ઉત્સવ

અર્થતંત્રના વિકાસમાં વપરાઈ શકે તેવાંનાણાં જુગારના માર્ગે જઈ રહ્યાં છે!

શૅરબજારમાં સટ્ટાના નામે, રમ્મી સહિત વિવિધ ઓનલાઈન જુગારની રમતોના નામે, ઝટપટ પૈસા કમાવાના નામે દેશમાં કસીનો કલ્ચર સતત વધી રહ્યું છે, જે સમાજની માનસિકતાને દૂષિત કરી રહ્યું છે. વિચારો, આ નાણાંનું રચનાત્મક-ઉત્પાદનલક્ષી સાધનોમાં રોકાણ કરાય તો…

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

તાજેતરમાં મૂડીબજારની નિયમન સંસ્થા સેબી (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના ચેરપર્સન માધબી બુચે એક ધ્યાનાકર્ષક નિવેદન કર્યું હતું, એટલું જ નહીં, આ નિવેદન ચોંકાવનારુંં પણ ખરું.
તેમણે કહ્યું હતું કે લોકો શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં સોદા કરીને
વરસે રૂ.૬૦,૦૦૦ (સાંઈઠ હજાર કરોડ રૂપિયા) ગુમાવે છે. આ જ
રકમ જો રચનાત્મક-ઉત્પાદનલક્ષી સાધનોમાં જમા થાય તો અર્થતંત્રને
કેટલો લાભ થાય તેની કલ્પના થઈ શકે છે. અર્થાત્ તેમનું કહેવું છે કે
આ રકમ બૅંક ડિપોઝિટસમાં કે મ્યુચ્યુઅલ ફંડસની યોજનાઓમાં
રોકવામાં આવે તો બહુ નોંધપાત્ર ફરક પડી શકે, કેમ કે આ નાણાં આ રચનાત્મક માર્ગે ઈકોનોમીમાં આવે તો ઈકોનોમીને વેગ આપવામાં સહભાગી બની શકે.
સેબીના ચોંકાવનારા આંકડા
ખૈર, સેબીએ તેના એક ચર્ચાસ્પદ અહેવાલ મારફત બે ચોંકાવનારી વાત એ પણ કરી છે કે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ સાધનોમાં ટ્રેડિંગ કરનારા
દરેક દસમાંથી નવ જણાં નાણાં ગુમાવે છે અને કેશ -ઈક્વિટી
માર્કેટમાં ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ કરનારા દરેક દસમાંથી સાત જણાં નાણાં ખોઈ નાંખે છે. અલબત્ત, આ ખોનારા લોકો બદલાયા કરે છે, પણ તેનો
રેશિયો જુઓ તો બહુ મોટો છે. તો પછી પણ શા માટે લોકો આવા ટ્રેડિંગમાં પડે છે? એ સવાલ થવો સ્વાભાવિક છે. કારણો ઘણાં છે, જેમાં મુખ્યત્વે ઝટપટ કમાવાની લાલસા કેન્દ્રમાં રહે છે. આ નાણાં આટલા બધાં લોકો ગુમાવે છે તો એ જાય છે કયાં? કોઈ કમાતું પણ હશે. હા, આ નાણાં
આખરે તો કોઈને કોઈ સટોડિયાઓ, ટ્રેડર્સ વર્ગને જતા હશે, જે તેની અંગત કમાણી ગણાય, આનો લાભ બજારને કે અર્થતંત્રને થાય નહીં. હા,
આવા સટ્ટાકીય સોદાઓમાંથી સરકારને ટેકસ રૂપે આવક મળે. જેમાં
પણ હવે સરકારે ટેકસ વધારવાની જાહેરાત કરી, તેથી આ આવક હજી વધશે. કિંતુ બજાર માત્ર સટ્ટાનું કેન્દ્ર બને એ ન બજાર માટે સારું, ન
અર્થતંત્ર માટે. ન રોકાણકારો માટે. ન સરકાર માટે. આની ચિંતા
સરકારને હોવી જોઈએ અને છે પણ ખરાં. કિંતુ તેનું નક્કર પરિણામ
આવતું નથી. જેમાં મહદઅંશે લોકો પણ જવાબદાર ખરાં. પરિણામે
હાલ તો શૅરબજારમાં આવા સાધનોમાં થતા સોદાઓ માર્કેટને કસીનો બનાવી બેઠાં છે.
ઓનલાઈન ગેમિંગના નામે
