
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
મોદી સરકારે સત્તા પર આવતાની સાથે જ ફુલસ્પીડમાં કામકાજ શરૂ કરી દીધું છે. લોકોને ચિંતા ઈકોનોમીક રિફોર્મ્સ સહિત અમુક અઘરાં કદમ અટકી જવાની અથવા ધીમા પડવાની છે, જો કે ટેકાવાળી મોદી સરકાર પણ પોતાના લક્ષ્ય સાથે આગળ વધી શકશે, અગાઉની સરકારોમાં આવું થયું હતું. આ ટર્મમાં મોદી સરકાર સોશિયલ ફોકસ પણ વધુ રાખશે
શું તમે દેશના ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને ત્યારબાદ ભુતપૂર્વ વડાપ્રધાન બનેલા ડો.મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ એકિસડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર જોઈ હતી?
એક સમયના જાણીતા વરિષ્ઠ પત્રકાર અને ડો. મનમોહનના મીડિયા એડવાઈઝર તરીકે એમની સાથે લાંબો સમય કામ કરી ચુકેલા સંજય બારુ દ્રારા લિખિત એકિસડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તક આધારિત આ ફિલ્મ બની હતી.
આ પુસ્તક્- ફિલ્મનો અહીં ઉલ્લેખ કરવા પાછળ એક કારણ છે.
હાલની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીની પ્રાઈમ મિનિસ્ટર તરીકે વરણી થઈ- હા, સતત ત્રીજીવાર. ચૂંટણીનાં અણધાર્યા પરિણામ બાદ ફરીવાર મોદી સરકારનું સત્તા ન આવી હોત તો એ કદાચ અકસ્માત ગણાત, પણ આવું થયું નથી.
વાસ્તવમાં નરેન્દ્ર મોદી ટ્રિપલ પી’ છે અર્થાત પબ્લિક અને પાર્ટીની પસંદગીના પ્રાઈમ મિનિસ્ટર છે. હા, આ વખતે એમણે બે પક્ષનો ટેકો લેવો પડયો છે એ નોંધપાત્ર ઘટના બની છે, જેની આગળ જ્તાં અણધારી અસર પડી શકે.
માત્ર બેઠકો નહીં -લીડરશીપ પણ જરૂરી
ખેર, મુળ મુદા પર આવી જઈએ.અત્યારે અહી એકિસડન્ટલ પ્રાઈમ મિનિસ્ટર અને સંજય બારુને શા માટે યાદ કર્યા? કારણ કે તાજેતરમાં ઈલેકશન રિઝલ્ટ બાદ સંજય બારુએ વ્યકત કરેલા કેટલાક મુદા વિચારપ્રેરક છે. એમના શબ્દોમાં કહીએ તો મોદી સાહેબને મોટી મેજોરિટીથી જીતવું હતું, જેથી આવશ્યક હોય ત્યાં બંધારણમાં જરૂરી ફેરફાર અને અન્ય બોલ્ડ સુધારા સરળતાથી કરી શકે,
મજબુતીથી સોશિયલ અને ઈકોનોમિક રિફોર્મ્સ કરી શકે. આના દ્વારા એ દેશના વિકાસને વધુ ઝડપી અને મજબુત બનાવવા માગતા હતા, જેથી એમની આવી ઊંચી મેજોરિટીની અપેક્ષા સમજી શકાય છે, પણ એક વાત અહી નોંધવી જોઈએ કે નરસિંહરાવ અને અટલ બિહારી વાજપેયીની સરકાર પણ અત્યારની મોદી સરકાર જેવી જ બહુમતી સાથે હતી. તેમ છતાં એમણે નોંધનીય અર્થિક સુધારા કર્યા હતા. મોદી પાસે આગલી ટર્મમાં જોઈતી બહુમતી હતમ તેમછતાં એ કૃષિ રિફોર્મ્સ કાનુન લાવવામાં નિષ્ફળ ગયા હતા અર્થાત લીડરશીપ માટે માત્ર નંબર-બેઠકો જ મહત્વની નથી, બલકે ડહાપણ સાથેની લીડરશીપ મહત્વની છે.
નવો પોર્ટફોલિયો – નવા કામકાજ તૈયાર
હવે મોદી સરકારનો નવો પોર્ટફોલિયો તૈયાર થઈ ગયો છે, જેમાં સૌથી મહત્વની વાત એ છે કે પાયાના પોર્ટફોલિયો સરકારે એ જ અનુભવી પ્રધાનો પાસે રહેવા દીધા છે. તેમાં કોઈ સમાધાન કર્યુ નથી, જેથી એમની ગતિવિધિને ખાસ ફરક પડે નહી. એમની નીતિ અને કાર્યપધ્ધતિની સાતત્યતા જળવાઈ રહેશે. નાણાંપ્રધાન તરીકે નિર્મલા સીતારમણની ઈનિંગ આપણે જોઈ છે, જેથી એમની પાસે બહેતર બજેટની અપેક્ષા રહે એ સહજ છે. એમનું ફિસ્કલ મેનેજમેન્ટ પણ સારું રહેશે. આ વખતે જુલાઈમાં એમનું બજેટ લોકપ્રિય હશે એવી ધારણા અત્યારે તો છે. અલબત્ત, અહીં પણ ચૂંટણીના પરિણામોની અસર કરશે.
