મિજાજ મસ્તી : અલગ અવતરણ ગંગા….‘શબ્દો મેં ડૂબ ગયા સો પાર’

-સંજય છેલ
ટાઇટલ્સ
ચ્યુંઇગ-ગમની શોધ ચૂપ રહેનારાએ જ કરી હશે. (છેલવાણી)
રેલ્વેના પાટા પર એક માણસ આપઘાત કરવા માટે સૂતેલો ને દૂરથી ‘ગાડી બૂલા રહી હૈ સીટી બજા રહી હૈ..ચલના હી ઝિંદગી હૈ, ચલતી હી જા રહી હૈ..’ ગીત રેડિયો પર વાગવાનું શરૂ થયું. ગીતના શબ્દો સાંભળીને માણસ ઊભો થઇ ગયો ને જીવનમાં પાછો ફરેલો…
આ સાચો કિસ્સો, એ ગીતના ગીતકાર સ્વ.આનંદ બક્ષીએ કહેલો. એનો પત્ર પણ બક્ષીએ મને દેખાડેલો. ઘણીવાર એક કવિતા કે એક વાક્ય આખેઆખા માણસને બદલી નાખે છે. જીવનના ખરાબ તબક્કામાં કોઇ આઇ લવ યુ, યુ આર ધ બેસ્ટ! એમ કહે તો બીજા 100 વરસ જીવવાનું ટોનિક મળી જશે!
હમણાં લાઇબ્રેરી ફેંદતા, એક જૂનું પુસ્તક જડી આવ્યુ વીસમી સદીના પચાસ અવાજ (એમેરી કોલન). આ પુસ્તકમાં 50 મહાન કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકો, સંગીતકારો અને નેતાઓના કેટલાંક યાદગાર અવતરણો છે. હું જાણી જોઇને એને કહેનારના નામ નથી આપતો, કારણકે નામ વાંચીને વાતને જોવાની આપણી દૃષ્ટિ બદલાઇ જતી હોય છે.
દાખલા તરીકે ગાંધીજીએ અમુક વાત કહી હોય તો એમ થાય કે ‘ઠીક છે, એક મહાત્મા માટે આવું કહેવું સહેલું છે, આપણને એ ના લાગુ પડે!’ માટે આ ક્વોટેશન કોણ કહી ગયું છે એ નહીં પણ એ લોકો શું કહી ગયા છે એના પર ધ્યાન આપજો.
*જ્યારે માણસ સુંદર છોકરી સાથે એક ક્લાક ગાળે ત્યારે એ કલાક એક ક્ષણ જેવો લાગે
છે, પણ અગ્નિ પર એક ક્ષણ ગાળે ત્યારે એ કલાકથી પણ વિશેષ લાગે છે. સાપેક્ષતા
આને કહેવાય… (આઇન્સટાઇન)
*શસ્ત્રો કરતાં શ્રદ્ધા જ મહત્ત્વની છે…
*પ્રામાણિક હોવું એ સારી વાત છે, પણ સાચા હોવું એ વધારે મહત્ત્વનું છે..
*દુનિયાના ખરાબમાં ખરાબ રોગોમાં જો કોઇ રોગ હોય તો તે અહમનો છે…
*મારી પ્રયોગશાળામાં હું કદીયે પુસ્તકોને લઇ જતો નથી અને એની જરૂર પણ નથી.
*વિજ્ઞાનમાંથી પૈસા બનાવવા એને હું નકારું છું અને મારી પ્રતિભા વેચવા માટે નથી…
*કવિતા જિંદગીને સહેજ વધારે વહાલથી જુએ છે…
*તમારે સંગીતને સારી રીતે સમજવું હોય તો એને સાંભળવું, એનાથી વિશેષ કશું નથી…
*એ તો જાણીતી હકીકત છે કે એકવાર હું જન્મ્યો હતો !
ઇંટરવલ
વો લડકી ક્યા ટ્રેન સે ઉતર ગઇ,
લગા કી પૂરી ટ્રેન હી ખાલી હો ગઇ! (શરદ જોશી)
આ ક્વોટેશન કિતાબમાં અમુક અવતરણો આત્માને અડી જાય છે અને અમુક મનને મચલાવી મૂકે છે. ક્યાંક પીછું છે તો ક્યાંક તીર…
*તમે ધારીધારીને પ્રાણીઓ જુઓ, પછી એ બિલ્લી હોય, કૂતરો હોય કે પંખી હોય.
