મિજાજ મસ્તી : જીવન નામે ચમત્કાર….. આ દુનિયામાં છે એક અજીબ દુનિયા !

સંજય છેલ
ટાઇટલ્સ:
અજ્ઞાનમાં સુખ છે, જેને જલ્દી જાણવામાં મહાસુખ.(છેલવાણી)
આઇન્સ્ટાઇન જેવા મહાન માણસને કોઇએ પૂછેલું :
‘તમારું જ્ઞાન કેટલું?’ ત્યારે તેમણે દરિયા કિનારાની રેત ઉપાડીને કહેલું:
‘આ રેતીના કણ જેટલું!’
હવે આ વાત થઈ એ વખતે એ દરિયા કિનારેથી થોડે દૂર હતા. જવાબ આપવા ખાસ દરિયા કિનારે ચાલીને ગયેલા એની અમને ખબર નથી! સાથોસાથ એ પણ ખબર છે કે આપણને ઘણું બધું ખબર નથી.
આ એક દુનિયામાં અનેક દુનિયાઓ વસેલી છે. ચિત્ર- વિચિત્ર માણસો અને વાતોથી ભરેલી. આ જાલિમ જગતમાં પ્રેમ, પરમાત્મા કે પોલિટિક્સની જેમ ના સમજાય એવી ઘણી ઘટના બનતી રહે છે, જે દિમાગની બત્તી ગુલ કરી નાખે છે. એવી જ વિચિત્રતાવાળી વાતોથી ભરપૂર માહિતીની કિતાબોમાંથી કેટલીક એવી વાતો જાણવા મળે છે કે આપણી આંખો તો શું આપણે આખેઆખા પહોળા થઇ જઇએ, જેમ કે….
એક વાર કેલિફોર્નિયામાં એક સ્ત્રી રસોઈ બનાવી રહી હતી. અચાનક ગેસના ચૂલામાંથી વિચિત્ર પ્રકારના સંગીતનો અવાજ સંભળાયો. ગીત પૂરું થતાં જ તે અવાજ બંધ થયો! આ ચૂલાના અવાજનું રહસ્ય હજી અકબંધ છે!
(કદાચ ત્યાં પણ ગેસ સિલિંડરના ભાવ વધ્યા હશે એ વિશે ગેસના ચૂલામાંથી સરકાર સામે આક્રોશ વ્યક્ત થતો હશે?)
આ બીજી વાત જાણો, હોનોલૂલૂથી 75 માઈલ દૂર જે ટાપૂ પર નહિલી નદીના કિનારે એક 90 ફૂટ ઊંચી અને અડધો માઇલ લાંબી પહાડી છે. નવાઈની વાત એ છે કે આ પહાડીમાંથી કૂતરાં ભસવાનો અવાજ આવ્યા કરે છે. રાતના અંધારામાં કે કુદરતી કોપ જેવા સમયે આ અવાજ ખાસ સંભળાય છે. બાળકો આ અવાજથી ડરી જાય છે તેથી એમને આ પહાડીથી ખાસ દૂર રાખવામાં આવે છે! એવું પણ નથી કે નજીકના કોઈ ગામનાં કૂતરાં ભસતાં હોય અને તેના પડઘા અહીં પડતા હોય! આજ સુધી કૂતરાં ભસવાના અવાજનું રહસ્ય ઉકેલાયું નથી. (જોકે આપણાં ગામ શહેરમાં તો રોજ કૂતરાં ભસે છે, સો વ્હોટ?)
બીજી બાજુ, સ્પેનનો એક યાત્રી એન્ટેનિયો ડી. અકલોઆ જયારે સાથીઓ સાથે એન્ડ્રીઝ પર્વતશૃંખલાઓ પાર કરી રહ્યો હતો ત્યારે પાંચમા પર્વતની ટોચ પાસે એણે સંગીત સાંભળ્યું. સંગીત સાંભળી એ બધા એવા ડરી ગયા ને ભાગવા માંડ્યાં (સંગીત એટલું ખરાબ હશે? કે કોઇ ફિલ્મના ગીતનું બેહૂદું રિ-મિક્સ સોંગ હશે?)
નીલ નદીને પાર કારન ખંડેરોમાં પથ્થરની બે મૂર્તિ એક બીજી સામે ઘૂરકયા કરતી હોય તેમ આમને સામને થોડા અંતરે ઊભી છે. આ બેમાંથી એક મૂર્તિ ચૂપ છે, પણ બીજીમાંથી કોઈક વાર કંઇક બોલવાનો અવાજ આવે છે. પથ્થરની મૂર્તિ શા માટે અને કઈ રીતે બોલે, શું બોલે છે એને જાણવા ખૂબ તપાસ ચાલી પણ રહસ્ય ઊકલ્યું નથી. (હોઇ શકે કે પેલી ચૂપ રહેલી મૂર્તિ, પતિની હોય ને બોલતી મૂર્તી પત્નીની હોય!)
