સુખનો પાસવર્ડ: સુખની જેમ દુ:ખનો પણ પાસવર્ડ બની શકે મોબાઈલ ફોન !

-આશુ પટેલ
લેખ :
થોડા દિવસો અગાઉ મહારાષ્ટ્રનાં સાંગલીમાં વિશ્વજિત અશ્વિન નામના એક પંદર વર્ષીય કિશોરે આત્મહત્યા કરી લીધી.
શા માટે?
એણે માતા પાસે નવા મોબાઈલ ફોનની માગણી કરી હતી. કુટુંબની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી માતાએ તેને કહ્યું હતું કે ‘હું તને નવો મોબાઈલ ફોન અપાવી શકું એમ નથી.’ એ દિવસે વિશ્વજિતનો જન્મદિવસ હતો. બીજી રાતે માતા અને બહેન ઊંઘી રહ્યાં હતાં ત્યારે વિશ્વજિતે પંખા સાથે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું!
આઘાત લાગે, પણ આવા કિસ્સાઓ સમયાંતરે બનતા રહે છે. થોડા સમય અગાઉ એક કિશોરે મોબાઈલ ફોન આપવાની ના પાડનારી માતાનું ખૂન કરી નાખ્યું હતું. મોબાઈલ ફોનના વળગણને કારણે આપણે એવી દિશા તરફ ધકેલાઈ રહ્યા છીએ કે જેની કલ્પના કરતા પણ ધ્રૂજી જવાય.
મોબાઈલ ફોનને કારણે મનોરોગીઓની સંખ્યા પણ વધી રહી છે. મોબાઈલનો બેફામ ઉપયોગ કરનારા ઘણા લોકો અનિદ્રાના રોગથી પીડાતા થઈ ગયા છે. એવા ઘણા કિસ્સાઓમાં મનોચિકિત્સકોની મદદ લેવી પડે છે. કોરોનાના સમયમાં તો મોબાઈલ ફોનનો ઉપયોગ ભયંકર હદે વધ્યો હતો. મોબાઈલ ફોનને કારણે ‘ફિયર ઓફ મિસિંગ આઉટ’થી પીડાતા માણસોની (બીજા લઈ જશે -પોતે રહી જશે એટલે કે કશુંક ચુકાઈ જશે એવા માનસિક ભય હેઠળ જીવનારાઓ) સંખ્યા પણ વધી ગઈ છે. મોબાઈલ ફોનને કારણે આત્મહત્યા અને ખૂન સહિતના ગુનાઓની ઘટનાઓ તો અવારનવાર બની જ રહી છે, પરંતુ એ સિવાય સંબંધોમાં પણ તનાવ સર્જાય એવા અસંખ્ય કિસ્સાઓ પણ બની રહ્યા છે.
માણસ ટેકનોલોજી શોધે ત્યારે એનો હેતુ એ ટેકનોલોજી માનવજાતને મદદરૂપ થાય એ હોય છે, પરંતુ માનવી ટેકનોલોજીને પોતાની ગુલામ બનાવવાને બદલે ટેકનોલોજીના ગુલામ બનતા જાય છે. મોબાઈલ ફોનના મુદ્દે પણ એવું જ છે. મોબાઈલ ફોન આપણો ગુલામ હોવો જોઈએ એને બદલે આપણે મોબાઈલ ફોનના ગુલામ બની ગયા છીએ.
મોબાઈલ (ફોન)ના ઉપયોગથી અનેક કામ ઝડપી અને સરળ થયા છે એ ખરું, પણ એનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવો જોઈએ એ વાત સમજવામાં પુખ્ત વયના માણસો પણ નિષ્ફળ સાબિત થતા હોય તો પછી બાળકો અને ટીનેજર માટે તો એનું વળગણ કઈ હદ સુધીનું થઈ શકે એ સમજી શકાય એવું છે.
ટીનએજ છોકરા-છોકરીઓ રાતના મોડે સુધી મોબાઈલ ફોન પર વ્યસ્ત રહેતા હોય છે. એવાં ઘણાં તારણ નીકળ્યાં છે, જેમાં કહેવાયું છે કે મોબાઈલ ફોનને બેડરૂમમાં ન લઈ જવો જોઈએ. એને બીજા રૂમમાં રાખવો જોઈએ, પરંતુ એવાં તારણની કોઈ પરવા કરતું નથી એને કારણે મોટાભાગના લોકો રાત-દિવસ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રહે છે.
