મિશન વિકસિત ભારત-૨૦૪૭: ટિઝર- ટ્રેલર
ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા
ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું મિશન- ૨૦૪૭ શરૂ થયું છે, ચૂંટણી પહેલાં જ આ મિશનનો તખ્તો તૈયાર કરી દેવાના લક્ષ્ય સાથે વર્તમાન સરકાર કાર્યરત થઈ છે આર્થિકથી લઈને બધે મોરચે.. ત્યારે આ સામેના પડકારો પણ સમજી લેવા જોઈશે.
અહીં આપણે રાજકરણની વાત નથી કરવી,છતાં એનો સહજ ઉલ્લેખ જરૂરી છે.
બધા વિરોધ પક્ષો એક જ એજન્ડા ચલાવી રહયા છે : મોદી હટાઓ- ભાજપ હટાઓ… જ્યારે ભાજપ સરકાર દેશ આગે બઢાઓ- દેશને વૈશ્ર્વિક તખ્તા પર ઉચ્ચ સ્થાને લઈ જાઓ… ગ્લોબલ લેવલે ટોચનું અર્થતંત્ર બનાવો.
આ માત્ર નારા નથી. એક ચોક્કસ વિચારધારા સાથે એક ચોક્કસ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. એ વાત શાસન- વિરોધીઓએ પણ સ્વીકારવું જોઈશે.
આ બધા શોર-બકોર વચ્ચે વિકાસની દિશામાં ગાડી આગળ વધી રહી છે. ગ્લોબલ ઈમેજમાં સતત સુધારો થઈ રહ્યો છે. આ વિકાસની નોંધ વિશ્ર્વએ તો ક્યારની લીધી છે, પણ….
ખેર, હવે અર્થતંત્રની વાત પર આવી જઈએ તો સરકારે હાલ જે એકશન પ્લાન તૈયાર કર્યો છે તેમાં દરેક મંત્રાલયને પાંચ વરસની તેમની બજેટની જરૂરીયાત જણાવવા કહ્યું છે. બીજું, દેશમાં આર્થિકની સાથે-સાથે સામાજિક સુધારા માટે પણ આહવાન આપ્યું છે. દરેક મિનિસ્ટ્રીના બજેટના પરિણામ સ્વરૂપે શું પ્રાપ્ત થશે તેનો ચિતાર પણ રજૂ કરવા કહ્યું છે. આ કાર્યપદ્ધતિ સરકારની વ્યૂહરચના, કટિબદ્ધતા અને વિઝનની પારદર્શકતા દર્શાવે છે. અગ્રતાના ધ્યેયોમાં શું છે?
બાય ધ વે, સરકારના અગ્રતાના ધ્યેય શું છે?, ડિજિટલ વ્યવહારોને મહત્તમ પ્રાયોરિટી, સ્ટાર્ટઅપ્સને વેગ, સ્ટીલના વપરાશમાં વધારો, ઝડપી માઈનિંગ ઓપરેશન, ઈ-વેસ્ટ અને વેહિકલ રિસાઈકલિંગ, ગ્રીન રિવોલ્યુશન, રિન્યુએબલ એનર્જીના વપરાશમાં વધારો, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સતત સુધારો, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ટેક્સ કમ્પલાયન્સ મેક ઈન ઈન્ડિયાને બુસ્ટ, સીધા વિદેશી રોકાણને આકર્ષવું, ચીનના વર્તમાન વિપરિત સંજોગોનો લાભ લેવો, આયાત નિર્ભરતા ઘટાડવી અને સાતત્યપૂર્ણ રીતે નિકાસવૃદ્ધિ હાંસલ કરવી, રોડ- હાઈવેઝ, ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ, વગેરે સહિતની સુવિધામાં નિરંતર સુધારા કરવા…. ભારતને ડિજિટલ હબ બનાવવા ઉપરાંત ટુરિઝમ સ્પોટ તરીકે વિશ્ર્વભરમાં તેનું નામ કરવું, ઈત્યાદિ-ઈત્યાદિ જેવાં અનેક ઊંચાં લક્ષ્યો રાખવામાં આવ્યાં છે.
પીયુષ ગોયલે કહ્યું કે…
તાજેતરમાં કોમર્સ મિનિસ્ટર પીયુષ ગોયલ મુંબઈ આવ્યા હતા ત્યારે એમની સાથે થયેલી વાતચીતમાં ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કઈ રીતે પ્લાન થઈ રહ્યા છે તેના સંકેત એમણે આપ્યા હતા. બિનઔપચારિક વાતચીતમાં એમણે કહ્યું કે સરકાર ત્રણ વિભિન્ન તબક્કા તૈયાર કરીને આખો કાર્યક્રમ અમલમાં મુકી રહી છે, શોર્ટ ટર્મ-મિડિયમ ટર્મ અને લોંગટર્મ. આ ત્રણેયનું લક્ષ્ય એક જ છે અને તે છે ભારતનો આર્થિક વિકાસ, આ વિકાસ સાથે દરેક વર્ગનો સર્વસમાવેશ, રોજગાર સર્જન, સામાજિક વિકાસ, પર્યાવરણ, સારું ગવર્નન્સ, વગેરે સામેલ રહેશે.