ઇન્ટરવલ:
દો જાસૂસ, કરે મહેસૂસ યે દુનિયા બડી ખરાબ હૈ!
(દો જાસૂસ-ફિલ્મ)
શિકાગોમાં એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી કે તે પોતાના રસોડાનું બારણું ખોલે છે કે તરત તેમાંના વિદ્યુત ચૂલામાંથી ખાસ સંગીત આવે છે અને વળી દરવાજો બંધ કરતાં જ સંગીત બંધ થઈ જાય છે.
એન્જિનિયરોએ ખૂબ તપાસ કરી પણ નજીકમાં કયાંય શોર્ટવેવ ટ્રાન્સમીટર કે રેડિયો પકડાયાં નહીં! (શું એ બહેન રસોડામાં રાંધવા ના જવા માટે આવા બહાના બનાવતી હશે? કે આપણે ત્યાંની ટીવી સિરિયલના રસોડે મેં કૌન થા જેવા વાઇરલ ગીતની શરૂઆત ત્યાં થઇ હશે?)
નાઈજીરિયાની એક સ્ત્રીએ ફરિયાદ કરી કે એના બાથટબમાંથી કોઇનો ગીત ગાવાનો અવાજ આવે છે. (બાથરુમ સિંગર જોયા છે, પણ બાથટબ સિંગર પહેલીવાર સાભળ્યું, હોં!)
આપણ વાંચો: વિશેષ પ્લસ : વિશ્વના પ્રાચીન ગ્રંથોની ધરા તો ભારત છે તો… આપણે સર્જનાત્મક સુપરપાવર કેમ નથી?
એલવર્ટાના એક ખેડૂતનું કહેવું છે કે તે પોતાના કૂવા પર ઢાંકેલી પતરાની ચાદરને હટાવે છે ત્યારે કૂવાના તળિયેથી સંગીત સંભળાય છે. પોલીસને શંકા ગઈ કે કયાંક રેડિયો છુપાવેલો હશે જેથી એમણે તસુએ તસુ જમીન જોઈ. આડોશ પાડોશના રેડિયો પણ જપ્ત કરી લીધા. આમ છતાં ચાદર હટાવતાં કૂવામાંથી સંગીત વાગતું જ રહ્યું. (હોઇ શકે કે પોતાના હક માટે આંદોલન કરવા ત્યાંના ખેડૂત આવા નવા નવા અખતરાં કરીને પોલીસ અને લોકલ સરકારને હેરાન કરતા હશે?)
સેંટ લૂઇસ નામના શહેરની એક હોટેલમાં ભવ્ય ડિનરનું આયોજન કરવામાં આવેલું. ત્યારે ત્યાંની ઓર્કેસ્ટ્રાવાળા સંગીતકારોએ જેવા પોતાનાં વાજિંત્રો ઉઠાવ્યા કે એમાંથી લાઇવ-તાજા સમાચારો પ્રસારિત થવા માંડ્યા…! ઘણી માથાકૂટ કરી પણ સમાચારો ના જ અટક્યાં અને ગ્રાંડ ડિનરનો પ્રોગ્રામ ફેલ ગયો! (એમાંયે જો સમાચારોમાં અર્ણબ ગોસ્વામી જેવા ન્યૂઝ-એંકરની રાડારાડ સંભળાતી હશે તો લોકો અડધું ખાવાનું મૂકીને ઊભી પૂંછડિયે ભાગ્યા હશે! અથવા તો ત્યાંની સરકારે નક્કી કર્યું હશે કે ઇલેક્શન નજીક આવે છે એટલે સરકારી કાર્યના પ્રચારવાળા સમાચાર સિવાય બીજું કાંઇ જ વાગવું ના જોઇએ.. પિયાનો કે પીપૂડી પણ નહીં!)
આ જગતમાં કેવું… ક્યારે… શું કામ? થાય છે એ હજી કોઇને સમજાયું નથી! એકદમ આપણાં કે વિશ્વના વિચિત્ર રાજકારણ જેવા જ છે આ દુનિયાનાં વણઉકેલ્યા રહસ્યોનું!
એંડ ટાઇટલ્સ:
આદમ: મને તું સમજાતી નથી!
ઈવ: લે! એ છેક હવે સમજાયું?