એ લોકો બધા બરાબર છે. એમને કોઇ સંકોચ નથી. એમને શું કરવું અને કેમ વર્તવું
એનો ખ્યાલ છે. એ લોકો ખુશામત કે ઢોંગ નથી કરતા. એ જેવા હોય છે તેવા છે…
*પાર્લમેંટે શાસન ન ચલાવવું જોઇએ પણ લોકોએ પાર્લમેંટ દ્વારા શાસન ચલાવવું જોઇએ…
*આખી જિંદગી હું નિયમિતપણે સવારે ચાર વાગ્યે જાગ્યો છું. જંગલમાં ફર્યો છું. ઇશ્ર્વર
સાથે વાતો કરી છે એણે મને આખા દિવસ દરમિયાન શું કરવું એની આજ્ઞા આપી છે…
*હું નાના અમથા શિંગના દાણા સાથે પણ વાત કરું છું અને એ એનું રહસ્ય મારી પાસે
પ્રગટ કરે છે…
*મારી પાસે લોહી, શ્રમ, આંસુ અને પરસેવા સિવાય આપવા જેવું કશું નથી…
*હિટલર, તારાથી જેટલું અધમ થાય તેટલું તું કરી લે અને અમારાથી જેટલું ઉત્તમ થાય
એટલું અમે કરી લઇશું!
*બહાદૂરી એ શરીરનો નહીં. આત્માનો ગુણ છે… આપણે પ્રભુથી ભય પામશું તો
માણસથી ભય નહીં પામીએ…
*વાણીના સ્વાતંત્ર્યથી વિશેષ અદ્ભુત કશું જ નથી…
*પ્રાર્થનાને વાણીની જરૂર નથી…
*લોખંડી સાંકળ કરતાં સોનાની સાંકળ વધારે ખરાબ છે…
*સત્ય હમેશાં ખુલ્લેખુલ્લી રીતે કહેવાતું નથી પણ એ કોઇક ને કોઇક રીતે પ્રગટ તો થાય જ છે…
*પ્રેમ માટે પૃથ્વીથી વધારે સારી જગા કઇ?
*અડધી દુનિયા એવા માણસોની બનેલી છે કે જેમને કશુંક કહેવું છે અને કહી શકતા નથી.
બાકીની અડધી દુનિયા એવા માણસોથી ભરેલી છે કે જેમને કશું કહેવાનું હોતું નથી છતાં
કહ્યા કરે છે…
*એકાંત એ જ સાચી સ્વતંત્રતા છે…
*જ્યારે માણસ પોતાની જાતને ગંભીરતાથી લેતી નથી ત્યારે જ સાચા રમૂજનો પ્રારંભ
થાય છે…
*જિંદગી કેવળ વિતેલી ગઇકાલોથી બનતી નથી…
*અશાંતિના સમયમાં માણસ થવું એના કરતાં શાંતિના સમયમાં કૂતરા થવું વધુ સારું છે…
*માણસ મૃત્યુ પામે છે. રાષ્ટ્રનું ઉત્થાન કે પતન થાય છે, પણ વિચાર જીવી જાય છે.
વિચારને કદી મૃત્યુ નથી હોતું…
*આપણા પ્રશ્ર્નો એ મનુષ્યે ઊભા કરેલા પ્રશ્ર્નો છે.એટલે માણસ જ એને ઉકેલી શકે…
*સ્વર્ગના પંખીને ન પકડી શકો તો ધરતી પરની મરઘીને તો તમારી કરો…
*ઇતિહાસ એ કાંઇ ઘોડો નથી કે એને તમે ચાબુક મારીને ચલાવી શકો…
*ગુલામ થવું એના કરતાં મરી જઇને કબરમાં દટાવું એ વધુ સારું છે…
*ભૂતકાળ એ બીજું કશું નથી પણ એ રાખની છાબડી છે…
*પ્રામાણિક શાળા વિના પ્રામાણિક સરકાર અશક્ય છે અને અપ્રામાણિક સરકાર જે
શાળાઓ આપે છે એ ગેરકાયદે છે…
એંડ ટાઇટલ્સ
ઇવ આજે કયો વાર છે?
આદમ રજા-વાર!
આપણ વાંચો : મિજાજ મસ્તી : પીંછાથી છાતીમાં છૂંદાતી કથા: `ધ વેજિટેરિયન’