મમ્મી, યુ આર ગ્રેટ
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
શ્રી રાધેશ્યામ મહિલા સત્સંગ મંડળના પ્રમુખ જયાબહેન ભટ્ટ હવેલીમાં નંદમહોત્સવ કરાવી રહ્યા હતા. કૃષ્ણલીલાના ભજનોનો બધા નાચતા-કૂદતા આનંદ લઈ રહયા હતા. લાલાનું પારણું ઝુલાવતા જયાબહેન ભાવવિભોર થઈ ગયાં, તેમની નજર સમક્ષ મુંબઈમાં રહેતો તેમનો પૌત્ર શિવમનો ચહેરો ઉપસી આવ્યો.
જયાબહેન છેલ્લાં વીસ વર્ષથી અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ભક્તિનું આ સત્સંગ મંડળ ચલાવી રહ્યાં છે. શ્રીકૃષ્ણભક્તિના ભજનો કે શિવઆરાધના હોય, નવરાત્રિના ગરબાની રમઝટ હોય, ચંડીપાઠ કે માતાજીનીચોકી હોય કે હનુમાનચાલીસા હોય કે સુંદરકાંડ આ મંડળની સત્સંગી બહેનો યજમાનના ઘરે પવિત્ર ભક્તિમય વાતાવરણ જમાવે.વળી મંડળની કોઈ અપેક્ષા નહીં યજમાન જે કાંઈ ભક્તિભાવે આપે એ જ એમનો પ્રભુપ્રસાદ.
જયાબહેન ભાગવત્સપ્તાહ પણ યોજે ત્યારે મંડળની બહેનો સેવાકાર્યમાં અથાક્ જોડાઈ જાય. જયાબહેન દર વર્ષે મંડળની બહેનોને શ્રીનાથજી કે અંબાજી જેવા કોઈ યાત્રાધામના દર્શને પણ લઈ જાય. આ મંડળ જાણે આધુનિક ગોપીમંડળ જોઈ લો.
જયાબહેન પોતાના અંગતજીવનની વાત કયારેય કોઈને જણાવતા નહીં પણ તેમના મંડળની બીજી કોઈ બહેન પોતાના મનની મૂંઝવણ જણાવે તો સાચો માર્ગ ચીંધે. કૌટુંબિક કલહ, સામાજિક સંબંધોની આંટીઘૂંટી કે આર્થિક સમસ્યા હોય, જયાબહેન તેનો ઉકેલ લાવતા કહે: બહેન, આપણે હવે સિનિયર સિટિઝન થયા, મોટું મન રાખવું. યુવાન દીકરા-વહુવારુ કે દીકરી કાંઈ આડુંઅવળું બોલે તો ઝઘડો ન કરવો,આપણો ધર્મ લાજે અને પૈસાની શું ચિંતા? આ હજાર હાથવાળો બેઠો છે ને!
જયાબહેનના મંડળની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવવા અમદાવાદની નારીકલ્યાણ સંસ્થાએ જયાબહેનને “સ્ત્રીશક્તિ-૨૦૨૨ના એવૉર્ડથી સન્માનિત કરવા એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો.
એવૉર્ડને નમ્રતાથી સ્વીકારતા જયાબહેને કહ્યું- આ મારો હરિ, મારો વહાલો મારી પાસે જે કામ કરાવે છે તે હું મારી સત્સંગી બહેનો સાથે કરું છું. આ એવૉર્ડ પણ મારા લાલાને ચરણે મૂકું છું.
તે વખતે આગલી હરોળમાં ઊભેલા એક પત્રકાર બહેને પૂછયું-
જયાબહેન એવું જાણવા મળ્યું છે કે તમારા પુત્રવધૂ સંગીતાએ ગૃહત્યાગ કર્યો છે. એના છ વર્ષના દીકરા સાથે તે પિયર ચાલી ગઈ છે, એ સાચી વાત?
આયોજકોમાંથી એક બહેને પત્રકારને બેસી જવા ઈશારો કર્યો, પણ જયાબહેને સ્વસ્થતા રાખીને કહ્યું- બહેન,તમે પત્રકાર છો. સાચું જાણવાનો તમને અધિકાર છે. જો કે હું જાહેરમાં મારા અંગતજીવનની વાત કરતી નથી. પણ, તમે પૂછ્યું છે તો કહીશ. મારી વહુ સંગીતા એના દીકરા શિવમ સાથે એના પિયર મુંબઈમાં રહે છે. મારા દીકરા સુધાંશુ સાથે એણે છૂટાછેડા નથી લીધાં, પણ બંને અલગ રહે છે.( આટલું બોલતાં એમને ગળે ડૂમો ભરાઈ આવ્યો) પછી બોલ્યાં- જેવી હરિ ઈચ્છા.
થોડી વારે સ્વસ્થ થતાં જયાબહેન બોલ્યાં, “આજે પણ મારી વહુ, મારી દીકરી જ છે.પતિ-પત્નીના અંગત પ્રશ્ર્નોમાં વડીલોએ માથું મારવું જોઈએ નહીં. મેં અને મારા પતિએ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા,પછી અંતિમ નિર્ણય મારા દીકરા સુધાંશુ અને સંગીતાવહુએ લીધો છે. ભલે એ અલગ રહે છે, પણ અમારા સંબંધોમાં કોઈ કડવાશ નથી. એ મુંબઈમાં ઉછરી છે,એના સ્વતંત્ર વિચારો છે. મારે એની સ્વતંત્રતાને માન આપવું રહ્યું.