ગૃહ ખાતું અમિત શાહ, સંરક્ષણ રાજનાથ સિંહ, વાણિજ્ય પિયુષ ગોયલ, વિદેશ જયશંકર, રોડ ટ્રાન્સપોર્ટ-હાઈવેઝ નીતિન ગડકરી જેવા અનુભવ સિધ્ધ વ્યકિતઓ સંભાળી રહી છે. વડાપ્રધાને જવાબદારી સંભાળતાની સાથે જ પહેલું કાર્ય ખેડુતોના નાણાં વિતરણનું કર્યુ છે. હવેપછીની એમની મની પ્રાયોરિટીના સંકેત પણ અપાઈ ગયા છે.
મોટી બહુમતી વિના પણ સુધારા થઈ શકે
ઈતિહાસ કહે છે કે બહુ મોટી બહુમતી ન હોવા છતાં સરકાર ઘણાં સારા કામ કરી શકે છે. નરસિંહરાવ, ડો.મનમોહન સિંઘના સમયમાં એવા ઘણાં કાર્ય થયા હોવાનું નોંધાયું છે. મોદીના નામે અપેક્ષિત પ્રંચડ બહુમતી ન મળી તેના કારણોમાં કહેવાય છે કે કોર્પોરેટ સેકટર તેમ જ ખુદ પાર્ટીના જ નેતાઓ તેમ જ અમુક દેશો નથી ઈચ્છતા હોતા કે પીએમ મોદી એકદમ પાવરફુલ થઈ જાય. પાવરફુલ પીએમ સામે લગભગ ઘણાને ડિકટેટરશીપનો ભય રહયા કરે છે. સવાલ માત્ર પીએમનો નથી રહેતો, બલકે સરમુખત્યાર જેવી સરકાર પણ બને એવો ભય ભય ફરવા લાગ્યો છે. વેપાર-ઉધોગો સહિત દરેક વર્ગમાં, પીએમની ટીમ સુદ્ધાંમાં પણ. તેથી જ પીએમ મર્યાદિત બહુમતી સાથે રહે એવી ગર્ભિત ઈચ્છા પાર્ટી સહિત ઘણાંમાં હોય એ સહજ છે. બે ટર્મ બાદ પણ આ વખતે ૪૦૦ પાર બેઠકોની આશા હતી, જે ફળી નહી, ઉપરથી ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમારનો સાથ-સહારો લેવો પડયો છે. જેને લીધે લોકોમાં શરૂથી એવી ચર્ચા ચાલુ થઈ ગઈ કે મોદી સરકાર હવે અગાઉના દસ વરસની જેમ કામ નહી કરી શકે. જોકે, શરૂઆત મોદીએ જે રીતે કરી છે તે ધ્યાનમાં લેતા એ સંભવિત પડકારોને પહોંચી વળશે એવી એમના ટેકેદારોને આશા છે..
સ્કેમ: કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના
બાય ધ વે, ગયા સપ્તાહમાં રાહુલ ગાંધીએ જાણે મોટો ધડાકો કરતા હોય તેમ આરોપ મુકયો કે શેરબજારમાં સૌથી મોટું કૌભાંડ થયું છે, જેની માટે એક્ઝિટ પોલ અને વડાપ્રધાન તથા ગૃહ પ્રધાનના નિવેદન પણ જવાબદાર છે, જેમણે તાં. ૪ જુન બાદ શેરબજારમાં તેજી ચાલવાની વાત કરી હતી, જયારે કે એકિઝટ પોલના સંકેતોથી બજાર જબ્બર ઉછળ્યું અને ફાઈનલ રિઝલ્ટથી બજાર જબ્બર તુટયું. આમાં રોકાણકારોને ભારે નુકશાન થયું. રાહુલને એ ખયાલ નથી કે માર્કેટ કેપ ઘટે એટલે બધાં રોકાણકારોને એટલું વાસ્તવિક નુકશાન થયું હોવાનું ન ગણાય, એ લોસ માત્ર કાગળ પર ગણાય. જેમણે ઊંચા ભાવે લઈને તે દિવસે નીચા ભાવોમાં વેચ્યા હોય તેને જ નુકશાન ગણાય. બાકી એક્ઝિટ પોલ દરેક મિડિયા કે ચેનલ્સ યા એજન્સીઓએ પોતાની રીતે કર્યા હતા એમાં એ ખોટા ઠર્યા તેમાં મોદી કે શાહ કઈ રીતે જવાબદાર ગણાય? અને આ બંને નેતાઓએ કહયા મુજબ તા. ૪ જૂન બાદ માર્કેટમા તેજી તો ચાલી જ છે, એમાં ખોટું શું થયું? આ એમણે એક આશાવાદ વ્યકત કર્યો હતો.
આને સ્કેમ કહેવું એ પણ રિઅલ સ્કેમનું અપમાન છે! સિકયોરિટીઝ માર્કેટ અને કાનુન નિષ્ણાંતોએ પણ આ વિષયમાં મોદી અને શાહ સામે કોઈ કારવાઈ થઈ શકે નહી એવો મત વ્યકત કર્યો છે.