ થયો છે. ડેડબોડીને પુશ્તૈની ગામ જહાનાબાદ લઇ જવાની છે. ત્યાંના કબ્રસ્તાનમાં અબ્બાજાનને સુપુર્દે ખાક કરવાના છે. વાહનભાડા માટે અને દફનવિધિ માટે રૂપિયા પચ્ચીસ હજારની જરૂરત છે. હું કટકે કટકે દસ હપ્તામાં આપના પૈસા પરત કરી દઇશ. રાઠોડે તેની કરમકહાણી કહી.
મેં તેને અંદર આવવા કહ્યું . ડ્રોઇંગરૂમમાં બેસાડ્યો. પીવા માટે પાણી આપ્યું. પછી કહ્યું, એક મિનિટ બેસ. હું કબાટમાંથી પૈસા લાવું છું.
રાઠોડ નસીબદાર તો ખરો જ. કેમ કે મહિનાની શરૂઆતની તારીખોમાં આવ્યો હતો. પરમ દિવસે એટીએમમાંથી રૂપિયા ચાલીસ હજાર ઉપાડેલા હતા. સમજો ને કે રાઠોડ માટ જ પૈસા ઉપાડેલા હશે! મેં તેના હાથમાં પચ્ચીસ હજાર થમાવી દીધા. મેં કહ્યું કે અલ્લાતાલા અબ્બાના રૂહને જન્નત બક્ષે તે માટે પ્રેય કરીશ.
રાઠોડની આંખમાં જળજળિયા આવી ગયા! બે હાથ જોડી માથું નમાવી આભાર વ્યક્ત કર્યો. તે ભાંગેલા પગે વિદાય થયો.
મેં ઘરનો દરવાજો બંધ કરી પથારીમાં પડતું મુક્યું. ઊંઘવા મથામણ કરી. ઊંઘ ઊડી ગઇ. રાઠોડ વિશેના વિચારો મગજમાંથી અશ્ર્વોની જેમ વછૂટ્યા.
આજથી ચાર વરસ પહેલાં રેવન્યુની ઈન્કવાયરી બ્રાંચ સેકશન અધિકારી તરીકે મારી પાસે હતી. મામલતદાર અને નાયબ કલેકટર કેડરના અધિકારીની પ્રાયમરી અને રેગ્યુલર ઇન્કવાયરી મારી અન્ડરની એમ શાખા હેન્ડલ કરતી હતી.
મામલતદાર, પોરબંદર ૩૧ મી ઓગસ્ટે વય નિવૃત્ત થતા હતા. માધવપુરની ખેતીની જમીન બિન ખેતીના હેતુસર મંજૂરી આપવાના ચેપ્ટરમાં વિજ્લન્સે મોટી શિક્ષા કરવા ૨૬ મી ઓગસ્ટે ભલામણ કરી હતી. આરોપનામું મહેસૂલ મંત્રી પાસે મંજૂર કરી તા. ૨૯મીએ આરોપનામું પોરબંદર જઈ બજાવવાનું હતું. કેમ કે, તા.૩૦ અને ૩૧મી ઓગસ્ટે જાહેર રજા હતી. ઓફિસમાં એક પણ ડ્રાઇવર હાજર નહીં. મેં નક્કી કર્યું કે મારી ઇકો ગાડી લઇ આરોપનામાની બજવણી કરી આવીએ. પોરબંદર જવા-આવવાનાં વીસ બાવીસ કલાક હાઇ વે પર ડ્રાઇવિંગ કરવું પડે. આપણે બહુ બહુ તો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડ્રાઇવિંગ કરતા હાંફી જતા હોય તો આટલું લાંબું ડ્રાઇવિંગ તો કરીએ તો રામ રમી જાય! એટલે ટેકસી કરવા કે ડ્રાઇવર ભાડે રાખવા સિવાય કોઇ વિકલ્પ શેષ રહેતો ન હતો એ જમાનામાં ઓલા, ઉબેર કે સીટી કાર જેવી એપ કયાં ઉપલબ્ધ હતી કે એપ ડાઉનલોડ કરો, ઇનસ્ટોલ કરો અને એપમાંથી કાર બુક કરો અને મેસેજ આવે અને દસ મિનિટમાં કાર તમારા ઘરે હોય.
