ઉત્સવ

આનેવાલા પલ, જાનેવાલા હૈ… એમ? આ તો ખબર જ નહોતી, લ્યા!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઈટલ્સ:
જૂની ડાયરી ને શાયરી વાંચવાથી દુ:ખ જ મળે. (છેલવાણી)
એક લેખક મહિલા જ્યોતિષ પાસે ગયો. બારણું ખોલતાંવેંત જ પેલીએ કહ્યું,

‘તમે લેખક છોને?’

લેખક તો ગદ્ ગદ્! ઘડીભર એવો પોરસાયો કે ‘વાહ! ‘લેખક’ તરીકે આમણે મારું નામ તો સાંભળ્યું છે!’

(જોકે એણે જ એપોઈન્ટમેન્ટ લીધેલી એટલે નામ તો ખબર જ હોયને? પણ લેખકો બહુ ભોળાં…)

જ્યોતિષાણીએ પૂછ્યું : ‘લખવા અંગે ચિંતિત છોને?’ અને પછી તાશનાં પત્તા કાઢયા. લેખકને એમ કે હવે પેલી એમને તીન પત્તી રમાડશે એટલે ખિસ્સામાંથી એણેય પૈસા કાઢ્યા… પણ ના, એ જુગારનાં રમવાનાં નહીં, પણ ભાવિ ભાખનારા ‘ટેરો-કાર્ડઝ’ હતાં.

લેડી-જ્યોતિષે ટેરો-કાર્ડ્ઝ જોઇને કહ્યું, ‘સારા સમાચાર એ છે કે તમારા લેખો, વાચકોને ગમશે પણ ખરાબ સમાચાર છે કે’

‘શું શું છે?’

‘ખરાબ સમાચાર એ કે…દર અઠવાડિયે તમારે જાતે લેખ લખવા પડશે!’

એક લેખક માટે આનાથી વધુ ખરાબ શું હોઈ શકે કે નિયમિત લખવું પડે? (આ પીડાને માત્ર ‘જાતે લખતા લેખકો’ને જ સમજાશે.)

‘ભલે લખીશ..પણ લખવામાં પૈસા તો સારા મળશેને?’, લેખક હવે ધંધા પર આવ્યો.

‘સોરી, ‘મૃત્યુ’ કે ‘ગુજરાતી લેખનમાં પૈસા’ જેવા મનહૂસ વિષય પર જ્યોતિષોને બોલવાની શાસ્ત્રોમાં મનાઇ છે!’

શું છે કે વાર્ષિક કે સાપ્તાહિક ભવિષ્યવાણીઓ, ટેરોકાર્ડથી ભાવિ જોવું એ બધી બહુ ઇંટરેસ્ટિંગ કળા છે. જોકે, હમણાં મુંબઈની એક ટેરો-કાર્ડ વાંચતી જ્યોતિષાણી સાથે કોઇ મોરલો કળા કરી ગયો. બન્યું એવું કે ટેરો-કાર્ડ જ્યોતિષાણીએ શૅરબજારમાં રોકાણ અંગે ‘ફેસબુક’ પર જાહેરાત જોઈ, જેમાં એક લિંક આપેલી. ‘નાજુક નજૂમી’ ઉર્ફ જ્યોતિષાણીએ, પેલી લિંક પર ક્લિક કર્યું ને કોઇ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગઇ, જેના ગ્રૂપલીડર મિસ્ટર કેર્સી તાવડિયાને એની આસિસ્ટંટ રાશિ અરોરા, ગ્રૂપમાં માર્ગદર્શન આપતા કે ‘કયા શૅરોમાં રોકાણ કરવું, જેથી પૈસા ડબલ થઇ શકે’ જ્યોતિષાણીએ કેર્સી તાવડિયા અને રાશિ અરોરાની ‘રાશિ’ વિશે તપાસ કર્યા વિના જ ઝંપલાવ્યું અને પૈસાનું અંધાંધૂંધ આંધણ કરવા માંડ્યું.

હવે શરૂઆતમાં થોડો નફો થયો એટલે એસ્ટ્રો મહિલાએ દે ધનાધન ભારે રોકાણ પર રોકાણ કરવા માંડ્યું. પછી કેર્સી રાશિ મંડળીએ વધારે નફો મેળવવા પેલીને કોઇ ‘રાજપૂતાના કંપની’નાં ઈંઙઘમાં ઇન્વેસ્ટ કરવાનું દબાણ કર્યું. જોકે જ્યોતિષાણીએ ઓલરેડી સાડા ચાર લાખની લોન લઇને રોકાણ કરી નાખેલું એટલે એણે હવે વધારે નવા સાહસ માટે ના પાડી તો પેલા કેર્સીભાઇએ ધમકી આપી કે જો કમસેકમ એક લાખ રૂ. હમણાં ને હમણાં જમા નહીં કરો તો અગાઉ ઇન્વેસ્ટ કરેલી રકમ ને એના પરનો નફો, બધું જ દંડ તરીકે જપ્ત કરવામાં આવશે!

હવે જ્યોતિષાણી તો સલવાણી!