આ વાત થઈ શૅરબજારની, આ ઉપરાંત દેશમાં હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતી રમ્મીની ઓનલાઈન રમત પણ બહુ મોટો કસીનો બની રહી છે. એક થી એક સેલિબ્રિટીઝ આવી ઓનલાઈન જુગારની પ્રવૃત્તિ માટે પ્રચાર કરે છે ત્યારે તેમને તો અઢળક નાણાં મળે જ છે, કિંતુ તેઓ પોતે કયારેય આ ઓનલાઈન જુગારમાં પડતા નથી. જાત-જાતની રમ્મીના નામની રમતના નામે ઓનલાઈન માર્ગે દેશભરમાં જુગાર ચાલે છે. આના પ્રચારકાર્યમાં ઈરાદાપૂર્વક સામાન્ય માણસોને આકર્ષવા કે લલચાવવા નાના-મધ્યમ વર્ગના સ્ત્રીઓ-પુરુષોને પણ પૈસા ચુકવીને ચોક્કસ વાતો બોલાવવામાં આવે છે, જેઓ કોમન મેન તરીકે સીધા સાદા બીજા કોમન મેનને વધુ અસર કરે છે. આ ગેમિંગ કંપનીઓ એટલી ચાલાક છે કે તેણે વિવિધ ભાષાઓના લોકોને પણ આ પ્રચાર કાર્યમાં લગાડ્યા છે, જેમાં સાવ અભણ દેખાતા લોકો પણ પોતે રમ્મી રમીને લાખો રૂપિયા કમાયા હોવાના દાવા કરે છે. રમ્મી ઉપરાંત પણ ઘણી ગેમિંગ કંપનીઓ લોકોને પૈસાની લાલચમાં ડુબાડી રહી છે. આ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ વાસ્તવમાં કયાં કેટલી અને કેવી નાણાકીય ગરબડો કરતી હશે એ તો ઈશ્ર્વર જાણે. બાકી પ્રજા તો પૈસાના નામે લૂંટાતી હશે એ પ્રજા પોતે જાણે.
અર્થતંત્રના કામમાં ન આવતાં નાણાં
નવાઈની અને આંચકાજનક વાત એ છે કે આ બધું છડેચોક જાહેરમાં બેધડક ચાલે છે. તેનાં પર જીએસટીની આવક સરકારને થાય છે, કિંતુ લોકોના નાણાં કોને જાય છે? પંટર અને ચાલાક લોકોને જાય છે. આ ગેમ પ્લાનર લોકોને જાય છે. આમાં કેટલાંમાંથી કેટલા કમાય છે અને કેટલાં ગુમાવે છે એના આંકડા ન સેબી પાસે છે, ન રિઝર્વ બૅંક પાસે છે. અરે, સરકાર પાસે પણ નથી. જો કે આ ઓનલાઈન કસીનો ભારતભરમાં
બિનધાસ્ત (સત્તાવાર) ચાલે છે. આ નાણાં પણ અર્થતંત્રને કોઈ કામમાં આવતા નથી. આમાં ગુમાવાતા નાણાં પણ આ જુગારના માર્ગે ફંટાવાને બદલે રચનાત્મક માર્ગે બચત-રોકાણ સાધનોમાં આવે તો વિચારો ઈકોનોમીને કેટલો લાભ થાય, પરંતુ આ બધી ચિંતા કોને છે? અહીં પણ મૂર્ખાઓ, લાલચુઓ અને ઝટપટ કમાવાની લતમાં પડેલા લોકો જ વધુને વધુ સામેલ થાય છે.
જુગારી બનતી પ્રજાની માનસિકતા
ઈન શોર્ટ, દેશની પ્રજા પૈસાના નામે કે પૈસાની લાલસાએ એક એવા એડિકશનનો ભોગ બનતી જાય છે, જે સિગારેટ, દારૂ, ડ્રગ્સના વ્યસન સમાન છે, આને ગંભીર અને જોખમી એડિકશન કહી શકાય. આમાં નાણાં ગુમાવતા સામાન્ય માણસોનો પણ અભ્યાસ થવો જોઈએ. કારણ કે
આવા અબજો રૂપિયા દેશના અર્થતંત્રના વિકાસને બદલે સંસ્કૃતિના
વિનાશમાં લાગી રહ્યા છે. જેમાં પણ યુવાવર્ગ સૌથી વધુ ધકેલાઇ રહ્યો છે. પ્રજાની માનસિકતામાં વગર મહેનતે નાણાં કમાવાની ગેરવાજબી
વૃત્તિ વિકસી રહી છે, જેને વિકૃતિ પણ કહી શકાય. આ વિષયોમાં
ગંભીર અભ્યાસ અને એકશનની જરૂર છે. સૌથી વધુ યુવાધન ધરાવતો આપણો દેશ યુવા ગૌરવ લઈ શકે એ માટે કાર્ય થવા જોઈએ, તેને બદલે ઘણો મોટો દિશાહીન યુવાવર્ગ આડે પાટે ફંટાતો જાય છે, જે લાંબે ગાળે સમાજ અને દેશના હિતમાં નહીં રહે. જાગો ભાઇઓ જાગો, નહીંતર જુગારી થઈ જશો… ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button