મારા કારકુને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું. કાર્ડના જમણે ખૂણે ૭૮૬ લખેલ હતું. ડાબા ખૂણે મકકામદીનાની મસ્જિદનો ફોટો હતો. કાર્ડની વચ્ચોવચ સોનેરી અક્ષરે ઇરફાન રાઠોડ એમ ગુજરાતી અને નીચે આવું જ લખાણ ઉર્દૂમાં લખેલ હતું. કાર સર્વિસનું વિશ્ર્વસનીય નામ. તેનો મોબાઇલ નંબર લખેલો હતો.
મેં એને ફોન લગાવ્યો. બધી વાત વિગતે સમજાવી. કામ પતાવી વહેલી સવારે ગાંધીનગર પરત આવવાની અને બિલ મંજૂર થયે પૈસા મળશે તેની પણ સ્પષ્ટતા કરી. વીસ મિનિટમાં તેની વેગન આર લઇને આવી ગયો. આમ, તો ડ્રાઇવર ઓગણીસમી કૌમ કહેવાય. વિચિત્રતાનું કોકટેલ ગણાય. તમે ઉદંડતાથી વર્તો તો ગમે તેમ કરી ગાડી બગાડી ઉનાળામાં ભરબપોરે સોરી સર સોરી કહીને ધક્કા મરાવે. ગાડીની સ્ટીલની બોડી હોવાથી ધકકા મારતા મારતા હાથમાં ચકામા પડી જાય. આ જોઇને પેલો પાશવી આનંદ પામે!ગાડીની એવરેજ ઓછી બતાવવા રેતીના ઢુંવામાં ગાડી લઇ જઇ પેટ્રોલની ટાંકી ખાલી કરી નાખે! અલબત, ઇરફાન રાઠોડ તેમાંથી અપવાદ. શોફરની જેમ દરવાજો ખોલી અદબથી ઊભો રહે. હું કારમાં બેસું એટલે દરવાજો બંધ કરે. ચા સિવાય કોઇ વ્યસન નહીં. તલત મહેમુદનાં ગીતો-ગઝલ સીડી પ્લેયરમાં ધીમા અવાજે વાગ્યા કરે. ગાડી પાણીના રેલાની જેમ ચલાવે. રાતના સમયે હોર્ન વગાડ્યા સિવાય માત્ર ડીપર દેખાડી વાહન ચલાવે. ગાડી સારી રીતે ચલાવે એટલે જરીકે થાક લાગે નહીં.
