મિજાજ મસ્તી : દર્દનાં દરિયા તરનારા કથાકારોની કથા
-સંજય છેલ
ટાઇટલ્સ:
સાચી કળા સાચું બોલે. (છેલવાણી)
બોલિવૂડનો મોટો સ્ટાર ડિપ્રેશન કે હતાશામાં ડૂબેલો હતો. એ સ્ટારને સતત લાગતું કે :
‘જીવનમાં બધું જ હોવા છતાં કશું જ નથી’. ત્યારે નિર્દેશક અને પાર્ટટાઇમ ફિલોસોફર મહેશ ભટ્ટે સલાહ આપેલી: ‘તું તારા વિચારો, મનની સ્થિતિ, જે કંઇ અનુભવે છે એ કાગળ પર ઉતાર. ‘લખવું’ એ પણ એક થેરેપી છે.’
ખરેખર?
‘જેની પાસે બધું છે’-એ જો લખીને સાજો થાય તો ‘જેની પાસે કશું નથી’ એ શું કરે? જેણે પેટ ભરવા ઉકરડા ફેંદ્યા હોય..પોતાની માના શરીરનો સોદો સગા બાપ દ્વારા કરાતો જોયો હોય, જેણે પોતાની માને પૈસા માટે નાના ભાઇને વેંચતી જોઇ હોય…એ પણ દર્દનો દસ્તાવેજ લખી શકે?
જી હા. દારિદ્રતા, દુ:ખ, કરુણતા અને લાચારી જીરવીને પણ નામ કાઢ્યું હોય એવા લેખકો પણ જગતભરમાં હોય છે.
મરાઠી લેખક લક્ષ્મણ ગાયકવાડ પેટ ભરવા ઉંદર જેવા નાના-મોટા પ્રાણી, ઝાડના મૂળિયાં-પાંદડાંઓ ખાઇને જીવતા. ક્યારેક અઠવાડિયા સુધી ફક્ત પાણી પર જીવતા. જીવનમાં ખોરાક નહીં, કપડાં નહીં, પુસ્તકો નહીં…માત્ર સતત અપમાન ને ભરપૂર માર મળ્યો ને તોયે લખતા રહ્યા.
હિંદીના જબરદસ્ત લેખક શૈલેષ મટિયાણી, લગભગ આખી જિંદગી મુંબઈની ફૂટપાથ પર જીવ્યા. ગુરૂદ્વારાનાં લંગર કે મંદિરોમાં ભંડારામાં મફત ભોજનની લાઈનમાં ભટકતાં. એમને ફૂટપાથ પર એંઠવાડ કે અવહેલના મળ્યાં. નાનપણમાં પોલીસવાળા રખડતા બાળક તરીકે પકડી જતા ત્યારે શૈલેશજીને થતું: ‘હાશ, જેલમાં સૂવા અને બે ટંક ખાવાનું તો મળશે!’
શૈલેશજીએ રેકડી કે ઢાબા પર વાસણો ધોયા, સ્ટેશન પર કૂલી હતા. જે હિંદી મેગેઝિન ‘સારિકા’માં એમની પહેલી વાર્તા છપાયેલી એ જ ‘સારિકા’ની ઓફિસ સામે ફૂટપાથ પર જ ચાનાં બાંકડે શૈલેશ વેઇટર હતા! ‘નૌકર કી કમીઝ’ જેવી યાદગાર નોવેલ લખનાર શૈલેશ મટિયાણી, હિંદી સાહિત્યમાં અમર છે, પણ એમનું જીવન દુષ્કર હતું.
આ પણ વાંચો : ટ્રાવેલ પ્લસ : કુદરતનું ઐશ્વર્ય – હિમાચલ પ્રદેશની બાસ્પા વેલીમાં આવેલું ભારતનું છેલ્લું ગામ ચિતકુલ
એવી જ રીતે અત્યારે કેરળની લેખિકા ધનુજાકુમારી ‘હરિથ કર્મસેના’ એટલે કે ‘કચરા વ્યવસ્થાનાં ખાતા’માં સફાઇ કામદાર છે. તિરુવનંતપુરમની ‘ચેંગલચૂલા ઝૂંપડપટ્ટી’માં રહે છે, જે ગંદકી, ગુનાખોરી, વેશ્યા-વ્યવસાય, ડ્રગ્સ, ખૂનામરકી માટે ‘બદનામ બસ્તી’ છે. ૧૦ વર્ષ પહેલાં ધનુજાએ ઝૂંપડપટ્ટી વિશેની વાર્તાઓ લખેલી ત્યારે એણે સપનાંમાંયે વિચાર્યું નહોતું કે કદીક એનું પુસ્તક ‘કલિકટ યુનિવર્સિટી’માં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવશે! એ બિચારી કોઈ સપનું પણ ક્યાંથી જુવે? ભૂખે પેટે ગંધાતી ઓરડીમાં નીંદર આવે તોને?
૧૦ વર્ષમાં ધનુજાનાં પુસ્તકની પાંચ આવૃત્તિ આવી છે. ધનુજા હવે ચેંગલચુલા ઝૂંપડપટ્ટીની ઓળખ બની ગઇ છે. અગાઉ એ બદનામ બસ્તીથી લોકો દૂર ભાગતા, પણ હવે ધનુજાનાં પુસ્તકોને કારણે ત્યાંની વરવી વાસ્તવિકતા અને લાચારીને સમાજ સમજતો થયો છે.