એક નોખો અને રસપ્રદ દાખલો આપતા પીયુષજીએ કહ્યું કે અમારા એક મિનિસ્ટર મોદીજી પાસે પોતાના મંત્રાલયના પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરવા ગયા ત્યારે મોદીજીએ થોડીવાર સુધી કોઈ પ્રતિભાવ ન આપ્યા, પણ જ્યારે પ્રધાને પૂછયું ત્યારે મોદીજીએ એમ જ કહ્યું : તમે હમણાનું અથવા પાંચ વરસનું જ વિચારો છો, હું તો અત્યારથી જ ૨૦૪૭નું વિચારું છું….!
યાદ રહે, ૨૦૪૭ એ ભારતની આઝાદીનું ૧૦૦મું વરસ છે. ચૂંટણીનાં પરિણામની રાહ જોયા વિના મોદી સરકારે એની ટીમને વર્તમાન જવાબદારીઓ સાથે-સાથે મિશન ૨૦૪૭’ માટે સતત કાર્યરત રહેવાનું કહી દીધું છે. અનેકવિધ પડકારો પણ ખરા… ૨૦૪૭ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૩૦ લાખ કરોડ ડોલરનું થઈ જાય એવું લક્ષ્ય છે, જે હાલમાં ૩.૪ લાખ કરોડ ડોલર જેટલું છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે પણ તાજેતરમાં કરેલા નિવેદન મુજબ ચૂંટણી બાદ આ જુલાઈમાં જાહેર થનાર બજેટમાં સરકાર ૨૦૪૭ના વિઝનની સંપૂર્ણ રૂપરેખાને સ્પષ્ટ રજૂ કરશે. આ યાત્રાની ઝલક બજેટમાં ઘણેખરે અંશે સ્પષ્ટ થશે એવી આશા છે.
જો કે આવા પ્લાન બનાવવા એક વાત હોય છે, જ્યારે તેનો અમલ કરવો બીજી વાત હોય છે. મોદી સરકારે આ વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા ૩૬૦ ડિગ્રીના સ્તરે અમલ કરવાનો થશે. સરકાર સામે આ દિશામાં ચોક્કસ પડકારો છે જ અને હજી આવશે. ઉદાહરણ તરીકે… પ્રદૂષણ, પર્યાવરણ (કલાઈમેટ ચેન્જ), બાયોડાઈવર્સિટી, ગ્લોબલ અનિશ્રિંતતા (જિયોપોલિટિકલ સમસ્યા) ઓનો સતત સામનો કરવાનો રહેશે. સરકારે પ્રજાનું જીવન ધોરણ સુધરે તેની પણ તકેદારી-કાળજી લેવાની રહેશે. છેલ્લા દસ વરસમાં ભારતમાં જ નહીં, વિશ્ર્વ સ્તરે પણ ઘણાં પરિવર્તન આકાર પામ્યા છે. વિકસિત દેશો સામે પડકારો વધતા રહ્યા છે. ખાસ કરીને ઈકોનોમિક ક્રાઈસિસના. યુરોપ, યુએસ, ચીન સહિતના દેશો તેમાં આવી જાય છે. બાકી પાક, બંગ્લાદેશ, શ્રીલંકા વગેરેની દશા અને દિશા જાહેર છે. વિકસતા દેશોમાં ભારત ઘણીબધી દ્રષ્ટિએ બહેતર સંજોગોમાં છે.
આમ છતાં, ભારતે ચીન, પાકિસ્તાન સહિત કેટલાંક વિકસિત રાષ્ટ્રોની ઈર્ષ્યા અને સ્પર્ધાનો પણ સામનો કરવાનો રહેશે. ભારત આગળ ન વધે અથવા તેમનાથી આગળ ન વધી જાય એ માટે ઘણાં વિરોધી તત્ત્વો-પરિબળો – સ્થાનિક અને અને ગ્લોબલ સ્તરેથી સક્રિય છે અને રહેશે. ટૂંકમાં ભારતને અંદર અને બહાર દુશ્મનોની કમી નથી, ફરક એ પડ્યો છે કે હવે ભારતનું રાજકીય નેતૃત્વ વધુ સુદ્રઢ અને સક્ષમ થયું છે, જેની નોંધ જગતે લેવી પડી છે.ભારત બ્રાન્ડ હવે વૈશ્ર્વિક બ્રાન્ડ બનતી જાય છે. ભવિષ્યમાં ભારતીય રૂપિયો પણ કરન્સી તરીકે ગ્લોબલ સ્તરે સ્વીકાર્ય બનતો જશે એવી તૈયારી સરકાર કરી રહી છે. છેલ્લા દસ વરસમાં ભારતે ઘણું પુરવાર કર્યુ છે, કરીને બતાવ્યું છે. તેમ છતાં હજી મંઝિલ લાંબી છે અને હજુ પણ ચઢાણ કપરાં છે..