સરકારમાં તપાસનું ગજબનું ડીંડક છે. પ્રાથમિક તપાસ અજગરની જેમ ચાલે. દસ-પંદર વરસ તો તપાસ કરવી કે ન કરવી તેમાં ઝરણાંની જેમ વહી જાય. દરમિયાનમાં બઢતી કે હાયર ગ્રેડ પણ મળી જાય. ઘણા આક્ષેપિત કર્મચારી શો-કોઝ નોટિસનો જવાબ આપવામાં એટલો ટાઇમ કાઢે કે ચાર્જશીટ આપવામાં આવે તો ઇન્કવાયરી ચાલુ થઇ ગણાય અને બઢતી સમિતિમાં તેનું નામ કવરમાં આવે અને બઢતી ન મળે! જવાબ જ ન આપે તો ન રહેંગા બાંસ અને ન રહેંગી બાંસુરી ન્યાયે આરામથી બઢતી મળી જાય! સરકારમાં નિવૃતિના છ માસ બાકી હોય તો તેમાં પહેલાં ઘણીવાર તો કર્મચારી નિવૃત્ત થયો હોય, તેનો વિદાય સમારંભ ચાલતો હોય અને ત્યાં જ ચાર્જશીટ આપવામાં આવે. સિંચાઈ અને માર્ગ મકાન ખાતાના ઇજનેરો તો બઢતી ન લેવી હોય સામે ચાલીને તપાસ ચાલુ કરાવે. સરકારમાં કેટલીક કામગીરી જશ લેવાની હોય. મીઠાઇના પેકેટ મેળવવાના હોય, ખાનગી રાહે તગડી રકમના કવરો કે ગિફટ વાઉચરો લેવાના હોય. પ્રમોશન કે બદલીના હુકમો કરવાની કામગીરી આ પ્રકારમાં વર્ગીકૃત થઇ શકે. જ્યારે કેટલીક કામગીરીમાં જશને બદલે જૂતિયા મળે! જેમ કે ચાર્જશીટ ઇસ્યુ કરવાની કામગીરી. જેમાં અત્યંત કુનેહ અને દક્ષતાની જરૂર પડે છે. ચાર્જશીટ આપવાની કામગીરી કલા અને વિજ્ઞાનનો સુભગ સમન્વય છે. કેટલાક નમૂના કયાંકથી ખાનગી માહિતી મેળવી ઘરે હાજર ન રહે અને પછી રાતના બાર વાગ્યે તારીખ બદલાઇ જાય એટલે રાતના સાડાબારે સહી કરીને કાનૂની ગૂંચવાડા કરવાનો પ્રયાસ કરે! જ્યારે બીજી બાજુ આરોપિત અધિકારી એટલો સહયોગ આપે તેની સમજદારીને સલામ કરવાનું મન થાય. હસતા મોઢે આવકારે અને કહે સરકારી કામ સરકારી રાહે થશે. તમે મારે ત્યાં મહેમાન ક્યાં? તમે જમ્યા નહીં હોવ, ચાલો પહેલાં વાળુ પાણી કરી લો. બાકીની ઔપચારિકતા પછી નિપટાવીએ. ભોજન થઇ જાય પછી બોલો મારે કયાં સહી કરવાની છે? મારા લીધે તમારે કહટી થઇ સાહેબજી! એકવાર એક આરોપિતને ચાર્જશીટ આપવામાં મુશ્કેલી થઇ. જીએડીના એક અધિકારીએ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને ફોન કરીને કહ્યું કે આ ચાર્જશીટની બજવણી થઇ જવી જોઇએ, નહીંતર તમને ચાર્જશીટ ઇસ્યુ થઇ જશે!
સરકારી તપાસની એક વિલક્ષણતાનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની રહે છે. સરકારમાં બેઠેલા ચાર્જશીટ બનાવવાના તજજ્ઞ હોય છે. આ કામ માટે જ સરકાર પગાર આપે છે.
આ મોરલા આરોપિતને ચાર્જશીટનો જવાબ પણ લખાવી આપે. તેના બદલામાં કેશ કે કાઇન્ડના અંડર ટેબલ લાભાન્વિત થાય. સિંચાઈ ખાતામાં કે બાંધકામ ખાતામાં એકલદોકલ કે જથ્થાબંધ તપાસ એસઓઆર અલગ હોય. ત્યાં કવર સંસ્કૃતિનો અલાયદો મહિમા હોય છે!
પોરબંદરમાં ચાર્જશીટ બજવવાની કામગીરી પાર પાડી. પછી જ્યારે સરકારી કામ હોય ત્યારે ઇરફાનની ગાડી મંગાવી લઉં. એની તહેજીબ અને તન્જીમથી હું પ્રભાવિત થઇ ગયેલો હતો. મિતભાષી, વિવેકી, નિરૂપદ્રવી અને લાલચી નહીં. પાકો નમાજી. નમાજનો સમય ચુકે નહીં.
