ઉત્સવ

મોમ, પછી મારું કોણ?

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

સ્ત્રીકલ્યાણ સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં મોટા ડોનેશનો આપવા માટે જાણીતા બિઝનેસમેન એ. કે. સંઘવી પ્રખ્યાત હતા. ઓફિસમાં કડક શિસ્તના આગ્રહી એ. કે. સાહેબની પ્રતિભા આકર્ષક હતી. પોતાની સ્વરૂપવાન સ્માર્ટ પત્ની નીલમ સાથે ત્રણ મહિના પહેલાં જ ડાયવોર્સ થયા છે, પણ એ.કે. તો પહેલાંની જેમ જ નવ કલાક ઓફિસમાં કામ કરે છે. હા, હમણાં એક નવી પર્સનલ સેક્રેટરી સાથે જ જોવા મળે છે.

બી.કોમ. થયા પછી નિલમ રાજકોટથી મુંબઈ મામાને ઘરે સારી નોકરી મળે એ હેતુએ આવી હતી. એક જ્વેલરી સ્ટોરમાં જોડાઈ ગઈ. એક વાર પંદર લાખની ખરીદી કરનાર એ. કે. સંઘવી સાથે બાબુભાઈ શેઠે એનો પરિચય કરાવ્યો. નિલમ શાહની વાક્છટા અને ખાસ તો તેના દેહસૌંદર્યથી એ.કે. આકર્ષાયા. નિલમને પોતાનું કાર્ડ અને પર્સનલ મોબાઈલ નંબર આપી દીધા.

હવે તો એક સાંજ પણ એવી ન હોય જયારે એ.કે.ની કાર નિલમને લેવા જ્વેલરી શોપ પર આવી ન હોય. મૈત્રી તો ગાઢ પરિણયમાં પરિણમી. નિલમ મેડમ એ.કે.ના પર્સનલ સેક્રેટરી તરીકે સાહેબની ઓફિસમાં જોડાઈ ગયા. તેમનો માન-મરતબો જોઈને મામા-મામી ખુશ હતા. દહીસરથી સાઉથ મુંબઈની ઓફિસમાં કયારેય ગયા ન હતા.

એ.કે. હંમેશાં પોતાની મૃતપત્નીને યાદ કરીને નિલમને પોતાની નજીક ખેંચવા પ્રયત્ન કરતા. નિલમ પણ એ.કે.ના સહવાસનો આનંદ માણતી. પણ, તે રાત્રિએ લોનાવાલાની હોટલમાં બંનેએ બધી પાળ ઓળંગી દીધી. બંનેને ભૂલ સમજાઈ. ત્રણ ચાર મહિના પછી નિલમે જયારે કહ્યું કે હું પ્રેગનન્ટ છું.ત્યારે ઠંડા કલેજે એ.કે. બોલ્યા- એબોર્શન કરાવી લે, હું વ્યવસ્થા કરી દઈશ.

નિલમે સાફ ના પાડી. હું મારા બાળકને જન્મ આપીશ. તમારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. આ બાળક તારું છે. જો હવે ફરી જશો તો તને બદનામ કરીશ. કોર્ટે જઈશ.

આખરે એ.કે. અને નિલમના લગ્ન તો થયા, પણ પ્રેમ ઉડી ગયો. એ.કે. નિલમને રખાતની જેમ રાખી. માનસિક ત્રાસ અને દૈહિકશોષણ સાથે મારઝૂડ પણ કરતો. ઘરમાં નવી યુવતીઓને લાવી નિલમ સામે સ્ત્રીસુખ માણતો. નિલમે એ.કે.ની ઓફિસ છોડી એક નાની કંપનીમાં સર્વિસ શરૂ કરી. નાછૂટકે કેસ ફાઈલ કરી ડાયવોર્સ લીધા. હા, શ્રુતિની બીજી બર્થડે પાર્ટીમાં હાજર રહ્યો. અને તેને ખૂબ રમાડી. ફીર અંધેરી રાત.

લગ્નવિચ્છેદના કારમા ઘાને થોડો પચાવીને નીલમ થોડી સ્વસ્થ થઈ ત્યારે એણે પોતાની વહાલી તેર વર્ષની દીકરી શ્રુતિને પંચગીનીની ગર્લ્સ હોસ્ટેલમાં મૂકવાનો નિશ્ર્ચય કર્યો.