ઘણા કિસ્સામાં રાતે ઊંઘમાંથી ઝબકીને બેબાકળા થઈને મોબાઈલ ફોન ચેક કરવા લાગે છે. જેમ આપણા વડવાઓ મહિનામાં અમુક દિવસ ઉપવાસ રાખવા માટે આગ્રહ કરતા એ રીતે મોબાઈલ ફોન માટે પણ કરવું જોઈએ. અઠવાડિયામાં એક દિવસ મોબાઈલ ફોનના ઉપયોગ કર્યા વિના દિવસ વિતાવવો. એટલે કે નકોરડા ઉપવાસની જેમ મોબાઈલ ફોનને અડવો જ નહીં. એ અઘરું છે, પણ મુશ્કેલ નથી. અને દિવસમાં પણ અમુક સમય પૂરતા જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એવો નિર્ણય કરવો જોઈએ.
જે લોકોએ ઈમરજન્સી સર્વિસિસમાં કામ કરવું પડતું હોય એવા લોકો માટે અલગ વાત છે, પરંતુ વિદ્યાર્થીઓ કે દસથી છની નોકરીવાળા માણસો અથવા ગૃહિણીઓએ આખો દિવસ કે આખી રાત મોબાઈલ ફોનને ચોંટીને ન રહેવું જોઈએ. પોલીસ કર્મચારી કે ઈમરજન્સી સર્વિસ સાથે જોડાયેલી હોય એવી વ્યક્તિઓ માટે સમજી શકાય કે એમણે સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રહેવું પડે, પણ અત્યારે મોટાભાગના માણસો ચોવીસ કલાક મોબાઈલ ફોન સાથે ને સાથે લઈને ફરતા રહે છે.
જોકે હવે કેટલાક લોકો મોબાઈલ ફોન નામના શ્રાપથી ચેતીને એનાથી દૂર થવા લાગ્યા છે અથવા તો સ્માર્ટ ફોન છોડીને બેઝિક મોબાઈલ ફોન તરફ વળવા લાગ્યા છે.
ફિલ્મ અભિનેતા આમિર ખાને ઘણા સમય અગાઉ જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું છોડી દીધું હતું. એ પછી એમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું છોડી દીધું એ પછી મારા જીવનમાં ઘણું સકારાત્મક પરિવર્તન આવ્યું છે. મોબાઈલ ફોન છોડવાને કારણે મારી જિંદગી પૂર્વવત્ બની ગઈ છે.
હવે હું કારમાં બેસું છું તો મારી પાસે ફોન નથી હોતો. હું વિચારું છું, જેમ હું પહેલા વિચારતો હતો. હું મોબાઈલ ફોન હાથમાં લેવાને બદલે હવે મારી જિંદગી માટે, મારાં બાળકો માટે, પત્ની માટે, માતા માટે, મારી ફિલ્મ આવવાની છે એના કામ માટે વિચારું છું. આ બધુ ફોન આવવાથી આપણી જિંદગીમાંથી જતું રહ્યું હતું એ વાતનો મને ત્યારે અહેસાસ થયો જ્યારે મેં ફોન છોડી દીધો. જ્યાં સુધી ફોન છોડ્યો નહોતો ત્યાં સુધી મને ખબર નહોતી કે મેં કેટલું મોટું પગલું લીધું છે. ફોન છોડ્યો ત્યારે અનુભવ થયો કે મારો આ નિર્ણય કેટલો મોટો છે. મોબાઈલ ફોન કોરાણે મૂક્યો એ પછી મારું દિમાગ બહુ ઝડપથી ખૂલી ગયું.’
મોબાઈલ ફોનનો સદુપયોગ કરતા આવડે તો એ ‘સુખના પાસવર્ડ’ સમો સાબિત થઈ શકે, પરંતુ જો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ન આવડે, આપણે મોબાઈલ ફોનને વાપરીએ એના બદલે મોબાઈલ ફોન આપણને ‘વાપરતો’ થઈ જાય તો એ ‘દુ:ખનો પાસવર્ડ’ પણ સાબિત થઈ શકે!