ઇરફાનના વ્યક્તિત્વથી પ્રભાવિત નહીં બલ્કે સંમોહિત થઇને કહેલું કે કંઇ મદદની જરૂર પડે તો મારા ઘરનો દરવાજો અડધી રાતે ખખડાવજે. હું બનતી મદદ કરીશ.
આ ઇજનને લીધે જ તેના વાલિદના ઇન્તેકાલ સમયે અડધી રાતે મારા ઘરનો દરવાજો તેણે ખખડાવેલો હતો. મેં પણ શેઠ સગાળશા બનીને ઇરફાનની હૂંડી સ્વીકારીને વટાવી પણ આપેલી હતી! ઇરફાને તેની સગવડે કટકે કટકે તમામ દેવું ચૂકતે કરેલું હતું.
મારી પાસે એક મારુતિ વાન હતી. મેં તેને ૧૯૯૫માં ખરીદ કરેલી હતી. નેવી બ્લુ રંગની કાર હતી. દસ- બાર વ્યક્તિ મુસાફરી કરી શકે. તેનો નંબર જીજે ૧૧૩૩ હતો. લગભગ આખું ગુજરાત અને અડધું રાજસ્થાન એમાં ફરેલો હતો. એટલી મુસાફરી કરેલી કે પાંચ વરસમાં કાર લાખ કિલોમીટર ફરી ગઇ હતી. માણસને પગમાં પદ્મ હોય. અહીં ગાડીના ટાયરને પદ્મ હતું! મેં ૨૦૦૮માં બ્લેક કલરની ઇટીયોસ પરચેઇઝ કરી. મારુતિ વાનનો વપરાશ નહીંવતથયો. એટલે વેચી નાખવાનું નક્કી કર્યું.
મેં ઇરફાનને વાન માટે સારો ઘરાક શોધી લાવવા કહ્યું.
સાહેબ, ગ્રાહક તમારી સામે જ ઊભો છે. બગલમેં છોરા ઔર ગાંવમેં ઢીંઢોરા. મારે તમારી વાન લેવી છે. કિંમત તમારી. ઇરફાને ઓફર મુકી.
બીજી વ્યક્તિ માટે પાંસંઠ હજાર. ઇરફાન તારા માટે પચાસ હજાર મેં કહ્યું.
સર સોદો ડન. હું પંદર હજાર ડાઉન પેમેન્ટ આપું છું. બાકીની રકમ બે મહિનાના એક લેખે સાત હપ્તામાં ચૂકવી દઇશ. ઇરફાને સોદાની ડીલ ફાઈનલ કરી. રૂપિયા પંદર હજાર મારા હાથમાં મુક્યા. ગાડી અને ગાડીના ડોક્યુમેન્ટસ લઇ ગયો. બે-ત્રણ દિવસે કાર ટ્રાન્સફર ફોર્મમાં સહી લઇ ગયો. બે -ત્રણ હપ્તા સમયસર ચુકવ્યા. પછી યાયાવર પક્ષી થઇ ગયો કે શું? ફોન કોલ કરૂં તો લાળા ચાવે અને ફોન કોલ્સ રિસિવ ન કરે! જે માણસ તેની માસૂમિયત, સંસ્કારી વિનયશીલ વ્યવહારથી હું જીતાઇ ગયેલ. જે માણસ અડધી રાતે કામ આવવાની કે પગની ચામડીના જૂતા સિવડાવવાની હૂલ આપતો હતો તે અડધી રાતે તો ઠીક પણ ધોળા દિવસે અમાસનો ચાંદ થઇ ગયો તેની ફરિયાદ કોને કરવી તેની વિમાસણ છે!!!
(સત્ય ઘટના પર આધારિત. કથા બીજ શ્રી ઇ.પી. દેસાઇ. ગાંધીનગર)વાર્તા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button