એક પત્રકારે ધનુજાનાં પુસ્તક ‘ચેંગલચૂલામાં મારું જીવન’ પર ઓટોગ્રાફ માંગ્યો ત્યારે એણે લખ્યું :
ભલે પધાર્યા, ‘પ્રતિકાળ’(ગુનેગારો)ની નહીં પણ ‘પ્રતિભાકાળ’(જીનિયસ)ની શોધમાં…’ અહીં બે જ વાક્યમાં જાલિમ જીવન અને લોહી નીતરતા લેખનનો નિચોડ છે. જે સુખાળવી સામાજિક કે સસ્પેંસ નવલકથાઓમાં ચાલુ ચિંતનમાં કે ગુલાબી ગઝલોમાં ક્યાંથી હોય?.
ઇંટરવલ:
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજા કંપાવતી છે, અમારી ભયકથાઓ (મેઘાણી)
ચીનના શેનયાંગ શહેરમાં ૭-૮ વર્ષનો શુઆંગ, ફેક્ટરી કામદાર મા- બાપનું સંતાન. એક દિવસ અચાનક, મા-બાપે કામ પર જવાનું બંધ કરી દીધું. પછી મોટું ઘર છોડીને અવાવરૂ ફેક્ટરીના ગોદામમાં રહેવા આવવું પડ્યું. શુઆંગની સ્કૂલ છૂટી ગઇ, મા-બાપે રોડ પર ચાની રેકડી માંડી.
નાનકડો શુઆંગ, સમજણો થયો ત્યાં સુધી એક જ વાત વિચારતો કે એના મા-બાપ પર અચાનક એવી તે કઇ આફત આવી પડેલી? કારણ કે શુઆંગ ઉછરેલો એ શેનયાંગ શહેર તો એક ખુશખુશાલ ઔદ્યોગિક શહેર હતું, જ્યાં તોતિંગ ફેક્ટરીઓ, સ્કૂલ-કોલેજો, હોસ્પિટલ્સ, સિનેમા થિએટરો હતા તો અચાનક થયેલું શું?
ખરેખર તો ૧૯૯૦ના દાયકામાં ઉત્તરપૂર્વીય ચીનનાં લાખો લોકો સાથે આવું જ કઇંક બનેલું. ત્યારની ચાયનીઝ સરકારે, અચાનક આર્થિક ફેરફારો કર્યા અને ચીની નેતાઓએ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવાનું શરૂ કર્યું.
પછી શેનયાંગ શહેર પત્તાનાં મહેલની જેમ ભાંગી પડ્યું. લાખો લોકોની રોટી રાતોરાત છીનવાઇ ગઇ. ચારેબાજુ ગરીબી અને ચોરી, લૂટફાટનો આતંક. ત્યારે કોઇ પાડોશી કે સગાવ્હાલા કે મિત્રો અચાનક ગાયબ થઈ જતા! એ લોકો કાં તો આપઘાત કરતા કે પછી ખૂબ દેવું કરીને ભાગી જતાં. નાનકડો શુઆંગ આવી ભયાનકતાની વચ્ચે મોટો થયો.
ગ્રેએજ્યુએટ થઇને પછી બેંકની નોકરી તો કરી, પણ ત્યાં તરત કંટાળી ગયો. ત્યારે દિશાહીન શુઆંગે, શેનયાંગ શહેરની સામૂહિક બેરોજગારી અને તબાહીની ક્રૂર, કડવી, કરૂણ પણ સાચી વાર્તાઓ લખવા માંડી. ૪૦ વર્ષનો શુઆંગ આજે ચીનનો સૌથી સફળ લેખક છે. એની વાર્તાઓનાં પાત્રો, બાળપણનાં પડોશીઓની જેમ અચાનક જ ‘આવજો’ કહ્યા વિના અદૃશ્ય થઈ જાય છે….કે પછી આપધાત કરે યા તો કોઇનું ખૂન! આ છે- કોળિયો છીનવાઇ જવાથી થતું ક્રાઇમ!
આજે ચીનમાં ફરી આર્થિક મંદીનો દોર છે એટલે શેનયાંગ શહેરની ૨૦૦૦ના સાલની બેરોજગારી-ગરીબીની વાર્તાઓ, આજે ૨૦૨૪ના યુવા-વાચકને પણ પોતાની વાત કે વેદના લાગે છે. શેનયાંગ જેવા ખતમ થયેલ શહેર વિશે ચાઇનીઝમાં ફેડેડ ફેક્ટરી ટાઉન’નામની કરૂણ ટી.વી. સીરિયલ ખૂબ ચાલેલી એટલે જ હવે ચીની ફિલ્મવાળાઓ, શુઆંગની વાર્તાઓ પરથી મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મો બનાવે છે.
ઘણીવાર ગ્લેમરસ સિનેમાની ચમકદમક, શેરબજારનાં સોદાઓ કે જમીનની લેં-વેંચથી પણ માનવીય વેદનાની સળગતી કથાઓ, દિલને વધુ સ્પર્શી શકે છે. પણ હા, શર્તે લાગુ: જો તમારી સંવેદના પર ચરબી ના જામી હોય તો જ.
એંડ-ટાઇટલ્સ:
આદમ: તેં ક્યારેય વેદના અનુભવી છે?
ઈવ: તને મળ્યાં પછીને?