શ્રુતિને હોસ્ટેલમાં મૂકીને ઘરે આવી ત્યારે એકલતાનો અંધકાર એને વીંટળાઈ વળ્યો. કામી પતિનો લંપટ ચહેરો, નજરથી દૂર થયેલી વહાલસોયી શ્રુતિ અને એકાકી નિ:સહાય છતાં સ્વમાનથી જીવવા મથી રહેલી પોતે. નીલમ મનોમન મુંઝાતી હતી કે ખબર નહીં આ જિંદગીનો જંગ કેવી રીતે લડીશ.

ત્યાં જ મોબાઈલ રણક્યો. પ્રાચીનો ફોન હતો.

પ્રાચી, શ્રુતિનું એડમિશન થઈ ગયું. હોસ્ટેલમાં વ્યવસ્થા સારી છે. ઈનચાર્જ મેડમને પણ મળી. પણ, નાછૂટકે મારે બાપનું નામ લખવું પડ્યું. નિલમે રડમસ અવાજે કહ્યું.

સો, વોટ બાપાનું નામ તો લખવું જ પડે. નીલમ, બી સ્ટ્રોંગ નાવ. પ્રાચીએ કહ્યું.

યસ. કાલે મળીએ.પ્લીઝ બી વીથ મી. આય નીડ યુ. નિલમે કહ્યું.

ઓ.કે. ટેક કેર કહેતાં પ્રાચીએ ફોન મૂકયો.

ફોન મૂકતાં જ નિલમને એકલતા ઘેરી વળી. પતિએ દીઘેલો છેહ, અને આજે વહાલી દીકરી શ્રુતિને પોતે કાળજું કઠણ કરીને હોસ્ટેલમાં મૂકી આવી. મારી શ્રુતિ શું કરતી હશે?, સૂઈ ગઈ હશે? એ વિચારતા એનું માથું ચકરાવા લાગ્યું. એના મનમાંથી અવાજ પડઘાયો- પોતાની પત્નીને સાચા હૃદયથી પ્રેમ કરતો પતિ પરસ્ત્રી ગમન કેવી રીતે કરે? મારું કુટુંબ પીંખાઈ ગયું. એ બેવફા માટે હું શા માટે દુ:ખી થઉં છું. હું મારી શ્રુતિનું ભવિષ્ય ઉજ્જવળ કરીશ.

એની નજર સામે શ્રુતિ સાથે થયેલી કાલ રાતનું દ્રશ્ય તરવરી ઉઠ્યું.

બેટા, હોસ્ટેલમાં રહીને સરસ ભણજે, હું તને ફોન કરીશ. વીકએન્ડમાં કોઈ વાર મળવા પણ આવીશ. તું મોમની ગુડ ગર્લ છે. નિલમે ભીના અવાજે કહ્યું.

પોતાના નાના આંગળા મોમના ગાલ પર ફેરવતા શ્રુતિ બોલી- મોમ તું પણ એકલી એકલી રડતી નહીં. પછી ટેબલ પર મૂકેલા ફેમિલી ફોટાને હાથમાં લેતા તે બોલી, મોમ, આ ફોટો હું લઈ જાઉં ? જો પાપા, તું અને હું આપણે બધા કેવા હસીએ છીએ.

હા, રાખ આ ફોટો તું લઈ જા. પણ, બેટા આ ફોટામાં ખોટું ખોટું ય હસવું પડે. જીવનમાં આવું સાચું હસવાનું કયાં મળે છે. નિલમે કહ્યું.

મોમ, હું ખૂબ ભણીશ. સરસ જોબ કરીને ખૂબ પૈસા કમાઈશ. પણ, તને છોડીને કયાંય નહીં જઉં. લવ યુ મોમ, કહેતા તે મોમને ભેટી પડી.

બેટા, હું પણ તને ખૂબ મીસ કરીશ. કહેતા તેણે દીકરીને હૈયાસરસી ચાંપી દીધી.

નિલમની આંખ સામે આજે સવારનું હોસ્ટેલની ઓફિસનું દ્રશ્ય ખડું થયું.

નિલમે બોર્ડિંગના ટ્રસ્ટી જોષીસાહેબને એડમિશન ફી, કલાસ ફી અને હોસ્ટેલની ફી માટેના ૫૦,૦૦૦ રૂપિયાનો ચેક ધર્યો.

