આધુનિક અર્જુન:યુસુફ ડિકેકનો ઓલિમ્પિયન સ્વેગ
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
નિશાનેબાજીના ખેલમાં સૂક્ષ્મતા અને ફોકસ સર્વોપરી છે. એથ્લીટે એના લક્ષ્યને લગાતાર હાંસલ કરવા માટે પોતાની માનસિક અને શારીરિક ક્ષમતાઓને નિયંત્રિત કરવી પડતી હોય છે. તેને ‘ઝોન’ની અવસ્થા કહે છે. તેમાં અતૂટ એકાગ્રતા હોય છે અને પ્રદર્શન ચરમ પર પહોંચી
જાય છે.
‘ઝોન’ની અવસ્થામાં તમે બીજું બધું ભૂલી જાવ છો. સમય થંભી જાય છે. કશું જ તમને ખલેલ પાડતું નથી. તે વખતે તમારા માટે બે જ બાબત અસ્તિત્વમાં હોય છે: તમે અને તમારું લક્ષ્ય. તમે ઊંડા શ્ર્વાસ લઈને તમારા લક્ષ્ય પર નિશાન સાધો છો.
આ લેખ સાથે જેમનો ફોટો છે એમનો ફોટો ગયા અઠવાડિયે આખી દુનિયામાં વાઈરલ થયો હતો.
યુસુફ ડિકેક નામના તુર્કીના આ ૫૧ વર્ષીય શૂટરે ઇન્ટરનેટને માથે લીધું છે. પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકની ૧૦ મીટર એર પિસ્તોલ મિકસ્ડ સ્પર્ધામાં ગ સિલ્વર મેડલ જીત્યો હતો. એમાં કશી નવાઈ હતી? હા, હતી.
યુસુફે શૂટિંગ માટેની કિટનો ઉપયોગ કર્યાં વિના આ સફળતા હાંસલ કરી હતી. એવું કહે છે કે શૂટિંગની ફાઈનલમાં એણે જમણા હાથમાં પિસ્તોલ થામી, પેન્ટના ખિસ્સામાં હાથ સરકાવ્યો અને ટાર્ગેટને શૂટ કરીને સાથી ખેલાડી સેવાલ ઈલાયદા તરહાન સાથે દેશને પહેલો ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતાડી દીધો. આ જ સ્પર્ધામાં, ભારતની મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ બ્રોન્જ મેડલ જીત્યો છે.
શૂટિંગ સ્પર્ધામાં બે સાધનનો ઉપયોગ થાય છે: એક ચશ્માં અને બીજું હેડફોન. ચશ્માંમાં બે લેન્સ હોય છે. એક લેન્સ ઝાંખી દ્રષ્ટિને સાફ કરે છે અને બીજો લેન્સ ટાર્ગેટ પર ફોકસ કરવામાં મદદ કરે છે. હેડફોન બહારના અવાજને રોકે છે, જેથી ટાર્ગેટ પર ફોકસ કરવામાં આસાની રહે છે.
યુસુફે એક પણ સાધનનો ઉપયોગ કર્યા વગર ટાર્ગેટ શૂટ કર્યુ હતું, જેથી દુનિયામાં તેની વાહવાહી થઇ રહી છે. અમુક લોકોએ તો એવી મજાક કરી હતી કે તુર્કીએ તેની સિક્યુરિટી ટીમમાંથી હિટમેનને ઓલિમ્પિકમાં મોકલ્યો હતો કે શું! આવી રીતે ઊભા ઊભા કોઈ માણસ કેવી રીતે ટાર્ગેટ શૂટ કરી શકે? ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રાએ કહ્યું હતું, ‘આને સ્વેગ કહેવાય!’
‘સ્વેગ’ શબ્દ સ્વેગરનું ટૂંકું સ્વરૂપ છે. સ્વેગર એટલે ઠાંસ મારવી, ડંફાસ મારવી અથવા ડોળ કરવો. એ જ તર્જ પર સ્વેગર એટલે ઘમંડથી ચાલવું, અક્કડ બનીને ચાલવું, લટક-મટક ચાલવું. તમે ‘જાની’ રાજકુમારની ચાલ જોયેલી? એનો એક પગ ઘૂંટણમાંથી ટૂંકો હતો એટલે ચાલતી વખતે એ એક બાજુ નમીને ચાલતો ત્યારે એમાં એક લચક અને ઝુકાવ આવી જતો. આને સ્વેગર કહેવાય- બિન્દાસ્ત એટિટ્યુડ.
મહાભારતમાં બાણાવળી અર્જુને આવા સ્વેગ સાથે માછલીની આંખ વીંધી હતી. માછલી સાફ રીતે દેખાય તે માટે ન તો ચશ્માં પહેર્યાં હતાં કે ન તો સ્વયંવરમાં બીજા રાજકુમારોના ઘોંઘાટથી મગજની એકાગ્રતામાં ખલેલ ન પડે તે માટે કાન બંધ કર્યા હતા. એણે બાણ ઉઠાવ્યું, પાણીના કૂંડમાં માછલીના પ્રતિબિંબ પર નજર ખોડી અને હાથ ઉપર લઇ જઈને થાંભલાની ટોચ પર ગોળ ફરતી માછલીની આંખમાં તીર માર્યું.