ઇન્ટરવલ:
તકદીર ખુદ ખુદાએ લખી
પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી. (જલન માતરી)

ધીમે ધીમે જ્યોતિષાણીની એસ્ટ્રો આંખ ઉઘડી. પોતાની ‘ભૂતકાળની ભૂલ સમજાઇ’ અને ‘વર્તમાનમાં વેપાર ના કરવો’ કે ‘ભાવિમાં ભગા ના કરવા’ એ પણ સમજ્યા, જ્યોતિષાણીએ જાસ્સોર બનીને મોડે મોડે કેર્સીભાઇ અને રાશિબૂન વિશે ઇંટરનેટ પર તપાસ કરી ત્યારે ખબર પડી કે કોઇ અસલી ‘કેર્સી તાવડિયા’ નામના સજજને, જાહેર જનતા માટે મેસેજ મૂકેલો કે ‘કોઇ બીજા ’ કેર્સી બાવા’ એમના નામે લોકોને ફસાવી રહેલાં છે, બોલો!’ પણ ત્યાં સુધી જ્યોતિષાણી પર 8 લાખનો ચૂનો ચોપડાઇ ગયેલો! આમાં મજા જુઓ કે લોકોનું ભવિષ્ય ભાખનારી સ્ત્રી, પોતે જ પોતાનું ભવિષ્ય ન ભાખી શકી.

અમુક ભવિષ્યવાણીઓમાં ‘સ્વીકાર’ પણ હોય છે ને અમુકમાં ‘નકાર’. જેમ કે ‘અચ્છે દિન આયેંગે’માં 10-11 વરસથી ચાલતો આશાવાદ છે. વળી ‘અગલે જનમ મોહે બીટીયા ના કીજો’વાળી ભવિષ્યવાણીમાં નકાર છે, પણ સૌથી ખતરનાક ભવિષ્યવાણી હોય છે, આપણા ભોળપણમાં. સ્કૂલનાં ભૂલકાંઓ જ્યારે ‘ઇતની શક્તિ હમેં દેનાં દાતા’ જેવી પ્રાર્થના ગાય છે ત્યારે અંદરથી હલી જવાય છે કે આ બચ્ચાંઓને ખબર નથી કે એમની સામે આવનારી દુનિયા કેવી ‘તેઢી’ છે ને એમનો આશાવાદ કેટલો ‘સીધો’ છે! પણ આપણને મોટાંઓને ભવિષ્ય સમજાતું નથી તો બાળકોનો શું વાંક?

આજકાલ ભવિષ્યવાણીઓએ તો માઝા મૂકી છે. રસ્તા પર એકાદ ઝાડ પડી જાય તોયે લોકો ભવિષ્યવાણી કરવા માંડે કે ‘આ સરકાર લાંબી નહીં ચાલે!’ એમાંયે વળી ઇલેકશન વખતે ભાવિ ભાખનારી ન્યૂઝ ચેનલો હદ જ કરે છે. હવે તો બસ ‘સત્તાપક્ષને લોકસભામાં 543માંથી 544 સીટ મળશે’ ત્યાં સુધીની ભવિષ્યવાણી કરવાનું જ બાકી રાખ્યું.

આ પણ વાંચો…મીડિયા લિટરસિ નાગરિકોને સાચા-ખોટાનો ભેદ પારખતા શીખવતો આ જાગૃતિ કાર્યક્રમ કેટલો સફળ?

બાળવાર્તાઓમાં, આકાશમાંથી થતી ભવિષ્યવાણીઓ બહુ આવે ‘હે રાજા, ફલાણાં દિવસે, ઢીંકણાં ગામે જન્મનારો તારું મોત બનશે!’ જેવી ‘અવકાશી એનાઉંન્સમેંટ’ થાય કે રાજા બિચારો, માથાનો મુકુટ ને નીચે પાઇજામો પકડીને જુલાબથી પીડાતા પેશંટની જેમ આખી લાઇફ પેલા બાળકને શોધવામાં ભટકયાં કરે! ભવિષ્યવાણીઓ મૌસમની, રાજકારણની, ફિલ્મોની કે શૅરબજારની જ હોય એવું નથી. માર્કેટમાં ભવિષ્યવાણીઓ વિવિધ સાઇઝ ને આકારમાં અવેલેબલ હોય છે. ‘આ વખતે વરસાદ પૂરતો નહીં આવે’ એવી જાહેરાત પછી દેશમાં ભરપૂર પૂર આવે જ આવે! ‘આ વખતે ચૂંટણી પછી મોંઘવારી ખતમ થશે’ જેવી ચુનાવી ભવિષ્યવાણીઓ પછી ભાવ વધે જ! હવે તમે જ કહો, ‘આપણે મેચ જીતશું તો દેશમાં આનંદ છવાશે’-જેવી ભવિષ્યવાણીમાં શું નવું? છતાંયે આપણને ભાવિ જાણવું ગમે કારણ કે વિતેલામાં સુખ ઓછું ને ભાવિમાં સસ્પેંસ વધુ. જેમ ભવિષ્યવાણીમાં ‘ભવિષ્ય’ ઓછું ને ‘વાણી’ વધુ.

ચલો, 2025 સૌનું સારું જાય એવી છે ‘છેલ’ની (ભવિષ્ય)વાણી!

એન્ડટાઇટલ્સ:
આદમ: તારો હાથ જોઇ આપું?
ઇવ: હવે બહુ મોડું થઇ ગયું રે..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button