મેડમ, આ ચેકની જરૂર નથી.તમારી શ્રુતિની આખા વર્ષની ફી ભરાઈ ગઈ છે. જોષી સાહેબે કહ્યું.

એ કેવી રીતે, કોણે ભર્યો? નિલમે પૂછયું.

તમારી અરજી મેં વાંચીને મેં અમારી હોસ્ટેલના મુખ્ય દાતા એ.કે. સાહેબને ફોન કર્યો હતો. એમણે એ જ દિવસે ફી મોકલાવી દીધી. એમને લીધે જ તમને અહીં મીડ ટર્મમાં એડમિશન મળ્યું છે. જોષીસાહેબે કહ્યું.

બીજી તરફ એ.કે.નું નામ સાંભળતા
નિલમના હૈયે બળવો પોકાર્યો.

મારે તમારા એ.કે. સાહેબની મહેરબાની નથી જોઈતી. એ લંપટ, દગાબાજની મદદ હું શું કામ લઉં.? મારી દીકરી પર એનો પડછાયો પણ ના જોઈએ.

મેડમ, કયા વિચારોમાં પડી ગયા, અમે જાણીએ છીએ કે તમે અને સાહેબ- પણ હમણાં તો વહેતી ગંગામાં હાથ ધોઈ લો. તમારી દીકરી ખાતર. મને તમારો ભાઈ સમજો. હું દીકરીનું ધ્યાન રાખીશ. જોષીજીએ કહ્યું.

નિલમની આંખમાં અંગારા ઝરતા હતા. બે વર્ષનો એ માનસિક અત્યાચાર, ઉપેક્ષા, હું કેવી રીતે ભૂલું. એની મહેરબાની મને ન જોઈએ. મનના તનાવને ધરબી દેતા શ્રુતિના ભવિષ્ય ખાતર કમને જોષીસાહેબની વાત સ્વીકારી. જોષીસાહેબનો આભાર માની તે હોસ્ટેલના ઈન્ચાર્જ પાટીલમેડમને મળી.

  માતૃસહજ ભાવે નિલમે પાટિલમેડમ સાથે વાત કરતાં કહ્યું-

આ દીકરી સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. નાછૂટકે હું મારા હૃદયના ટુકડાને તમને સોંપી રહી છું.

બહેન, તમારું દુ:ખ હું સમજી શકું છું. તમે દીકરીની જરા ય ચિંતા કરતા નહીં. હું એને મારી દીકરીની જેમ સાચવીશ. પાટિલમેડમે હૈયાધારણ આપતાં કહ્યું. ભારે હૈયે નિલમે શ્રુતિને એની રૂમમાં મૂકી ત્યારે પાટીલમેડમે મા-દીકરી બંનેને હિંમત આપી. આ દ્રશ્ય નિલમ કેવી રીતે ભૂલે? બીજી તરફ એની આ દશા કરનાર સમાજસેવક-દાની ગણાતા બેવફા એ.કે. સાહેબનો ચહેરો પણ નજર સામેથી ખસતો જ ન હતો.

હતાશાના કાળા વાદળમાં ઘેરાયેલી નિલમે ઘડિયાળ સામે જોયું ત્યારે રાતના ત્રણ વાગ્યા હતા. એણે ફ્રિજમાં મૂકેલી વ્હિસ્કી એક ગ્લાસમાં કાઢી તેમાં સોડા ઉમેરીને એકી ઝાટકે ગટગટાવી ગઈ. તેનું માથું ચકરાવા લાગ્યું.

હું કોના માટે જીવું, કેવી રીતે જીવું. એણે ટેબલના ખાનામાં મૂકેલી એક બોટલમાંથી ઊંઘની ૧૦-૧૨ ગોળીઓ હાથમાં લીધી, હું આવી રીતે ન જ રહી શકું. એ સોફા પર ફસડાઈ પડી.
ત્યાં જ એને શ્રુતિનો અવાજ સંભળાયો. મોમ, મોમ આ તું શું કરે છે,પછી મોમ, મારું કોણ?

નિલમે મનોમન નિશ્ચય કરી લીધો- ના, આ રીતે હિંમત નહીં હારું. જીવન એક સંઘર્ષ છે. આત્મહત્યાનો વિચાર નબળા મનનું પરિણામ છે. હું જીવીશ મારી શ્રુતિ માટે, અને હા, સ્વમાનપૂર્વક જીવીશ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…