પેલા પત્રકારબહેન અભિભાવપૂર્વક જયાબહેન સામું તાકી રહ્યાં.
૦૦૦
જયાબહેન નંદલીલા ગાતા ગાતા પૌત્ર શિવમની યાદમાં ખોવાઈ ગયાં. રાધેશ્યામ ગોપીમંડળની બહેનોએ સભાખંડમાં માખણચોર લાલો, લડુલાલા, ગિરિરાજધરણ, રાસલીલાના મોટા હોર્ડિંગ મૂકયા હતા. આ જોઈને જયાબહેન શિવમની યાદમાં વ્યાકુળ હતાં.
જયાબહેનના પતિ ગિરધરલાલનું ૭૪ વર્ષની વયે આઠેક મહિના પહેલાં જ હાર્ટએટેકને લીધે અવસાન થયું હતું ત્યારથી જયાબહેન આમ ઢીલા થઈ જતાં. પતિના નિધનથી જાણે એમના માથે આભ તૂટી પડયું ન હોય.
તેઓને લાગતું આજ સુધી હું મારા પ્રેમાળપતિને કારણે જ આ બધું કરી શકી, હવે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. હવે હું કેવી રીતે બધું સંભાળીશ?એમની આ ફેકટરી કોણ સંભાળશે,આ ફેકટરીના કાનૂની પ્રશ્ર્નો, જુદી જુદી બૅંકના ટ્રાંઝેકશન કેવી રીતે સંભાળીશ? જો કે સુધાંશુ તેના એક્સિડંટ પછી માનસિક રીતે પડી ભાંગ્યો છે, પણ મારે એને સમજાવવો જોઈએ.
તેમણે કહ્યું- બેટા, હવે પપ્પા રહ્યા નથી, જરા ફેકટરી પર જતો થા, હું પણ તારી સાથે છું. મેનેજર વાસ્તવજી મદદ કરશે.
“તો મેનેજરને જ કહે, મને એ ઝંઝટ ન જોઈએ. તને તારો દીકરો ભારરૂપ લાગે તો કહી દેજે. હું મારો રસ્તો કરીશ. સુધાંશુ ડોળા કાઢતાં બોલ્યો. જયાબહેન દીકરાના કટુવચન મૂંગેમોઢે પી ગયા.
આઠેક દિવસ બાદ જયાબહેને સંગીતાને ફોન કર્યો અને કહ્યું-
“સંગીતા, પપ્પાની ફેકટરીના થોડા પ્રોબ્લેમ છે, પ્રોડકશન, બૅંક ટ્રાંઝેકશન, લીગલ મેટર બધું કેવી રીતે કરું. જો તું અહીં આવી જાય તો આપણે સાથે બધું સંભાળી લઈએ.
સંગીતાએ કહ્યું- “હજુ પણ સુધાંશુ કોઈ ટ્રિટમેન્ટ લેવા તૈયાર નથી. મમ્મી, તમે કહો તો મહિનામાં એકાદ વાર આવી જઉં, પણ ત્યાં કાયમ માટે આવી શકું નહીં, અહીં શિવમને બેસ્ટ સ્કૂલમાં એડમિશન મળ્યું છે. એનો અભ્યાસ સારો ચાલે છે. (થોડી વારે) પણ, મમ્મી, પપ્પા મને દર વર્ષે જેમ મદદ કરતા હતા તેમ તમે કરશો ને?
“ભલે, સંગીતા હું તને અહીં આવવા દબાણ ન કરી શકું. જેશ્રીકૃષ્ણ. કહેતા જયાબહેને ફોન મૂકી દીધો.
પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય પણ હિંમત ન હારે એનું નામ જયાબહેન. જયાબહેને મેનેજર શ્રીવાસ્તવની મદદથી ફેકટરીનું સુકાન પણ સંભાળ્યું.
ગિરધરભાઈ આપતા હતા તે મુજબ સંગીતાને ધંધાના પાર્ટનર તરીકે નફાના ૨૦ ટકા ભાગ જયાબહેન આપવા લાગ્યા.. વળી, શિવમના ઉચ્ચ અભ્યાસ માટે એના નામે ૪૦ લાખ ફિક્સમાં મૂકી દીધા.
જયાબહેનના મનમાં વિચાર આવ્યો કે સંગીતા
હમણાં તો માતા-પિતાની છાયામાં રહે છે પણ ભવિષ્યમાં તેને કોનો આધાર? ભાઈ-ભાભી સાથે ન ફાવે તો એ કયાં જાય, મારા શિવમનું શું થાય?
ઘણી ગડમથલ પછી તેમણે સંગીતાની મમ્મી હસુબહેનને ફોન કરીને કહ્યું- તમે તમારા ઘરની નજીક સંગીતા માટે એક ઘર જુઓ, જેથી ભવિષ્યમાં એનું પોતાનું ઘર હોય. અડધી રકમ હું આપીશ.
હસુબહેને ભાવવિભોર થતા કહ્યું- જયાબહેન, તમે ખરેખર મહાન છો, બાકી અલગ રહેતી પુત્રવધૂ માટે આટલું કોણ કરે?
પોતાની મમ્મીના હાથમાંથી ફોન લેતાં સંગીતાએ કહ્યું- “મમ્મી, યુ આર રિયલી ગ્રેટ. હું પણ કોઈ નાનો વ્યવસાય શરૂ કરીને પગભર થઈશ.