રમતગમતમાં શૂટિંગ બિલકુલ સરળ નથી. ટેકનીક અને માનસિક તૈયારી પોતે જ મહેનત માગી લે છે. એટલું પૂરતું નથી. નિશાનેબાજ જાણે યુદ્ધમાં જતો હોય તે રીતે ફરજિયાતપણે એણે અનેક સલામતી ગિયર પહેરવા પડે છે. યુસુફે એવું કશું કર્યા વગર સ્પર્ધા જીતીને દુનિયાને અચંબિત કરી દીધી છે.
પાછળથી યુસુફે તુર્કીશ રેડિયો સ્ટેશનને કહ્યું હતું, સામાન્ય રીતે મોટાભાગના શૂટર એક આંખથી ટાર્ગેટ શૂટ કરે છે. મેં બંને આંખોથી કર્યું હતું એટલે મને સાધનોની જરૂર નહોતી. બે આંખોથી શૂટિંગ કરવું ઉત્તમ છે એવું મને લાગે છે. મેં ખૂબ અભ્યાસ કર્યો છે એટલે મને સાધનોની જરૂર નહોતી.
સફેદ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં સજજ યુસુફે ડાબો હાથ પેન્ટના ખિસ્સામાં સરકાવીને ટાર્ગેટ શૂટ કર્યું તેની સવિશેષ ચર્ચા થઇ હતી. એ કહે છે, ખિસ્સામાં હાથ નાખીને શૂટિંગ કરવું તેને મારી કળા સાથે કોઈ સંબંધ નથી. આ મુદ્રાનો સંબંધ શરીરમાં સંતુલન લાવવા અને ફોકસ કરવા સાથે છે.
યુસુફે પહેલીવાર ઓલિમ્પિકમાં ભાગ નથી લીધો. તેણે સૌપ્રથમ ૨૦૦૮માં બેઇજિંગ ઓલિમ્પિકમાં નસીબ અજમાવ્યું હતું. જો કે, ૧૬ વર્ષ અને પાંચ ઓલિમ્પિક પછી હવે જઈને એને સફળતા મળી છે. ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં તુર્કીનો પણ આ પ્રથમ ઓલિમ્પિક મેડલ છે.
યુસુફના પ્રદર્શને માત્ર ખેલ જગતના શૂટિંગ સમુદાયને જ પ્રભાવિત કર્યો છે એટલું નહીં, વિશ્ર્વભરમાં સામાન્ય લોકો પણ એના બેપરવા આત્મવિશ્ર્વાસથી દંગ રહી ગયા હતા. સ્પર્ધામાં તો દુનિયાભરમાંથી હરીફો આવ્યા હતા, પરંતુ એ બધા શૂટિંગ કિટથી સજીધજીને હરીફાઇ કરી રહ્યા હતા,જયારે યુસુફ તો જાણે મેળામાં ફરવા આવ્યો હોય અને ટોય ગન ઉપાડીને ફુગ્ગા ફોડતો હોય એટલી સહજતાથી સિલ્વર મેડલ લઇ ગયો..
તેનું કારણ લેખની શરૂઆતમાં કહ્યું તેમ એકાગ્રતાની ક્ષમતા છે. દરેક વ્યક્તિમાં ટેલેન્ટ હોય છે, પણ એમાંથી અમુક લોકો જ સફળ થાય છે અને બાકીના વિફળ રહે છે. કેમ?
કારણ કે માત્ર ટેલેન્ટ હોવી એ પૂરતું નથી. ટેલેન્ટ પર કામ કરીને તમારે ‘ટેલેન્ટ + વ્યક્તિ’ બનવું પડે. એટલે કે તમારી પાસે ટેલેન્ટ ઉપરાંત શિસ્ત હોય, એકાગ્રતા હોય, જિજ્ઞાસા હોય, ધીરજ હોય, મહેનત હોય, શારીરિક માનસિક-ફિટનેસ હોય.
સફળતમ ખેલાડીઓ, યોદ્ધાઓ, વિજ્ઞાનીઓ, અનોખા સર્જનાત્મક લેખકો, વિચક્ષણ લીડરો એ નથી કે જેમની પાસે બહુ જ્ઞાન છે, પણ એ છે જે એમની પૂર્વગ્રહીત ધારણાઓને પડતી મૂકીને સામે જે ક્ષણ હોય તેમાં તીવ્રતાથી ફોકસ કરી શકે છે. અર્જુન અને કર્ણમાં ફરક એ હતો કે કર્ણ એના મનમાં ચાલતી ઊથલપાથલથી વિક્ષિપ્ત રહેતો હતો, જ્યારે અર્જુન માછલીની કિકી સિવાય બીજું બધું જોવાનું બંધ કરી શકતો હતો.
કોન્સન્ટ્રેશન એટલે તન્મયતા- આપણું મન કોઈ એક ચીજમાં ચોંટી જાય તે. તન-મન એક થઈ જાય તે. જેમાં બીજી ખલેલ ના પડે તે. કશું શીખવા માટે કે જાણવા માટે કોન્સન્ટ્રેશન અનિવાર્ય છે. કોન્સન્ટ્રેશન બહિષ્કૃત છે. તે એક જ ચીજ પર ફોકસ કરીને બાકીની બીજી તમામ ચીજોનો બહિષ્કાર કરે.